Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › હિઝકિયાથી યોશિયા સુધી

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · હિઝકિયાથી યોશિયા સુધી

હિઝકિયાની માંદગી

2 રાજા 20:1–11 · 2 કાળ 32:24–26 · યશા 38:1–8

2 રાજાઓ

2 રાજા 20:1–11

1તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવાહ કહે છે, ‘તારા કુટુંબનો બંદોબસ્ત કર; કેમ કે, તું મરી જશે, જીવશે નહિ.’”

2ત્યારે હિઝકિયાએ દીવાલ તરફ પોતાનું મોં ફેરવીને યહોવાહને પ્રાર્થના કરીને કહ્યું,

3“હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું કે, હું કેવી રીતે તમારી આગળ વિશ્વાસુપણે તથા મારા પૂરા હૃદયથી ચાલ્યો છું, તમારી દ્રષ્ટિમાં જે સારું હતું તે મેં કર્યું છે, તેને યાદ કરો.” પછી હિઝકિયા બહુ રડ્યો.

4યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, યહોવાહનું વચન તેની પાસે એવું આવ્યું કે,

5“તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝકિયાને કહે કે, ‘તારા પિતૃ દાઉદના ઈશ્વર યહોવાહ એવું કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને ત્રીજા દિવસે સાજો કરીશ અને તું યહોવાહના ઘરમાં જશે.

6હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ, તને તથા આ નગરને હું આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ. મારા પોતાના માટે અને મારા સેવક દાઉદના માટે હું આ નગરનું રક્ષણ કરીશ.”

7યશાયાએ કહ્યું, “અંજીરનું ચકતું લો;” તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગૂમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો.

8પછી હિઝકિયાએ યશાયાને પૂછ્યું, “યહોવાહ મને સાજો કરશે અને હું ત્રીજા દિવસે યહોવાહના ઘરમાં જઈશ, તેનું ચિહ્ન શું?”

9યશાયાએ કહ્યું, “યહોવાહે જે વચન કહ્યું છે તે પૂરું કરશે, તેનું ચિહ્ન આ છે. છાંયડો દસ અંશ આગળ જાય કે, દસ અંશ પાછળ જાય?”

10હિઝકિયાએ જવાબ આપ્યો, “છાંયડો દસ અંશ આગળ વધે એ તો નાની વાત છે; એમ નહિ, પણ દસ અંશ પાછો હઠે.”

11યશાયા પ્રબોધકે યહોવાહને મોટેથી પોકાર કર્યો, તેથી આહાઝના સમયદર્શક યંત્રમાં છાંયડો જેટલો નમ્યો હતો, ત્યાંથી તેમણે દસ અંશ પાછો હઠાવ્યો.

2 કાળવૃતાંત

2 કાળ 32:24–26

24પછીના થોડા દિવસો બાદ હિઝકિયા મરણતોલ બીમારીનો ભોગ થયો. તેણે ઈશ્વરને પ્રાર્થના કરી; તેના જવાબમાં ઈશ્વરે તેની સાથે વાત કરી અને તે તેને સાજો કરશે તેવું દર્શાવવા માટે તેને એક ચિહ્ન આપવામાં આવ્યું.

25પણ હિઝકિયાને ઈશ્વર તરફથી જે સહાય મળી હતી તેનો બદલો તેણે યોગ્ય રીતે વાળ્યો નહિ. તે પોતાના હૃદયમાં ગર્વિષ્ઠ થયો. તેથી તેના પર, તેમ જ યહૂદા તથા યરુશાલેમ પર ઈશ્વરનો કોપ ઊતરી આવ્યો.

26આવું થવાથી હિઝકિયા પોતાનો ગર્વ છોડીને છેક દીન થઈ ગયો. યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પણ રાજાની માફક નમ્ર થયા. તેથી હિઝકિયાના જીવનકાળ દરમિયાન ઈશ્વરનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.

યશાયા

યશા 38:1–8

1તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. તેથી આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને કહ્યું: “યહોવાહ એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, તું જીવવાનો નથી.”

2ત્યારે હિઝકિયાએ પોતાનું મુખ દીવાલ તરફ ફેરવીને યહોવાહને પ્રાર્થના કરી.

3તેણે કહ્યું, “હે યહોવાહ, હું કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી સમક્ષ ચાલ્યો છું અને તમારી દૃષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે,” અને પછી હિઝકિયા બહુ રડ્યો.

4પછી યશાયાની પાસે યહોવાહનું આ વચન આવ્યું કે,

5“જઈને મારા લોકના આગેવાન હિઝકિયાને કહે, “તારા પિતા દાઉદના ઈશ્વર યહોવાહ એમ કહે છે, ‘તારી પ્રાર્થના મેં સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. જુઓ, હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ.

6હું તને તથા આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ; અને હું આ નગરનું રક્ષણ કરીશ.

7અને યહોવાહે જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાહથી મળશે:

8જુઓ, આહાઝના સમયદર્શક યંત્રમાં જે છાંયડો દશ અંશ પર છે, તેને હું દશ અંશ પાછો હટાવીશ!” તેથી છાંયડો જે સમયદર્શક યંત્ર પર હતો તે દશ અંશ પાછો હટ્યો.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો