રોજિંદું જીવન
બાઇબલમાં ભાઈઓ
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 42 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- ઇબ્રામ પોતાના ભત્રીજા લોતને કહે છે, “આપણે ભાઈઓ છીએ”ઉત્પ 12:5, ઉત્પ 13:8
કલમો
ઉત્પ 12:5ઇબ્રામે તેની પત્ની સારાયને તથા તેના ભત્રીજા લોતને તેઓએ મેળવેલી સર્વ સંપત્તિ, જાનવરો તથા જે દાસદાસીઓ તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતા તેઓને સાથે લીધાં. તેઓ કનાન દેશમાં પહોંચ્યા.
ઉત્પ 13:8તેથી ઇબ્રામે લોતને કહ્યું, “તારી તથા મારી વચ્ચે અને તારા તથા મારા ગોવાળિયાઓની વચ્ચે તકરાર થવી ન જોઈએ; કારણ કે આપણે ભાઈઓ છીએ.
- કાઈન હાબેલને મારી નાખે છે: “શું હું મારા ભાઈનો રખેવાળ છું?”ઉત્પ 4:8–9
કલમો
ઉત્પ 4:8–9કાઈને પોતાના ભાઈ હાબેલ સાથે વાત કર્યો જયારે તેઓ ખેતરમાં હતા, ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખ્યો. પછી ઈશ્વરે કાઈનને કહ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે? “તેણે કહ્યું, “હું જાણતો નથી? શું હું મારા ભાઈનો રખેવાળ છું?”
- એસાવ શાક માટે યાકૂબને પોતાનું જ્યેષ્ઠપણું વેચી દે છેઉત્પ 25:29–34
કલમો
ઉત્પ 25:29–34એક દિવસે યાકૂબે શાક રાંધ્યું હતું, ત્યારે એસાવ ખેતરમાંથી આવ્યો. તે થાકેલો હતો. એસાવે યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ કેમ કે હું થાકી ગયો છું!” તે માટે તેનું નામ અદોમ કહેવાયું. યાકૂબે કહ્યું, “પહેલાં તું મને તારું જ્યેષ્ઠપણું વેચાતું આપ.” એસાવે કહ્યું, “જો, હું મરવાની અણી પર છું. આ વરિષ્ઠપદ મારે કશા કામમાં આવવાનું નથી.” યાકૂબે કહ્યું, “પહેલા તું મારી આગળ સોગન લે.” એસાવે સોગન લીધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું. યાકૂબે એસાવને રોટલી તથા મસૂરનું બનાવેલું શાક આપ્યાં. તેણે ખાધું, પીધું અને પછી તે ઊઠીને પોતાને રસ્તે ચાલ્યો ગયો. આ રીતે એસાવે પોતાની વરિષ્ઠતાને તુચ્છ ગણી.
- પિતાના મૃત્યુ પછી યાકૂબને મારી નાખવાની એસાવ યોજના ઘડે છેઉત્પ 27:41
કલમો
ઉત્પ 27:41યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તેને લીધે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. એસાવે પોતાના મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસો પાસે છે; એ પૂરા થયા પછી હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ.”
- યાકૂબ એસાવ અને તેના ચારસો માણસોથી ડરે છેઉત્પ 32:6–7
કલમો
ઉત્પ 32:6–7એસાવને મળીને પાછા આવ્યા પછી સંદેશાવાહકોએ યાકૂબને કહ્યું, “અમે તારા ભાઈ એસાવની પાસે ગયા હતા. તે તને મળવાને આવી રહ્યો છે અને તેની સાથે ચારસો માણસો છે. તેથી યાકૂબ ઘણો ગભરાઈને ચિંતાતુર થયો. તેણે પોતાની સાથેના લોકોના, ઘેટાંબકરાંના, ઊંટોના તથા અન્ય જાનવરોના ભાગ પાડીને બે છાવણી કરી.
- એસાવ યાકૂબને ભેટવા દોડે છે, અને બંને રડે છેઉત્પ 33:4
કલમો
ઉત્પ 33:4એસાવ તેને મળવાને ઉતાવળે આવ્યો. તે તેને ગળે ભેટીને ચૂમ્યો. પછી તેઓ ભાવુક થઈને રડી પડ્યા.
- શિમયોન અને લેવી પોતાની બહેન દીનાનું વેર વાળે છેઉત્પ 34:25, ઉત્પ 34:31
કલમો
ઉત્પ 34:25ત્રીજા દિવસે, સુન્નતના કારણે જયારે તેઓ પીડાતા હતા, ત્યારે યાકૂબના બે દીકરા, દીનાના ભાઈઓ, શિમયોન તથા લેવીએ તેમની તલવાર લીધી અને ઓચિંતા નગરમાં ધસી જઈને સર્વ પુરુષોને મારી નાખ્યા.
ઉત્પ 34:31પણ શિમયોન તથા લેવીએ કહ્યું, “શખેમ ગણિકાની સાથે જેવું વર્તન કરે તેવું જ વર્તન અમારી બહેન સાથે કરે એ શું બરાબર છે?”
- રુબેન યૂસફને ખાડામાંથી બચાવવાનો પ્રયત્ન કરે છેઉત્પ 37:21–22, ઉત્પ 37:29
કલમો
ઉત્પ 37:21–22રુબેને તે સાંભળ્યું અને ભાઈઓના હાથમાંથી તેણે તેને છોડાવ્યો. તેણે કહ્યું, “આપણે તેનો જીવ લેવો નથી.” તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રુબેને તેઓને કહ્યું, “તેનું લોહી ન વહેવડાવીએ. પણ આ અરણ્યમાં જે ખાડો છે તેમાં તેને નાખી દઈએ; પણ તેને કશી ઈજા કરીએ નહિ.”
ઉત્પ 37:29રુબેન પાછો ખાડાની પાસે આવ્યો અને જુઓ, યૂસફ તો ખાડામાં નહોતો. તેણે તેનાં વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કર્યો.
- યહૂદા: “ચાલો, આપણે તેને ઇશ્માએલીઓને વેચી દઈએ” … “કેમ કે તે આપણો ભાઈ”ઉત્પ 37:26–27
કલમો
ઉત્પ 37:26–27યહૂદાએ તેના ભાઈઓને કહ્યું, “જો આપણે આપણા ભાઈને મારી નાખીને તેનું લોહી સંતાડી દઈએ તો તેથી આપણને શું મળે? ચાલો, આપણે તેને ઇશ્માએલીઓને વેચી દઈએ અને આપણે તેને કશું નુકસાન કરીએ નહિ. કેમ કે તે આપણો ભાઈ તથા આપણા કુટુંબનો છે.” તેના ભાઈઓએ તેનું કહેવું સ્વીકાર્યું.
- “અમે તારા દાસો બાર ભાઈઓ છીએ” … “એક ભાઈનો તો પત્તો નથી”ઉત્પ 42:13
કલમો
ઉત્પ 42:13તેઓ બોલ્યા, “અમે તારા દાસો બાર ભાઈઓ છીએ, કનાન દેશના એક માણસના દીકરા છીએ. જુઓ, નાનો ભાઈ અમારા પિતાની પાસે છે અને એક ભાઈનો તો પત્તો નથી.”
- બિન્યામીનને જોઈને યૂસફ રડવા માટે એકાંત ઓરડીમાં જાય છેઉત્પ 43:30
કલમો
ઉત્પ 43:30યૂસફ ઉતાવળથી ઓરડાની બહાર ચાલ્યો ગયો, કારણ કે તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યાં જઈને તે રડ્યો.
- યહૂદા બિન્યામીનને બદલે ગુલામ તરીકે રહેવાની તૈયારી બતાવે છેઉત્પ 44:33–34
કલમો
ઉત્પ 44:33–34હવે કૃપા કરીને આ દીકરા બિન્યામીનના બદલે તારા સેવકને એટલે મને મારા ઘણીના ગુલામ તરીકે રાખ અને બિન્યામીનને તેના ભાઈઓની સાથે પાછો ઘરે જવા દે. કેમ કે જો તે મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે કેવી રીતે જાઉં? મારા પિતા પર જે આપત્તિ આવે તે મારાથી જોઈ શકાશે નહિ.”
- “હું તમારો ભાઈ યૂસફ છું, જેને તમે મિસરમાં વેચી દીધો હતો”ઉત્પ 45:3–4
કલમો
ઉત્પ 45:3–4યૂસફે પોતાના ભાઈઓને કહ્યું, “હું યૂસફ છું. શું આપણા પિતા હજુ હયાત છે? “તેના ભાઈઓ તેને ઉત્તર આપી શક્યા નહિ. તેઓ યૂસફને ઓળખીને સખત ગભરાઈ ગયા હતા. પછી યૂસફે ભાઈઓને કહ્યું, “કૃપા કરી મારી પાસે આવો.” તેઓ પાસે આવ્યા અને તેણે કહ્યું, “હું તમારો ભાઈ યૂસફ છું, જેને તમે મિસરમાં વેચી દીધો હતો.
- યૂસફ બિન્યામીનને ભેટે છે અને પોતાના સર્વ ભાઈઓને ચુંબન કરે છેઉત્પ 45:14–15
કલમો
ઉત્પ 45:14–15પછી યૂસફ તેના નાના ભાઈ બિન્યામીનને ભેટીને રડ્યો અને બિન્યામીન પણ તેને ભેટીને રડ્યો. તેણે સર્વ ભાઈઓને ચુંબન કર્યું અને તેઓને ભેટીને ગળગળો થયો. તે પછી તેના ભાઈઓએ હૃદય ખોલીને તેની સાથે વાતચીત કરી.
- યૂસફ: “માર્ગમાં મુસાફરી દરમિયાન લડી પડતાં નહિ”ઉત્પ 45:24
કલમો
ઉત્પ 45:24આ રીતે તેણે તેના ભાઈઓને વિદાય કર્યાં અને તેઓના જતા અગાઉ તેણે તેઓને કહ્યું, “જુઓ, માર્ગમાં મુસાફરી દરમિયાન લડી પડતાં નહિ.”
- યાકૂબના મૃત્યુ પછી યૂસફ પોતાના ગભરાયેલા ભાઈઓને હિંમત આપે છેઉત્પ 50:15–21
કલમો
ઉત્પ 50:15–21પિતાના મૃત્યુને લીધે યૂસફના ભાઈઓ ગભરાઈ ગયા. તેઓને મનમાં થયું કે, “જો યૂસફ આપણો દ્વેષ કરશે અને આપણે તેની સાથે જે દુર્વ્યવહાર કર્યો હતો તેનું વેર વાળવાનું તે ઇચ્છશે તો આપણું શું થશે?” તેથી તેઓએ યૂસફને સંદેશ કહેવડાવી મોકલ્યો, “તારા પિતાએ મૃત્યુ પામ્યા અગાઉ સૂચન આપીને અમને કહ્યું હતું, ‘તમે આ પ્રમાણે યૂસફને કહેજો, “તેઓએ તારી સાથે જે ખરાબ વર્તન કર્યું અને તારો અપરાધ કર્યો તે માટે કૃપા કરીને તારા પિતાના ઈશ્વરના ભાઈઓને માફ કરજે.’ જયારે તે સંદેશ તેને મળ્યો ત્યારે યૂસફ ગળગળો થઈ ગયો. તેના ભાઈઓએ જઈને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેઓએ કહ્યું, “જો, અમે તારા દાસો છીએ.” પણ યૂસફે તેઓને જવાબ આપ્યો, “બીશો નહિ. શું હું ઈશ્વરના સ્થાને છું? તમે તો મારું ખરાબ કરવા ઇચ્છ્યું હતું પણ તમે આજે જેમ જોયું તેમ ઘણાં લોકોના જીવ બચાવવા ઈશ્વરે તેમાં સારું કર્યું. તે માટે હવે ગભરાશો નહિ. હું પોતે તમારી તથા તમારાં બાળકોની સંભાળ રાખીશ.” એમ તેણે તેઓને દિલાસો આપ્યો અને તેઓની સાથે હેતથી વાત કરી.
- હારુન પોતાના ભાઈ મૂસા વતી લોકો સાથે બોલશેનિર્ગ 4:14–16
કલમો
નિર્ગ 4:14–16આવા અનાદરને લીધે યહોવાહ મૂસા પર ખૂબ ગુસ્સે થયા અને કહ્યું, “તારી સાથે હું તારા ભાઈ હારુન લેવીને મોકલીશ. તે કુશળ વક્તા છે. વળી જો, તે તને મળવા આવી રહ્યો છે, તને જોઈને તેનું હૃદય આનંદ પામશે. તું તેની સાથે વાત કરજે અને શું કહેવાનું છે તે તેને શીખવજે. હું તમારા બન્નેના મુખમાં વાણી મૂકીશ અને તમો બન્નેએ શું કરવાનું છે તે તમને શીખવીશ. તે તારા વતી લોકોની સાથે વાત કરશે. તે તારું મુખ બનશે અને તું તેને માટે ઈશ્વરને ઠેકાણે થશે.
- અબીમેલેખ પોતાના ભાઈઓની હત્યા કરે છે; સૌથી નાનો, યોથામ, સંતાઈ જાય છેન્યાય 9:5
કલમો
ન્યાય 9:5ઓફ્રામાં તે પોતાના પિતાના ઘરે ગયો અને એક પથ્થર પર પોતાના સિત્તેર ભાઈઓને મારી નાખ્યા હતા, પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો હતો, કેમ કે તે સંતાઈ ગયો હતો.
- યિફતાના ભાઈઓ તેને પિતાના ઘરમાંથી કાઢી મૂકે છેન્યાય 11:2–3
કલમો
ન્યાય 11:2–3ગિલ્યાદની પત્નીએ પણ દીકરાઓને જન્મ આપ્યો હતો. જયારે તે દીકરાઓ મોટા થયા, ત્યારે તેઓએ યિફતાને ઘર છોડી દેવા બળજબરી કરી અને તેને કહ્યું, “અમારા ઘરમાંથી તને કોઈપણ પ્રકારનો વારસો મળશે નહિ. કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે.” તેથી યિફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો. ત્યાં કેટલાક રખડું લોકો યિફતાની સાથે જોડાયાં, તેઓ તેની સાથે બહાર જતા.
- યિશાઈના દીકરાઓ: દાઉદ સાતમો છે1 કાળ 2:13–15
કલમો
1 કાળ 2:13–15યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ, ચોથો નથાનએલ, પાંચમો રાદાય, છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.
- સૌથી મોટો અલિયાબ પોતાના ભાઈ દાઉદને ધમકાવે છે1 શમુ 17:28
કલમો
1 શમુ 17:28તેના મોટા ભાઈ અલિયાબે તેને તે માણસો સાથે બોલતાં સાંભળ્યો. ત્યારે તેણે દાઉદ ઉપર સખત ગુસ્સે થઈને કહ્યું, “તું અહીં કેમ આવ્યો છે? તેં ઘેટાંને અરણ્યમાં કોની પાસે મૂક્યાં છે? હું તારા ગર્વને તથા તારા અંતઃકરણની દુષ્ટતાને જાણું છું; કેમ કે તું અહી લડાઈ જોવા માટે આવ્યો છે.”
- યોઆબ, અબિશાય અને અસાહેલ, સરુયાના ત્રણ દીકરાઓ2 શમુ 2:18
કલમો
2 શમુ 2:18સરુયાના ત્રણ દીકરાઓ: યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ વન્ય હરણની માફક ઝડપથી દોડી શકતો હતો.
- પોતાની બહેન તામારની આબરૂ લેવા બદલ આબ્શાલોમ આમ્નોનને મારી નંખાવે છે2 શમુ 13:22, 2 શમુ 13:28–29
કલમો
2 શમુ 13:22આબ્શાલોમે પોતાના ભાઈ આમ્નોનને કશું કહ્યું નહિ, પણ આબ્શાલોમે તેનો તિરસ્કાર કર્યો, કારણ કે તેણે તેની બહેન તામાર ઉપર બળાત્કાર કર્યો હતો.
2 શમુ 13:28–29આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો. જયારે આમ્નોન દ્રાક્ષારસ પીવાની શરૂઆત કરે, અને હું તમને કહું કે, ‘આમ્નોન પર હુમલો કરો,’ ત્યારે તેને મારી નાખજો. બીશો નહિ. એ મારી આજ્ઞા છે. હિંમત રાખો શૂરાતન બતાવજો.” તેથી આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને પૂરો કરી નાખ્યો. પછી રાજાના સઘળા પુત્રો ઊઠ્યા અને દરેક પોતપોતાના ગધેડા પર બેસીને નાસી ગયા.
- સુલેમાન પોતાના મોટા ભાઈ અદોનિયાને મારી નંખાવે છે1 રાજા 2:22–25
કલમો
1 રાજા 2:22–25સુલેમાન રાજાએ પોતાની માતાને જવાબ આપ્યો, “તું અદોનિયા માટે શૂનામ્મી અબીશાગને જ કેમ માગે છે? તેને માટે રાજ્ય પણ માગ, કેમ કે તે મારો મોટો ભાઈ છે. તેને માટે, અબ્યાથાર યાજકને માટે તથા સરુયાના દીકરા યોઆબને માટે પણ માગ.” પછી સુલેમાન રાજાએ યહોવાહની હાજરીમાં કહ્યું, “એ વાત અદોનિયા બોલ્યો છે તેથી તેના જીવની હાનિ ન થાય, તો ઈશ્વર મને એવું અને એથી પણ વધારે વિતાડો. તો હવે જીવતા યહોવાહ કે જેમણે પોતાના આપેલા વચન પ્રમાણે મને સ્થાપિત કર્યો છે, મારા પિતા દાઉદના રાજ્યાસન પર મને બેસાડ્યો છે અને મારા માટે ઘર બનાવ્યું છે તેમની હાજરીમાં અદોનિયા ચોક્કસ માર્યો જશે.” તેથી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને મોકલ્યો; બનાયાએ અદોનિયાને શોધીને મારી નાખ્યો.
- યહોરામ પોતાના સર્વ ભાઈઓને તલવારથી મારી નાખે છે2 કાળ 21:4
કલમો
2 કાળ 21:4હવે યહોરામ પોતાના પિતાના રાજયાસન પર બેઠો. પછી જયારે તે બળવાન થયો ત્યારે પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયલના કેટલાક સરદારોને તલવારથી મારી નાખ્યા.
- ગાલીલના સમુદ્રને કિનારે માછીમાર ભાઈઓની બે જોડમાથ 4:18, માથ 4:21
કલમો
માથ 4:18ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.
માથ 4:21ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોયા. તેમણે તેઓને બોલાવ્યા,
- આન્દ્રિયા પહેલાં પોતાના ભાઈ સિમોનને શોધે છે અને તેને ઈસુ પાસે લાવે છેયોહ 1:40–42
કલમો
યોહ 1:40–42જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો. તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, ‘મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.’” તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, ‘તું યોનાનો દીકરો સિમોન છે. તું પિતર એટલે કેફા કહેવાશે જેનો અર્થ છે પથ્થર.’”
- માર્થા અને મરિયમ: “મારો ભાઈ મૃત્યુ પામત નહિ”યોહ 11:21, યોહ 11:32
- ઈસુના ભાઈઓ યાકૂબ, યોસે, યહૂદા અને સિમોનમાર્ક 6:3
કલમો
માર્ક 6:3શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યોસે, યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી?’ અને તેઓએ તેમને સ્વીકાર કર્યો નહિ.
- તેમના ભાઈઓએ વિશ્વાસ કર્યો નહિ, પણ પાછળથી શિષ્યો સાથે પ્રાર્થના કરીયોહ 7:5, પ્રે.કૃ 1:14
કલમો
યોહ 7:5કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો.
પ્રે.કૃ 1:14તેઓ સર્વ સ્ત્રીઓ સહિત, ઈસુની મા મરિયમ તથા તેમના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતાં હતાં.
નિયમશાસ્ત્રમાં અને કહેવતોમાં
- તારા ભાઈ પ્રત્યે મનમાં દ્વેષ ન રાખલેવી 19:17
કલમો
લેવી 19:17તમારે તમારા હૃદયમાં તમારા ભાઈનો દ્વેષ ન કરવો. તમારા પડોશીને પ્રામાણિકપણે ઠપકો આપ અને તેને કારણે પાપને ચલાવી ન લો.
- તારા ભાઈનો ભટકી ગયેલો બળદ કે ઘેટું પાછું આપપુન 22:1–2
કલમો
પુન 22:1–2તમારા ભાઈના ભૂલા પડી ગયેલા બળદ કે ઘેટાંને જોઈને તારે સંતાવું નહિ, તમારે તેને તેના માલિકની પાસે પાછું લાવવું. જો તમારો ઇઝરાયલી સાથી નજીકમાં રહેતો ન હોય, કે તમે તેને ઓળખતા ન હોય, તો તે પશુને તમારે પોતાને ઘરે લઈ જવું અને તે શોધતો આવે ત્યાં સુધી તમારી પાસે રાખવું. જ્યારે તે આવે ત્યારે તમારે તેને તે પાછું સોંપવું.
- ભાઈઓ એકતામાં સાથે રહે તે કેવું સારું છેગી.શા 133:1
કલમો
ગી.શા 133:1ચઢવાનું ગીત; દાઉદનું. ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
- દુભાયેલા ભાઈને મનાવવો કિલ્લાવાળા નગરને જીતવા કરતાં અઘરું છેનીતિ 18:19
કલમો
નીતિ 18:19દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને જીતવા કરતાં મુશ્કેલ છે અને એવા કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.
- પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કર, પછી તારું અર્પણ ચઢાવમાથ 5:23–24
કલમો
માથ 5:23–24એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો