મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 27 માર્ચ
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 27 માર્ચ 2027
શનિવાર · પાસ્ખાના ત્રણ દિવસ
પર્વો અને સંતો
પવિત્ર શનિવાર — પાસ્ખાનું જાગરણ
પાસ્ખાના ત્રણ દિવસ · ધાર્મિક વિધિનો રંગ: સફેદ
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
1પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં. 2પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો. 3ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાળું થાઓ” અને અજવાળું થયું. 4ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં. 5ઈશ્વરે અજવાળાંને “દિવસ” અને અંધારાને “રાત” કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ. 6ઈશ્વરે કહ્યું, “પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો.” 7ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું. 8ઈશ્વરે અંતરિક્ષને “આકાશ” કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ. 9ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એ પ્રમાણે થયું. 10ઈશ્વરે કોરી જગ્યાને “ભૂમિ” કહી અને એકત્ર થયેલા પાણીને “સમુદ્રો” કહ્યા. તેમણે જોયું કે તે સારું છે. 11ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે.” એ પ્રમાણે થયું. 12ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. 13સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ. 14ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ. 15પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ.” એ પ્રમાણે થયું. 16ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા. 17ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને, 18દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અને અંધારામાંથી અજવાળાંને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. 19સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ. 20ઈશ્વરે કહ્યું, “પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો.” 21ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. 22ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, “સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો.” 23સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ. 24ઈશ્વરે કહ્યું કે, “પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો.” એ પ્રમાણે થયું. 25ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, ગ્રામ્યપશુઓ, અને પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયું કે તે સારું છે. 26ઈશ્વરે કહ્યું કે, “આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે.” 27ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં. 28ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” 29ઈશ્વરે કહ્યું કે, “જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે. 30“પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે.” એ પ્રમાણે થયું. 31ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું. તે સર્વોત્તમ હતું. સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ. 2:1આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સેનાઓનું સર્જન પૂર્ણ થયું. 2ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ણ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો.
ગીત
ગી.શા 104:1–2, 5–6, 10, 12–14, 24, 35
1હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે. 2તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો. 5તમે પૃથ્વીને તેના પાયા પર સ્થિર કરી છે જેથી તે ખસે નહિ. 6તમે પૃથ્વીને વસ્ત્રની જેમ જળના ભંડારોથી આચ્છાદિત કરો છો; પાણીએ પર્વતોને આચ્છાદિત કર્યાં છે. 10તેમણે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; તે પર્વતોની વચ્ચે વહે છે. 12આકાશના પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે; વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે. 13તે ઓરડામાંથી પર્વતો પર પાણી સિંચે છે. પૃથ્વી તેમનાં કામના ફળથી તૃપ્ત થાય છે. 14તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે. 24હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે; તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે. 35પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનો અંત આવો. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. યહોવાહની સ્તુતિ કરો.
બીજું વાંચન
1ત્યાર બાદ ઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટી કરી. તેમણે તેને કહ્યું, “ઇબ્રાહિમ!” ઇબ્રાહિમે કહ્યું, “હું આ રહ્યો.” 2પછી ઈશ્વરે કહ્યું, “તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું ખૂબ પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હું તને બતાવું તે પર તું તેનું દહનીયાર્પણ કર.” 3તેથી ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને તેણે ગધેડા પર જીન બાંધ્યું. તેના બે યુવાન ચાકરોને તથા દીકરા ઇસહાકને તેની સાથે લીધા. દહનીયાર્પણને સારુ લાકડાં પણ લીધાં. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ત્યાં તેઓ ગયા. 4ત્રીજા દિવસે ઇબ્રાહિમે દૂરથી તે જગ્યાને નિહાળી. 5ઇબ્રાહિમે તેના જુવાનોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, હું તથા ઇસહાક ત્યાં ઉપર જઈશું. અમે અર્પણ કરીને તમારી પાસે પાછા આવીશું.” 6પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકી લેવા માટે પોતાના દીકરા ઇસહાકને આપ્યાં. તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધાં અને તેઓ બન્ને સાથે પર્વત પર ગયા. 7ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમને કહ્યું, “મારા પિતા” અને તેણે કહ્યું, “બોલ, મારા દીકરા, હું આ રહ્યો.” તેણે કહ્યું, “જુઓ, અહીં અગ્નિ તથા લાકડાં તો છે, પણ દહનીયાર્પણને માટે ઘેટું ક્યાં છે? 8ઇબ્રાહિમે કહ્યું, “મારા દીકરા, દહનીયાર્પણને સારુ ઈશ્વર પોતે ઘેટું પૂરું પાડશે.” અને તેઓ આગળ ચાલ્યા. 9જે જગ્યા વિશે ઈશ્વરે તેમને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે ત્યાં વેદી બનાવી અને તેના પર લાકડાં ગોઠવ્યાં. પછી તેના દીકરા ઇસહાકને બાંધીને તેને વેદી પરનાં લાકડાં પર મૂક્યો. 10ઇબ્રાહિમે તેના દીકરાને મારવાને માટે હાથમાં છરો લીધો. 11પછી તેણે છરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” અને તેણે કહ્યું, “બોલો, હું અહીં છું.” 12દૂતે તેને કહ્યું, “તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે.” 13ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું. 14પછી તેણે દહનીયાર્પણની એ જગ્યાનું નામ “યહોવાહ-યિરેહ “પાડ્યું.” તે આજ સુધી એ નામે ઓળખાય છે તેનો અર્થ એ છે કે, “ઈશ્વરના પર્વત પર ઈશ્વર પૂરું પાડે છે.” 15ઈશ્વરના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમ સાથે ફરીથી વાત કરી, 16અને કહ્યું કે, “આ ઈશ્વરની વાણી છે, “મેં પોતાના સમ ખાધા છે, તેં એ કામ કર્યું છે અને તારા એકનાએક દીકરાને તેં પાછો રાખ્યો નથી, 17તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે. 18તારા વંશજોથી પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”
ગીત
5યહોવાહ, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. તમે મારા હિસ્સાનો આધાર છો. 8મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. 9તેથી મારું હૃદય આનંદમાં છે; મારો આત્મા હર્ષ પામે છે; ચોક્કસ હું સહીસલામત રહીશ. 10કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ. 11તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.
ત્રીજું વાંચન
15પછી યહોવાહે મૂસાને કહ્યું, “મને પોકારો કરવાની શી જરૂર છે? ઇઝરાયલી લોકોને કહે કે આગળ કૂચ કરે, પ્રવાસ ચાલુ રાખે. 16તું તારી લાકડીને રાતા સમુદ્ર પર ઊંચી કર. તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ અને સમુદ્ર બે ભાગ થઈ જશે. ઇઝરાયલ લોકો સમુદ્રની કોરી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે. 17પછી હું મિસરવાસીઓને હઠીલા અને આવેશી બનાવીશ. એટલે તેઓ તમારા પર સમુદ્ર તરફ ધસી આવશે. ફારુનને, તેના રથસવારો, ઘોડેસવારો અને સમગ્ર સૈન્યને હું નષ્ટ કરીશ. તેઓ મારું ગૌરવ નિહાળશે. 18ત્યારે ફારુન અને તેના સૈન્ય સહિત સમગ્ર મિસરવાસીઓને ખબર પડશે કે હું યહોવાહ છું.” 19પછી ઇઝરાયલી સૈન્યની આગળ ચાલતો યહોવાહનો જે દૂત હતો તે ત્યાંથી ખસીને તેઓની પાછળ ગયો, તેથી મેઘસ્તંભ પણ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો. 20આ રીતે મેઘસ્તંભ મિસરીઓના સૈન્ય અને ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે આવીને થંભ્યો. ત્યારે વાદળો અને અંધકાર હોવા છતાં મેઘસ્તંભ પણ રાત્રે ઇઝરાયલીઓને પ્રકાશ આપતો હતો. મિસરની સેના માટે સમગ્ર રાત્રી દરમિયાન અંધકાર હોવાને લીધે તે ઇઝરાયલીઓ પાસે આવી શકી નહિ. 21મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ્યો, એટલે યહોવાહે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ કોરી જમીન બનાવી હતી. 22ઇઝરાયલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રમાં થઈને પાર ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની દીવાલો બની ગઈ હતી. 23મિસરીઓ તેઓની પાછળ પડયા. ફારુનના બધા જ રથસવારો, ઘોડેસવારો તથા અન્ય સૈનિકો તેઓની પાછળ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા. 24પછી પ્રભાતના પ્રથમ પહોરમાં અગ્નિસ્તંભ તથા મેઘસ્તંભમાંથી યહોવાહે મિસરીઓના સૈન્ય પર નજર કરી. તેઓના પર હુમલો કર્યો. તેઓનો પરાજય કર્યો. 25યહોવાહે તેઓના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે તે ફરી શકતાં ન હતાં. આથી મિસરના સૈનિકો બૂમ પાડવા લાગ્યા, “આ તો યહોવાહ પોતે ઇઝરાયલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યા છે. ચાલો, આપણે પાછા જતા રહીએ.” 26પછી યહોવાહે મૂસાને કહ્યું, “હવે તું તારો હાથ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ. જેથી મિસરવાસીઓ પર, તેમના રથસવારો પર અને તેઓના ઘોડેસવારો પર પાણી ફરી વળે.” 27એટલે તે પરોઢ થવાના સમયે મૂસાએ સમુદ્ર પર હાથ લંબાવ્યો ત્યારે સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં પાછો આવી ગયો. મિસરના સૈન્યએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી પણ યહોવાહે તેઓને સમુદ્રમાં વચ્ચોવચ્ચ ડુબાવી માર્યા. 28સમુદ્રના પાણીએ પાછાં વળીને રથસવારોને, ઘોડેસવારોને અને ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી કોઈ બચી શક્યું નહિ. 29પરંતુ ઇઝરાયલના લોકો તો સમુદ્રની વચ્ચેથી કોરી ભૂમિ પર થઈને પસાર થઈ ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીંતો થઈ ગઈ હતી. 30આ રીતે તે દિવસે યહોવાહે ઇઝરાયલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇઝરાયલીઓએ સમુદ્ર કિનારે મિસરીઓના મૃતદેહો પડેલા જોયા. 31અને યહોવાહે મિસરીઓ વિરુદ્ધ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને ઇઝરાયલીઓ ગભરાઈ ગયા અને યહોવાહ પર અને તેના સેવક મૂસા પર તેઓએ વિશ્વાસ કર્યો. 15:1પછી મૂસાએ અને ઇઝરાયલના લોકોએ યહોવાહની સમક્ષ આ સ્તુતિગાન ગાયું: “હું યહોવાહની સમક્ષ ગાયન કરીશ, તેમણે મહાન વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે ઘોડા અને સવારોને સમુદ્રમાં ડુબાડી દીધા છે;
ગીત
1પછી મૂસાએ અને ઇઝરાયલના લોકોએ યહોવાહની સમક્ષ આ સ્તુતિગાન ગાયું: “હું યહોવાહની સમક્ષ ગાયન કરીશ, તેમણે મહાન વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે ઘોડા અને સવારોને સમુદ્રમાં ડુબાડી દીધા છે; 2યહોવાહ મારું સામર્થ્ય અને ગીત છે; તે મારો ઉદ્ધાર થયા છે. આ મારા ઈશ્વર છે અને હું તેમની સ્તુતિ કરીશ. મારા પૂર્વજોના ઈશ્વર, હું તેમને મહાન માનું છું. 3યહોવાહ તો યોદ્ધા છે, તેમનું નામ યહોવાહ છે. 4તેમણે ફારુનનાં રથદળોને સમુદ્રમાં ડુબાડી દીધા; અને તેના માનીતા સરદારોને પણ સૂફ સમુદ્રમાં ડુબાડી દીઘા છે. 5પાણીના પ્રવાહો તેઓના પર ફરી વળ્યા છે. તેઓ પથ્થરની માફક છેક તળિયે ડૂબી ગયા છે. 6હે યહોવાહ! તમારો જમણો હાથ, પરાક્રમે મહિમાવાન છે. હે યહોવાહ! તમારો જમણો હાથ શત્રુઓને પછાડીને તેમના ચૂરા કરે છે. 17હે પ્રભુ જયાં તમારો આવાસ છે અને જે પવિત્રસ્થાન તમે સ્થાપિત કર્યું છે; એટલે તમારા પવિત્ર પર્વતમાં તેઓને લાવીને તમે તેઓને ત્યાં સ્થાયી વસાવવાના છો. ત્યાં તમે તમારું ભક્તિસ્થાન બાંધશો. 18હે યહોવાહ, તમે સદાસર્વકાળ સુધી રાજ્ય કરવાના છો.”
ચોથું વાંચન
5કેમ કે તારા કર્તા જ તારા છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. ઇઝરાયલના પવિત્રએ તારા ઉદ્ધારકર્તા છે; તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાય છે. 6તારા ઈશ્વર કહે છે, તજેલી તથા આત્મામાં ઉદાસ રહેનાર પત્નીની જેમ, એટલે જુવાનીમાં પરણેલી સ્ત્રી અને પછી નકારાયેલી પત્નીની જેમ, યહોવાહે તને બોલાવી છે. 7“મેં ક્ષણવાર તને તજી હતી, પણ હવે પુષ્કળ દયાથી હું તને સ્વીકારીશ. 8ક્રોધના આવેશમાં મેં પળવાર તારાથી મારું મુખ ફેરવ્યું હતું; પણ અનંતકાળિક કરારના વિશ્વાસુપણાથી હું તારા પર દયા કરીશ,” તારા બચાવનાર યહોવાહ એમ કહે છે. 9“કેમ કે મારે માટે તો એ નૂહના જળપ્રલય જેવું છે: જે પ્રમાણે મેં સમ ખાધા હતા કે, નૂહનો જળપ્રલય ફરી પૃથ્વી પર થનાર નથી, તેથી મેં સમ ખાધા છે કે હું તારા પર ફરીથી કદી ક્રોધાયમાન થઈશ નહીં, કે તને ઠપકો દઈશ નહિ. 10છતાં જો પર્વતો ખસી જાય અને ડુંગરો હચમચી જાય, તોપણ મારા કરારનું વિશ્વાસુપણું તારી પાસેથી ફરશે નહિ, કે મારો શાંતિનો કરાર ટળશે નહિ,” તારા પર કૃપા રાખનાર યહોવાહ એવું કહે છે. 11હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની, જુઓ, હું તારા પથ્થરો પીરોજમાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ. 12તારા બુરજોને હું માણેકના અને તારા દરવાજા લાલ પથ્થરના અને તારી બહારની દીવાલો રત્ન જડિત કરીશ. 13અને તારાં સંતાનોને યહોવાહ દ્વારા શીખવવામાં આવશે; અને તારાં સંતાનોને ઘણી શાંતિ મળશે. 14હું તને ન્યાયીપણામાં પુનઃસ્થાપિત કરીશ. તને હવે સતાવણીનો અનુભવ થશે નહિ, તને કંઈ ભય લાગશે નહિ અને કંઈ ભયજનક વસ્તુ તારી પાસે આવશે નહિ.
ગીત
1ઘરની પ્રતિષ્ઠા કરતી વખતનું ગાયન.દાઉદનું (ગીત). હે યહોવાહ, હું તમને મોટા માનીશ, કારણ કે તમે મને ઊંચો કર્યો છે અને તમે મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી. 3હે યહોવાહ, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; તમે મને જીવતો રાખ્યો છે અને મને કબરમાં પડવા દીધો નથી. 4હે યહોવાહના વિશ્વાસુ ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ! તેમના પવિત્ર નામની આભારસ્તુતિ કરો. 5તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે. રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે. 10હે યહોવાહ, સાંભળો અને મારા પર દયા કરો! હે યહોવાહ, તમે મારા સહાયકારી થાઓ. 11તમે મારા શોકને નૃત્યમાં ફેરવ્યું છે; તમે મારા શોકનાં વસ્ત્રો ઉતારી લઈને મને ઉત્સાહ રૂપી વસ્ત્રો પહેરાવી દીધાં. 12જેથી મારું ગૌરવી હૃદય તમારાં સ્તોત્ર ગાય અને શાંત રહે નહિ; હું આનંદપૂર્વક, યહોવાહ મારા ઈશ્વરની સદાકાળ આભારસ્તુતિ કરીશ!
પાંચમું વાંચન
1હે સર્વ તૃષિત જનો, તમે પાણીની પાસે આવો! અને જેની પાસે કંઈ પણ નાણું નથી તે, તમે સર્વ આવો, ખરીદો અને ખાઓ! આવો, નાણાં વિના અને વિના મૂલ્યે દ્રાક્ષારસ અને દૂધ લઈ જાઓ. 2જે રોટલી નથી તેને સારુ ચાંદી શા માટે ખર્ચો છો? અને જેનાથી તૃપ્તિ થતી નથી તેને માટે મહેનત શા માટે કરો છો? કાન દઈને મારું સાંભળો અને સારો ખોરાક ખાઓ તથા ચરબીથી તમારા જીવને ખુશ કરો. 3કાન દો અને મારી પાસે આવો! સાંભળો એટલે તમે જીવતા રહેશો! હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ, જે કરારનું વિશ્વાસુપણું મેં દાઉદને આપ્યું હતું. 4જુઓ, મેં તેને લોકોને માટે સાક્ષી, તેઓને માટે સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે. 5જુઓ, જે દેશને તું જાણતો નથી તેને તું બોલાવશે; અને જે દેશ તને જાણતો નથી, તે તારા ઈશ્વર યહોવાહને લીધે તારી પાસે દોડી આવશે. તે ઇઝરાયલના પવિત્રને લીધે જેણે તને પ્રતાપી કર્યો છે. 6યહોવાહ મળે છે ત્યાં સુધીમાં તેમને શોધો; તે પાસે છે ત્યાં સુધીમાં તેને હાંક મારો. 7દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે અને પાપી માણસ પોતાના વિચારો તજી દે. તેને યહોવાહ, આપણા ઈશ્વરની પાસે પાછા ફરવા દો અને તે તેમના પર દયા કરશે અને સંપૂર્ણ ક્ષમા કરશે. 8“કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવાહ કહે છે. 9“કેમ કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. 10કેમ કે જેમ વરસાદ અને હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના, તેને ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનાર ને અન્ન આપ્યા વિના વચનો પાછાં ફરતાં નથી. 11તે પ્રમાણે મારું જે વચન મારા મુખમાંથી નીકળે છે: તે નિરર્થક પાછું ફરશે નહિ, પણ જે હું ચાહું છું તેને પરિપૂર્ણ કરશે અને જે માટે મેં તેને મોકલ્યું હતું તેમાં તે સફળ થશે.
ગીત
2જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું તેમના પર ભરોસો રાખીશ અને બીશ નહિ, કેમ કે યહોવાહ, હા, યહોવાહ મારું સામર્થ્ય તથા મારું ગીત છે. તે મારું તારણ થયા છે.” 3તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો. 4તે દિવસે તમે કહેશો, “યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો. 5યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ. 6હે સિયોનના રહેવાસીઓ, જોરથી પોકારો અને આનંદનો પોકાર કરો, કેમ કે ઇઝરાયલના પવિત્ર તમારામાં મહાન મનાય છે.”
છઠ્ઠું વાંચન
આ અનુવાદમાં નથી
ગીત
7યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે. 8યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે. 9યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે; યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે. 10તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે; વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.
સાતમું વાંચન
16યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 17“હે મનુષ્યપુત્ર, જ્યારે ઇઝરાયલી લોકો પોતાના દેશમાં રહેતા હતા, ત્યારે તેઓએ પોતાના આચરણથી તથા પોતાના કાર્યોથી તેને અશુદ્ધ કર્યો છે. મારી આગળ તેઓનાં આચરણ માસિક ધર્મવાળી સ્ત્રીના જેવાં અશુદ્ધ હતાં. 18તેઓએ જે લોહી દેશ પર વહેવડાવ્યું હતું તેને લીધે તથા તેઓએ તેને પોતાની મૂર્તિઓ વડે અશુદ્ધ કર્યો હતો. તેથી મેં મારો રોષ તેઓ પર રેડ્યો. 19મેં તેઓને પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા; તેઓ આખા દેશમાં વિખેરાઈ ગયા. હું તેઓનાં આચરણ તથા કૃત્યો પ્રમાણે ન્યાય કરીશ. 20પછી તેઓ પ્રજાઓમાં ગયા. જ્યાં જ્યાં તેઓ ગયા, ત્યાં તેઓએ મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, લોકો તેઓ વિષે કહેતા હતા કે, ‘શું આ ખરેખર યહોવાહના લોકો છે? કેમ કે તેઓ પોતાના દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.’ 21ઇઝરાયલી લોકો જે પ્રજાઓમાં ગયા ત્યાં તેઓએ મારા નામને અશુદ્ધ કર્યું છે, માટે હું મારા પવિત્ર નામની ચિંતા કરું છું. 22માટે તું ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘હે ઇઝરાયલી લોકો, હું તમારી ખાતર આ કરતો નથી, પણ મારા પવિત્ર નામની ખાતર કરું છું, જે જે પ્રજાઓમાં તમે ગયા હતા તેઓની વચ્ચે તમે મારા નામને અશુદ્ધ કર્યું છે. 23કેમ કે તમે મારા મહાન પવિત્ર નામને, પ્રજાઓમાં અપવિત્ર કર્યું છે, હા પ્રજાઓમાં તેને અપવિત્ર કર્યું છે. યહોવાહ કહે છે, જ્યારે હું તે પ્રજાઓની નજર આગળ તમારામાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવાહ છું. 24હું તમને પ્રજાઓમાંથી લઈને તથા દરેક દેશમાંથી ભેગા કરીને, તમારા પોતાના દેશમાં પાછા લાવીશ. 25હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, તમે તમારી બધી અશુદ્ધિઓથી શુદ્ધ થશો. અને હું તમને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ. 26હું તમને નવું હૃદય આપીશ, તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારામાંથી પથ્થર સમાન હૃદય દૂર કરીશ કેમ કે હું તમને માંસનું હૃદય આપીશ. 27હું તમારામાં મારો આત્મા મૂકીશ અને તમને મારા નિયમો પ્રમાણે ચલાવીશ, તમે મારી આજ્ઞાઓ પાળશો, તેમને અમલમાં મૂકશો. 28તમારા પૂર્વજોને આપેલા ઇઝરાયલ દેશમાં વસશો. તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.
ગીત
2ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ? 4હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો, એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે. 43:3તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે; તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં અને તમારા મુલાકાતમંડપમાં લાવે. 4પછી હું ઈશ્વરની વેદી પાસે, ઈશ્વર જે મારો અત્યાનંદ છે, તેમની પાસે જઈશ; હે ઈશ્વર, મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ.
પત્ર
3શું તમે નથી જાણતા કે, આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા. 4તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. 5કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયાં, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલાં થઈશું. 6આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય; એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહિ. 7કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે. 8પણ જો આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામેલા છીએ, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. 9કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા અને તે ફરી મૃત્યુ પામનાર નથી; હવે પછી મૃત્યુનો અધિકાર તેમના પર નથી. 10કેમ કે તેઓ મર્યા, એટલે પાપ સંબંધી એક જ વાર મૃત્યુ પામ્યા, પણ તેઓ જીવે છે એટલે ઈશ્વર સંબંધી જીવે છે. 11તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો.
ગીત
1યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે. 2ઇઝરાયલ, એમ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.” 16યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે. 17હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ. 22જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. 23આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
સુવાર્તા
1વિશ્રામવાર વીતી ગયા પછી મગ્દલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા શાલોમીએ, સુગંધી ચીજો વેચાતી લીધી, એ માટે કે તેઓ જઈને તેમને લગાવે. 2અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે સૂરજ ઊગતાં પહેલાં તેઓ કબરે આવી. 3તેઓ અંદરોઅંદર કહેતી હતી કે, ‘આપણે માટે કબર ઉપરનો પથ્થર કોણ ખસેડશે?’” 4તેઓ નજર ઊંચી કરીને જુએ છે કે, પથ્થર ગાબડાયેલો હતો. જોકે તે ઘણો મોટો હતો. 5તેઓએ કબરમાં પ્રવેશીને સફેદ ઝભ્ભો પહેરેલા, જમણી તરફ બેઠેલા, એક જુવાન માણસને જોયો. તેથી તેઓ ગભરાઈ ગઈ. 6પણ તે તેઓને કહે છે કે, ‘ગભરાશો નહિ; વધસ્તંભે જડાયેલા નાસરેથના ઈસુને તમે શોધો છો; તે ઊઠ્યાં છે; તે અહીં નથી; જુઓ, જે જગ્યાએ તેમને દફનાવ્યાં હતા તે આ છે. 7પણ જાઓ, અને તેમના શિષ્યોને, અને ખાસ કરીને પિતરને કહો કે તેઓ તમારી આગળ ગાલીલમાં જાય છે, જેમ તેમણે તમને કહ્યું હતું તેમ. તમે તેમને ત્યાં જોશો.’”
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો