મેદિનેત હાબુમાંના પોતાના મંદિરની દીવાલો પર રામસેસ ત્રીજાએ “સમુદ્રી પ્રજાઓ” પરનો પોતાનો વિજય બતાવ્યો, જેમણે જમીન અને સમુદ્ર બંને માર્ગે મિસર પર હુમલો કર્યો હતો. તેમાં પેલેસેત પણ હતા, જેમને સામાન્ય રીતે પલિસ્તીઓ માનવામાં આવે છે.
બાઇબલમાં · આશરે ઈ.સ. પૂર્વે 1150 (પરંપરાગત સમય આનાથી વહેલો) · મોરેની ટેકરી પાસે યિઝ્રએલની ખીણ
ગિદિયોનના ત્રણસો
રણશિંગડાં અને ઘડાઓમાં સંતાડેલી મશાલો લઈને ફક્ત ત્રણસો માણસો સાથે ગિદિયોન યિઝ્રએલની ખીણમાં મિદ્યાનીઓની છાવણીને નસાડી મૂકે છે.
ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ સવારે વહેલા ઊઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં હતી. ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “તારી સાથેના લોકો એટલા બધા છે કે તેમના દ્વારા હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપું નહિ, રખેને ઇઝરાયલ મારી આગળ ફુલાસ મારીને કહે કે, ‘મારા પોતાના હાથે મને ઉગાર્યો છે.’ માટે હવે તું જા અને લોકોને જાહેર કર, ‘જે કોઈ ભયભીત તથા ધ્રૂજતા હોય, તેઓ ગિલ્યાદ પર્વતથી પાછા વળીને ચાલ્યા જાય.’ તેથી બાવીસ હજાર લોકો પાછા ગયા અને દસ હજાર રહ્યા. ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “લોકો હજી પણ વધારે છે. તેઓને પાણીની પાસે લાવ અને હું ત્યાં તેમની સંખ્યામાં ઘટાડો કરીશ. જેના સંબંધી હું તને કહું, ‘આ તારી સાથે આવે, તે તારી સાથે આવશે અને આ તારી સાથે ના આવે, તે આવશે નહિ.” તેથી ગિદિયોન લોકોને પાણીની પાસે લાવ્યો અને ઈશ્વરે તેને કહ્યું, “પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ, તેને અલગ કર, અને જે પાણી પીવા સારુ ઘૂંટણીએ પડે તેઓને પણ અલગ કર.” ત્રણસો માણસોએ મુખ દ્વારા લખલખાવીને પાણી પીધું. બીજા સર્વ લોકો પાણી પીવાને ઘૂંટણીએ પડ્યા. ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “જે ત્રણસો માણસોએ પાણી લખલખાવીને પીધું છે, તેઓની હસ્તક હું તમને ઉગારીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં આપીશ. બીજા સર્વ માણસોને ઘર ભેગા થવા દે. માટે જેઓને પસંદ કરવામાં આવેલા તેઓએ પોતાનો સામાન તથા પોતાના રણશિંગડાં લીધાં. ગિદિયોને સર્વ ઇઝરાયલી માણસોને પોતપોતાના તંબુએ મોકલી દીધા, તેણે માત્ર ત્રણસો માણસોને પોતાની પાસે રાખ્યા. હવે મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી. તે જ રાત્રે એમ થયું કે, ઈશ્વરે તેને કહ્યું કે, “ઊઠ! છાવણી પર હુમલો કર, કેમ કે તે પર હું તને વિજય આપીશ. પણ જો તું ત્યાં જતા ગભરાતો હોય, તો તું તથા તારો દાસ પુરાહ છાવણીમાં જાઓ, તેઓ જે કહે તે સાંભળ અને પછી છાવણીમાં હુમલો કરવા માટે તું બળવાન થશે.” તેથી ગિદિયોન તેના દાસ પુરાહ સાથે સૈન્યની સૌથી છેવાડી શસ્ત્રધારીઓની ટુકડી નજીક આવ્યા. મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો મેદાનની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. તેઓના ઊંટો સમુદ્રના કાંઠાની રેતી જેટલાં અગણિત હતાં. જયારે ગિદિયોન ત્યાં આવ્યો, ત્યારે ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને એક સ્વપ્ન વિષે કહી સંભળાવતો હતો. તે માણસે કહ્યું, “જુઓ! મને એક સ્વપ્ન આવ્યું અને મેં જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ધસી પડતી જોઈ. તે તંબુની પાસે આવી, તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, તેને એવો ઊથલાવી નાખ્યો કે તે જમીનદોસ્ત થયો.” બીજા માણસે કહ્યું, “એ તો યોઆશના દીકરા, ગિદિયોનની તલવાર વગર બીજું કંઈ નથી. ઈશ્વરે મિદ્યાનીઓ તથા તેના સર્વ સૈન્યને તેના હાથમાં સોંપ્યાં છે.” જયારે ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યાં, ત્યારે તેણે નમીને આરાધના કરી. ઇઝરાયલની છાવણીમાં પાછો આવીને તેણે કહ્યું, “ઊઠો! કેમ કે ઈશ્વરે મિદ્યાનીઓના સૈન્યને આપણા હાથમાં સોંપ્યું છે.” તેણે ત્રણસો પુરુષોની ત્રણ ટુકડીઓ કરી. તેઓને બધાને રણશિંગડાં તથા ખાલી ઘડા આપ્યાં દરેક ઘડામાં દીવા હતા. તેણે તેઓને કહ્યું, “મારી તરફ જુઓ અને જેમ હું કરું છું તેમ તમે કરજો. જુઓ! જયારે હું છાવણીના છેવાડા ભાગ આગળ આવું, ત્યારે હું જે કરું તેમ તમે કરજો. હું તથા મારી સાથેના સર્વ લોકો જયારે રણશિંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશિંગડાં વગાડીને પોકારજો, ‘ઈશ્વર તથા ગિદિયોનને માટે.’” તેથી ગિદિયોન તથા તેની સાથે સો પુરુષો અડધી રાત્રે છાવણીના છેવાડા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો ગોઠવ્યો હતો. તેઓએ રણશિંગડાં વગાડીને પોતાના હાથમાંના ઘડા ફોડ્યા. ત્રણે ટુકડીઓએ રણશિંગડાં વગાડીને ઘડા ફોડ્યા. તેઓએ ડાબા હાથથી દીવા પકડ્યા અને રણશિંગડાંને તેઓના જમણાં હાથોથી વગાડ્યાં. તેઓએ પોકાર કર્યો, “ઈશ્વરની તથા ગિદિયોનની તલવાર.” બધા માણસો પોતપોતાની જગ્યાએ છાવણીની ચારેબાજુ ઊભા થયા અને મિદ્યાનીઓનું સર્વ સૈન્ય નાસી ગયું. તેઓએ પોકાર કરીને સૈન્યને ભગાડી મૂક્યું. જયારે તેઓએ ત્રણસો રણશિંગડાં વગાડ્યાં, ત્યારે ઈશ્વરે પ્રત્યેક માણસની તલવાર પોતાના સાથીની સામે તથા મિદ્યાનીઓના સર્વ સૈન્યની સામે કરી. સૈન્ય સરેરા તરફ બેથ-શિટ્ટાહ સુધી તથા ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાની સરહદ સુધી ગયું.એ જ સમયે જગતમાં
ઇતિહાસકારો સામાન્ય રીતે ન્યાયાધીશોને, દબોરાથી સામસૂન સુધી, ઈ.સ. પૂર્વે 12મી અને 11મી સદીમાં મૂકે છે; બાઇબલના પોતાના આંકડાઓ પરથી પાછળ ગણતાં તેઓ વધારે વહેલા આવે છે. પૂર્વ ભૂમધ્ય સમુદ્રનાં કાંસ્ય યુગનાં મોટાં રાજ્યો પડી ભાંગ્યાં પછીનો આ સમય હતો, જ્યારે પલિસ્તીઓ કનાનના કિનારે વસ્યા. આ રહ્યું લગભગ ઈ.સ. પૂર્વે 1150નું જગત.
મધ્ય એનાતોલિયામાં હિત્તી સામ્રાજ્યની રાજધાની હત્તુશા ત્યજી દેવાઈ અને બાળી નખાઈ, અને સામ્રાજ્યનો અંત આવ્યો. સિરિયાના કિનારે આવેલું ઉગારીત, પોતાની આગવી વર્ણમાળાવાળું એક સમૃદ્ધ વેપારી નગર, એ જ વર્ષોમાં નાશ પામ્યું.
ગ્રીસમાં માયસીની, પાયલોસ અને થીબ્સના મહેલો નાશ પામ્યા. પાયલોસમાં આગે સૌથી જૂના ગ્રીક લખાણ, લિનિયર Bમાં લખેલી સેંકડો માટીની તકતીઓને પકવી દીધી અને એમ તેમને સાચવી રાખી; ત્યાર પછી ગ્રીકોએ લગભગ ચાર સદી સુધી લખવાનું બંધ કર્યું.
સિચુઆનના સાનશિંગદુઈમાં, ચીની લેખિત નોંધોમાં અજાણી એક પ્રજાએ બહાર ઊપસેલી આંખોવાળાં કાંસાનાં મહોરાં અને પોતાની બેસણી સાથે લગભગ 2.6 મીટર ઊંચી એક મૂર્તિ ઢાળી, અને હાથીદાંત અને સોના સાથે તેમને ખાડાઓમાં દાટી દીધાં.
ગંગાના ઉપરવાસના મેદાનમાં કુરુ, ઘણા વિદ્વાનોના મત પ્રમાણે, વૈદિક યુગનું પહેલું રાજ્ય બન્યું. તેના પુરોહિતોએ વેદોનાં સૂક્તો અને તેમના વિધિઓના નિયમો એકઠા કરીને ગોઠવવાનું શરૂ કર્યું.
ન્યૂ ગિની પાસેના ટાપુઓ પરથી, પોતાનાં બારીક છાપવાળાં માટીનાં વાસણોથી ઓળખાતા લાપિતા લોકો બાજુ-ટેકાવાળી હોડીઓમાં પૂર્વ તરફ ગયા. લગભગ ઈ.સ. પૂર્વે 900–800 સુધીમાં તેઓ ફિજી, ટોંગા અને સામોઆ પહોંચ્યા હતા — એવા ટાપુઓ, જ્યાં પહેલાં કોઈ રહેતું ન હતું.
સ્રોતો: Theographic Bible Metadata, CC BY-SA 4.0 · OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો