Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 26 માર્ચ

ઓર્થોડોક્સ પંચાંગ · 13 માર્ચ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 26 માર્ચ 2027

શુક્રવાર · મહાન ઉપવાસકાળનું બીજું અઠવાડિયું · સ્વર 1

પર્વો અને સંતો

Translation of the relics of St Nicephorus the Patriarch of Constantinople (846)

મહાન ઉપવાસકાળ

કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

છઠ્ઠો કલાક

યશા 7:1–14

1યહૂદિયાના રાજા ઉઝિયાના દીકરા યોથામના દીકરા આહાઝના સમયમાં, અરામના રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલ્યાનો દીકરો પેકાહ યરુશાલેમની સામે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તેના પર ફતેહ પામી શક્યા નહિ. 2દાઉદના વંશના રાજાને એ ખબર મળી કે, અરામ એફ્રાઇમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન અને તેના લોકોનાં મન જેમ વનનાં વૃક્ષો પવનથી કંપે એમ ગભરાયાં. 3ત્યારે યહોવાહે યશાયાને કહ્યું, “તું તારા પુત્ર શાર-યાશૂબને લઈને તમે બંને ધોબીના ખેતરને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાંના છેડા આગળ આહાઝને મળવા જાઓ. 4તું તેને કહે કે, ‘સાવધ રહે, શાંત રહે, ગભરાઈશ નહિ અને આ હોલવાઈ જતી મશાલના બે છેડાથી, એટલે અરામના રસીન તથા રમાલ્યાના દીકરા પેકાના રોષથી ભયભીત ન થા. 5અરામે, એફ્રાઇમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને, કહ્યું છે કે 6“આપણે યહૂદિયા પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ અને આપણે માટે તેમાં ભંગાણ પાડીએ અને ત્યાં ટાબએલના દીકરાને રાજા બનાવીએ.” 7પણ પ્રભુ યહોવાહ કહે છે કે, “એમ થશે નહિ; અને તે યોજના સફળ થશે નહિ, 8કારણ કે અરામનું શિર દમસ્કસ છે અને દમસ્કસનું શિર રસીન છે. અને પાંસઠ વર્ષમાં એફ્રાઇમ નાશ પામશે અને પ્રજાની ગણતરી રહેશે નહિ. 9એફ્રાઇમનું શિર સમરુન છે અને સમરુનનું શિર રમાલ્યાનો દીકરો છે. જો તમે વિશ્વાસમાં સ્થિર રહેશો નહિ તો તમે સુરક્ષિત રહેશો નહિ.” 10પછી યહોવાહે આહાઝ સાથે ફરીથી વાત કરી, 11“તું તારે માટે તારા ઈશ્વર યહોવાહ પાસે ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.” 12પરંતુ આહાઝે કહ્યું, “હું માગીશ નહિ, કે યહોવાહની પરીક્ષા કરીશ નહિ.” 13પછી યશાયાએ જવાબ આપ્યો, “હે દાઉદના વંશજો સાંભળો, તમે માણસોની ધીરજની પરીક્ષા કરો છો તે શું પૂરતું નથી? કેમ કે તમે હવે મારા ઈશ્વરની ધીરજની પરીક્ષા કરવા માગો છો?” 14તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

ઉત્પ 5:32–6:8

32નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો. 6:1પૃથ્વી પર માણસો વધવા લાગ્યાં. તેમાં દીકરીઓના પણ જન્મ થયા, ત્યારે એમ થયું કે, 2ઈશ્વરના દીકરાઓએ જોયું કે માણસોની દીકરીઓ મનમોહક છે. તેઓમાંથી તેઓએ પોતાને માટે તેમને પત્નીઓ તરીકે પસંદ કરી. 3ઈશ્વરે કહ્યું કે, “મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે.” 4ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા. 5ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે. 6તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તે નિરાશ થયા. 7ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશના પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.” 8પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

નીતિ 6:20–7:1

20મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કરજે અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ. 21એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે; તેમને તારે ગળે બાંધ. 22જ્યારે તું ચાલતો હોઈશ ત્યારે તેઓ તને માર્ગદર્શન આપશે; જ્યારે તું ઊંઘતો હશે ત્યારે તેઓ તારી ચોકી કરશે; અને જ્યારે તું જાગતો હશે ત્યારે તેઓ તારી સાથે વાતચીત કરશે. 23કેમ કે આજ્ઞા તે દીપક છે, અને નિયમ તે પ્રકાશ છે; અને ઠપકો તથા શિક્ષણ તે જીવનના માર્ગદર્શક છે. 24તે તને ખરાબ સ્ત્રીથી રક્ષણ આપશે, પરસ્ત્રીની લોભામણી વાણીથી તને બચાવશે. 25તારું અંતઃકરણ તેના સૌંદર્ય પર મોહિત ન થાય, અને તેની આંખનાં પોપચાંથી તું સપડાઈશ નહિ. 26કારણ કે ગણિકાને ચૂકવવાનું મુલ્ય રોટલીના ટુકડા જેવું નજીવું છે, પણ વ્યભિચારિણી સ્ત્રી પુરુષના મૂલ્યવાન જીવનનો શિકાર કરશે. 27જો કોઈ માણસ અગ્નિ પોતાને છાતીએ રાખે તો તેનું વસ્ત્ર સળગ્યા વિના ન રહે? 28જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે? 29એટલે કોઈ તેના પાડોશીની પત્ની પાસે જાય છે અને તેને સ્પર્શ કરે છે; તેને શિક્ષા થયા વિના રહેતી નથી. 30જો કોઈ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો એવા માણસને ધિક્કારતા નથી. 31પણ જો તે પકડાય છે તો તેણે ચોરી કરી હોય તેના કરતાં સાતગણું પાછું આપવું પડે છે; તેણે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે છે. 32જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે. 33તેને ઘા તથા અપમાન જ મળશે, અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ. 34કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; અને તે વૈર વાળતી વખતે જરાય દયા રાખશે નહિ. 35તે કોઈ બદલો સ્વીકારશે નહિ, તું તેને ઘણી ભેટો આપશે, તો પણ તે સંતોષ પામશે નહિ. 7:1મારા દીકરા, મારાં વચનો પાળ અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 13 માર્ચ એટલે નાગરિક પંચાંગનો 26 માર્ચ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો