Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 20 માર્ચ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 20 માર્ચ 2027

શનિવાર · તપઋતુનું પાંચમું અઠવાડિયું

પર્વો અને સંતો

તપઋતુના પાંચમા અઠવાડિયાનો શનિવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

હઝ 37:21–28

21પછી તેઓને કહે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, જુઓ, જે પ્રજાઓમાં ઇઝરાયલી લોકો ગયા છે ત્યાંથી હું તેઓને લઈશ. હું તેઓને આસપાસના દેશોમાંથી એકત્ર કરીશ. હું તેઓને પોતાના દેશમાં પાછા લાવીશ. 22હું તેઓને પોતાના દેશમાં, ઇઝરાયલના પર્વત પર એક પ્રજા બનાવીશ; તે બધાનો એક રાજા થશે. તેઓ ફરી કદી બે પ્રજા થશે નહિ; તેઓ ફરી કદી બે રાજ્યોમાં વહેંચાશે નહિ. 23તેઓ ફરી કદી પોતાની મૂર્તિઓથી, પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓથી, કે તેઓનાં કોઈ પણ પાપોથી પોતાને અપવિત્ર કરશે નહિ. કેમ કે હું તેઓને તેઓનાં સર્વ અવિશ્વાસી કાર્યો કે જેનાથી તેઓએ પાપ કર્યું તેનાથી બચાવી લઈશ, હું તેઓને શુદ્ધ કરીશ, ત્યારે તેઓ મારા લોક થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ. 24મારો સેવક દાઉદ તેઓનો રાજા થશે. તે જ બધાનો એક પાળક થશે, તેઓ મારી આજ્ઞાઓ અનુસાર ચાલશે, મારા વિધિઓ પાળશે અને તેમનું પાલન કરશે. 25વળી મારા સેવક યાકૂબને મેં જે દેશ આપ્યો હતો અને જેમાં તમારા પૂર્વજો રહેતા હતા તેમાં તેઓ રહેશે. તેઓ તથા તેઓનાં સંતાનો અને તેઓનાં સંતાનોના સંતાન તેમાં સદા રહેશે. મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો સરદાર થશે. 26હું તેઓની સાથે શાંતિનો કરાર સ્થાપીશ. તે તેઓની સાથે સદાનો કરાર થશે. હું તેઓને લઈને તેમની વૃદ્ધિ કરીશ અને તેઓની મધ્યે સદાને માટે મારું પવિત્રસ્થાન સ્થાપીશ. 27મારું નિવાસસ્થાન તેઓની સાથે થશે; હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે. 28“જ્યારે મારું પવિત્રસ્થાન તેઓ મધ્યે સદાને માટે થશે ત્યારે પ્રજાઓ જાણશે કે, ઇઝરાયલને પવિત્ર કરનાર યહોવાહ હું છું!”

પ્રત્યુત્તર ગીત

યર્મિ 31:10–13

10હે પ્રજાઓ, તમે યહોવાહના વચન સાંભળો અને દૂર દૂરના દ્વીપોને તે પ્રગટ કરો. જેણે ઇઝરાયલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા તે પોતે જ તેઓને એકત્ર કરશે. અને પોતાનાં ટોળાંની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે. 11કારણ કે યહોવાહે યાકૂબને બચાવ્યો છે. અને તેના કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે. 12તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે. અને યહોવાહે આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ટોળાં અને જાનવરો સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સીંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઈ ગયાં હશે. 13ત્યારે કુમારિકાઓ આનંદ સાથે નાચી ઊઠશે અને યુવાનો તથા વૃદ્ધો હરખાશે; “કેમ કે હું તેઓના શોકને હર્ષમાં ફેરવી નાખીશ, હું તેઓને ખાતરી આપીશ અને તેઓને હર્ષિત કરીશ, કેમ કે તેઓનાં બંદીવાસનાં સર્વ દુ:ખો દૂર થઈ ગયાં હશે.

સુવાર્તા

યોહ 11:45–57

45તેથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે ઈસુએ જે કર્યું તે જોયું હતું, તેઓમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો. 46પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓની પાસે જઈને ઈસુએ જે કામ કર્યાં હતા, તે તેઓને કહી સંભળાવ્યાં. 47એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે, ‘આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણાં ચમત્કારિક ચિહ્નો કરે છે. 48જો આપણે તેમને એમ જ રહેવા દઈશું, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું રહેઠાણ તથા આપણો દેશ લઈ લેશે. 49પણ કાયાફા નામે તેઓમાંનો એક જે તે વર્ષે પ્રમુખ યાજક હતો, તેણે તેઓને કહ્યું કે, ‘તમે કંઈ જાણતા નથી, 50વિચારતા નથી કે લોકોને માટે એક માણસ બલિદાન આપે અને તેથી સર્વ પ્રજાનો નાશ થાય નહિ, એ તમારે માટે હિતકારક છે.’” 51તેણે તો એ પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકોને માટે ઈસુ મૃત્યુ પામશે. 52અને એકલા યહૂદી લોકોના માટે નહિ, પણ એ માટે કે ઈશ્વરનાં વિખૂટાં પડેલાં બાળકોને પણ તે એકઠાં કરીને તેઓને એક કરે. 53તેથી તે દિવસથી માંડીને તેમને મારી નાખવાની તેઓ યોજના કરવા લાગ્યા. 54તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઈસુ જાહેર રીતે ફર્યા નહિ, પણ ત્યાંથી અરણ્ય પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા અને પોતાના શિષ્યો સહિત ત્યાં રહ્યાં. 55હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, પાસ્ખા અગાઉ ઘણાં લોકો પોતાને શુદ્ધ કરવાને બીજા ગામથી યરુશાલેમમાં ગયા હતા. 56માટે તેઓએ ઈસુની શોધ કરી અને ભક્તિસ્થાનમાં ઊભા રહેલાઓએ પરસ્પર કહ્યું કે, તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાના નથી?’” 57હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવી આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસને માલૂમ પડે કે તે ઈસુ ક્યાં છે તો તેણે ખબર આપવી, એ માટે કે તેઓ ફરોશીઓ તેમને પકડે.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો