Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › યરુશાલેમમાં

સુવાર્તાઓ બાજુબાજુમાં · યરુશાલેમમાં

ખેડૂતોનું દ્રષ્ટાંત

માથ 21:33–46 · માર્ક 12:1–12 · લૂક 20:9–19

માથ્થી

માથ 21:33–46

33એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો.

34ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા.

35ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો.

36પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું.

37પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’”

38પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’

39ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.

40એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?”

41તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.”

42ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું?

43એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે.

44આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.”

45મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તેઓ અમારા સંબંધી બોલે છે.

46તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.

માર્ક

માર્ક 12:1–12

1ઈસુ તેઓને દ્રષ્ટાંતોમાં કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, દ્રાક્ષરસનો કૂંડ ખોદ્યો, બુરજ બાંધ્યો અને ખેડૂતોને વાડી ભાડે આપીને પરદેશ ગયો.

2મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો, કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાડીના ફળનો ભાગ મેળવે.

3પણ તેઓએ તેને પકડીને માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો.

4ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો. તેઓએ તેનું માથું ફોડી નાખ્યું અને તેને ધિક્કારીને નસાડી મૂક્યો.

5તેણે બીજો ચાકર મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો. પછી બીજા ઘણાં ચાકરો મોકલ્યા, તેઓએ કેટલાકને કોરડા માર્યા અને કેટલાકને મારી નાખ્યા.

6હવે છેલ્લે માલિકનો વહાલો દીકરો બાકી રહ્યો હતો. માલિકે આખરે તેને તેઓની પાસે એમ વિચારીને મોકલ્યો કે, તેઓ મારા દીકરાનું માન રાખશે.’”

7પણ તે ખેડૂતોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એ તો વારસ છે; ચાલો, તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.’”

8તેઓએ તેને પકડીને મારી નાખ્યો. અને દ્રાક્ષાવાડીમાંથી બહાર ફેંકી દીધો.

9એ માટે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? હવે તે પોતે આવશે, ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે.

10શું તમે આ શાસ્ત્રવચન નથી વાંચ્યું કે, ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો, ખૂણાનો મુખ્ય પથ્થર થયો;’

11આ કામ પ્રભુએ કર્યું છે. આપણી દ્રષ્ટિમાં તે અદ્ભૂત છે!

12તેઓએ ઈસુને પકડવાને શોધ કરી; પણ તેઓ લોકોથી ગભરાયા. કેમ કે તેઓ સમજ્યા કે તેમણે તેઓના પર આ દ્રષ્ટાંત કહ્યું હતું, અને તેઓ તેમને મૂકીને ચાલ્યા ગયા.

લૂક

લૂક 20:9–19

9તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, અને તે ખેડૂતોને ભાડે આપી, પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો.

10મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.

11પછી તેણે બીજા એક ચાકરને મોકલ્યો; તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો.

12તેણે ત્રીજા નોકરને મોકલ્યો; અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો.

13દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાપિ તેઓ તેનું માન રાખે.’”

14પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માંહોમાંહે મનસૂબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.

15તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે?

16તે આવીને ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, ‘એવું ન થાઓ.’”

17પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે ‘આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો.

18તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.

19શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે, તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો