Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › હિઝકિયાથી યોશિયા સુધી

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · હિઝકિયાથી યોશિયા સુધી

સાન્હેરીબ યરુશાલેમને ધમકી આપે છે

2 રાજા 18:13–37; 19:1–37 · 2 કાળ 32:1–23 · યશા 36:1–22; 37:1–38

2 રાજાઓ

2 રાજા 18:13–37; 19:1–37

18:13હિઝકિયા રાજાના કારકિર્દીને ચૌદમા વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાના બધાં કોટવાળા નગરો પર ચઢાઈ કરીને તેને કબજે કરી લીધાં.

18:14માટે યહૂદિયાના રાજા હિઝકિયાએ લાખીશમાં આશ્શૂરના રાજાને સંદેશો મોકલીને કહાવ્યું કે, “મેં તને નારાજ કર્યો છે. હવે અહીંથી પાછો જા. તું જે શરતો મારી આગળ મૂકશે તેનો હું સ્વીકાર કરીશ.” આથી આશ્શૂરના રાજાએ યહૂદિયાના રાજા હિઝકિયાને ત્રણસો તાલંત ચાંદી અને ત્રીસ તાલંત સોનું આપ્યું.

18:15માટે હિઝકિયાએ તેને યહોવાહના સભાસ્થાનમાંથી અને રાજમહેલના ભંડારમાંથી જે ચાંદી મળી આવી હતી તે બધી તેને આપી.

18:16તે સમયે હિઝકિયાએ યહોવાહના સભાસ્થાનના બારણા પરથી અને પોતે મઢેલા સ્તંભો પરથી સોનું ઉખાડીને આશ્શૂરના રાજાને આપ્યું.

18:17પણ આશ્શૂરના રાજાએ લાખીશથી તાર્તાન, રાબ-સારીસ તથા રાબશાકેહને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરુશાલેમમાં મોકલ્યા. તેઓ માર્ગે મુસાફરી કરીને યરુશાલેમ પહોંચ્યા. તેઓ યરુશાલેમ પહોંચીને ધોબીના ખેતરના માર્ગ પર આવેલા ઉપરના તળાવના ગરનાળા પાસે થોભ્યા.

18:18તેઓએ હિઝકિયા રાજાને બોલાવ્યો, ત્યારે હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે ઘરનો ઉપરી હતો તે, નાણાં મંત્રી શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ જે ઇતિહાસકાર હતો, તેઓ તેઓને મળવા બહાર આવ્યા.

18:19રાબશાકેહ તેઓને કહ્યું કે, હવે તમે હિઝકિયાને જઈને કહો કે, આશ્શૂરનો મહાન રાજા પૂછે છે કે, “તારો આત્મવિશ્વાસ શેનાથી છે?

18:20તું કહે છે, યુદ્ધને માટે સહયોગી મિત્રો અને પરાક્રમ અમારી પાસે છે તે તો માત્ર નકામી વાતો છે. કોના પર તું ભરોસો રાખે છે? કોણે તને મારી વિરુદ્ધ બંડ કરવાની હિંમત આપી છે?

18:21જો, તું આ બરુરુપી લાકડી જેવા મિસર પર ભરોસો રાખીને ચાલે છે, પણ જે કોઈ તેનો આધાર લે છે તેના હાથમાં પેસીને તે તેને વીંધી નાખશે. મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનારની સાથે આવી જ રીતે વર્તે છે.

18:22પણ જો તમે એવું કહો કે, ‘અમે અમારા ઈશ્વર યહોવાહ પર ભરોસો રાખીએ છીએ,’ તે એ જ યહોવાહ નથી કે જેમના ઉચ્ચસ્થાનો અને વેદીઓ હિઝકિયા રાજાએ કાઢી નાખ્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે કે, ‘તમારે યરુશાલેમમાં આ વેદીની આગળ જ સેવા કરવી?’

18:23તો હવે, કૃપા કરી મારા માલિક આશ્શૂરના રાજા સાથે તું સારી શરત કર. એટલે કે જો તું તેમના માટે સવારી કરનારા પૂરા પાડે તો હું તને બે હજાર ઘોડા આપીશ.

18:24જો તારાથી ન બની શકે તો તું રથો અને ઘોડેસવારોના માટે મિસર પર ભરોસો રાખીને મારા માલિકના એક પણ સરદારને કેવી રીતે પાછો હઠાવી શકે?

18:25શું હું યહોવાહ વિના આ જગ્યા સામે યુદ્ધ કરીને તેનો નાશ કરવા ચઢી આવ્યો છું? યહોવાહે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર.’”

18:26હિલ્કિયાના દીકરા એલિયાકીમ, શેબ્ના અને યોઆહે રાબશાકેહને કહ્યું, “કૃપા કરીને તારા સેવકોની સાથે અરામી ભાષામાં બોલ, કે અમે તે સમજી શકીએ. અમારી સાથે હિબ્રૂ ભાષામાં ના બોલીશ. જેઓ દિવાલ પર છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદિયાની ભાષામાં બોલીશ નહિ.”

18:27પણ રાબશાકેહે તેઓને કહ્યું, “શું મારા માલિકે આ વાતો તારા માલિકને અને તને કહેવા માટે મોકલ્યા છે? જેઓ આ દીવાલ પર બેઠેલા છે, જેઓ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા મૂત્ર પીવા નિર્માણ થયેલા છે તેઓને કહેવાને મને મોકલ્યો નથી?”

18:28પછી રાબશાકેહે ઊભા થઈને મોટા અવાજે પોકારીને યહૂદિયાની ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનું વચન સાંભળો.

18:29રાજા કહે છે, “હિઝકિયાથી છેતરાશો નહિ, તે તમને મારા હાથમાંથી બચાવી શકશે નહિ.

18:30“યહોવાહ નિશ્ચે આપણને બચાવશે, આ નગર આશ્શૂરના રાજાના હાથમાં આપવામાં નહિ આવે એવું કહીને હિઝકિયા તમારી પાસે યહોવાહ પર ભરોસો રખાવે નહિ.’”

18:31આશ્શૂરનો રાજા એમ કહે છે કે, હિઝકિયાનું સાંભળશો નહિ, ‘મારી સાથે સુલેહ કરીને મારી પાસે આવો. ત્યારે તમે દરેક પોતાની દ્રાક્ષવાડીમાંથી અને પોતાના અંજીરના વૃક્ષ પરથી ફળ ખાશો, તમારા પોતાના કૂવાનું પાણી પીશો, હું આવીને તમને ત્યાં લઈ જાઉ નહિ

18:32ત્યાં સુધી તમારો જે દેશ તમારા પોતાના દેશ જેવો અનાજ અને દ્રાક્ષારસનો દેશ, રોટલી અને દ્રાક્ષવાડીઓનો દેશ, જૈતૂન અને મધનો દેશ છે ત્યાં તમે જીવતા રહેશો અને મરશો નહિ.’ જયારે હિઝકિયા તમને સમજાવે કે, ‘યહોવાહ આપણને બચાવશે’ તો તેનું સાંભળશો નહિ.

18:33શું કોઈ પણ પ્રજાના દેવે કદી પોતાના દેશને આશ્શૂર રાજાના હાથમાંથી બચાવ્યો છે?

18:34હમાથ અને આર્પાદના દેવો કયાં છે? સફાર્વાઈમ, હેના અને ઇવ્વાના દેવો ક્યાં છે? શું તેઓએ સમરુનને મારા હાથમાંથી છોડાવ્યું છે?

18:35આ બધા દેશોના દેવોમાંથી એવા દેવ કોણ છે તેઓએ પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો હોય? તો કેવી રીતે યહોવાહ યરુશાલેમને મારા હાથમાંથી છોડાવશે?”

18:36રાજાએ આજ્ઞા આપી હતી કે, “તેને ઉત્તર આપવો નહિ” માટે બધા લોકો શાંત રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ.

18:37પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે ઘરનો કારભારી હતો તે, નાણાંમંત્રી શેબ્ના અને આસાફનો દીકરો યોઆહ ઇતિહાસકાર પોતાનાં વસ્ત્ર ફાડીને હિઝકિયાની પાસે આવ્યા અને તેઓએ તેને રાબશાકેહનાં વચનો કહી સંભળાવ્યાં.

19:1હિઝકિયા રાજાએ જ્યારે તે સાંભળ્યું ત્યારે એમ થયું કે, તેણે પોતાના વસ્ત્ર ફાડ્યાં, પોતાના શરીર પર ટાટ પહેરીને તે યહોવાહના ઘરમાં ગયો.

19:2તેણે રાજ્યના અધિકારી એલિયાકીમને, નાણાંમંત્રી શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ પહેરાવીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

19:3તેઓએ તેને કહ્યું, હિઝકિયા આ પ્રમાણે કહે છે કે, “આ દિવસ દુ:ખનો, ઠપકાનો તથા બદનામીનો દિવસ છે, કેમ કે બાળકને જનમવાનો સમય આવ્યો છે, પણ તેને જન્મ આપવાની શક્તિ નથી.

19:4કદાચ એવું બને કે, રાબશાકેહ જેને તેના માલિક આશ્શૂરના રાજાએ જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે, તેનાં બધાં વચનો તમારા ઈશ્વર યહોવાહ સાંભળે, તમારા ઈશ્વર યહોવાહે જે વચનો સાંભળ્યાં તેને તેઓ વખોડે. તેથી હવે જે હજુ સુધી અહીં બાકી રહેલા છે તેઓને માટે પ્રાર્થના કરો.”

19:5હિઝકિયા રાજાના ચાકરો યશાયા પાસે આવ્યા,

19:6યશાયાએ તેઓને કહ્યું કે, “તમારા માલિકને કહો કે, ‘યહોવાહ કહે છે કે, “જે વચનો તેં સાંભળ્યાં છે, જેનાથી આશ્શૂરના રાજાના સેવકોએ મારું અપમાન કર્યું છે તેનાથી તમે ગભરાશો નહિ.”

19:7જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. પછી હું તેને તેના પોતાના દેશમાં તલવારથી મારી નંખાવીશ.”

19:8પછી રાબશાકેહ પાછો ગયો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, “આશ્શૂરનો રાજા લિબ્નાહ સામે લડી રહ્યો છે, કેમ કે તેણે સાંભળ્યું હતું કે, રાજા લાખીશ પાસેથી ગયો છે.

19:9કૂશના રાજા તિર્હાકા વિષે સાંભળ્યું, જુઓ, તે તારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો છે, ત્યારે તેણે ફરી યહૂદિયાના રાજા હિઝકિયા પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું કે.

19:10“તું, યહૂદિયાના રાજા હિઝકિયાને કહેજે કે, ‘તારા ઈશ્વર જેના પર તું ભરોસો રાખે છે તે તને એમ કહીને છેતરે નહિ કે, “યરુશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં આપવામાં આવશે નહિ.”

19:11જો, તેં સાંભળ્યું છે કે, આશ્શૂરના રાજાએ બધા દેશોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે. તો શું તારો બચાવ થશે?

19:12જે પ્રજાઓના, એટલે ગોઝાન, હારાન, રેસેફ અને તલાસ્સારમાં રહેતા એદેનના લોકોનો મારા પિતૃઓએ નાશ કર્યો છે તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે?

19:13હમાથનો રાજા, આર્પાદનો રાજા, સફાર્વાઈમ નગરનો રાજા તથા હેનાનો અને ઇવ્વાનો રાજા ક્યાં છે? હતા ના હતા થઈ ગયા છે.

19:14હિઝકિયાએ સંદેશાવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તે યહોવાહના ઘરમાં ગયો અને યહોવાહની આગળ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો.

19:15પછી હિઝકિયાએ યહોવાહ આગળ પ્રાર્થના કરીને કહ્યું કે, “હે ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમે જે કરુબો પર બિરાજમાન છો, પૃથ્વીનાં બધાં રાજયોના તમે એકલા જ ઈશ્વર છો. તમે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.

19:16હે યહોવાહ, તમે કાન દઈને સાંભળો. યહોવાહ તમારી આંખો ઉઘાડો અને જુઓ, સાન્હેરીબનાં વચનો જે વડે તેણે જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યા છે તેને તમે સાંભળો.

19:17હવે યહોવાહ, ખરેખર આશ્શૂરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે.

19:18અને તેઓના દેવોને અગ્નિમાં નાખી દીધા છે, કેમ કે તેઓ દેવો નહોતા, તે તો માણસોના હાથે કરેલું કામ હતું, ફક્ત પથ્થર અને લાકડાં હતાં. તેથી જ આશ્શૂરીઓએ તેઓનો નાશ કર્યો હતો.

19:19તો હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, હું તમને પ્રાર્થના કરું છું કે, અમને તેઓના હાથમાંથી બચાવો કે, પૃથ્વીનાં બધાં રાજ્યો જાણે કે, તમે યહોવાહ, એકલા જ ઈશ્વર છો.”

19:20પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહાવ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, “તેઁ આશ્શૂરના રાજા સાન્હેરીબ વિરુદ્ધ મને પ્રાર્થના કરી હતી. તારી એ પ્રાર્થના મેં સાંભળી છે.

19:21તેના વિષે યહોવાહ જે વચન બોલ્યા છે તે આ છે: “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે. યરુશાલેમની દીકરીએ તારા તરફ પોતાનું માથું ધુણાવ્યું છે.

19:22તેં કોની નિંદા કરી છે તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? તેં કોની સામે તારો અવાજ ઉઠાવ્યો છે? તેં કોની વિરુદ્ધ ઇઝરાયલના પવિત્રનો વિરુદ્ધ જ તારી ઘમંડભરી આંખો ઊંચી કરી છે?

19:23તારા સંદેશાવાહકો દ્વારા તેં પ્રભુનો તિરસ્કાર કર્યો છે. તેઁ કહ્યું છે કે, ‘મારા રથોના જૂથ વડે હું પર્વતોનાં શિખર પર, લબાનોનના ઊંચા સ્થળોએ ચઢયો છું. તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને, તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને હું કાપી નાખીશ. હું તેના સૌથી ફળદ્રુપ જંગલના તથા તેના સૌથી દૂરના પ્રદેશોમાં પ્રવેશ કરીશ.

19:24મેં કૂવા ખોદીને પરદેશીનાં પાણી પીધાં છે. મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે.’

19:25મેં પુરાતન કાળથી તેની યોજના કરી હતી, પ્રાચીન કાળથી કામ કર્યું, એ શું તેં સાંભળ્યું નથી? મેં કોટવાળા નગરોને વેરાન કરીને, ખંડેરના ઢગલા કરવા માટે મેં તને ઊભો કર્યો છે.

19:26તેથી ત્યાંના રહેવાસીઓ શક્તિહીન થઈ ગયા, ગભરાઈને શરમિંદા થઈ ગયા: તેઓ ખેતરના છોડ જેવા, લીલા ઘાસ જેવા, ધાબા પર અને ખેતરમાં ઊગી નીકળેલા, વૃદ્ધિ પામ્યા પહેલાં બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.

19:27તારું નીચે બેસવું, તારું બહાર જવું અને અંદર આવવું તથા મારા પર તારું કોપાયમાન થવું એ બધું હું જાણું છું.

19:28મારા પર કોપ કરવાને લીધે, તારો ઘમંડ મારા કાને પહોંચ્યાને લીધે, હું તારા નાકમાં કડી પહેરાવવાનો છું તારા મોંમાં લગામ નાખવાનો છું; પછી જે રસ્તે તું આવ્યો છે, તે જ રસ્તે હું તને પાછો ફેરવીશ.”

19:29આ તારા માટે ચિહ્નરુપ થશે: આ વર્ષે તમે જંગલી ઊગી નીકળેલા દાણા ખાશો, બીજે વર્ષે તે દાણામાંથી પાકેલું અનાજ ખાશો, ત્રીજે વર્ષે તમે વાવશો અને લણશો, દ્રાક્ષવાડીઓ રોપશો અને તેનાં ફળ ખાશો.

19:30યહૂદિયાના ઘરના બચેલા માણસો, ફરીથી જડ પકડશે અને ફળ આપશે.

19:31કેમ કે, યરુશાલેમમાંથી અને સિયોન પર્વત પરથી બચેલા માણસો બહાર આવશે. સૈન્યોના યહોવાહની આવેશના લીધે આ બધું થશે.

19:32“એટલે આશ્શૂરના રાજા વિષે યહોવાહ એવું કહે છે: “તે આ નગરમાં આવશે નહિ તેમ તે તીર પણ મારશે નહિ. ઢાલ લઈને તેની આગળ નહિ આવે તેમ તેની સામે ઢોળાવવાળી જગ્યા બાંધશે નહિ.

19:33જે માર્ગે તે આવ્યો છે તે માર્ગે તે પાછો જશે; આ શહેરમાં તે પ્રવેશ કરશે નહિ. આ યહોવાહનું નિવેદન છે.”

19:34મારે પોતાને માટે તેમ જ મારા સેવક દાઉદને માટે હું આ નગરનું રક્ષણ કરીશ અને તેને બચાવીશ.’”

19:35તે જ રાત્રે એમ થયું કે, યહોવાહના દૂતે આવીને આશ્શૂરીઓની છાવણીમાં એક લાખ પંચાશી હજાર સૈનિકોને મારી નાખ્યા. વહેલી સવારે માણસોએ ઊઠીને જોયું, તો બધી જગ્યાએ મૃતદેહ પડ્યા હતા.

19:36તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પોતાના પ્રદેશમાં પાછો નિનવેમાં જતો રહ્યો.

19:37તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરાઓ આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેનો દીકરો એસાર-હાદ્દોન તેના પછી રાજા બન્યો.

2 કાળવૃતાંત

2 કાળ 32:1–23

1હિઝકિયા રાજાએ આ સેવાભક્તિના કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યાં. તેના થોડા સમય પછી આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયા પર ચઢાઈ કરી અને કિલ્લેબંદીવાળાં નગરો સામે પડાવ નાખ્યો. અને હુમલો કરીને આ નગરોને કબજે કરવાનો હુકમ આપ્યો.

2જ્યારે હિઝકિયાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે અને તેનો ઇરાદો યરુશાલેમ ઉપર આક્રમણ કરવાનો છે,

3ત્યારે જે ઝરાઓ નગરની બહાર હતા તે ઝરાઓનું પાણી બંધ કરી દેવા વિષે તેણે પોતાના આગેવાનો તથા સામર્થ્યવાન પુરુષોની સલાહ પૂછી. તેઓએ તેને માર્ગદર્શન આપ્યું.

4ઘણાં લોકો ભેગા થયા અને તેઓએ સર્વ ઝરાઓને તથા દેશમાં થઈને વહેતાં નાળાંને પૂરી દીધાં. તેઓએ કહ્યું, “શા માટે આશ્શૂરના રાજાઓને ઘણું પાણી મળવું જોઈએ?”

5હિઝકિયાએ ભાંગી ગયેલો કોટ હિંમત રાખીને ફરીથી બાંધ્યો; તેના પર બુરજો બાંધ્યા અને કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો. તેણે દાઉદનગરમાંના મિલ્લોને મજબૂત કર્યું અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી.

6તેણે લશ્કરના સેનાપતિઓની નિમણૂક કરીને તેઓને નગરના દરવાજા પાસેના ચોકમાં પોતાની હજૂરમાં એકત્ર કર્યા. અને તેઓને ઉત્તેજન આપતા કહ્યું,

7“તમે બળવાન તથા હિંમતવાન થાઓ. આશ્શૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ગભરાશો તથા નાહિંમત થશો નહિ, કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જેઓ છે તેઓ વધારે છે.

8તેની પાસે ફક્ત માણસો જ છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા પ્રભુ ઈશ્વર છે.” પછી યહૂદિયાના રાજા હિઝકિયાના ઉત્તેજનથી લોકો ઉત્સાહિત થયા હતા.

9તે પછી, આશ્શૂરના રાજા સાન્હેરીબે પોતાના ચાકરોને યરુશાલેમમાં મોકલ્યા તે તો પોતાના સર્વ બળવાન સૈન્ય સાથે લાખીશની સામે પડેલો હતો તથા યહૂદિયાના રાજા હિઝકિયાને અને યરુશાલેમમાં રહેતા યહૂદિયાના સર્વ લોકોને કહેવડાવ્યું,

10“આશ્શૂરનો રાજા સાન્હેરીબ કહે છે કે, ‘તમે કોના ઉપર ભરોસો રાખીને યરુશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો?

11“‘ઈશ્વર અમારા પ્રભુ અમને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવશે’, એવું તમને કહીને હિઝકિયા ગેરમાર્ગે દોરી રહ્યો છે, તે તમને દુકાળ અને તરસથી રીબાઈને મૃત્યુને સોંપી રહ્યો છે.

12શું એ જ હિઝકિયાએ તેના ઉચ્ચસ્થાનો અને તેની વેદીઓ કાઢી નાખીને યહૂદાને તથા યરુશાલેમને આજ્ઞા નહોતી આપી કે તમારે એક જ વેદી આગળ આરાધના કરવી તથા તેના જ ઉપર ધૂપ બાળવો?

13તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શા હાલ કર્યા છે? તે દેશોના લોકોના દેવો પોતાના દેશોને મારા હાથમાંથી બચાવી શકવાને સમર્થ છે?

14મારા પિતૃઓએ નાશ કરી નાખેલી પ્રજાઓના દેવોમાં એવો કોણ હતો કે જે પોતાના લોકોને મારા હાથમાંથી બચાવી શક્યો હોય? તો પછી તમારા ઈશ્વર તમને મારા હાથમાંથી બચાવવાને શી રીતે સમર્થ હોઈ શકે?

15હવે હિઝકિયા તમને જે રીતે સમજાવે છે તે રીતે તમે છેતરાશો નહિ. તેનો વિશ્વાસ કરશો નહિ, કેમ કે કોઈ પણ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકોને મારાથી કે મારા પૂર્વજોથી બચાવી શક્યા નથી. તો પછી મારા હાથમાંથી તમને બચાવવાને તમારા ઈશ્વર કેટલા શક્તિમાન છે?”

16આ મુજબ, સાન્હેરીબના માણસો ઈશ્વર પ્રભુ અને તેના સેવક હિઝકિયાની વિરુદ્ધમાં બકવાસ કર્યા.

17સાન્હેરીબે પોતે પણ ઇઝરાયલના ઈશ્વરનું અપમાન કરતા પત્રો લખ્યા અને તેમની વિરુદ્ધ ઉદ્દગારો કર્યાં. તેણે કહ્યું કે, “જેમ બીજા દેશોની પ્રજાઓના દેવો પોતાના લોકોને મારા હાથથી બચાવી શક્યા નથી તેમ હિઝકિયાના ઈશ્વર પણ તેમની પ્રજાને મારા હાથથી નહિ બચાવી શકે.”

18યરુશાલેમના જે લોકો કોટ ઉપર ઊભેલા હતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય અને ડરી જાય કે જેથી તેઓ નગરને કબજે કરી શકે તે માટે તેઓએ તેઓને યહૂદી ભાષામાં મોટા અવાજથી ધમકી આપી.

19જગતના બીજા લોકોના દેવો જેવા યરુશાલેમના ઈશ્વર પણ માણસોના હાથથી બનાવેલા હોય તેમ તેઓ તેમના વિષે એલફેલ બોલતા હતા.

20આવી વિકટ પરિસ્થિતિમાં આ બાબતને માટે રાજા હિઝકિયાએ અને આમોસના પુત્ર યશાયા પ્રબોધકે આકાશ તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરી.

21યહોવાહે એક દૂતને મોકલ્યો. તેણે આશ્શૂરના રાજા સાન્હેરીબની છાવણીમાં જે યોદ્ધાઓ, સેનાપતિઓ અને અધિકારીઓ હતા તે સૌને મારી નાખ્યા. તેથી સાન્હેરીબને શરમિંદા થઈને પોતાને દેશ પાછા જવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. અને ત્યાં તેના પોતાના જ કોઈ એક પુત્રએ તેને તલવારથી મારી નાખ્યો.

22આ રીતે ઈશ્વરે હિઝકિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને આશ્શૂરના રાજા સાન્હેરીબના તથા બીજા બધાના હાથમાંથી બચાવી લીધા અને ચારે બાજુથી તેઓનું રક્ષણ કર્યુ.

23ઘણાં લોકો યરુશાલેમમાં ઈશ્વરને માટે અર્પણો લાવ્યા તથા યહૂદાના રાજા હિઝકિયાને પણ ઉત્તમ વસ્તુઓ ભેટમાં આપી. તેથી આ સમયથી તે સર્વ પ્રજાઓમાં પ્રિય અને આદરપાત્ર થયો.

યશાયા

યશા 36:1–22; 37:1–38

36:1હિઝકિયા રાજાની કારકિર્દીના અમલના ચૌદમા વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાનાં સર્વ કિલ્લાવાળાં નગરો ઉપર ચઢાઈ કરીને તેઓને જીતી લીધાં.

36:2પછી આશ્શૂરના રાજાએ લાખીશથી રાબશાકેહને મોટા લશ્કર સહિત હિઝકિયા રાજાની પાસે યરુશાલેમ મોકલ્યો. તે ધોબીના ખેતરની સડક પર ઉપલા તળાવના ગરનાળા પાસે ઊભો રહ્યો.

36:3ત્યારે હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે રાજમહેલનો અધિકારી હતો તે, સચિવ શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ જે ઇતિહાસકાર હતો તે, તેની પાસે મળવાને બહાર આવ્યા.

36:4રાબશાકેહએ તેઓને કહ્યું, “હિઝકિયાને કહેજો, આશ્શૂરના મહાન રાજા એવું પૂછે છે કે, ‘તું કોના પર ભરોસો રાખે છે?

36:5હું પૂછું છું કે, માત્ર મુખની વાતો એ જ યુદ્ધને માટે સલાહ તથા પરાક્રમનું કામ સારે? તેં કોના ઉપર ભરોસો રાખીને મારી સામે બંડ કર્યું છે?

36:6જો, તું આ ભાંગેલા બરુના દાંડા પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે કે, જેના ઉપર જો કોઈ ટેકે તો તે તેની હથેળીમાં પેસીને તેને વીંધી નાખશે! મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનાર સર્વ પ્રત્યે તેવો જ છે.

36:7પણ કદાચ તું મને કહેશે, “અમારા ઈશ્વર યહોવાહ પર અમે ભરોસો રાખીએ છીએ,” તો શું તે એ જ ઈશ્વર નથી કે જેમનાં ઉચ્ચસ્થાનો તથા વેદીઓને હિઝકિયાએ નષ્ટ કર્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે, “તમારે, યરુશાલેમમાં આ વેદી આગળ જ પ્રણામ કરવા?”

36:8તેથી હવે, હું તને બે હજાર ઘોડા આપું છું, તેઓ પર સવારી કરનાર માણસો પૂરા પાડવાની મારા માલિક આશ્શૂરના રાજાની સાથે તું શરત કર.

36:9તમે કેમ કરીને મારા ઘણીના નબળામાં નબળા સરદારને પાછો ફેરવી શકો? કેમ કે તમારો ભરોસો મિસરના રથો અને ઘોડેસવારોમાં છે.

36:10તો હવે, શું હું યહોવાહની આજ્ઞા વિના આ જગાનો નાશ કરવા માટે તેના ઉપર ચઢી આવ્યો છું? યહોવાહે મને કહ્યું છે, “આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર!”

36:11પછી એલિયાકીમે, શેબ્ના તથા યોઆહાઝે રાબશાકેહને કહ્યું, “મહેરબાની કરીને આ તારા ચાકરોની સાથે અરામી ભાષામાં બોલ; કેમ કે અમે તે સમજીએ છીએ. પણ કોટ પર જે લોકો છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદી ભાષામાં બોલતો નહિ.”

36:12પણ રાબશાકેહએ તેઓને કહ્યું, “શું મારા માલિકે એ વચનો ફક્ત તારા માલિકને તથા તને કહેવાને માટે મને મોકલ્યો છે? જે માણસો કોટ ઉપર બેઠેલા છે અને જેઓ તારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા પોતાનું મૂત્ર પીવાને માટે નિર્માણ થયેલા છે, તેઓને કહેવાને માટે મને મોકલ્યો નથી?”

36:13પછી રાબશાકેહએ ઊભા રહીને મોટા અવાજે યહૂદી ભાષામાં પોકારીને કહ્યું, આશ્શૂરના મહાન રાજાધિરાજનાં વચનો સાંભળો;

36:14રાજા કહે છે: ‘હિઝકિયાથી તમે છેતરાશો નહિ; કેમ કે તે તમને છોડાવી શકશે નહિ.

36:15વળી “યહોવાહ આપણને જરૂર છોડાવશે; આ નગર આશ્શૂરના રાજાના હાથમાં જશે નહિ. એમ કહીને હિઝકિયા તમારી પાસે યહોવાહ પર ભરોસો કરાવે નહિ.”

36:16હિઝકિયાની વાત સાંભળશો નહિ, કેમ કે આશ્શૂરનો રાજા એમ કહે છે: ‘મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો. પછી તમારામાંના દરેક પોતાના દ્રાક્ષાવેલામાંથી અને પોતાની અંજીરીના ફળ ખાશો અને પોતાની ટાંકીનું પાણી પીશો.

36:17જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા દેશના જેવો, ધાન્ય તથા દ્રાક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષવાડીનો દેશ, તેમાં તમને લઈ જાઉં નહિ ત્યાં સુધી તમે એમ જ કરશો.’”

36:18‘યહોવાહ આપણને છોડાવશે,’ એમ કહીને હિઝકિયા તમને ગેરમાર્ગે ના દોરે. શું વિદેશીઓના કોઈ પણ દેવે પોતાના દેશને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવ્યો છે?

36:19હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમના દેવો ક્યાં છે? શું તેઓએ મારા હાથમાંથી સમરુનને છોડાવ્યું છે?

36:20એ દેશોના સર્વ દેવોમાંથી કયા દેવે પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો છે કે, યહોવાહ યરુશાલેમને મારા હાથમાંથી છોડાવે?”

36:21તેઓ છાના રહ્યા અને તેના જવાબમાં એક પણ શબ્દ બોલ્યા નહિ, કેમ કે રાજાની આજ્ઞા એવી હતી કે, “તેને ઉત્તર આપવો નહિ.”

36:22પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે મહેલનો અધિકારી હતો તે, લેખક શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ ઇતિહાસકાર પોતાના વસ્ત્ર ફાડીને હિઝકિયા પાસે પાછા આવ્યા અને રાબશાકેહના શબ્દો કહી સંભળાવ્યા.

37:1જ્યારે હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં, શરીર પર ટાટ ધારણ કરીને તે યહોવાહના ઘરમાં ગયો.

37:2તેણે મહેલના કારભારી એલિયાકીમને, લેખક શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ ઓઢાડીને તેઓને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

37:3તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ દિવસ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે આ તો છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, પણ જન્મ આપવાની શક્તિ ના હોય તેવી સ્થિતિ છે.

37:4આશ્શૂરના રાજાએ પોતાનાં સેવક રાબશાકેહને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે અને તેના સર્વ શબ્દો યહોવાહ તમારા ઈશ્વરે સાંભળ્યા છે. તો હવે તે સાંભળીને તેને માટે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તું પ્રાર્થના કર.”

37:5તેથી હિઝકિયા રાજાના સેવકો યશાયા પાસે આવ્યા.

37:6અને યશાયાએ તેઓને કહ્યું: “તમારા ધણીને કહેજો કે: ‘યહોવાહ કહે છે કે, જે શબ્દો તેં સાંભળ્યા છે, એટલે જે વડે આશ્શૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહિ.

37:7જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ અને તે અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. ત્યાં હું તેને તલવારથી મારી નંખાવીશ.”

37:8જ્યારે રાબશાકેહ પાછો ગયો ત્યારે તેને માલૂમ પડ્યું આશ્શૂરનો રાજા લિબ્નાહની વિરુદ્ધ યુદ્ધ કરે છે. વળી તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ઊપડ્યો છે.

37:9જ્યારે તેણે સાંભળ્યું કે કૂશના રાજા તિર્હાકા તથા મિસરીઓ સાથે મળીને મારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યા છે, ત્યારે તેણે ફરીથી યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે સંદેશવાહકોને મોકલીને કહાવ્યું,

37:10“હિઝકિયા, યહૂદિયાના રાજાને કહે કે, ‘જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે, તે એવું કહીને તમને ન છેતરે કે, “યરુશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં નહિ પડશે.”

37:11આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોનો નાશ કરીને તેઓના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; તો શું તારો બચાવ થશે?

37:12જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રેસેફ તથા તલાસારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પૂર્વજોએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું?

37:13હમાથનો, આર્પાદનો અને સફાર્વાઈમ નગરનો, હેનાનો તથા ઇવ્વાનો રાજા ક્યાં છે?

37:14હિઝકિયાએ સંદેશવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે યહોવાહના ઘરમાં જઈને તે પત્ર તેમની આગળ ખુલ્લો કર્યો.

37:15હિઝકિયાએ યહોવાહને પ્રાર્થના કરી:

37:16હે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કરુબો પર બિરાજમાન, પૃથ્વીનાં સર્વ રાજ્યોના તમે જ એકલા ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.

37:17હે યહોવાહ, કાન દઈને સાંભળો. હે યહોવાહ, આંખ ઉઘાડીને જુઓ અને જીવતા ઈશ્વરની નિંદા કરનારા આ સાન્હેરીબના શબ્દો તમે સાંભળો.

37:18હે યહોવાહ, ખરેખર આશ્શૂરના રાજાઓએ બીજી પ્રજાઓનો તથા તેઓના દેશોનો નાશ કર્યો છે એ વાત સાચી છે.

37:19તેઓએ તેઓના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તેઓ દેવો નહોતા, પરંતુ માણસના હાથની કૃતિ-લાકડાં તથા પથ્થર હતા. તેથી આશ્શૂરે તેમનો નાશ કર્યો છે.

37:20તેથી હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, તેના હાથમાંથી અમારો બચાવ કરજો, જેથી પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા ઈશ્વર યહોવાહ છો.”

37:21પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહેવડાવ્યું, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબ વિષે તેં મને પ્રાર્થના કરી છે.’

37:22તે માટે યહોવાહ સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે: “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે અને હસી કાઢ્યો છે; યરુશાલેમની દીકરીએ તારી તરફ માથું ધુણાવ્યું છે.

37:23તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? અને તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે અને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયલનાં પવિત્ર વિરુદ્ધ જ.

37:24તારા ચાકર દ્વારા તેં પ્રભુની નિંદા કરી છે, તેં કહ્યું છે કે, ‘મારા રથોના જૂથ સાથે હું પર્વતોના શિખર પર, લબાનોનના સૌથી અંદરના ભાગોમાં હું ચઢી આવ્યો છું; હું તેના ઊંચા એરેજવૃક્ષોને તથા ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાખીશ; અને હું તેના સૌથી છેવાડા ભાગમાં, તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ.

37:25મેં કૂવા ખોદીને પરદેશનાં પાણી પીધાં છે; મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.’

37:26શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે ઠરાવ કર્યો છે અને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડ્યો છે? અને હવે હું એવું કરું છું કે, તું કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડીયેરના ઢગલા કરી નાખનાર થાય.

37:27તેઓના રહેવાસીઓ કમજોર થઈ ગયા છે, તેઓ વિખેરાઈને લજ્જિત થયા. તેઓ ખેતરના છોડ, લીલું ઘાસ, અગાસી પરનાં ઘાસ તથા ખેતરમાનાં ઘાસ, પૂર્વના વાયુ જેવા થઈ ગયા.

37:28પરંતુ તારું ઊઠવું તથા બેસવું, તારું બહાર જવું તથા તારું અંદર આવવું, તથા મારા પર તારું કોપાયમાન થવું, એ સર્વ હું જાણું છું.

37:29મારા પર તારા ક્રોધાયમાન થયાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા મુખમાં મારી લગામ નાખીને જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ.”

37:30તારા માટે આ ચિહ્ન થશે: આ વર્ષે તમે પોતાની જાતે નીપજેલું ધાન્ય ખાશો અને બીજા વર્ષે એના પાકમાંથી નીપજેલું ધાન્ય ખાશો. પરંતુ ત્રીજા વર્ષે તમે વાવશો અને લણશો તથા દ્રાક્ષવાડીઓ રોપશો અને તેના ફળ ખાશો.

37:31યહૂદિયાના કુળનો બચેલો ભાગ ફરીથી મૂળમાંથી પોતાની જડ ફૂટશે અને તેને ફળ આવશે.

37:32કેમ કે, યરુશાલેમ તથા સિયોન પર્વતમાંથી બચેલા લોકો નીકળી આવશે;’ સૈન્યોના યહોવાહની ઉત્કંઠાથી તે થશે.”

37:33તેથી આશ્શૂરના રાજા વિષે યહોવાહ કહે છે: “તે આ નગરમાં આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ, તે ઢાલ લઈને તેની આગળ આવશે નહિ અને તેની સામે મોરચો બાંધશે નહિ.

37:34જે માર્ગે તે આવ્યો તે જ માર્ગે તે પાછો જશે, આ નગરમાં તે પ્રવેશ કરવા પામશે નહિ. એમ હું યહોવાહ બોલું છું.

37:35કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.”

37:36યહોવાહના દૂતે આવીને આશ્શૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. જયારે પરોઢિયે લોકો ઊઠ્યા, ત્યારે તેઓના મૃતદેહો ઠેર ઠેર પડેલા હતાં.

37:37તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પાછો નિનવે પોતાના ઘરે જતો રહ્યો.

37:38પછી, તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદ્દોને તેની જગ્યાએ રાજ કર્યું.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો