Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › ઈસુનું દુઃખસહન

સુવાર્તાઓ બાજુબાજુમાં · ઈસુનું દુઃખસહન

બરાબાસ અને સજાનો ચુકાદો

માથ 27:15–26 · માર્ક 15:6–15 · લૂક 23:13–25 · યોહ 18:39–40; 19:1–16

માથ્થી

માથ 27:15–26

15હવે પર્વમાં રાજ્યપાલનો એક રિવાજ હતો કે જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેતો હતો.

16તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.

17તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, “હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?”

18કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો.

19જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”

20હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.

21પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, “તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?” તેઓને કહ્યું કે ‘બરાબાસને.’

22પિલાતે તેઓને કહ્યું કે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સઘળાંએ તેને કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”

23ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?” પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’

24જયારે પિલાતે જોયું કે તે કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે.”

25ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, “એનું રક્ત અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.”

26ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.

માર્ક

માર્ક 15:6–15

6આ પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તે છોડી દેતો હતો.

7કેટલાક દંગો કરનારાઓએ હુલ્લડમાં ખૂન કર્યું હતું તેઓની સાથે કેદમાં પડેલો એવો બરાબાસ નામનો એક માણસ હતો.

8લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા કે, ‘જેમ તમે અમારે સારુ દર વખતે કરતા હતા તે પ્રમાણે કરો.’”

9પિલાતે તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘શું તમારી મરજી એવી છે કે, હું તમારે સારુ યહૂદીઓના રાજાને મુક્ત કરું?’”

10કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધાં હતા.

11પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા, એ સારુ કે ઈસુને બદલે તે તેઓને માટે બરાબાસને મુક્ત કરે.

12પણ પિલાતે ફરી તેઓને કહ્યું કે, ‘જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેનું હું શું કરું?’”

13તેઓએ ફરી બૂમ પાડી કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”

14પિલાતે તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?’ પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘ઈસુને વધસ્તંભે જડાવો.’”

15ત્યારે પિલાતે લોકોને રાજી કરવા તેઓને સારુ બરાબાસને જતો કર્યો. અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારુ સોંપ્યાં.

લૂક

લૂક 23:13–25

13અને પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને સમૂહમાં બોલાવીને

14તેઓને કહ્યું કે, ‘આ માણસ લોકને ભુલાવે છે, એવું કહીને તમે તેમને મારી પાસે લાવ્યા છો; પણ, જુઓ, મેં તમારી આગળ ઈસુની તપાસ કર્યા છતાં, જે વાતોનો તમે તેમના પર આરોપ મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં મને જણાયો નથી.

15તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેણે તેમને અમારી પાસે પાછા મોકલ્યા; અને જુઓ, મરણદંડને યોગ્ય તેમણે કશું જ કર્યું નથી.

16માટે હું તેમને શિક્ષા કરીને છોડી દઈશ.’”

17હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈ એક અપરાધીને છોડી દેવો પડતો હતો.

18પણ તેઓએ ઊંચે અવાજે કહ્યું કે, ‘ઈસુને લઈ જાઓ, અને બરાબાસને અમારે સારુ છોડી દો.’”

19એ બરાબાસ તો શહેરમાં કેટલાક દંગા તથા હત્યા કરવાને લીધે જેલમાં નંખાયો હતો.

20ત્યારે ઈસુને છોડી દેવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો.

21પણ તેઓએ પોકારીને કહ્યું કે, ‘એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.’”

22અને તેણે ત્રીજી વાર તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખોટું કર્યું છે? તેમનાંમાં મરણદંડને યોગ્ય મને કંઈ માલૂમ પડ્યું નથી; માટે હું તેને થોડી શિક્ષા કરીને મુક્ત કરી દઈશ.’”

23પણ તેઓએ મોટે અવાજે દુરાગ્રહથી માગ્યું કે ‘તેમને વધસ્તંભે જડાવો.’ અને છેવટે તેઓના ધાર્યા પ્રમાણે તેઓએ તેને મનાવ્યો.

24અને પિલાતે ફેંસલો કર્યો કે ‘તેઓના માગ્યા પ્રમાણે કરવામાં આવે.’”

25અને દંગો તથા ખૂન કરવાને લીધે જે માણસ જેલમાં પુરાયો હતો, અને જેને તેઓએ માગ્યો હતો, તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.

યોહાન

યોહ 18:39–40; 19:1–16

18:39પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં, એવો તમારો રિવાજ છે. તેથી હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું?

18:40ત્યારે તેઓએ ફરીથી ઊંચા અવાજે કહ્યું કે, ‘એને તો નહિ જ, પણ બરાબાસને. હવે બરાબાસ તો લુંટારો હતો.

19:1ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા.

19:2સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો;

19:3તેઓએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘ઓ યહૂદીઓના રાજા, સલામ!’ અને તેઓએ તેમને મુક્કીઓ મારી.

19:4પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, ‘હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’”

19:5ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા જ બહાર નીકળ્યા. પછી પિલાતે તેઓને કહ્યું કે, ‘આ માણસને જુઓ!’

19:6જયારે મુખ્ય યાજકોએ તથા અધિકારીઓએ તેમને જોયા, ત્યારે તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, તેને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.’ પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો; કેમ કે મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’”

19:7યહૂદીઓએ પિલાતને ઉત્તર આપ્યો કે, ‘અમારો એક નિયમ છે અને તે પ્રમાણે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ; કેમ કે તેણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે.

19:8તે વાત સાંભળીને પિલાત વધારે ગભરાયો;

19:9અને તેણે ફરી દરબારમાં જઈને ઈસુને કહ્યું કે, ‘તું ક્યાંનો છે?’ પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ.

19:10ત્યારે પિલાતે તેમને કહ્યું કે, ‘શું તું મને કશું કહેતો નથી?’ શું તું જાણતો નથી કે તને છોડવાનો અને વધસ્તંભે જડવાનો અધિકાર મને છે?’”

19:11ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ઉપરથી અપાયાં વિના તને મારા પર કંઈ પણ અધિકાર હોત નહિ; તે માટે જેણે મને તને સોંપ્યો છે તેનું પાપ વધારે મોટું છે.’”

19:12આથી પિલાતે તેમને છોડવાની કોશિશ કરી; પણ યહૂદીઓએ ઊંચા અવાજે કહ્યું કે, ‘જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારનાં મિત્ર નથી; જે કોઈ પોતાને રાજા ઠરાવે છે, તે કાઈસારની વિરુદ્ધ બોલે છે.

19:13ત્યારે તે સાંભળીને પિલાત ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગ્યા જેને હિબ્રૂ ભાષામાં ‘ગાબ્બાથા’ કહે છે, ત્યાં ન્યાયાસન પર બેઠો.

19:14હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાતે યહૂદીઓને કહ્યું કે, ‘જુઓ, તમારો રાજા!’

19:15ત્યારે તેઓએ પોકારીને કહ્યું કે, ‘તેને દૂર કરો, દૂર કરો, તેને વધસ્તંભે જડો.’ પિલાત તેઓને કહે છે કે, ‘શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?’ મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો કે, ‘કાઈસાર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.’”

19:16ત્યારે ઈસુને વધસ્તંભે જડવાને પિલાતે તેઓને સોંપ્યાં. તેથી તેઓ ઈસુને પકડી લઈ ગયા.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો