1ફરોશીઓએ તથા સદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિહ્ન કરી બતાવવાની માંગણી કરી.
2પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ‘હવામાન સારું થશે, કેમ કે આકાશ લાલ છે.’”
3સવારે તમે કહો છો કે, ‘આજે વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ તથા અંધરાયેલું છે.’ તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા.
4દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાના ચમત્કારિક ચિહ્ન વગર બીજું કોઈ ચમત્કારિક ચિહ્ન તેઓને અપાશે નહિ.” ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.
5શિષ્યો સરોવરને પેલે પાર ગયા, પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા.
6ઈસુએ તેઓને કહ્યું કે, “ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન થાઓ અને સચેત રહો.”
7ત્યારે તેઓએ પરસ્પર વિચાર કર્યો કે, “આપણે રોટલી નથી લાવ્યા માટે ઈસુ એમ કહે છે.”
8ઈસુએ તેમના વિચાર જાણીને તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે પરસ્પર કેમ વિચારો છો?
9શું હજી સુધી તમે નથી સમજતા? પેલા પાંચ હજાર પુરુષ માટે પાંચ રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી?
10વળી પેલા ચાર હજાર પુરુષ માટે સાત રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું તમને સ્મરણ નથી?
11તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો એમ મેં કહ્યું હતું.”
12ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પરંતુ ફરોશીઓના તથા સદૂકીઓના ઉપદેશ વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.