Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › ઈસુનું દુઃખસહન

સુવાર્તાઓ બાજુબાજુમાં · ઈસુનું દુઃખસહન

પિતર ઈસુનો નકાર કરે છે

માથ 26:69–75 · માર્ક 14:66–72 · લૂક 22:54–62 · યોહ 18:25–27

માથ્થી

માથ 26:69–75

69પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકાએ તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.”

70પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, “તું જે કહે છે તે હું જાણતો નથી.”

71તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, “એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.”

72પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.”

73થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.”

74ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો.

75જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.

માર્ક

માર્ક 14:66–72

66હવે પિતર નીચે આંગણમાં હતો ત્યારે પ્રમુખ યાજકની એક સેવિકા આવી.

67અને પિતરને તાપતો જોઈને તે કહે છે કે, ‘તું પણ નાસરેથના ઈસુની સાથે હતો.’”

68પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘તું શું કહે છે, તે હું જાણતો નથી તેમ જ સમજતો પણ નથી.’” તે બહાર પરસાળમાં ગયો અને મરઘો બોલ્યો.

69તે સેવિકા તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે, ‘એ તેઓમાંનો છે.’”

70પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડીવાર પછી ત્યાં ઊભેલાઓએ પિતરને કહ્યું કે, ‘ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.’”

71પણ પિતર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, ‘જે માણસ વિષે તમે કહો છો, તેને હું ઓળખતો નથી.’”

72તરત મરઘો બીજી વાર બોલ્યો; અને ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવ્યું; અને તે પર મન પર લાવીને તે ખૂબ રડ્યો.

લૂક

લૂક 22:54–62

54તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો.

55ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો.

56એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, ‘આ માણસ પણ તેમની સાથે હતો.’”

57પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’”

58થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, “તું પણ તેઓમાંનો છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ, હું એમાંનો નથી.”

59આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.”

60પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.

61પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”

62તે બહાર જઈને બહુ જ રડ્યો.

યોહાન

યોહ 18:25–27

25હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, ‘શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?’ તેણે નકાર કરતાં કહ્યું કે, ‘હું નથી.’”

26જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો જે પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો તેણે કહ્યું, વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી શું?

27ત્યારે પિતરે ફરીથી ઇનકાર કર્યો; અને તરત જ મરઘો બોલ્યો.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો