માટીના પ્રિઝમો પર લખાયેલા સાન્હેરીબના વૃત્તાંતો બડાઈ મારે છે કે તેણે હિઝકિયાને યરુશાલેમમાં “પાંજરામાંના પક્ષીની જેમ” પૂરી દીધો અને ખંડણી લીધી — પણ નગર પડ્યું એવો દાવો કરતા નથી. નિનવેમાંના તેના મહેલની દીવાલો પર લાખીશનો ઘેરો બતાવેલો હતો.
બાઇબલમાં · ઈ.સ. પૂર્વે 701 · યરુશાલેમ
યરુશાલેમ બચી જાય છે
આશ્શૂરનો રાજા સાન્હેરીબ યરુશાલેમને ધમકી આપે છે ત્યારે રાજા હિઝકિયા ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરે છે. સાન્હેરીબની પોતાની વૃત્તાંતનોંધો આ ચડાઈનું વર્ણન કરે છે.
હિઝકિયાએ સંદેશાવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તે યહોવાહના ઘરમાં ગયો અને યહોવાહની આગળ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો. પછી હિઝકિયાએ યહોવાહ આગળ પ્રાર્થના કરીને કહ્યું કે, “હે ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમે જે કરુબો પર બિરાજમાન છો, પૃથ્વીનાં બધાં રાજયોના તમે એકલા જ ઈશ્વર છો. તમે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે. હે યહોવાહ, તમે કાન દઈને સાંભળો. યહોવાહ તમારી આંખો ઉઘાડો અને જુઓ, સાન્હેરીબનાં વચનો જે વડે તેણે જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યા છે તેને તમે સાંભળો. હવે યહોવાહ, ખરેખર આશ્શૂરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે. અને તેઓના દેવોને અગ્નિમાં નાખી દીધા છે, કેમ કે તેઓ દેવો નહોતા, તે તો માણસોના હાથે કરેલું કામ હતું, ફક્ત પથ્થર અને લાકડાં હતાં. તેથી જ આશ્શૂરીઓએ તેઓનો નાશ કર્યો હતો. તો હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, હું તમને પ્રાર્થના કરું છું કે, અમને તેઓના હાથમાંથી બચાવો કે, પૃથ્વીનાં બધાં રાજ્યો જાણે કે, તમે યહોવાહ, એકલા જ ઈશ્વર છો.” પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહાવ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, “તેઁ આશ્શૂરના રાજા સાન્હેરીબ વિરુદ્ધ મને પ્રાર્થના કરી હતી. તારી એ પ્રાર્થના મેં સાંભળી છે. તેના વિષે યહોવાહ જે વચન બોલ્યા છે તે આ છે: “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે. યરુશાલેમની દીકરીએ તારા તરફ પોતાનું માથું ધુણાવ્યું છે. તેં કોની નિંદા કરી છે તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? તેં કોની સામે તારો અવાજ ઉઠાવ્યો છે? તેં કોની વિરુદ્ધ ઇઝરાયલના પવિત્રનો વિરુદ્ધ જ તારી ઘમંડભરી આંખો ઊંચી કરી છે? તારા સંદેશાવાહકો દ્વારા તેં પ્રભુનો તિરસ્કાર કર્યો છે. તેઁ કહ્યું છે કે, ‘મારા રથોના જૂથ વડે હું પર્વતોનાં શિખર પર, લબાનોનના ઊંચા સ્થળોએ ચઢયો છું. તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને, તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને હું કાપી નાખીશ. હું તેના સૌથી ફળદ્રુપ જંગલના તથા તેના સૌથી દૂરના પ્રદેશોમાં પ્રવેશ કરીશ. મેં કૂવા ખોદીને પરદેશીનાં પાણી પીધાં છે. મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે.’ મેં પુરાતન કાળથી તેની યોજના કરી હતી, પ્રાચીન કાળથી કામ કર્યું, એ શું તેં સાંભળ્યું નથી? મેં કોટવાળા નગરોને વેરાન કરીને, ખંડેરના ઢગલા કરવા માટે મેં તને ઊભો કર્યો છે. તેથી ત્યાંના રહેવાસીઓ શક્તિહીન થઈ ગયા, ગભરાઈને શરમિંદા થઈ ગયા: તેઓ ખેતરના છોડ જેવા, લીલા ઘાસ જેવા, ધાબા પર અને ખેતરમાં ઊગી નીકળેલા, વૃદ્ધિ પામ્યા પહેલાં બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા. તારું નીચે બેસવું, તારું બહાર જવું અને અંદર આવવું તથા મારા પર તારું કોપાયમાન થવું એ બધું હું જાણું છું. મારા પર કોપ કરવાને લીધે, તારો ઘમંડ મારા કાને પહોંચ્યાને લીધે, હું તારા નાકમાં કડી પહેરાવવાનો છું તારા મોંમાં લગામ નાખવાનો છું; પછી જે રસ્તે તું આવ્યો છે, તે જ રસ્તે હું તને પાછો ફેરવીશ.” આ તારા માટે ચિહ્નરુપ થશે: આ વર્ષે તમે જંગલી ઊગી નીકળેલા દાણા ખાશો, બીજે વર્ષે તે દાણામાંથી પાકેલું અનાજ ખાશો, ત્રીજે વર્ષે તમે વાવશો અને લણશો, દ્રાક્ષવાડીઓ રોપશો અને તેનાં ફળ ખાશો. યહૂદિયાના ઘરના બચેલા માણસો, ફરીથી જડ પકડશે અને ફળ આપશે. કેમ કે, યરુશાલેમમાંથી અને સિયોન પર્વત પરથી બચેલા માણસો બહાર આવશે. સૈન્યોના યહોવાહની આવેશના લીધે આ બધું થશે. “એટલે આશ્શૂરના રાજા વિષે યહોવાહ એવું કહે છે: “તે આ નગરમાં આવશે નહિ તેમ તે તીર પણ મારશે નહિ. ઢાલ લઈને તેની આગળ નહિ આવે તેમ તેની સામે ઢોળાવવાળી જગ્યા બાંધશે નહિ. જે માર્ગે તે આવ્યો છે તે માર્ગે તે પાછો જશે; આ શહેરમાં તે પ્રવેશ કરશે નહિ. આ યહોવાહનું નિવેદન છે.” મારે પોતાને માટે તેમ જ મારા સેવક દાઉદને માટે હું આ નગરનું રક્ષણ કરીશ અને તેને બચાવીશ.’” તે જ રાત્રે એમ થયું કે, યહોવાહના દૂતે આવીને આશ્શૂરીઓની છાવણીમાં એક લાખ પંચાશી હજાર સૈનિકોને મારી નાખ્યા. વહેલી સવારે માણસોએ ઊઠીને જોયું, તો બધી જગ્યાએ મૃતદેહ પડ્યા હતા. તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પોતાના પ્રદેશમાં પાછો નિનવેમાં જતો રહ્યો. તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરાઓ આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેનો દીકરો એસાર-હાદ્દોન તેના પછી રાજા બન્યો.એ જ સમયે જગતમાં
ઈ.સ. પૂર્વે 701માં આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયા પર ચઢાઈ કરી, અને રાજા હિઝકિયા હેઠળનું યરુશાલેમ બચી ગયું. પ્રબોધક યશાયા લગભગ ઈ.સ. પૂર્વે 740થી સેવા કરતો હતો. આ રહ્યું યશાયાના જીવનકાળનું જગત.
રોમન પરંપરા પ્રમાણે રોમ્યુલસે 21 એપ્રિલ ઈ.સ. પૂર્વે 753ના રોજ રોમની સ્થાપના કરી, યશાયાના તેડાના (યશાયા 6:1) કેટલાંક વર્ષ પહેલાં. પુરાતત્ત્વ બતાવે છે કે પેલેટાઇન ટેકરી પર તેથી પણ પહેલાં ગામો હતાં.
લગભગ એ જ યુગમાં ઇલિયડ અને ઓડિસીએ આપણે જાણીએ છીએ તે લેખિત રૂપ લીધું; વિદ્વાનો તેમને લગભગ ઈ.સ. પૂર્વે 750 અને 650 વચ્ચે મૂકે છે. ગ્રીકોએ થોડા સમય પહેલાં જ ફિનીકી અક્ષરો અપનાવ્યા હતા.
ચીની રાજ્ય લુનું વૃત્તાંત, “વસંત અને શરદનાં વૃત્તાંતો”, ઈ.સ. પૂર્વે 722થી શરૂ થાય છે — જે વર્ષે સમરુન આશ્શૂરના હાથમાં પડ્યું (2 રાજાઓ 17:6). પરંપરા પ્રમાણે, પછીથી કન્ફ્યુશિયસે તેનું સંપાદન કર્યું.
2 રાજાઓ 19:9 કહે છે કે કૂશનો રાજા તિર્હાકા સાન્હેરીબ સામે લડવા નીકળ્યો. તહાર્કા ઈ.સ. પૂર્વે 690માં ફારુન બન્યો; એક મત પ્રમાણે 701માં તેણે યુવાન રાજકુમાર તરીકે સૈન્યની આગેવાની કરી હતી; વિગતો વિશે વિદ્વાનોમાં ચર્ચા છે.
ઘોડેસવાર સિથિયનો પૂર્વમાંથી કાળા સમુદ્રની ઉત્તરે આવેલાં મેદાનોમાં આવ્યા. તેમના સરદારોને પછીથી મોટા ટેકરાઓ, કુર્ગાન, નીચે સોનાની બારીક કારીગરી સાથે દાટવામાં આવતા; એમાંના ઘણા આજના યુક્રેન અને દક્ષિણ રશિયામાંથી મળ્યા છે.
સ્રોતો: Theographic Bible Metadata, CC BY-SA 4.0 · OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો