Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 21 માર્ચ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 21 માર્ચ 2027

રવિવાર · પવિત્ર સપ્તાહ

પર્વો અને સંતો

ખજૂરીની ડાળીઓનો રવિવાર — પ્રભુનું દુઃખસહન

રવિવાર · ધાર્મિક વિધિનો રંગ: લાલ

દિવસનાં વાંચનો

શોભાયાત્રાની સુવાર્તા

માર્ક 11:1–10

અથવા: યોહ 12:12–16

1તેઓ યરુશાલેમની નજદીક, જૈતૂનનાં પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયા પાસે આવે છે, ત્યારે ઈસુ બે શિષ્યોને આગળ મોકલે છે. 2અને તેઓને કહે છે કે, ‘સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેનાં પર કોઈ માણસ કદી સવાર થયું નથી, તે તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો. 3જો કોઈ તમને પૂછે કે, તમે શા માટે એમ કરો છો તો કહેજો કે, પ્રભુને તેની જરૂર છે. અને તે જલ્દી એને અહીં પાછું લાવવા મોકલશે.’” 4તેઓ ગયા. અને ઘરની બહાર ખુલ્લાં રસ્તામાં બાંધેલો વછેરો તેઓને જોવા મળ્યો અને તેઓ તેને છોડવા લાગ્યા. 5જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને કહ્યું કે, ‘વછેરાને તમે શું કરવા છોડો છો?’” 6જેમ ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી, તેમ શિષ્યોએ લોકોને કહ્યું. અને તેઓએ તેમને જવા દીધાં. 7તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા; તેના પર પોતાનાં વસ્ત્ર બિછાવ્યાં અને તેના પર ઈસુ બેઠા. 8ઘણાંઓએ પોતાના ડગલા રસ્તામાં પાથર્યાં અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. 9આગળ તથા પાછળ ચાલનારાંઓએ બૂમ પાડતાં કહ્યું કે, ‘હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે, તે આશીર્વાદિત છે. 10આપણા પિતા દાઉદનું રાજ્ય જે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!’”

પહેલું વાંચન

યશા 50:4–7

4હું થાકેલાઓને આશ્વાસનના શબ્દો બોલી શકું માટે, પ્રભુ યહોવાહે મને શીખેલાની જીભ આપી છે. તે દર સવારે મને જગાડે છે અને મારા કાનને ઉઘાડે છે કે હું શીખેલાની જેમ સાંભળું. 5પ્રભુ યહોવાહે મારા કાન ઉઘાડ્યાં છે અને મેં બંડ કર્યું નથી કે, પાછો હટ્યો નથી. 6મેં મારા મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા; અપમાનિત તથા થૂંકાવા છતાં મેં મારું મુખ સંતાડ્યું નહિ. 7કેમ કે પ્રભુ યહોવાહ મારી સહાય કરશે; તેથી હું ફજેત થનાર નથી; તેથી મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું કર્યું છે, કેમ કે હું જાણું છું કે હું લજ્જિત થઈશ નહિ.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 22:7–8, 16–19, 22–23

7જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે. 8તેઓ કહે છે, “તું યહોવાહ પર ભરોસો રાખ; યહોવાહ તને છોડાવશે. તે તારા પર રાજી છે, માટે તે બચાવશે.” 16કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે; મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે. 17હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. તેઓ મને ધારીને જુએ છે; 18તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે. 19હે યહોવાહ, મારાથી દૂર ન જાઓ; હે મારા સામર્થ્ય, મારી મદદે આવો. 22હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ. 23હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો.

બીજું વાંચન

ફિલિ 2:6–11

6પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, 7પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા; 8અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. 9તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે, 10સ્વર્ગમાંના, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; 11અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.

સુવાર્તા

માર્ક 14:1–15:47

1હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું; અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા. 2તેઓએ કહ્યું કે, ‘પર્વમાં નહિ કેમ કે રખેને ત્યાં લોકોમાં હુલ્લડ થાય.’” 3જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું. 4પણ કેટલાક પોતાના મનમાં રોષે ભરાઈને કહેવા લાગ્યા કે, ‘અત્તરનો બગાડ શા માટે કર્યો? 5કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત. અને એ પૈસા ગરીબોને અપાત.’” તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી. 6પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે. 7કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જયારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી. 8જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે; દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે. 9વળી હું તમને નિશ્ચે કહું છું કે, આખી દુનિયામાં, જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે સેવા કરી છે તે તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.’” 10બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ સારુ કે તે ઈસુને ધરપકડ કરીને તેઓના હાથમાં સોંપશે. 11તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુની ધરપકડ કરવાની તક શોધતો રહ્યો. 12બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે, જયારે લોકો પાસ્ખાનું બલિદાન કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે, ‘તમે પાસ્ખા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?’” 13ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે, ‘શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જજો. 14અને જે ઘરમાં તે જાય તેના માલિકને પૂછજો કે, “ઉપદેશક કહે છે કે, મારી ઊતરવાની ઓરડી ક્યાં છે કે, જેમાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?” 15તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’” 16શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યુ. 17સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા. 18અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને ધરપકડ કરશે.’” 19તેઓ દુ:ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, ‘શું તે હું છું?’” 20તેમણે તેઓને કહ્યું કે, ‘બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે જ તે છે. 21કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે, તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.’” 22તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માગીને ભાંગી અને તેઓને આપી; અને કહ્યું કે, ‘લો, આ મારું શરીર છે.’” 23પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો; અને બધાએ તેમાંથી પીધું. 24ઈસુએ તેઓને કહ્યું કે, નવા કરારનું આ મારું રક્ત છે, જે ઘણાંને માટે વહેડાવવામાં આવ્યું છે. 25હું તમને નિશ્ચે કહું છું કે, જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી.’” 26તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા. 27ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે સઘળા મારાથી દૂર થઈ જશો, કેમ કે એવું લખેલું છે કે, હું પાળકને મારીશ અને ઘેટાં વિખેરાઈ જશે. 28પરંતુ મારા પાછા ઊઠ્યાં પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.’” 29પણ પિતરે ઈસુને કહ્યું કે, ‘જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.’” 30ઈસુ તેને કહે છે, કે ‘હું તને નિશ્ચે કહું છું કે, આજે રાત્રે જ મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.’” 31પણ તેણે વધારે હિંમતથી કહ્યું કે, ‘મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ કરું’. બીજા બધાએ પણ એમ જ કહ્યું. 32તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.’” 33ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા. 34ઈસુ તેઓને કહે છે, ‘મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.’” 35તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે, શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય.’” 36તેમણે કહ્યું કે, ‘અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’” 37ઈસુ પાછા આવે છે, અને તેઓને ઊંઘતા જુએ છે અને પિતરને કહે છે, ‘સિમોન શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી? 38જાગતા રહો અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.’” 39ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી. 40ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા; તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી; અને તેમને શો જવાબ દેવો, એ તેઓને સમજાતું ન હતું. 41ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે, ‘શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું. તે ઘડી આવી ચૂકી છે, જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે. 42ઊઠો, આપણે જઈએ; જુઓ, જે મને પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે.’” 43તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણાં લોકો તલવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા. 44હવે ઈસુને ધરપકડ કરનારાઓએ તેઓને એવી નિશાની આપી હતી કે, ‘જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈથી લઈ જજો.’” 45ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, ‘ગુરુજી.’” અને તે તેમને ચૂમ્યો. 46ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા. 47પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો. 48ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેમ ચોરને પકડે તેમ તમે તલવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું? 49હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે આમ થાય છે. 50બધા ઈસુને મૂકીને નાસી ગયા. 51એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો; અને તેઓએ તેને પકડ્યો; 52પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો. 53તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા. 54પિતર ઘણે દૂરથી તેમની પાછળ ચાલ્યો અને છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો; અને ચોકીદારોની સાથે બેસીને અંગારાની તાપણીમાં તે તાપતો હતો. 55હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ. 56કેમ કે ઘણાંઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. 57કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું કે, 58અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ‘હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ.’” 59આ વાતમાં પણ તેઓ સહમત ન હતા. 60પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે, ‘શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?’” 61પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, ‘શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?’” 62ઈસુએ કહ્યું કે, ‘હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશના વાદળાં પર આવતા જોશો. 63પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્રો ફાડીને કહ્યું કે, ‘હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે? 64તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે?’ બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યાં. 65કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા કે, ‘તું પ્રબોધક છે તો કહી બતાવ કે કોણે તને માર્યો? અને ચોકીદારોએ તેમને તમાચા મારીને તેમને સકંજામાં લીધા. 66હવે પિતર નીચે આંગણમાં હતો ત્યારે પ્રમુખ યાજકની એક સેવિકા આવી. 67અને પિતરને તાપતો જોઈને તે કહે છે કે, ‘તું પણ નાસરેથના ઈસુની સાથે હતો.’” 68પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘તું શું કહે છે, તે હું જાણતો નથી તેમ જ સમજતો પણ નથી.’” તે બહાર પરસાળમાં ગયો અને મરઘો બોલ્યો. 69તે સેવિકા તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે, ‘એ તેઓમાંનો છે.’” 70પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડીવાર પછી ત્યાં ઊભેલાઓએ પિતરને કહ્યું કે, ‘ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.’” 71પણ પિતર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, ‘જે માણસ વિષે તમે કહો છો, તેને હું ઓળખતો નથી.’” 72તરત મરઘો બીજી વાર બોલ્યો; અને ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવ્યું; અને તે પર મન પર લાવીને તે ખૂબ રડ્યો. 15:1સવાર થઈ કે મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં. 2પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, ‘તું કહે છે તે જ હું છું.’” 3મુખ્ય યાજકોએ તેમના પર ઘણાં આક્ષેપો મૂક્યા. 4પિલાતે ફરી તેમને પૂછતાં કહ્યું કે, ‘શું તું કંઈ જ જવાબ આપતો નથી? જો, તેઓ તારા પર કેટલા બધા આક્ષેપો મૂકે છે!’ 5પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું. 6આ પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તે છોડી દેતો હતો. 7કેટલાક દંગો કરનારાઓએ હુલ્લડમાં ખૂન કર્યું હતું તેઓની સાથે કેદમાં પડેલો એવો બરાબાસ નામનો એક માણસ હતો. 8લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા કે, ‘જેમ તમે અમારે સારુ દર વખતે કરતા હતા તે પ્રમાણે કરો.’” 9પિલાતે તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘શું તમારી મરજી એવી છે કે, હું તમારે સારુ યહૂદીઓના રાજાને મુક્ત કરું?’” 10કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધાં હતા. 11પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા, એ સારુ કે ઈસુને બદલે તે તેઓને માટે બરાબાસને મુક્ત કરે. 12પણ પિલાતે ફરી તેઓને કહ્યું કે, ‘જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેનું હું શું કરું?’” 13તેઓએ ફરી બૂમ પાડી કે, ‘તેને વધસ્તંભે જડાવો.’” 14પિલાતે તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?’ પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘ઈસુને વધસ્તંભે જડાવો.’” 15ત્યારે પિલાતે લોકોને રાજી કરવા તેઓને સારુ બરાબાસને જતો કર્યો. અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારુ સોંપ્યાં. 16સિપાઈઓ ઈસુને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; અને તેઓએ ચોકીદારોની આખી ટુકડીને બોલાવ્યા. 17તેઓએ તેમને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો; 18અને ‘હે યહૂદીઓના રાજા, સલામ!’ એમ કહીને મશ્કરીમાં તેમને નમસ્કાર કરવા લાગ્યા. 19તેઓએ તેમના માથામાં સોટી મારી, ઈસુના પર થૂંક્યાં અને ઘૂંટણ ટેકીને તેમની આગળ નમ્યાં. 20તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના અંગ પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં; પછી વધસ્તંભે જડવા સારુ તેમને લઈ જવામાં આવ્યા. 21સિમોન નામે કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે ખેતરથી આવતાં ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાઈઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો. 22ગલગથા નામની જગ્યા, જેનો અર્થ ‘ખોપરીની જગ્યા’ છે, ત્યાં તેઓ તેમને લાવ્યા. 23તેઓએ બોળ મિશ્રિત દ્રાક્ષારસ તેમને આપ્યો; પણ ઈસુએ તે પીવાની ના પાડી. 24સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં અને તેઓમાંના પ્રત્યેકે ઈસુના વસ્ત્રનો કયો ભાગ લેવો, તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં. 25સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં. 26તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે “યહૂદીઓનો રાજા.” 27ઈસુની સાથે તેઓએ બે ચોરોને વધસ્તંભે જડ્યાં, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ. 28“તે અપરાધીઓમાં ગણાયો,” એવું જે શાસ્ત્રવચન હતું તે પૂરું થયું. 29પાસે થઈને જનારાંઓએ ઈસુનું અપમાન કર્યું તથા માથાં હલાવતાં કહ્યું કે, ‘વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, 30તું પોતાને બચાવ અને વધસ્તંભ પરથી ઊતરી આવ.’” 31એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરોઅંદર શાસ્ત્રીઓ સહિત મશ્કરી કરીને કહ્યું કે, ‘તેણે બીજાઓને બચાવ્યા, પણ પોતાને બચાવી શકતો નથી. 32ઇઝરાયલના રાજા, ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવ, કે અમે જોઈને વિશ્વાસ કરીએ.’” વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી. 33બપોરના લગભગ બારથી ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં અંધારપટ છવાયો. 34બપોરે લગભગ ત્રણ વાગ્યે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે, ‘એલોઈ, એલોઈ લમા શબક્થની, એટલે, મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’” 35જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘જુઓ, તે એલિયાને બોલાવે છે.’” 36એક માણસે દોડીને સિરકામાં પલાળેલી વાદળી લાકડાની ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું કે, ‘રહેવા દો, આપણે જોઈએ કે, એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ?’” 37ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. 38મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થયા. 39જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જયારે જોયું કે તેમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે, ‘ખરેખર આ માણસ ઈશ્વરના દીકરા હતા.’” 40કેટલીક સ્ત્રીઓ પણ દૂરથી જોતી હતી; તેઓમાં મગ્દલાની મરિયમ, નાના યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શાલોમી હતી. 41જયારે ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. 42સાંજ પડી ત્યારે સિદ્ધીકરણનો દિવસ, એટલે વિશ્રામવારની આગળનો દિવસ હતો, માટે, 43ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, એટલે અરિમથાઈનો યૂસફ આવ્યો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુનો દેહ માગ્યો. 44પિલાત આશ્ચર્ય પામ્યો કે, ‘શું તે એટલો જલદી મૃત્યુ પામ્યો હોય!’ તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે, ‘ઈસુને મૃત્યુ પામ્યાને કેટલો વખત થયો?’” 45સૂબેદાર પાસેથી તે વિષે ખબર મળી ત્યારે પિલાતે યૂસફને એ દેહ અપાવ્યો. 46યૂસફે શણનું વસ્ત્ર વેચાતું લીધું, મૃતદેહને ઉતારીને તેને શણના વસ્ત્રમાં વીંટાળ્યો અને ખડકમાં ખોદેલી એક કબરમાં દફનાવ્યો. અને તે કબર પર પથ્થર ગબડાવી મૂક્યોં. 47તેમને ક્યાં મૂક્યા એ મગ્દલાની મરિયમ તથા યોસેની મા મરિયમે જોયું.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો