Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › ઈસુનું દુઃખસહન

સુવાર્તાઓ બાજુબાજુમાં · ઈસુનું દુઃખસહન

વધસ્તંભે જડવું

માથ 27:32–44 · માર્ક 15:21–32 · લૂક 23:26–43 · યોહ 19:17–27

માથ્થી

માથ 27:32–44

32તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.

33તેઓ ગલગથા એટલે કે, ‘ખોપરીની જગ્યા’ કહેવાય છે, ત્યાં પહોંચ્યા.

34તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.

35ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં;

36અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.

37‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.

38તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.

39પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે,

40“અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”

41તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે,

42“તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.

43તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો દીકરો છું.’”

44જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડાવ્યાં હતા, તેઓએ પણ તેમની નિંદા કરી.

માર્ક

માર્ક 15:21–32

21સિમોન નામે કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે ખેતરથી આવતાં ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાઈઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો.

22ગલગથા નામની જગ્યા, જેનો અર્થ ‘ખોપરીની જગ્યા’ છે, ત્યાં તેઓ તેમને લાવ્યા.

23તેઓએ બોળ મિશ્રિત દ્રાક્ષારસ તેમને આપ્યો; પણ ઈસુએ તે પીવાની ના પાડી.

24સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં અને તેઓમાંના પ્રત્યેકે ઈસુના વસ્ત્રનો કયો ભાગ લેવો, તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં.

25સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં.

26તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે “યહૂદીઓનો રાજા.”

27ઈસુની સાથે તેઓએ બે ચોરોને વધસ્તંભે જડ્યાં, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ.

28“તે અપરાધીઓમાં ગણાયો,” એવું જે શાસ્ત્રવચન હતું તે પૂરું થયું.

29પાસે થઈને જનારાંઓએ ઈસુનું અપમાન કર્યું તથા માથાં હલાવતાં કહ્યું કે, ‘વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર,

30તું પોતાને બચાવ અને વધસ્તંભ પરથી ઊતરી આવ.’”

31એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરોઅંદર શાસ્ત્રીઓ સહિત મશ્કરી કરીને કહ્યું કે, ‘તેણે બીજાઓને બચાવ્યા, પણ પોતાને બચાવી શકતો નથી.

32ઇઝરાયલના રાજા, ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવ, કે અમે જોઈને વિશ્વાસ કરીએ.’” વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.

લૂક

લૂક 23:26–43

26અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહાર ગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે.

27લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો, ઈસુની પાછળ પાછળ ચાલતા હતા.

28પણ ઈસુએ તેઓની તરફ ફરીને કહ્યું કે, ‘યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા તમારા બાળકોને માટે રડો.

29કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ:સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ આશીર્વાદિત છે.’”

30ત્યારે તેઓ પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરીઓને કહેશે કે, અમને ઢાંકી દો.’”

31કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું કરશે?

32બીજા બે માણસ, જે ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારુ તેમની સાથે લઈ જતા હતા.

33ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ, અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યાં.

34ઈસુએ કહ્યું, ‘હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.’ ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધા.

35લોકો એ જોતાં ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતાં હતા કે, ‘તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, એટલે તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.’”

36સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને સરકો આપવા લાગ્યા,

37અને કહ્યું કે, ‘જો તું યહૂદીઓનો રાજા હો તો પોતાને બચાવ.’”

38તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, ‘આ યહૂદીઓના રાજા છે.

39તેમની સાથે લટકાયેલા ગુનેગારોમાંના એકે તેમનું અપમાન કરીને કહ્યું કે, ‘શું તમે ખ્રિસ્ત નથી? તમે પોતાને તથા અમને બચાવો.’”

40પણ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું કે, ‘તું તે જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?’”

41આપણે તો વાજબી રીતે શિક્ષા ભોગવીએ છીએ, કેમ કે આપણા કામનું ઉચિત ફળ આપણે પામીએ છીએ; પણ એમણે તો કશું ખોટું કર્યું નથી.

42તેણે કહ્યું કે, ‘હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.’”

43ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,’ આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.’”

યોહાન

યોહ 19:17–27

17પછી ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગ્યા, જે હિબ્રૂ ભાષામાં ‘ગલગથા’ કહેવાય છે, ત્યાં બહાર ગયા.

18તેઓએ ઈસુને તથા તેમની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યાં; બંને બાજુએ એકને તથા વચમાં ઈસુને.

19પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર લટકાવ્યું કે; ‘નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.’”

20જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું.

21તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, ‘યહૂદીઓનો રાજા,’ એમ ન લખો, પણ તેણે કહ્યું કે, ‘હું યહૂદીઓનો રાજા છું.’ એમ લખો.

22પિલાતે ઉત્તર આપ્યો કે, ‘મેં જે લખ્યું તે લખ્યું.’”

23સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેમના વસ્ત્રો લઈ લીધાં અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાઈને માટે એક; ઝભ્ભો પણ લઈ લીધો હતો; તે ઝભ્ભો સાંધા વગરનો ઉપરથી આખો વણેલો હતો.

24પછી તેઓએ પરસ્પર કહ્યું કે, ‘આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!’ ‘તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.’ એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ.

25પણ ઈસુના વધસ્તંભ પાસે તેમના મા, તેમના માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભા રહેલાં હતાં.

26તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, ‘બાઈ, જો તારો દીકરો!’

27ત્યાર પછી તે પેલા શિષ્યને કહે છે કે, ‘જો, તારી મા!’ અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો