મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 26 માર્ચ
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 26 માર્ચ 2027
શુક્રવાર · પાસ્ખાના ત્રણ દિવસ
પર્વો અને સંતો
શુભ શુક્રવાર
પાસ્ખાના ત્રણ દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લાલ
ઉપવાસ અને પ્રાયશ્ચિત્ત
ઉપવાસ અને માંસનો ત્યાગ
દરેક શુક્રવાર પ્રાયશ્ચિત્તનો દિવસ છે; તે કેવી રીતે પાળવો તે દરેક બિશપ પરિષદ નક્કી કરે છે: માંસનો ત્યાગ કે પ્રાયશ્ચિત્તનું બીજું કોઈ કાર્ય. ઉપવાસ 18 થી 59 વર્ષની ઉંમર સુધી, માંસનો ત્યાગ 14 વર્ષથી બંધનકારક છે.
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
13જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે અને સફળ થશે; તે ઊંચો અને ઉન્નત થશે, તે અતિ ગૌરવશાળી થશે. 14જે પ્રમાણે લોકો તને જોઈને ભયભીત થયા - તેનું રૂપ માણસનાં રૂપ કરતા અલગ હતું, તેથી તેનો દેખાવ એવો હતો કે માણસ જ ન લાગે. 15તેથી ઘણા દેશો તેને જોઈને આશ્ચર્યચકિત થશે; રાજાઓ તેને કારણે પોતાના મુખ બંધ રાખશે. કારણ કે તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે અને જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે. 53:1આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું છે? અને યહોવાહનો ભુજ, તે કોની આગળ પ્રગટ થયેલો છે? 2તે યહોવાહની સમક્ષ રોપાની જેમ ઊગી નીકળ્યો અને સૂકી ભૂમિમાં ફણગાની જેમ ફૂટી નીકળ્યો; તેની પાસે કોઈ સૌંદર્ય કે વૈભવ ન હતા; જયારે આપણે તેને જોયો, તેનામાં આપણને આકર્ષી શકે તેવી સુંદરતા નહોતી. 3તે માણસોથી ધિક્કારાયેલો તથા નકારાયેલો હતો; દુ:ખી પુરુષ અને દર્દનો અનુભવી. જેને જોઈને માણસો પોતાનું મુખ ફેરવી લે, એવો ધિક્કાર પામેલો તે હતો; અને આપણે તેની કદર કરી નહિ. 4પણ નિશ્ચે તેણે આપણી માંદગી માથે લીધી અને આપણાં દુ:ખ વેઠ્યાં છે; પણ આપણે તો તેને ઈશ્વરથી શિક્ષા પામેલો, ઈશ્વર દ્વારા મારવામાં આવેલો તથા પીડિત થયેલો માન્યો. 5પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો; આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. 6આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ; આપણે દરેક પોતપોતાને માર્ગે વળી ગયા છીએ અને યહોવાહે તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. 7તેના પર જુલમ ગુજારવામાં આવ્યો; તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; જેમ હલવાનને વધ કરવા માટે લઈ જવામાં આવે છે અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેણે પોતાનું મુખ ખોલ્યું નહિ. 8જુલમથી તથા ન્યાયચુકાદાથી તેને અપરાધી ઠરાવવામાં આવ્યો; તેની પેઢીનાં માણસોમાંથી કોણે તેના વિષે કંઈ વિચાર કર્યો? પણ તેને જીવતાઓની ભૂમિમાંથી કાપી નાખવામાં આવ્યો; મારા લોકોના અપરાધોને લીધે તેને શિક્ષા થઈ. 9તેની કબર ગુનેગારોની સાથે ઠરાવેલી હતી, તેની મરણાવસ્થામાં તે ધનિકની સાથે હતો, તેમ છતાં તેણે કોઈ હિંસા કરી નહિ કે તેના મુખમાં કોઈ કપટ નહોતું. 10તોપણ યહોવાહની મરજી તેને ઘાયલ કરીને કચરવાની હતી; જો તમે લોકો તેના જીવનને પાપનું બલિદાન બનાવો, તો તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે અને યહોવાહનો હેતુ તેના દ્વારા સફળ થશે. 11તે પોતાના આત્માનાં કષ્ટનું ફળ જોશે અને તેના ડહાપણથી સંતોષ પામશે. મારો ન્યાયી સેવક ઘણાનો ઇનસાફ કરશે; અને તેઓના અપરાધો પોતાને માથે લઈ લેશે. 12તેથી હું તેને મહાન પુરુષોની સાથે તેનો હિસ્સો વહેંચી આપીશ અને તે લૂંટ ઘણાની સાથે લૂંટ વહેંચશે, કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો અને તેની ગણતરી અપરાધીઓમાં થઈ. તેણે ઘણાંઓનાં પાપ માથે લીધાં અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.
પ્રત્યુત્તર ગીત
ગી.શા 31:1, 5, 11–12, 14–16, 24
1મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું; મારી જરા પણ બદનામી થવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો. 5હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે. 11મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે; મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે. જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે. 12મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી. હું તૂટી ગયેલા વાસણ જેવો છું. 14પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.” 15મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો. 16તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; તમારી કૃપાથી મને બચાવો. 24જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે, તે બળવાન તથા હિંમતવાન થાઓ.
બીજું વાંચન
14તો ઈશ્વરના પુત્ર ઈસુ જે સ્વર્ગમાં પ્રવેશ પામ્યા છે, એવા મહાન પ્રમુખ યાજક આપણને મળ્યા છે, માટે આપણે જે સ્વીકાર્યું છે તેને દૃઢતાથી પકડી રાખીએ. 15કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહિ, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે. 16એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. 5:7તેઓ મનુષ્યદેહધારી હતા એ સમયે પોતાને મૃત્યુમાંથી છોડાવવાને જે સર્વશક્તિમાન હતા, તેઓની પાસે મોટે અવાજે, આંસુસહિત પ્રાર્થના તથા વિનંતી કર્યાં અને તેમણે અધીનતાથી ઈશ્વરની વાતોને મહિમા આપ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી; 8તે પુત્ર હતા તે છતાં પણ પોતે જે જે સંકટો સહ્યાં તેથી તે ખ્રિસ્ત આજ્ઞાપાલન શીખ્યા. 9અને પરિપૂર્ણ થઈને પોતાની આજ્ઞાનું પાલન કરનારા સઘળાંને માટે અનંત ઉદ્ધારનું કારણ બન્યા.
સુવાર્તા
1એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા. 2હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે જગ્યા વિષે જાણતો હતો; કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વખત ત્યાં જતા હતા. 3ત્યારે યહૂદા સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો, મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવ્યો. 4ત્યારે ઈસુ પોતાનાં પર જે સર્વ આવી પડવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને કહ્યું કે, ‘તમે કોને શોધો છો?’” 5તેઓએ તેમને ઉત્તર દીધો કે, ‘ઈસુ નાઝારીને.’ ઈસુ તેઓને કહે છે કે, ‘તે હું છું.’ અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો. 6એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, ‘તે હું છું,’ ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા. 7ત્યારે તેમણે ફરી તેઓને પૂછ્યું કે, ‘તમે કોને શોધો છો?’ અને તેઓએ કહ્યું કે, ‘નાસરેથના ઈસુને.’” 8ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મેં તમને કહ્યું કે, તે હું છું;’ એ માટે જો તમે મને શોધતાં હો તો, આ માણસોને જવા દો.’” 9એ માટે કે જે વચન તેઓ બોલ્યા હતા તે પૂર્ણ થાય; ‘જેઓને તમે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી.’” 10ત્યારે સિમોન પિતરે તેની પાસે તલવાર હતી, તે કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલ્ખસ હતું. 11તેથી ઈસુએ પિતરને કહ્યું કે, ‘તારી તલવાર મ્યાનમાં મૂક; જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે ‘તે શું હું ના પીઉં?’” 12ત્યારે સિપાઈઓએ, સેનાપતિ તથા યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમને બાંધ્યા. 13તેઓ પહેલાં તેમને આન્નાસની પાસે લઈ ગયા; કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો. 14હવે કાયાફાએ યહૂદીઓને એવી સલાહ આપી હતી કે, લોકોને માટે એક માણસે મરવું હિતકારક છે. 15સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તેથી ઈસુની સાથે પ્રમુખ યાજકના ઘરના ચોકમાં ગયો. 16પણ પિતર બારણા આગળ બહાર ઊભો રહ્યો. માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારી દાસીને કહીને પિતરને અંદર લઈ ગયો. 17ત્યારે તે દાસીએ પિતરને કહ્યું કે, ‘શું તું પણ તે માણસના શિષ્યોમાંનો એક છે?’ પિતરે કહ્યું કે, ‘હું નથી.’” 18ત્યાં ચાકરો તથા સિપાઈઓ ઠંડીને કારણે કોલસાની તાપણી કરીને તાપતા હતા; કેમ કે ઠંડી હતી; અને પિતર પણ તેઓની સાથે ઊભો રહીને તાપતો હતો. 19ત્યારે પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો તથા શિક્ષણ વિષે પૂછ્યું. 20ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘દુનિયાની સમક્ષ હું પ્રગટ રીતે બોલતો આવ્યો છું; સભાસ્થાનોમાં તથા ભક્તિસ્થાનમાં જ્યાં સર્વ યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો; અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી. 21‘તું મને કેમ પૂછે છે?’ તેઓને પૂછ; ‘મેં જે કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછ; જો, મેં જે વાતો કહી તે તેઓ જાણે છે. 22ઈસુએ એમ કહ્યું ત્યારે, સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે, શું તું પ્રમુખ યાજકને એવી રીતે જવાબ આપે છે?’” 23ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો તે વિષે સાબિત કર. પણ જો સાચું હોય, ‘તો તું મને કેમ મારે છે?’” 24ત્યારે આન્નાસે ઈસુને બાંધીને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા. 25હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, ‘શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?’ તેણે નકાર કરતાં કહ્યું કે, ‘હું નથી.’” 26જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો જે પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો તેણે કહ્યું, વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી શું? 27ત્યારે પિતરે ફરીથી ઇનકાર કર્યો; અને તરત જ મરઘો બોલ્યો. 28ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ. 29તેથી પિલાતે બહાર આવીને તેઓને કહ્યું કે, ‘એ માણસ પર તમે કયું તહોમત મૂકો છો?’” 30તેઓએ તેને ઉત્તર આપ્યો, ‘જો એ માણસ ખોટું કરનાર ન હોત, તો અમે તેને તમને સોંપત નહિ.’” 31ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,’ યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.’” 32પોતે કયા મોતથી મરનાર હતા તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું. 33એથી પિલાતે ફરી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’” 34ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘આ શું તું પોતાના તરફથી કહે છે કે, કોઈ બીજાઓએ મારા સંબંધી એ તને કહ્યું?’” 35પિલાતે ઉત્તર આપ્યો કે, ‘શું હું યહૂદી છું?’ તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો; ‘તેં શું કર્યું છે?’” 36ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં આવત નહિ, તે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી. 37તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘ત્યારે શું તું રાજા છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તું કહે છે કે હું રાજા છું.’ એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.’” 38પિલાત તેને કહે છે કે, ‘સત્ય શું છે?’ જયારે તેણે એમ કહ્યું ત્યારે, તે ફરીથી યહૂદીઓની પાસે બહાર ગયો અને તેઓને કહ્યું મને આ માણસમાં કંઈ અપરાધ જણાતો નથી. 39પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં, એવો તમારો રિવાજ છે. તેથી હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું? 40ત્યારે તેઓએ ફરીથી ઊંચા અવાજે કહ્યું કે, ‘એને તો નહિ જ, પણ બરાબાસને. હવે બરાબાસ તો લુંટારો હતો. 19:1ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. 2સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો; 3તેઓએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘ઓ યહૂદીઓના રાજા, સલામ!’ અને તેઓએ તેમને મુક્કીઓ મારી. 4પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, ‘હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’” 5ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા જ બહાર નીકળ્યા. પછી પિલાતે તેઓને કહ્યું કે, ‘આ માણસને જુઓ!’ 6જયારે મુખ્ય યાજકોએ તથા અધિકારીઓએ તેમને જોયા, ત્યારે તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, તેને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.’ પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો; કેમ કે મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’” 7યહૂદીઓએ પિલાતને ઉત્તર આપ્યો કે, ‘અમારો એક નિયમ છે અને તે પ્રમાણે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ; કેમ કે તેણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે. 8તે વાત સાંભળીને પિલાત વધારે ગભરાયો; 9અને તેણે ફરી દરબારમાં જઈને ઈસુને કહ્યું કે, ‘તું ક્યાંનો છે?’ પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ. 10ત્યારે પિલાતે તેમને કહ્યું કે, ‘શું તું મને કશું કહેતો નથી?’ શું તું જાણતો નથી કે તને છોડવાનો અને વધસ્તંભે જડવાનો અધિકાર મને છે?’” 11ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ઉપરથી અપાયાં વિના તને મારા પર કંઈ પણ અધિકાર હોત નહિ; તે માટે જેણે મને તને સોંપ્યો છે તેનું પાપ વધારે મોટું છે.’” 12આથી પિલાતે તેમને છોડવાની કોશિશ કરી; પણ યહૂદીઓએ ઊંચા અવાજે કહ્યું કે, ‘જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારનાં મિત્ર નથી; જે કોઈ પોતાને રાજા ઠરાવે છે, તે કાઈસારની વિરુદ્ધ બોલે છે. 13ત્યારે તે સાંભળીને પિલાત ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગ્યા જેને હિબ્રૂ ભાષામાં ‘ગાબ્બાથા’ કહે છે, ત્યાં ન્યાયાસન પર બેઠો. 14હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાતે યહૂદીઓને કહ્યું કે, ‘જુઓ, તમારો રાજા!’ 15ત્યારે તેઓએ પોકારીને કહ્યું કે, ‘તેને દૂર કરો, દૂર કરો, તેને વધસ્તંભે જડો.’ પિલાત તેઓને કહે છે કે, ‘શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?’ મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો કે, ‘કાઈસાર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.’” 16ત્યારે ઈસુને વધસ્તંભે જડવાને પિલાતે તેઓને સોંપ્યાં. તેથી તેઓ ઈસુને પકડી લઈ ગયા. 17પછી ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગ્યા, જે હિબ્રૂ ભાષામાં ‘ગલગથા’ કહેવાય છે, ત્યાં બહાર ગયા. 18તેઓએ ઈસુને તથા તેમની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યાં; બંને બાજુએ એકને તથા વચમાં ઈસુને. 19પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર લટકાવ્યું કે; ‘નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.’” 20જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું. 21તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, ‘યહૂદીઓનો રાજા,’ એમ ન લખો, પણ તેણે કહ્યું કે, ‘હું યહૂદીઓનો રાજા છું.’ એમ લખો. 22પિલાતે ઉત્તર આપ્યો કે, ‘મેં જે લખ્યું તે લખ્યું.’” 23સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેમના વસ્ત્રો લઈ લીધાં અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાઈને માટે એક; ઝભ્ભો પણ લઈ લીધો હતો; તે ઝભ્ભો સાંધા વગરનો ઉપરથી આખો વણેલો હતો. 24પછી તેઓએ પરસ્પર કહ્યું કે, ‘આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!’ ‘તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.’ એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ. 25પણ ઈસુના વધસ્તંભ પાસે તેમના મા, તેમના માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભા રહેલાં હતાં. 26તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, ‘બાઈ, જો તારો દીકરો!’ 27ત્યાર પછી તે પેલા શિષ્યને કહે છે કે, ‘જો, તારી મા!’ અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો. 28તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, ‘મને તરસ લાગી છે.’” 29ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂક્યું હતું; તેઓએ એક વાદળી લઈને સરકામાં ભીંજવીને લાકડી પર બાંધીને તેમના મોં આગળ ધરી. 30ત્યારે ઈસુએ સરકો ચાખ્યાં પછી કહ્યું કે, ‘સંપૂર્ણ થયું;’ અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો. 31તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, અને તે વિશ્રામવાર મહત્ત્વનો દિવસ હતો, એ માટે વિશ્રામવારે તેઓના મૃતદેહ વધસ્તંભ પર રહે નહિ માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે, ‘તેઓના પગ ભાંગીને તેઓને નીચે ઉતારવામાં આવે.’” 32એ માટે સિપાઈઓએ આવીને ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા બંને જણાનાં પગ ભાંગ્યાં. 33જયારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેમને મૃત જોઈને તેમના પગ ભાંગ્યા નહિ. 34તોપણ સિપાઈઓમાંના એકે ભાલાથી તેમની કૂખ વીંધી અને તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં. 35જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે જેથી તમે પણ વિશ્વાસ કરો, તેની સાક્ષી સાચી છે. તે સત્ય કહે છે, એ તે જાણે છે. 36કેમ કે, ‘તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ’ એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું; 37વળી બીજું શાસ્ત્રવચન કહે છે કે, ‘જેમને તેઓએ વીંધ્યા તેમને તેઓ જોશે.’” 38આ બાબતો બન્યા પછી અરિમથાઈનો યૂસફ, જે યહૂદીઓની બીકને લીધે ગુપ્ત રીતે ઈસુનો શિષ્ય હતો, તેણે ઈસુનો પાર્થિવ દેહ લઈ જવાની પિલાત પાસે માગણી કરી; અને પિલાતે તેને પરવાનગી આપી. તેથી તે આવીને તેમનો દેહ ઉતારીને લઈ ગયો. 39જે અગાઉ એક રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે નિકોદેમસ પણ બોળ અને અગરનું આશરે 30 કિલોગ્રામ મિશ્રણ લઈને આવ્યો. 40ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનો પાર્થિવ દેહ લઈને, સુગંધીદ્રવ્યો સહિત શણના વસ્ત્રમાં લપેટ્યો. 41હવે જ્યાં તેમને વધસ્તંભે જડ્યાં હતા ત્યાં એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી દફનાવવામાં આવ્યો ન હતો. 42તે કબર પાસે હતી અને તે દિવસ યહૂદીઓના પાસ્ખાની તૈયારીનો હતો માટે ઈસુને ત્યાં જ દફનાવવામાં આવ્યા.
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો