Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › ઉપદેશ

સુવાર્તાઓ બાજુબાજુમાં · ઉપદેશ

વાવનારનું દ્રષ્ટાંત

માથ 13:1–9 · માર્ક 4:1–9 · લૂક 8:4–8

માથ્થી

માથ 13:1–9

1તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા.

2અતિ ઘણાં લોક તેમની પાસે એકઠા થયા, માટે તે હોડી પર ચઢીને બેઠા; અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા.

3ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.

4તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા.

5કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં.

6પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયા.

7કેટલાક કાંટાનાં ઝાડવામાં પડ્યાં; કાંટાનાં ઝાડવાએ વધીને તેને દબાવી નાખ્યાં.

8બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાકે સોગણાં, કેટલાકે સાંઠગણાં, અને કેટલાક ત્રીસગણાં.

9જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”

માર્ક

માર્ક 4:1–9

1ઈસુ સમુદ્રને કિનારે ફરી બોધ કરવા લાગ્યા. અતિ ઘણાં લોકો ભેગા થયા, માટે તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠા; અને બધા લોકો સમુદ્રની પાસે કાંઠા પર હતા.

2અને દ્રષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને પોતાના બોધમાં તેઓને કહ્યું.

3‘સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.

4એમ થયું કે, તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાની કોરે પડ્યાં; અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા.

5બીજાં પથ્થરવાળી જમીનમાં પડ્યાં, જ્યાં વધારે માટી ન હતી; અને જમીન ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યાં.

6પણ સૂર્ય ઊગ્યો ત્યારે તેઓ ચીમળાઈ ગયા; અને તેઓને જડ ન હતી માટે તેઓ સુકાઈ ગયા.

7બીજાં કાંટાનાં ઝાડવામાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં; અને તેઓએ ફળ ન આપ્યું.

8બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં; અને તેઓએ ઊગીને તથા વઘીને ફળ આપ્યાં, ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં.

9તેમણે તેઓને કહ્યું કે, ‘જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”

લૂક

લૂક 8:4–8

4જયારે ઘણાં લોકો એકઠા થયા, અને શહેરે શહેરના લોક તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે દ્રષ્ટાંત કહ્યું કે,

5‘એક માણસ બીજ વાવવાને ગયો, વાવતાં વાવતાં કેટલાક બીજ માર્ગની કોરે પડ્યાં. તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પક્ષીઓ તે બીજ ખાઈ ગયા.

6બીજાં બીજ પથ્થરવાળી જમીન પર પડયાં અને ઊગ્યાં તેવા જ તે ચીમળાઈ ગયા, કારણ, ત્યાં ભેજ નહોતો.

7કેટલાક બીજ કાંટાનાં જાળાંમાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં.

8વળી બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં અને તેને સોગણો પાક થયો,’ એ વાતો કહેતાં ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો