Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › ઈસુનું દુઃખસહન

સુવાર્તાઓ બાજુબાજુમાં · ઈસુનું દુઃખસહન

પ્રમુખ યાજક અને ન્યાયસભા આગળ

માથ 26:57–68 · માર્ક 14:53–65 · લૂક 22:63–71

માથ્થી

માથ 26:57–68

57પછી જેઓએ ઈસુને પકડ્યા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.

58પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની આંગણા સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો.

59મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી.

60જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેઓની સાક્ષીઓથી તેઓ સહમત થયા નહિ. પણ પાછળથી બે માણસો આવીને બોલ્યા કે,

61“આ માણસે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરના સભાસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’”

62ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.”

63પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત છે તે તું જ છે કે નહિ, એ અમને કહે.”

64ઈસુએ તેને કહ્યું કે, “તેં જ કહ્યું છે, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશના વાદળો પર આવતા નિહાળશો.”

65ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, “તેણે દુર્ભાષણ કર્યું છે. આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.

66તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.”

67ત્યારે તેઓએ તેમના મુખ પર થૂંકીને તેમને મુક્કીઓ મારી, અને તેને થપ્પડો મારતાં કહ્યું કે,

68“ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.”

માર્ક

માર્ક 14:53–65

53તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા.

54પિતર ઘણે દૂરથી તેમની પાછળ ચાલ્યો અને છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો; અને ચોકીદારોની સાથે બેસીને અંગારાની તાપણીમાં તે તાપતો હતો.

55હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ.

56કેમ કે ઘણાંઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.

57કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું કે,

58અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ‘હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ.’”

59આ વાતમાં પણ તેઓ સહમત ન હતા.

60પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે, ‘શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?’”

61પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, ‘શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?’”

62ઈસુએ કહ્યું કે, ‘હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશના વાદળાં પર આવતા જોશો.

63પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્રો ફાડીને કહ્યું કે, ‘હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે?

64તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે?’ બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યાં.

65કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા કે, ‘તું પ્રબોધક છે તો કહી બતાવ કે કોણે તને માર્યો? અને ચોકીદારોએ તેમને તમાચા મારીને તેમને સકંજામાં લીધા.

લૂક

લૂક 22:63–71

63ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો.

64તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે ‘કહી બતાવ, તને કોણે માર્યું?’”

65તેઓએ દુર્ભાષણ કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.

66દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે,

67“જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો.” પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી

68વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી.

69પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.”

70લોકોએ કહ્યું, “તો શું, તમે ઈશ્વરના દીકરા છો?” તેમણે તેઓને કહ્યું કે, “તમે કહો છો તે મુજબ હું તે છું.”

71અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.”

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો