Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › ગાલીલમાં

સુવાર્તાઓ બાજુબાજુમાં · ગાલીલમાં

જેનામાં દુષ્ટાત્માઓની ‘સેના’ હતી તે માણસ

માથ 8:28–34 · માર્ક 5:1–20 · લૂક 8:26–39

માથ્થી

માથ 8:28–34

28જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલાં બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા; તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું.

29જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, “ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? નિશ્ચિત સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?”

30હવે તેઓથી થોડેક દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું.

31દુષ્ટાત્માઓએ તેમને વિનંતી કરતાં કહ્યું કે, “જો તમે અમને કાઢો તો ભૂંડોના ટોળાંમાં અમને મોકલો.”

32ઈસુએ તેઓને કહ્યું કે, ‘જાઓ!’ પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠાં; અને જુઓ, આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ઘસી પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું.

33ત્યારે ચરાવનારા ભાગ્યા, તેઓએ નગરમાં જઈને સઘળું કહી સંભળાવ્યું; સાથે દુષ્ટાત્મા વળગેલાંઓને શું થયું તે પણ કહ્યું.

34ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું. તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી કે, અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.

માર્ક

માર્ક 5:1–20

1તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા.

2ઈસુ હોડીમાંથી ઊતર્યા, એટલે કબરસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો.

3તે કબરસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું;

4કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો, પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી; કોઈ તેને વશ કરી શકતું ન હતું.

5તે નિત્ય રાતદિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.

6પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો.

7અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, ‘ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપું છું કે, તમે મને પીડા ન આપો.’”

8કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, ‘અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.’”

9તેમણે તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારું નામ સેના છે, કેમ કે અમે ઘણાં છીએ.’”

10તેણે તેમને ઘણી વિનંતી કરી, કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ.

11હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું.

12તેઓએ તેમને વિનંતી કરીને કહ્યું કે, ‘તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં મોકલો.

13ઈસુએ તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં ગયા; તેઓ આશરે બે હજાર ભૂંડો હતાં. તે ટોળું ટેકરી પરથી સમુદ્રમાં ધસી પડ્યું; અને સમુદ્રમાં ડૂબી મર્યું.

14તેઓના ચરાવનારા ભાગ્યા. અને તેમણે શહેરમાં તથા ગામડાંઓમાં ખબર આપી; અને શું થયું તે જોવા લોકો બહાર આવ્યા.

15ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા.

16દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે તંદુરસ્ત થયો તેની તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી.

17તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી નીકળી જવાની વિનંતી કરવા લાગ્યા કે ‘અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.’”

18તે વહાણમાં ચઢતાં હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યો હતો તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી.

19પણ ઈસુએ તેને આવવા ન દીધો; પણ તેને કહ્યું કે, ‘તારે ઘરે તારાં લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે, તેની ખબર તેઓને આપ.’”

20તે ગયો અને ઈસુએ તેને સારુ કેટલું બધું કર્યું હતું તે દસનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને લોકો આશ્ચર્ય પામ્યા.

લૂક

લૂક 8:26–39

26ગાલીલને પેલે પાર આવેલા ગેરાસાનીઓના દેશમાં તેઓ પહોંચ્યા.

27પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને દુષ્ટાત્માઓ વળગેલો હતો; ઘણાં સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.

28તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો અને મોટે ઘાંટે કહ્યું કે, ‘ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે મને પીડા ન દો.’”

29કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટાત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને જંગલમાં લઈ જતો હતો.

30ઈસુએ તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે કહ્યું કે, ‘સેના,’ કેમ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ હતાં.

31દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, ‘અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.’”

32હવે ત્યાં ઘણાં ભૂંડોનું ટોળું પર્વતની બાજુ પર ચરતું હતું; અને તેઓએ તેમને વિનંતી કરી કે, અમને ‘તેઓમાં પેસવાની રજા આપો.’ ઈસુએ તેઓને રજા આપી.

33દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયાં; અને ટોળું ટેકરા ઉપરથી સમુદ્રમાં પડી ગયું અને ડૂબી મર્યું.

34જે થયું તે જોઈને ભૂંડ ચરાવનારા ભાગ્યા, અને શહેરમાં તથા ગામડાંઓમાં જઈને તે વિષે ખબર આપી.

35જે થયું તે જોવા સારુ લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા; ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યાં હતાં તેને તેઓએ વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો; અને તેઓ ભયભીત થયા.

36દુષ્ટાત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહી જણાવ્યું.

37ગેરાસાનીઓની આસપાસના દેશમાં સર્વ લોકોએ ઈસુને વિનંતી કરી કે, ‘અમારી પાસેથી ચાલ્યા જાઓ.’ તેઓ ખૂબ ડરી ગયા હતા. પછી હોડીમાં બેસીને તે પાછા ગયા.

38પણ જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા હતા તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી; પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું કે,

39‘તારે ઘરે પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.’ અને તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને સારુ કર્યા હતાં, તે આખા શહેરમાં કહી જણાવ્યું.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો