Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › યરુશાલેમમાં

સુવાર્તાઓ બાજુબાજુમાં · યરુશાલેમમાં

યરુશાલેમમાં પ્રવેશ

માથ 21:1–11 · માર્ક 11:1–11 · લૂક 19:28–40 · યોહ 12:12–19

માથ્થી

માથ 21:1–11

1જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને

2કહ્યું કે, “તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો.

3જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે,’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”

4હવે આ એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે,

5“સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.”

6ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું.

7તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્ર તેઓ પર નાખ્યાં, અને ઈસુ તેના પર સવાર થયા.

8લોકોમાંના ઘણાંખરાએ પોતાના વસ્ત્ર રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.

9હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, “દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!”

10તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, ‘એ કોણ છે?’

11ત્યારે લોકોએ કહ્યું કે, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાસરેથના, તે એ છે.”

માર્ક

માર્ક 11:1–11

1તેઓ યરુશાલેમની નજદીક, જૈતૂનનાં પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયા પાસે આવે છે, ત્યારે ઈસુ બે શિષ્યોને આગળ મોકલે છે.

2અને તેઓને કહે છે કે, ‘સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેનાં પર કોઈ માણસ કદી સવાર થયું નથી, તે તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો.

3જો કોઈ તમને પૂછે કે, તમે શા માટે એમ કરો છો તો કહેજો કે, પ્રભુને તેની જરૂર છે. અને તે જલ્દી એને અહીં પાછું લાવવા મોકલશે.’”

4તેઓ ગયા. અને ઘરની બહાર ખુલ્લાં રસ્તામાં બાંધેલો વછેરો તેઓને જોવા મળ્યો અને તેઓ તેને છોડવા લાગ્યા.

5જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને કહ્યું કે, ‘વછેરાને તમે શું કરવા છોડો છો?’”

6જેમ ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી, તેમ શિષ્યોએ લોકોને કહ્યું. અને તેઓએ તેમને જવા દીધાં.

7તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા; તેના પર પોતાનાં વસ્ત્ર બિછાવ્યાં અને તેના પર ઈસુ બેઠા.

8ઘણાંઓએ પોતાના ડગલા રસ્તામાં પાથર્યાં અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.

9આગળ તથા પાછળ ચાલનારાંઓએ બૂમ પાડતાં કહ્યું કે, ‘હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે, તે આશીર્વાદિત છે.

10આપણા પિતા દાઉદનું રાજ્ય જે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!’”

11ઈસુ યરુશાલેમમાં જઈને ભક્તિસ્થાનમાં ગયા અને ચારેબાજુ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધાં નીકળીને તે બેથાનિયામાં ગયા.

લૂક

લૂક 19:28–40

28એમ કહ્યાં પછી તે યરુશાલેમને માર્ગે તેમની આગળ ચાલવા લાગ્યા.

29એમ થયું કે ઈસુ બેથફાગે તથા બેથાનિયા પાસે જૈતૂન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને એવું કહી મોકલ્યા કે,

30‘તમે સામેના ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ગધેડાનું એક વછેરું બાંધેલું તમને મળશે, તેના પર કોઈ માણસ કદી બેઠું નથી; તેને છોડી લાવો.

31જો કોઈ તમને પૂછે કે, તેને કેમ છોડો છો? તો એમ કહો કે, પ્રભુને તેની જરૂર છે.’”

32જેઓને મોકલ્યા તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે તેઓને વછેરું મળ્યું.

33તેઓ તેને છોડતા હતા ત્યારે તેના માલિકોએ તેઓને કહ્યું કે, તમે વછેરાને કેમ છોડો છો?’”

34તેઓએ કહ્યું કે, ‘પ્રભુને તેની જરૂર છે.’”

35તેઓ તેને ઈસુની પાસે લાવ્યા, અને વછેરા પર પોતાનાં વસ્ત્ર નાખીને ઈસુને તેના પર સવાર થયા.

36ઈસુ જતા હતા ત્યારે લોકોએ પોતાનાં વસ્ત્ર માર્ગમાં પાથર્યાં.

37ઈસુ નજીકમાં જૈતૂન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યાં, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને ઊંચે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે,

38‘પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે! આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા!’”

39લોકોમાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.’”

40ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.’”

યોહાન

યોહ 12:12–19

12બીજે દિવસે પર્વમાં આવેલા ઘણાં લોકોએ એવું સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે;

13ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર ગયા; અને ઊંચા અવાજે કહ્યું કે, ‘હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે.

14ઈસુને ગધેડાનો એક વછેરો મળ્યો ત્યારે તેના પર તેઓ બેઠા, જેમ લખેલું છે તેમ કે,

15‘ઓ સિયોનની દીકરી, બીશ નહિ; જો, તારા રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે.’”

16પ્રથમ તેના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, ઈસુના સંબંધી એ વાતો લખેલી છે, તે જ પ્રમાણે તેઓએ તેમને કર્યું છે.

17તેમણે લાજરસને કબરમાંથી બોલાવ્યો અને મરેલાઓમાંથી જીવિત કર્યો, તે વખતે જે લોક તેમની સાથે હતા, તેઓએ આ બીનાને સમર્થન આપ્યું.

18તે કારણથી પણ લોકો તેમને મળવા ગયા; કેમ કે તેમણે એ ચમત્કારિક ચિહ્ન કર્યું હતું એવું તેઓએ સાંભળ્યું હતું.

19તે માટે ફરોશીઓએ પરસ્પર કહ્યું કે, ‘જુઓ, આપણું તો કંઈ વળતું નથી; જુઓ, આખું માનવજગત તેમની પાછળ ગયું છે.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો