Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 22 માર્ચ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 22 માર્ચ 2027

સોમવાર · પવિત્ર સપ્તાહ

પર્વો અને સંતો

પવિત્ર સપ્તાહનો સોમવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

યશા 42:1–7

1જુઓ, આ મારો સેવક છે, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ પ્રસન્ન છે: તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓમાં ન્યાય પ્રગટ કરશે. 2તે બૂમ પાડશે નહિ કે પોતાનો અવાજ ઊંચો કરશે નહિ, તથા રસ્તામાં પોતાની વાણી સંભળાવશે નહિ. 3છુંદાયેલા બરુને તે ભાંગી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને તે હોલવશે નહિ: તે વિશ્વાસુપણાથી ન્યાય કરશે. 4તે નિર્બળ થશે નહિ કે નિરાશ થશે નહિ ત્યાં સુધી તે પૃથ્વી પર ન્યાય સ્થાપે નહિ; અને ટાપુઓ તેના નિયમની વાત જોશે. 5આ ઈશ્વર યહોવાહ, આકાશોને ઉત્પન્ન કરનાર અને તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર; તે પરના લોકોને શ્વાસ આપનાર તથા જે જીવે છે તેઓને જીવન આપનારની આ વાણી છે. 6“મેં યહોવાહે, તેને ન્યાયીપણામાં બોલાવ્યો છે અને તેનો હાથ હું પકડી રાખીશ, હું તારું રક્ષણ કરીશ, વળી તને લોકોનાં હકમાં કરારરૂપ અને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ, 7જેથી તું અંધજનોની આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને અને કારાગૃહના અંધકારમાં બેઠેલાઓને બહાર કાઢે.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 27:1–3, 13–14

1દાઉદનું (ગીત). યહોવાહ મારા ઉદ્ધારનાર તથા પ્રકાશ છે; હું કોનાથી બીહું? યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનો ભય લાગે? 2જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે. 3જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ. 13આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત! 14યહોવાહની રાહ જો; બળવાન થા અને હિંમત રાખ! હા, યહોવાહની રાહ જો!

સુવાર્તા

યોહ 12:1–11

1પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા, લાજરસ, જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યો હતો તે ત્યાં હતો. 2માટે તેઓએ તેને માટે ખોરાક તૈયાર કર્યો હતો અને માર્થા ભોજન પીરસતી હતી, લાજરસ ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંનો એક હતો. 3તે વેળા મરિયમે અતિ મૂલ્યવાન શુદ્ધ જટામાંસીનું અડધો કિલો અત્તર લઈને ઈસુને પગે લગાવ્યું અને તેના વાળથી તેમના પગ લૂછ્યા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ. 4તેમના શિષ્યોમાંનો એક, યહૂદા ઇશ્કારિયોત, જે તેમને પરસ્વાધીન કરનાર હતો, તેણે કહ્યું કે, 5‘એ અત્તર ત્રણસો દીનારે ઇઝરાયલનું નાણું વેચીને ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?’” 6હવે આ જે તેણે કહ્યું તેનું કારણ એ નહોતું કે તેને ગરીબોને માટે લાગણી હતી; પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો. તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું. 7ત્યારે ઈસુએ કહ્યું કે, ‘મારા દફનાવવાનાં દિવસને માટે મરિયમને એવું કરવા દે. 8કેમ કે ગરીબો હંમેશા તમારી સાથે છે; પણ હું સદા તમારી સાથે નથી.’” 9ત્યારે યહૂદીઓમાંના ઘણાં લોકોએ જાણ્યું કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરણમાંથી જીવિત કર્યો હતો, તેને પણ જોવા માટે આવ્યા. 10મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી. 11કેમ કે તેના કારણથી ઘણાં યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો