મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › એપ્રિલ 2027 › 26 એપ્રિલ
ઓર્થોડોક્સ પંચાંગ · 13 એપ્રિલ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 26 એપ્રિલ 2027
સોમવાર · પવિત્ર સપ્તાહ
પર્વો અને સંતો
મહાન અને પવિત્ર સોમવાર
મહાન ઉપવાસકાળ
કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
સુવાર્તા (વરરાજાની પ્રભાત-પ્રાર્થના)
18હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી. 19રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, “હવેથી તારા પર કદી ફળ ન લાગો;” અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ. 20તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, “અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ?” 21ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, ‘તું ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો તેમ જ થશે. 22જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.” 23પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?” 24ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “હું પણ તમને એક વાત પૂછીશ. તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ. 25જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?” ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, “જો આપણે કહીએ કે ‘સ્વર્ગથી,’ તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ? 26અથવા જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો લોકોથી આપણને બીક છે, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.” 27પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, ‘અમે નથી જાણતા’. તેમણે પણ તેઓને કહ્યું કે, “હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી. 28પણ તમે શું ધારો છો? એક વ્યક્તિને બે દીકરા હતા; તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે, ‘દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’ 29ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘હું નથી જવાનો;’ તોપણ પછીથી તે પસ્તાઈને ગયો. 30અને બીજા પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે ‘હું જાઉં છું, સાહેબ,’ તોપણ તે ગયો નહિ. 31તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓએ ઈસુને કહ્યું કે, ‘પહેલાએ.’ ઈસુ તેઓને કહે છે કે, “હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે. 32કેમ કે યોહાન ન્યાયીપણાને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો. 33એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો. 34ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા. 35ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો. 36પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું. 37પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’” 38પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’ 39ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો. 40એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?” 41તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.” 42ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું? 43એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે.
છઠ્ઠો કલાક
1ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ એવું બન્યું કે, જ્યારે હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો. તે સમયે આકાશ ઊઘડી ગયું, મને ઈશ્વરનું સંદર્શન થયું. 2યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં, મહિનાના પાચમાં દિવસે, 3ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બૂઝીના દીકરા હઝકિયેલ યાજક પાસે યહોવાહનું વચન આવ્યું; અને યહોવાહનો હાથ તેના પર હતો. 4ત્યારે મેં જોયું, તો ઉત્તરમાંથી એક આંધીરૂપ મોટું વાદળું આવતું હતું, તેમાં અગ્નિ ચમકતો હતો, તેની આસપાસ પ્રકાશ હતો, અગ્નિમાંથી તૃણમણિના જેવું અજવાળું આવતું હતું. 5તેની મધ્યમાંથી ચાર જીવંત પશુઓ જેવું દેખાયું. તેઓનો દેખાવ આવો હતો: તેઓનું સ્વરૂપ માણસના જેવું હતું. 6તે પશુઓમાંના દરેકને ચાર મુખ તથા ચાર પાંખો હતી. 7તેઓના પગ સીધા હતા, પણ તેઓના પગના પંજા વાછરડાના પગના પંજા જેવા હતા. અને તે કાંસાની માફક ચળકતા હતા. 8તેઓની પાંખો નીચે ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. તે ચારેયનાં મુખ તથા પાંખો આ પ્રમાણે હતાં: 9તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. તેઓ ચાલતાં ચાલતાં આમ કે તેમ ફરતાં નહોતાં; દરેક સીધાં આગળ ચાલતાં હતાં. 10તેઓના ચહેરાનો દેખાવ માણસના ચહેરા જેવો હતો. ચારેયને જમણી બાજુએ સિંહનું મુખ અને ડાબી બાજુએ બળદનું મુખ હતું. તેઓને ગરુડનું મુખ પણ હતું, 11તેઓના મુખ એ પ્રમાણે હતાં. તેઓની પાંખો ઉપરની તરફ પ્રસારેલી હતી, દરેકની બે પાંખો બીજા પશુને જોડાયેલી હતી, બાકીની બે પાંખો તેઓના શરીરને ઢાંકતી હતી. 12દરેક પશુ સીધું ચાલતું હતું, આત્માને જ્યાં જવું હોય ત્યાં તેઓ જતાં હતાં, ચાલતાં તેઓ આડાઅવળાં વળતાં ન હતાં. 13આ પશુઓનો દેખાવ અગ્નિના બળતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. પશુઓ વચ્ચે ચળકતો અગ્નિ ચઢઊતર કરતો હતો, તેમાંથી વીજળીના ચમકારા થતા હતા. 14પશુઓ વીજળીના ચમકારાની જેમ આગળ દોડતા તથા પાછળ જતાં હતાં. 15હું એ તેઓને જોતો હતો, ત્યારે મેં દરેક પશુની પાસે એક એમ ચાર પૈડાં જમીન પર જોયાં. 16આ પૈડાંઓનો રંગ પીરોજના રંગ જેવો હતો. તથા તેઓનો આકાર એક સરખો હતો: ચારે એક સરખાં હતાં; એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું. 17તેઓ ચાલતાં હોય ત્યારે, તેઓ ચારે દિશામાં આડાંઅવળાં વળ્યા વગર ચાલતાં. 18ચારેય પૈડાની ધારો ઊંચી તથા ભયંકર હતી. એ ચારેયની વાટો ચારેબાજુ આંખોથી ભરેલી હતી. 19જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં તેઓની સાથે ચાલતાં. જ્યારે પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ પૃથ્વી પરથી ઊંચે જતાં. 20જ્યાં જ્યાં આત્મા જતો ત્યાં ત્યાં તેઓ પણ જતાં; પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પશુઓનો આત્મા પૈડા પર હતો.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
1ઇઝરાયલના જે પુત્રો પોતાના કુટુંબકબીલા સહિત તેઓના પિતા યાકૂબ સાથે મિસર દેશમાં આવ્યા તેઓનાં નામ આ છે: 2રુબેન, શિમયોન, લેવી અને યહૂદા, 3ઇસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન, 4દાન, નફતાલી, ગાદ અને આશેર. 5યાકૂબ અને તેનાં સંતાનો મળીને કુલ સિત્તેર જણા હતા. યૂસફ તો અગાઉથી જ મિસરમાં આવ્યો હતો. 6કેટલાક સમય બાદ યૂસફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં સર્વ માણસો મૃત્યુ પામ્યાં. 7પછીની પેઢીના ઇઝરાયલીઓ સફળ થયા અને સંખ્યામાં ઘણા પ્રમાણમાં વધ્યા અને બળવાન થયા; તેઓની વસ્તીથી દેશ ભરચક થઈ ગયો. 8પછી મિસરમાં એક નવો રાજા સત્તા પર આવ્યો, તેને યૂસફ વિષે કશી જાણકારી ન હતી. 9તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, “આ ઇઝરાયલીઓને જુઓ; તેઓ આપણા કરતાં સંખ્યામાં વધારે અને ખૂબ બળવાન છે. 10માટે આપણે તેઓ સાથે ચાલાકીથી વર્તીએ, નહિ તો તેઓ વધી જશે અને સંજોગોવશાત આપણને કોઈની સાથે લડાઈ થાય તો સંભવ છે કે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જાય, આપણી સામે લડે અને દેશમાંથી જતા રહે.” 11તેથી મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત મજૂરી કરાવીને તેઓને પીડા આપવા માટે તેઓના ઉપર મુકાદમો નીમ્યા. તેઓની જબરજસ્તી વેઠીને ઇઝરાયલીઓએ ફારુનને માટે પીથોમ અને રામસેસ નગરો તથા પુરવઠા કેન્દ્રો બાંધ્યાં. 12પણ જેમ જેમ તેઓ ઇઝરાયલીઓને પીડા આપતા ગયા તેમ તેમ તેઓ સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા. તેથી મિસરના લોકો ઇઝરાયલના લોકોથી ઘણા ભયભીત થયા. 13મિસરના લોકોએ ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી. 14તેઓની પાસે જાતજાતની મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો તૈયાર કરવાની તથા ખેતરોમાં ખેડવાથી માંડીને લણણી સુધીની મહેનતનાં કામો કરાવીને તેઓનું જીવન અસહ્ય બનાવી દીઘું. 15મિસરમાં શિફ્રાહ અને પૂઆહ નામની બે હિબ્રૂ દાયણો હતી. તેઓને મિસરના રાજાએ કડક આદેશ આપ્યો, 16“જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા માટે ખાટલા પાસે જાઓ ત્યારે જો તેઓને છોકરા જન્મે તો તેઓને મારી નાખવા. પણ જો છોકરી જન્મે તો તમારે તેઓને જીવતી રહેવા દેવી.” 17પરંતુ આ દાયણો ઈશ્વરની બીક રાખનારી અને વિશ્વાસુ હતી, એટલે તેઓએ મિસરના રાજાની આજ્ઞા માની નહિ અને છોકરાઓને જીવતા રહેવા દીધા. 18એ જાણીને મિસરના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું શા માટે કર્યું? મારી આજ્ઞા કેમ ઉથાપી? નરબાળકોને કેમ જીવતા રહેવા દીધા?” 19ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, “હે રાજા, હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નબળી હોતી નથી. તેઓ સશક્ત અને ખડતલ હોય છે; અમે પહોંચીએ તે પહેલાં જ તેઓ જલદીથી સંતાનોને જન્મ આપી દે છે.” 20તેથી ઈશ્વરે એ દાયણો પર કૃપા દર્શાવી.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
1ઉસ દેશમાં એક માણસ હતો તેનું નામ અયૂબ હતું. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરની બીક રાખનાર તથા દુષ્ટતાથી દૂર રહેનાર હતો. 2તેને સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ હતી. 3તેની પાસે સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ હતી. વળી ઘણા નોકર-ચાકર હતા. તેથી તે સમગ્ર પૂર્વના લોકમાં સૌથી મહાન પુરુષ ગણાતો હતો. 4તેના દીકરાઓમાંનો દરેક પોતપોતાના ઘરે મિજબાની આપતો; અને પોતાની ત્રણેય બહેનોને ખાવાપીવા માટે નિમંત્રણ આપતો. 5તેઓની ઉજાણીના દિવસો પૂરા થયા પછી અયૂબ તેઓને તેડાવીને પવિત્ર કરતો. અને વહેલી સવારમાં ઊઠીને તે સર્વની ગણતરી મુજબ દરેકને સારુ દહનીયાર્પણ કરતો. તે કહેતો, “કદાચ મારા સંતાનોએ પાપ કરીને પોતાના હૃદયમાં ઈશ્વરને શ્રાપ આપ્યો હોય!” અયૂબ હંમેશાં આ પ્રમાણે કરતો. 6એક દિવસ દૂતો યહોવાહની આગળ હાજર થયા. તેઓની સાથે શેતાન પણ આવ્યો. 7યહોવાહે શેતાનને પૂછ્યું, “તું ક્યાં જઈ આવ્યો? શેતાને યહોવાહને જવાબ આપ્યો. “હું પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને આવ્યો છું. 8પછી યહોવાહે શેતાનને કહ્યું, “શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરથી ડરનાર તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.” 9ત્યારે શેતાને યહોવાહને ઉત્તર આપ્યો કે, શું અયૂબ કારણ વિના ઈશ્વરની બીક રાખે છે? 10શું તમે તેનું, તેના ઘરનું તથા તેનાં હાથનાં કામોની ચોગરદમ વાડ બનાવી નથી? તમે તેને અને તેના કામધંધાને આશીર્વાદ આપ્યો છે. તેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. 11પણ તમારો હાથ લંબાવીને તેની સંપત્તિને સ્પર્શ કરો એટલે તે તમારા મોઢે ચઢીને શ્રાપ આપશે.” 12યહોવાહે શેતાનને કહ્યું, “જો, તેનું તમામ હું તારા હાથમાં સોંપું છું. પણ તેના શરીરને નુકસાન કરતો નહિ એ પછી શેતાન યહોવાહની હાજરીમાંથી ચાલ્યો ગયો.
સુવાર્તા (પૂર્વપવિત્રિત ભેટોની ધાર્મિક વિધિ)
3પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” 4ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો. 5કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે. 6યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે. 7કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે. 8પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે. 9ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે. 10અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે. 11ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે. 12દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. 13પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે. 14સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે. 15માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે), 16ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય, 17અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે, 18અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે. 19તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે! 20પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો. 21કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ. 22જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે. 23ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ. 24કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે. 25જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે. 26એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ. 27કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે. 28જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે. 29તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે. 30પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે. 31રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે. 32હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. 33એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે એટલે બારણા આગળ જ છે. 34હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 35આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 13 એપ્રિલ એટલે નાગરિક પંચાંગનો 26 એપ્રિલ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો