1તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે,
2“તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.”
3પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?”
4કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, ‘તમે તમારા માતાપિતાનું સન્માન કરો’ અને ‘જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.’
5પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, “જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’”
6તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.
7ઓ ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે,
8‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં હૃદય મારાથી વેગળાં જ રહે છે.
9તેઓની ભક્તિ નિરર્થક છે, કેમ કે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”
10પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, “સાંભળો અને સમજો.
11મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.”
12ત્યારે ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “આ વાત સાંભળીને ફરોશીઓ નારાજ છે, એ શું તમે જાણો છો?”
13પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.
14તેઓને રહેવા દો, તેઓ અંધ માર્ગદર્શકો છે; અને જો અંધવ્યક્તિ બીજી અંધવ્યક્તિને દોરે તો તેઓ બન્ને ખાડામાં પડશે.
15ત્યારે પિતરે ઈસુને જવાબ આપતાં કહ્યું કે, “આ દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.”
16ઈસુએ કહ્યું કે, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો?
17શું તમે હજી નથી સમજતા કે મુખમાં જે કંઈ ભોજન લઈએ છીએ, તે પેટમાં જાય છે તેનો બિનઉપયોગી કચરો નીકળી જાય છે?
18પણ મુખમાંથી જે બાબતો નીકળે છે, તે મનમાંથી આવે છે, અને તે માણસને ભ્રષ્ટ કરે છે.
19કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીય ભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકળે છે.
20માણસને જે ભ્રષ્ટ કરે છે તે એ જ છે; પણ હાથ ધોયા વગર ભોજન કરવું એ માણસને ભ્રષ્ટ કરતું નથી.”