મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 25 માર્ચ
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 25 માર્ચ 2027
ગુરુવાર · પાસ્ખાના ત્રણ દિવસ
પર્વો અને સંતો
પવિત્ર ગુરુવાર
પાસ્ખાના ત્રણ દિવસ · ધાર્મિક વિધિનો રંગ: સફેદ
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
1મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાહે તેઓને કહ્યું, 2“તમારા લોકો માટે આ માસ વર્ષનો પ્રથમ માસ ગણાશે.” 3સમગ્ર ઇઝરાયલીઓ માટે આદેશ છે કે: “આ માસના દસમા દિવસે પ્રત્યેક પુરુષે પોતાના પિતાના કુટુંબ દીઠ એક હલવાન લેવું. 4અને જો કુટુંબમાં આખું એક હલવાન પૂરેપૂરું ખાઈ શકે તેટલાં માણસો ના હોય તો તેઓએ પોતાના પડોશીઓને નિમંત્રણ આપવું. અને તેઓની તથા કુટુંબની સંખ્યા પ્રમાણે હલવાન લેવું. પુરુષના આહાર પ્રમાણે હલવાન વિષે વિચારીને નક્કી કરવું.” 5પસંદ કરેલ હલવાન ખોડખાંપણ વગરનો પ્રથમ વર્ષનો ઘેટો અથવા બકરો જ હોવો જોઈએ. 6તમારે આ હલવાનને એ જ માસના ચૌદમા દિવસ સુધી સાચવી રાખવો. તે દિવસે સંધ્યાકાળે તમામ ઇઝરાયલીઓ પોતપોતાની પાસે રાખેલા હલવાનને કાપે. 7તમારે તે હલવાનોનું રક્ત લઈને જે ઘરમાં તે ખાવાનું હોય તે ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર છાંટવું જોઈએ. 8“તે જ રાત્રે તમારે હલવાનના માંસને શેકવું અને તેને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું.” 11તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે. 12“કેમ કે રાત્રે હું મિસરમાં ફરીશ અને આખા મિસર દેશના બધા મનુષ્યના અને પશુઓના પ્રથમજનિતોને મારી નાખીશ. મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેઓને બતાવીશ કે હું યહોવાહ છું. 13પરંતુ તમારા ઘર પર છાંટવામાં આવેલું રક્ત એ ચિહ્ન રહેશે જેને હું જોઈશ એટલે તમારા ઘરને ટાળીને હું આગળ જઈશ. મિસરના લોકો પર મરકી આવશે. પણ તમારા ઘરોમાં વિનાશક મરકી આવશે નહિ. 14તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરજો અને એને યહોવાહના પાસ્ખાપર્વ તરીકે પાળજો. અને નિત્ય નિયમાનુસાર તમારા વંશજોએ પણ યહોવાહના માનમાં તેની ઊજવણી કરવી.”
પ્રત્યુત્તર ગીત
12હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું? 13હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ. 15યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે. 16હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે. 17હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ. 18યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ.
બીજું વાંચન
23કેમ કે જે હું પ્રભુથી પામ્યો તે મેં તમને પણ આપી દીધું, એટલે કે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, ત્યારે તેમણે રોટલી લીધી, 24અને સ્તુતિ કરીને ભાંગીને કહ્યું કે, ‘લો ખાઓ, એ મારું શરીર છે, જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારુ તે કરો.’” 25એમ જ ભોજન કર્યા પછી, પ્યાલો પણ લઈને કહ્યું કે, ‘આ પ્યાલો મારા રક્તનો નવો કરાર છે; તમે જેટલી વખત તે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારુ તે કરો.’” 26કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેમનું મૃત્યુ પ્રગટ કરો છો.
સુવાર્તા
1હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ દુનિયામાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ દુનિયામાંનાં પોતાના લોક, જેઓનાં ઉપર તેઓ પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. 2તેઓ જમતા હતા તેવામાં, શેતાને તો અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાનો વિચાર મૂક્યો હતો. 3ઈસુએ જાણ્યું કે પિતાએ સઘળી વસ્તુઓ તેમના હાથમાં આપી છે, અને તે ઈશ્વરની પાસેથી આવ્યો છે અને ઈશ્વરની પાસે જાય છે. 4ઈસુ ભોજન સ્થળ પરથી ઊભા થયા અને પોતાનો ઝભ્ભો ઉતાર્યો; પછી તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો. 5ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા. 6એ પ્રમાણે કરતા કરતા તે સિમોન પિતરની પાસે આવ્યા. ત્યારે સિમોને કહ્યું કે, ‘પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?’” 7ઈસુએ તેને કહ્યું કે, ‘હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી; પણ હવે પછી તું સમજશે.’” 8પિતર તેમને કહે છે કે, ‘હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.’ ઈસુએ તેને કહ્યું કે, ‘જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.’” 9સિમોન પિતર તેને કહે છે કે, ‘પ્રભુ, એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા મુખ પણ ધૂઓ.’” 10ઈસુ તેને કહે છે, ‘જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; તમે શુદ્ધ છો, પણ બધા નહિ. 11કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને જાણતા હતા; માટે તેમણે કહ્યું કે, ‘તમે બધા શુદ્ધ નથી.’” 12એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનાં વસ્ત્રો પહેર્યા અને પાછા જમવા બેસીને તેઓને કહ્યું કે, ‘મેં તમને શું કર્યું છે, તે તમે સમજો છો?’” 13તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, અને તમે સાચું જ કહો છો, કેમ કે હું એ જ છું.’” 14એ માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. 15કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમુનો આપ્યો છે.
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો