Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › એપ્રિલ 2027 › 27 એપ્રિલ

ઓર્થોડોક્સ પંચાંગ · 14 એપ્રિલ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 27 એપ્રિલ 2027

મંગળવાર · પવિત્ર સપ્તાહ

પર્વો અને સંતો

મહાન અને પવિત્ર મંગળવાર

મહાન ઉપવાસકાળ

કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સુવાર્તા (વરરાજાની પ્રભાત-પ્રાર્થના)

માથ 22:15–23:39

15ત્યાર પછી ફરોશીઓએ જઈને ઈસુને શી રીતે વાતમાં ફસાવવા, એ સંબંધી મનસૂબો કર્યો. 16પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો, સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો અને તમે કોઈની પરવા કરતા નથી, કેમ કે તમે માણસો વચ્ચે પક્ષપાત કરતા નથી. 17માટે તમે શું ધારો છો? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ, તે અમને કહો?” 18પણ ઈસુએ તેઓનો દુષ્ટ ઇરાદો જાણીને કહ્યું કે, “ઓ ઢોંગીઓ, તમે મારી પરીક્ષા કેમ કરો છો? 19કરનું નાણું મને બતાવો.” ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા. 20ઈસુએ તેઓને કહ્યું કે, “આ ચિત્ર તથા લેખ કોનાં છે?” 21તેઓએ તેમને કહ્યું કે, ‘કાઈસારનાં.’ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો. 22એ સાંભળીને તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેમને મૂકીને ચાલ્યા ગયા. 23તે જ દિવસે સદૂકીઓ, જેઓ કહે છે કે મૃત્યુ બાદ પુનરુત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને પૂછ્યું, 24“ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, ‘જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે.’” 25તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો. 26તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા. 27સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.” 29ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો. 30કેમ કે પુનરુત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતો જેવા હોય છે. 31પણ મરણ પામેલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું? 32‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;’ તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.” 33લોકો તે સાંભળીને તેમના બોધથી આશ્ચર્ય પામ્યા. 34જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા. 35તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે, 36“ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?” 37ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’ 38પહેલી અને મોટી આજ્ઞા તે છે. 39બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’ 40આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.” 41હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે, 42“ખ્રિસ્ત સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું કે, ‘દાઉદનો.’” 43ઈસુએ તેઓને કહ્યું, “તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?’ 44જેમ કે, ‘પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’” 45હવે જો દાઉદ તેમને ‘પ્રભુ’ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય?” 46એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ. 23:1ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે, 2“શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે; 3એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી. 4કેમ કે ભારે અને પાળવા મુશ્કેલ પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળીથી પણ તેને ખસેડવા ઇચ્છતા નથી.’ 5લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોની પેટી પહોળી બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોરની ઝાલર વધારે છે. 6વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો, 7તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ‘ગુરુ’ કહે, તેવું તેઓ ચાહે છે. 8પણ તમે પોતાને ‘ગુરુ’ ન કહેવડાવો; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો. 9પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે. 10તમે પોતાને ‘શિક્ષક’ પણ ન કહેવડાવો, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારા શિક્ષક છે. 11પણ તમારામાં જે મોટો છે તે તમારો ચાકર થશે. 12જે કોઈ પોતાને ઊંચો કરશે, તેને નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેને ઊંચો કરાશે. 13ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી. 14(ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે મોટી સજા ભોગવશો.) 15ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો. 16ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, ‘જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાનાં સમ ખાય તો તેથી બંધાયેલો છે.’ 17ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન? 18અને તમે કહો છો કે, ‘જો કોઈ યજ્ઞવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.’ 19ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી? 20એ માટે જે કોઈ યજ્ઞવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે. 21જે કોઈ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે. 22જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે. 23ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એની સાથે તે પણ પડતાં મૂકવા જોઈતાં ન હતાં. 24ઓ અંધજનોને દોરનારાઓ, તમે માખીને દૂર કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો! 25ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ તમને અફસોસ છે! કેમ કે તમે થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા ભોગવિલાસ ભરેલા છે. 26ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળી અને વાટકો અંદરથી સાફ કર કે, જેથી તે બહારથી પણ સાફ થઈ જાય. 27ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે. 28તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો. 29ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો. 30તમે કહો છો કે, ‘જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.’ 31તેથી તમે પોતાના સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો. 32તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો. 33ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો? 34તેથી જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ લાગશો. 35કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે. 36હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે. 37ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ! 38જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજ્જડ કરી દીધું. 39કેમ કે હું તમને કહું છું કે, ‘જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.’”

છઠ્ઠો કલાક

હઝ 1:21–28

21જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં પણ ચાલતાં, તેઓ ઊભાં રહેતાં ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં; પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે જતાં હતાં કેમ કે, પશુઓનો આત્મા પૈડામાં હતો. 22તેઓનાં માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદ્દભુત સ્ફટિકના તેજ જેવો ચમકતો ઘૂમટ તાણેલો હતો. 23તે ઘૂમટની નીચે પશુઓની પાંખો સીધી ફેલાયેલી હતી. અને બીજી બે પાંખોથી દરેકનું શરીર ઢંકાયેલું હતું. દરેકની બે પાંખો તેઓના શરીરની એક બાજુને ઢાંકતી અને બે પાંખો બીજી બાજુને ઢાંકતી. 24તેઓ ઊડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો તથા સર્વશક્તિમાનના અવાજ જેવો સંભળાતો હતો. જ્યારે તેઓ હલનચલન કરતાં ત્યારે તેઓનો અવાજ આંધીના અવાજ જેવો થતો હતો. તે સૈન્યના કોલાહલ જેવો હતો. જ્યારે તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી દેતાં. 25જ્યારે તેઓ ઊભાં રહેતાં, ત્યારે તેઓના માથા પરના ઘૂમટમાંથી અવાજ નીકળતો અને તેઓ તેમની પાંખો નીચે તરફ નમાવી દેતાં. 26તેઓના માથા પરના ઘુમટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા દેખાઈ. આ રાજ્યાસન પર એક મનુષ્ય જેવા દેખાવનો માણસ હતો. 27તેની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો દેખાતો હતો, કમરની નીચેના ભાગનો દેખાવ અગ્નિના જેવો હતો. તેની આસપાસ ચળકાટ હતો. 28તે ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના અજવાળા જેવો હતો. આ યહોવાહના ગૌરવનું પ્રતિમાનો દેખાવ હતો. જ્યારે મેં તે જોયું, ત્યારે હું ઊંધો પડી ગયો.અને કોઈ બોલતું હોય એવો અવાજ મારા સાંભળવામાં આવ્યો.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

નિર્ગ 2:5–10

5એટલામાં ફારુનની રાજકુંવરી નદીમાં સ્નાન કરવા માટે ત્યાં આવી. તેની સાથે તેની દાસીઓ પણ હતી. તેઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુંવરીની નજર બરુઓની વચ્ચે પડેલી પેલી પેટી પર પડી. તેણે પોતાની દાસીને મોકલીને તે પેટી મંગાવી લીધી. 6કુંવરીએ પેટી ઉઘાડીને જોયું, તો તેમાં એક છોકરો હતો. તે રડતો હતો. તેના હૃદયમાં બાળક પ્રત્યે લાગણી થઈ. તે સમજી ગઈ કે, આ કોઈ હિબ્રૂનો જ છોકરો છે. 7પછી તે છોકરાની બહેન ફારુનની દીકરીની પાસે આવી. તેને કહ્યું, “હું જઈને કોઈ હિબ્રૂ સ્ત્રીને બોલાવી લાવું? તે આ છોકરાને સાચવે અને તેના લાલનપાલનમાં તમારી મદદ કરે?” 8ફારુનની દીકરીએ તેને કહ્યું, “હા, જઈને બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને તે બાળકની માતાને જ બોલાવી લાવી. 9ફારુનની દીકરીએ તેને કહ્યું, “આ નાના છોકરાને લઈ જા અને મારા વતી તેને સંભાળીને સ્તનપાન કરાવજે. તે બદલ હું તને સારું વેતન આપીશ.” તેથી સ્ત્રી તેના છોકરાને લઈ ગઈ અને તેનું લાલનપાલન કર્યું. 10પછી તે છોકરો મોટો થયો. એટલે તે તેને ફારુનની કુંવરી પાસે લઈ ગઈ અને તેને સોંપ્યો. કુંવરીએ તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, એમ કહીને કુંવરીએ તેનું નામ ‘મૂસા’ એટલે પાણીમાંથી બહાર કાઢેલો રાખ્યું.”

સંધ્યા-પ્રાર્થના: વાંચન

અયૂ 1:13–22

13એક દિવસે તેના દીકરાઓ અને તેની દીકરીઓ તેઓના મોટા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતાં હતાં તે સમયે, 14એક સંદેશાવાહકે આવીને અયૂબને કહ્યું કે, “બળદો હળે જોતરેલા હતા અને ગધેડાં તેઓની પાસે ચરતાં હતાં. 15એટલામાં શબાઈમ લોકો હુમલો કરીને બધાંને લઈ ગયા. તેઓએ ચાકરોને તલવારથી મારી નાંખ્યા છે; ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.” 16તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, “ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાં તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યાં છે. ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.” 17તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, “ખાલદીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે. વળી તેઓએ ચાકરોને તલવારથી મારી નાખ્યા છે. ફક્ત હું એકલો જ તમને ખબર આપવા બચી ગયો છું.” 18તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, “તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તેઓના મોટાભાઇના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતાં હતાં. 19તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું. અને તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગવાથી તેની અંદરના યુવાનો પર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા છે; ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.” 20પછી અયૂબે ઊભા થઈને, પોતાનો જામો ફાડી નાખ્યો, પોતાનું માથું મૂંડાવીને જમીન પર પડીને ઈશ્વરની સ્તુતિ કરી. 21તેણે કહ્યું કે, મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નિર્વસ્ત્ર આવ્યો હતો અને એવો જ પાછો જઈશ. જે મારી પાસે હતું તે યહોવાહે આપ્યું અને યહોવાહે તે લઈ લીધું છે; યહોવાહના નામની પ્રશંસા હો.” 22એ સઘળામાં અયૂબે પાપ કર્યું નહિ. અને ઈશ્વરને મૂર્ખપણે દોષ આપ્યો નહિ.

સુવાર્તા (પૂર્વપવિત્રિત ભેટોની ધાર્મિક વિધિ)

માથ 24:36–26:2

36પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ. 37જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે. 38કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા; 39અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે. 40તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે. 41બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે. 42માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે. 43પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત. 44એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે. 45તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? 46જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે. 47હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. 48પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’ 49અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે; 50તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે. 51તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે. 25:1તો સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું છે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ. 2તેઓમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ બુદ્ધિમાન હતી. 3મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ; 4પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું. 5વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ. 6મધરાતે જાહેરાત થઈ કે, ‘જુઓ, વરરાજા આવ્યો છે! તેને મળવાને નીકળો.’” 7ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતાની મશાલો તૈયાર કરી. 8મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે, ‘તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.’ 9પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતાને સારુ તેલ વેચાતું લો.’” 10તેઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું. 11પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.’ 12પણ તેણે ઉત્તર દેતાં કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે હું તમને ઓળખતો નથી.’ 13માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી. 14કેમ કે તેમનું આવવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. 15એકને તેણે પાંચ તાલંત, બીજાને બે, ત્રીજાને એક એમ દરેકને તેઓની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો. 16પછી જેને પાંચ તાલંત મળ્યા હતા, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો. 17તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો. 18પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી રાખ્યું. 19હવે લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવ્યો, ત્યારે તેણે તેઓની પાસેથી હિસાબ માગ્યો. 20ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત પણ લેતો આવ્યો, તેણે કહ્યું કે, ‘માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યાં હતા; જુઓ, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું.’ 21ત્યારે તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’” 22જેને બે તાલંત મળ્યા હતા, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક, તેં મને બે તાલંત સોંપ્યાં હતા; જો, હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું.’ 23તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’” 24પછી જેને એક તાલંત મળ્યો હતો, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક મેં જોયું કે તું એવો કઠોર માણસ છે કે, જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર અને જ્યાં તેં નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે. 25માટે મને બીક લાગી અને જઈને તારા તાલંતને મેં જમીનમાં દાટી રાખ્યું. જો, તને તારું તાલંત પાછું પહોંચ્યું છે. 26તેના માલિકે ઉત્તર દેતાં તેને કહ્યું કે, અરે દુષ્ટ તથા આળસુ ચાકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું અને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો; 27તો તારે મારાં નાણાં શાહુકારોને આપવા જોઈતાં હતા કે હું આવું ત્યારે મને વ્યાજ સાથે પાછા મળત. 28એ માટે તેની પાસેથી તાલંત લઈને જેની પાસે દસ તાલંત છે તેને તે આપો. 29કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ લઈ લેવાશે. 30તે નકામા ચાકરને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં તેણે રડવાનું તથા દાંત પીસવાનું થશે.’” 31જયારે માણસના દીકરા પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. 32સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે. 33ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે. 34ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, ‘મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો. 35કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને કંઈક પીવા માટે આપ્યું; હું પારકો હતો; ત્યારે તમે મને અતિથિ તરીકે રાખ્યો; 36હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી; હું જેલમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા.’” 37ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને કંઈક પીવા માટે આપ્યું? 38ક્યારે અમે તમને પારકા જોઈને અતિથિ રાખ્યા, નિર્વસ્ત્ર જોઈને વસ્ત્ર પહેરાવ્યાં? 39ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઈને તમને મળવા આવ્યા?’ 40ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’” 41પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, ‘ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના દૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ, 42કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો, પણ તમે મને કંઈક પીવા માટે આપ્યું નહિ; 43હું પારકો હતો, પણ તમે મને અતિથિ રાખ્યો નહિ; નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યાં નહિ; માંદો તથા જેલમાં હતો, પણ તમે મારી ચાકરી કરી નહિ.’” 44ત્યારે તેઓ પણ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા, તરસ્યા, પારકા, નિર્વસ્ત્ર, માંદા કે જેલમાં જોઈને તમારી સેવા નથી કરી?’ 45ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપશે કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.’ 46તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.” 26:1ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, 2“તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.”

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 14 એપ્રિલ એટલે નાગરિક પંચાંગનો 27 એપ્રિલ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો