Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › ગાલીલમાં

સુવાર્તાઓ બાજુબાજુમાં · ગાલીલમાં

યાઈરની દીકરી અને તેમના વસ્ત્રને અડકનાર સ્ત્રી

માથ 9:18–26 · માર્ક 5:21–43 · લૂક 8:40–56

માથ્થી

માથ 9:18–26

18ઈસુ તેઓને આ વાત કહેતાં હતા, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેમને પગે પડીને કહ્યું કે, “મારી દીકરી હમણાં જ મૃત્યુ પામી છે, પણ તમે આવીને તમારો હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે.”

19ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્યો સહિત તેની પાછળ ગયા.

20ત્યારે જુઓ, એક સ્ત્રી જેને બાર વર્ષથી સખત લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રોની કોરને અડકી;

21કેમ કે તેણે પોતાના મનમાં વિચાર્યું કે, “જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈ જઈશ.”

22ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે, “દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;” અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.

23પછી જયારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા;

24ત્યારે તેમણે કહ્યું કે, “અહીંથી ચાલ્યા જાઓ; કેમ કે છોકરી મરી ગઈ નથી, પણ ઊંઘે છે.” અને તેઓએ ઈસુની વાતને મજાકમાં કાઢી.

25લોકોને બહાર કાઢ્યાં પછી, તેમણે અંદર જઈને તેનો હાથ પકડ્યો; અને તે છોકરી ઊઠી.

26તે વાતની ચર્ચા આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ.

માર્ક

માર્ક 5:21–43

21જયારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણાં લોકો તેમની પાસે ભેગા થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા.

22સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈર નામે એક જણ આવ્યો અને તેમને જોઈને તેમના પગે પડયો;

23તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું કે, ‘મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો એ સારુ કે તે સાજી થઈને જીવે.’”

24ઈસુ તેની સાથે ગયા; અને અતિ ઘણાં લોકો તેમની પાછળ ચાલ્યા અને તેમના પર પડાપડી કરી.

25એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો

26અને તેણે ઘણાં વૈદોથી ઘણું સહ્યું હતું, પોતાનું બધું ખરચી નાખ્યું હતું અને તેને કંઈ ફરક પડ્યો નહોતો, પણ તેથી ઊલટું વધારે બીમાર થઈ હતી,

27તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને અડકી.

28કેમ કે તેણે ધાર્યું કે, ‘જો હું માત્ર તેમના ઝભ્ભાને અડકું તો હું સાજી થઈશ.’”

29તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે ‘હું બીમારીથી સાજી થઈ છું.’”

30મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું પોતાને ખબર પડવાથી, ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે, ‘કોણે મારા વસ્ત્રને સ્પર્શ કર્યો?’”

31તેના શિષ્યોએ તેમને કહ્યું કે, ‘તમે જુઓ છો કે, ઘણાં લોકો તમારા પર પડાપડી કરે છે અને શું તમે કહો છો કે, કોણે મને સ્પર્શ કર્યો?’”

32જેણે એ કામ કર્યું તેને જોવા સારુ તેમણે આસપાસ નજર ફેરવી.

33તે સ્ત્રી ડરતી તથા ધ્રૂજતી, તેને જે થયું તે જાણીને આવી, અને તેમના પગે પડી અને તેમને બધું સાચે સાચું કહ્યું.

34ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા.’”

35તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે, ‘તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તકલીફ શું કરવા આપે છે?’”

36પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનના અધિકારીને કહે છે કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ.’”

37અને પિતર, યાકૂબ, તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય, તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધાં.

38સભાસ્થાનના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને કલ્પાંત, રુદન તથા વિલાપ કરનારાઓને જુએ છે.

39તે અંદર આવીને તેઓને કહે છે કે, ‘તમે કેમ કલ્પાંત કરો છો અને રડો છો? છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે.’”

40તેઓએ તેમને હસી કાઢ્યાં. પણ બધાને બહાર મોકલીને, છોકરીનાં માબાપને તથા જેઓ પોતાની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર ગયા.

41છોકરીનો હાથ પકડીને તેઓ તેને કહે છે કે, ‘ટલિથા કૂમ, જેનો અર્થ એ છે કે, છોકરી, હું તને કહું છું, ઊઠ.’”

42તરત છોકરી ઊઠીને ચાલવા લાગી; કેમ કે તે બાર વર્ષની હતી; અને તેઓ ઘણાં વિસ્મિત થયાં.

43ઈસુએ તેઓને તાકીદ કરી કે, ‘કોઈ એ ન જાણે;’ અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.

લૂક

લૂક 8:40–56

40ઈસુ પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો આવકાર કર્યો; કેમ કે બધા ઈસુની રાહ જોતાં હતા.

41જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, અને તે સભાસ્થાનનો અધિકારી હતો; અને તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે, ‘મારે ઘરે પધારો.’”

42કેમ કે તેને આશરે બાર વર્ષની એકની એક દીકરી હતી અને તે મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા તે દરમિયાન ઘણાં લોકોએ તેમના પર પડાપડી કરી.

43એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવાનો રોગ થયો હતો, અને તેણે પોતાનાં બધાં નાણાં વૈદો પાછળ ખરચી નાખ્યાં હતાં પણ કોઈ તેનો રોગ મટાડી શક્યા ન હતા.

44તે ઈસુની પાછળ આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શી, અને તરત તેનો લોહીવા બંધ થયો.

45ઈસુએ કહ્યું કે, ‘મને કોણે સ્પર્શ કર્યો? અને બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જે તેની સાથે હતા તેઓએ કહ્યું કે, ‘ગુરુ, ઘણાં લોકો તમારા ઉપર પડાપડી કરે છે, અને તમને દબાવી દે છે.’”

46પણ ઈસુએ કહ્યું કે, ‘કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.’”

47જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું છૂપી રહી શકી નહિ, ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમને પગે પડીને શા કારણથી તેણે તેમને સ્પર્શ કર્યો હતો અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ ઈસુને કહી સંભળાવ્યું.

48ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.’”

49ઈસુ હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક માણસે આવીને તેને કહ્યું કે, ‘તારી દીકરી મરી ગઈ છે, ગુરુને તસ્દી ન આપીશ.’”

50પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ કર, અને તારી દીકરી સાજી થશે.’”

51ઈસુ ઘરમાં પહોંચ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન, અને છોકરીનાં માબાપ સિવાય ઈસુએ કોઈને પોતાની સાથે આવવા દીધાં નહિ.

52ત્યાં બધાં લોકો છોકરી પાછળ રડતાં તથા વિલાપ કરતાં હતાં; પણ ઈસુએ કહ્યું કે, રડશો નહિ; તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે.

53તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ ઈસુને હસી કાઢ્યાં.

54પણ ઈસુએ તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે, ‘દીકરી, ઊઠ.’”

55અને તેનો આત્મા પાછો આવ્યો, અને તે તરત ઊભી થઈ. અને ઈસુએ તે છોકરીને ખાવાનું આપવાનો હુકમ કર્યો.

56તેનાં માબાપ આશ્ચર્યચકિત થયાં; પણ તેણે તેઓને તાકીદ કરી કે, ‘જે થયું તે વિષે કોઈને કશું કહેશો નહિ.’”

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો