Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › યહૂદિયાના રાજાઓ

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · યહૂદિયાના રાજાઓ

અથાલ્યા અને બાળક યોઆશ

2 રાજા 11:1–21 · 2 કાળ 22:10–12; 23:1–21

2 રાજાઓ

2 રાજા 11:1–21

1હવે અહાઝયાહની માતા અથાલ્યાએ જોયું કે તેનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને બધા રાજપુત્રોને મારી નાખ્યા.

2પણ યોરામ રાજાની દીકરી તથા અહાઝયાહની બહેન યહોશેબાએ અહાઝયાહના એક દીકરા યોઆશને રાજાના જે દીકરાઓ માર્યા ગયા હતા તેઓ મધ્યેથી લઈને તેને તથા તેની દાસીને શયનખંડમાં પૂરી દીધાં. તેઓએ તેને અથાલ્યાથી સંતાડ્યો કે જેથી તે તેને મારી નાખે નહિ.

3તે યહોશેબાની સાથે છ વર્ષ સુધી યહોવાહના ઘરમાં સંતાઈ રહ્યો તે દરમિયાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી.

4સાતમે વર્ષે યહોયાદાએ સંદેશાવાહકો મોકલીને કારીઓના નાયકોના સરદારોના શતાધિપતિઓને તથા રક્ષકોને યહોવાહના ઘરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે યહોવાહના ઘરમાં તેઓની સાથે કરાર કર્યો અને સમ ખવડાવ્યા. પછી તેણે તેઓને રાજાનો દીકરો બતાવ્યો.

5તેણે તેઓને આજ્ઞા કરીને કહ્યું, “આ કામ તમારે કરવું. તમે જે વિશ્રામવારે અંદર આવો, તેઓમાંના ત્રીજા ભાગના લોકોએ રાજાના મહેલની ચોકી કરવી,

6ત્રીજા ભાગના લોકો સૂરના દરવાજે અને બાકીના ત્રીજા ભાગના લોકો સલામતી રક્ષકોની પાછળ દરવાજે રહે.”

7વિશ્રામવારે બહાર જનાર તમારા બધાની બે ટુકડીઓ રાજાની આસપાસ યહોવાહના સભાસ્થાનની ચોકી કરે.

8દરેક માણસે પોતાના હાથમાં હથિયાર રાખીને રાજાની આસપાસ ગોઠવાઈને ઊભા રહેવું. જે કોઈ તમારી હારની અંદર પ્રવેશે તેને મારી નાખવો. રાજા બહાર જાય ત્યારે અને અંદર આવે ત્યારે તમારે તેની સાથે જ રહેવું.

9તેથી યહોયાદા યાજકે જે આજ્ઞા કરી તે પ્રમાણે સરદારોના શતાધિપતિઓએ કર્યું. દરેક માણસે વિશ્રામવારે કામ કરતા તથા વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકત્ર કર્યા અને તેઓને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા.

10દાઉદના જે ભાલા તથા ઢાલો યહોવાહના ઘરમાં હતાં તે યાજક યહોયાદાએ શતાધિપતિઓના સરદારોને આપ્યાં.

11તેથી દરેક રક્ષક સિપાઈ પોતાના હાથમાં હથિયાર લઈને સભાસ્થાનની જમણી બાજુથી તે સભાસ્થાનની ડાબી બાજુ સુધી, વેદી તથા સભાસ્થાન આગળ રાજાની આસપાસ ચોકી કરતા હતા.

12પછી યહોયાદાએ રાજપુત્ર યોઆશને બહાર લાવીને તેના માથા પર રાજમુગટ મૂક્યો તથા કરારનું હુકમનામું આપ્યું. પછી તેઓએ તેનો રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ તાળીઓ પાડીને કહ્યું, “રાજા ઘણું જીવો!”

13જ્યારે અથાલ્યાએ લોકોનો તથા રક્ષકોનો અવાજ સાંભળ્યો, ત્યારે તે લોકોની પાસે યહોવાહના ઘરમાં આવી.

14તેણે જોયું તો, જુઓ, રિવાજ પ્રમાણે રાજા તેના પાયાસન પર ઊભો હતો. સરદારો તથા રણશિંગડાં વગાડનારા રાજાની પાસે ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા અને રણશિંગડાં વગાડતા હતા. ત્યારે અથાલ્યાએ પોતાનાં વસ્ત્ર ફાડીને જોરથી બૂમ પાડી, “રાજદ્રોહ! રાજદ્રોહ!”

15યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી શતાધિપતિઓને આજ્ઞા કરીને કહ્યું, “તેને બહાર કાઢો. અને સિપાઈઓની હરોળોની વચ્ચે લાવો. જે કોઈ તેની પાછળ આવે તેને તલવારથી મારી નાખો.” કેમ કે યાજકે કહ્યું, “તેને યહોવાહના ઘરમાં મારી નાખવી નહિ.”

16તેથી તેઓએ અથાલ્યાને માટે રસ્તો કર્યો, તે ઘોડાને અંદર આવવાના માર્ગેથી રાજમહેલ આગળ ગઈ. ત્યાં તેને મારી નાખવામાં આવી.

17યહોયાદાએ યહોવાહ અને રાજા યોઆશ તથા લોકોની વચ્ચે કરાર કર્યો કે, તેઓએ યહોવાહના લોક થવું, તેણે રાજા અને લોકો વચ્ચે પણ કરાર કર્યો.

18પછી દેશના બધા લોકો બઆલના મંદિરે ગયા અને તેને તોડી નાખ્યું. તેઓએ તેની વેદીઓ તથા મૂર્તિઓના ટુકડે ટુકડાં કરી નાખ્યા. બઆલના યાજક માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. પછી યાજકે યહોવાહના સભાસ્થાનનું રક્ષણ કરવા માટે ચોકીદારો નીમ્યા.

19યહોયાદાએ કારીઓના શતાધિપતિઓને, નાયકને, ચોકીદારોને તથા દેશના બધા લોકોને સાથે લીધા. તેઓ રાજાને યહોવાહના સભાસ્થાનમાંથી લઈને ચોકીદારોના દરવાજે થઈને રાજમહેલમાં આવ્યા. અને યોઆશને રાજાના સિંહાસન પર બેસાડયો.

20તેથી દેશના સર્વ લોકોએ આનંદ કર્યો અને નગરમાં શાંતિ થઈ. તેઓએ અથાલ્યાને રાજમહેલમાં તલવારથી મારી નાખી.

21યોઆશ જયારે રાજ કરવા આવ્યો ત્યારે તે માત્ર સાત વર્ષનો હતો.

2 કાળવૃતાંત

2 કાળ 22:10–12; 23:1–21

22:10હવે જ્યારે અહાઝયાહની માતા અથાલ્યાએ જોયું કે તેનો દીકરો મૃત્યુ પામ્યો છે. તેણે ત્યારે ઊઠીને યહૂદિયાના રાજ કુટુંબનાં સર્વ રાજકુંવરોને મારી નાખ્યા.

22:11પણ રાજાની દીકરી યહોશાબાથ અહાઝયાહના દીકરા યોઆશને જે રાજાના દીકરાઓને મારી નાખવામાં આવતા હતા તેઓની વચ્ચેથી સંતાડીને તેની દાઈના શયનખંડમાં લઈ ગઈ. યહોશાબાથ, રાજા યહોરામની દીકરી અને યાજક યહોયાદાની પત્ની હતી. તે અહાઝયાહની બહેન પણ હતી. તેણે યોઆશને અથાલ્યાથી સંતાડી દીધો હતો, તેથી અથાલ્યા તેને મારી શકી નહિ.

22:12રાજકુંવર યોઆશ તેઓની સાથે છ વરસ સુધી ઈશ્વરના ઘરમાં સંતાઈ રહ્યો. તે સમય દરમિયાન દેશ ઉપર અથાલ્યા રાજય કરતી હતી.

23:1સાતમે વર્ષે યહોયાદા બળવાન થયો. તેણે શતાધિપતિ એટલે યરોહામનો દીકરો અઝાર્યા, યહોહાનાનનો દીકરો ઇશ્માએલ, ઓબેદનો દીકરો અઝાર્યા, અદાયાનો દીકરો માસેયા તથા ઝિખ્રીનો દીકરો અલીશાફાટને લઈને તેઓની સાથે કોલકરાર કર્યા.

23:2તેઓએ સમગ્ર યહૂદિયામાં ફરીને ત્યાંના બધાં નગરોમાંથી લેવીઓને તેમ જ ઇઝરાયલી કુટુંબોના વડીલોને એકઠા કર્યા અને તેઓ યરુશાલેમ આવ્યા.

23:3તે આખી સભાએ ઘરમાં રાજા સાથે કોલકરાર કર્યો. યહોયાદાએ તેઓને કહ્યું, “જે પ્રમાણે ઈશ્વરે દાઉદનાં સંતાનો સંબંધી વચન આપ્યું હતું કે તેના વંશજો રાજ કરશે તેમ જુઓ, રાજાનો દીકરો રાજ કરશે.

23:4તમારે આ પ્રમાણે કામ કરવાનું છે: વિશ્રામવારે સેવા કરનાર તમારે એટલે યાજકો અને લેવીઓ ત્રીજા ભાગે દરવાજા આગળ દ્વારપાળ તરીકે ઊભા રહેવું.

23:5અને બીજા એક તૃતીયાંશ ભાગે રાજાના મહેલ આગળ ખડા રહેવું; બાકીના ત્રીજા ભાગે ઘોડાના દરવાજા આગળ ઊભા રહેવું. બધા લોકોએ ઈશ્વરના સભાસ્થાનના આંગણામાં રહેવું.

23:6યાજકો તથા લેવીઓ જે સેવા કરતા હોય તેઓના સિવાય કોઈને પણ ઘરમાં પ્રવેશ કરવા દેવો નહિ; માત્ર તેઓએ જ અંદર જવું, કેમ કે તેઓ પવિત્ર હોઈને આજના દિવસના કામ માટે તેઓને નિયત કરાયા છે. સર્વ લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળવી.

23:7લેવીઓએ પોતપોતાની તલવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ઊભા રહેવું. જે કોઈ ઘરમાં પ્રવેશે તેને મારી નાખવો. રાજા અંદર આવે કે બહાર જાય ત્યારે તમારે તેની સાથે રહેવું.”

23:8તેથી યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વનો લેવીઓએ તથા યહૂદિયાના બધાં લોકોએ પાલન કર્યુ. તેઓએ પોતપોતાનાં માણસોને એટલે વિશ્રામવારે અંદર આવનાર અને બહાર જનારને ભેગા કર્યા; કેમ કે યહોયાદા યાજકે વારા પ્રમાણે પાછા જનારાઓને જવા દીધાં નહોતા.

23:9યાજક યહોયાદાએ ઈશ્વરના ઘરમાં દાઉદ રાજાની જે નાનીમોટી ઢાલો અને ભાલા હતા તે શતાધિપતિ અધિકારીઓને આપ્યાં.

23:10યહોયાદાએ લોકોના હાથમાં હથિયાર આપીને સભાસ્થાનની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને સભાસ્થાનને ઘેરીને રાજાનું રક્ષણ કરવા તેઓને ગોઠવી દીધા.

23:11પછી યહોયાદા રાજાના દીકરાને લઈ આવ્યો. અને તેના માથા ઉપર મુગટ પહેરાવ્યો. તેણે તેને નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી. પછી તેને રાજા તરીકે જાહેર કર્યો. યહોયાદા અને તેના પુત્રોએ તેનો રાજયાભિષેક કર્યો. પછી તેઓએ કહ્યું, “રાજા ઘણું જીવો.”

23:12જયારે અથાલ્યાએ લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિનો અવાજ સાંભળ્યો ત્યારે તે યહોવાહના ઘરમાં આવી.

23:13અને તેણે જોયું કે રાજા સ્તંભ પાસે દરવાજા આગળ ઊભો હતો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઈને ઈશ્વરની સ્તુતિ કરતા હતા. તે જોઈને અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”

23:14પછી યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી સેનાધિપતિઓને બોલાવીને કહ્યું, “તેને સૈનિકોની હરોળની વચમાં થઈને બહાર લાવો; જે કોઈ તેની પાછળ જાય તેને મારી નાખો.” યાજકે ચેતવણી આપતા કહ્યું, “ઈશ્વરના ઘરમાં તેને મારી નાખવી નહિ.”

23:15તેથી તેઓએ તેને રસ્તો આપ્યો અને તે ઘોડા-દરવાજાના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઈને તે રાજમહેલ પાસે આવી. ત્યાં તેઓએ તેને મારી નાખી.

23:16પછી યહોયાદાએ પોતે, સર્વ લોકો અને રાજાની વચ્ચે કરેલ કરાર કર્યો કે, તેઓ ઈશ્વરના લોકો જ બનીને રહેશે.

23:17તેથી બધા લોકોએ જઈને બઆલના મંદિરને તોડી નાખ્યું; તેઓએ બઆલની વેદીઓ અને મૂર્તિઓને ભાંગીને તેના ટુકડાં કરી નાખ્યા. અને બઆલના યાજક માત્તાનને તે વેદીઓની સામે જ મારી નાખ્યો.

23:18મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ઈશ્વરને દહનીયાર્પણ ચઢાવવા માટે દાઉદ રાજાએ જે લેવી યાજકોની ઈશ્વરના ઘરમાં સેવા આપવા નિમણૂક કરી હતી તેઓના હાથ નીચે આનંદ તથા કિર્તન કરવાને દાઉદના સંચાલન મુજબ યહોયાદાએ સભાસ્થાન માટે કારભારીઓ નીમ્યા.

23:19તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઈ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય.

23:20યહોયાદા પોતાની સાથે શાતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકોના અધિકારીઓને તથા દેશના બધા લોકોને લઈને રાજાને સભાસ્થાનથી નીચે લઈ આવ્યો અને પછી ઈશ્વરના સભાસ્થાનના ‘ઉપલા દરવાજાથી’ તેને રાજમહેલમાં લઈ ગયો અને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો.

23:21દેશના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ. કેમ કે તેઓએ અથાલ્યાને તલવારથી મારી નાંખી હતી.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો