Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › ઈસુનું દુઃખસહન

સુવાર્તાઓ બાજુબાજુમાં · ઈસુનું દુઃખસહન

ઈસુની ધરપકડ

માથ 26:47–56 · માર્ક 14:43–52 · લૂક 22:47–53 · યોહ 18:1–11

માથ્થી

માથ 26:47–56

47તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા.

48હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.”

49તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો.

50ઈસુએ તેને કહ્યું કે, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.

51પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તલવાર ખેંચી કાઢી અને પ્રમુખ યાજકના ચાકર પર હુમલો કરીને તેનો કાન કાપી નાખ્યો.

52ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તારી તલવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તલવાર પકડે છે તેઓ તલવારથી જ નાશ પામશે.

53શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યના બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે?

54તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?”

55તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, “તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને પકડો તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો.

56પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા.

માર્ક

માર્ક 14:43–52

43તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણાં લોકો તલવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા.

44હવે ઈસુને ધરપકડ કરનારાઓએ તેઓને એવી નિશાની આપી હતી કે, ‘જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈથી લઈ જજો.’”

45ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, ‘ગુરુજી.’” અને તે તેમને ચૂમ્યો.

46ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા.

47પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો.

48ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેમ ચોરને પકડે તેમ તમે તલવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું?

49હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે આમ થાય છે.

50બધા ઈસુને મૂકીને નાસી ગયા.

51એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો; અને તેઓએ તેને પકડ્યો;

52પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો.

લૂક

લૂક 22:47–53

47તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો.

48પણ ઈસુએ તેને કહ્યું, ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’”

49જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, ‘પ્રભુ, અમે તલવાર મારીએ શું?’”

50તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તલવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો.

51પણ ઈસુએ કહ્યું કે, ‘હવે બસ કરો’. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો.

52જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, ‘જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તલવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો?

53હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.’”

યોહાન

યોહ 18:1–11

1એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા.

2હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે જગ્યા વિષે જાણતો હતો; કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વખત ત્યાં જતા હતા.

3ત્યારે યહૂદા સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો, મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવ્યો.

4ત્યારે ઈસુ પોતાનાં પર જે સર્વ આવી પડવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને કહ્યું કે, ‘તમે કોને શોધો છો?’”

5તેઓએ તેમને ઉત્તર દીધો કે, ‘ઈસુ નાઝારીને.’ ઈસુ તેઓને કહે છે કે, ‘તે હું છું.’ અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો.

6એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, ‘તે હું છું,’ ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા.

7ત્યારે તેમણે ફરી તેઓને પૂછ્યું કે, ‘તમે કોને શોધો છો?’ અને તેઓએ કહ્યું કે, ‘નાસરેથના ઈસુને.’”

8ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મેં તમને કહ્યું કે, તે હું છું;’ એ માટે જો તમે મને શોધતાં હો તો, આ માણસોને જવા દો.’”

9એ માટે કે જે વચન તેઓ બોલ્યા હતા તે પૂર્ણ થાય; ‘જેઓને તમે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી.’”

10ત્યારે સિમોન પિતરે તેની પાસે તલવાર હતી, તે કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલ્ખસ હતું.

11તેથી ઈસુએ પિતરને કહ્યું કે, ‘તારી તલવાર મ્યાનમાં મૂક; જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે ‘તે શું હું ના પીઉં?’”

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો