Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › ગાલીલમાં

સુવાર્તાઓ બાજુબાજુમાં · ગાલીલમાં

પાંચ હજારને ભોજન

માથ 14:13–21 · માર્ક 6:30–44 · લૂક 9:10–17 · યોહ 6:1–14

માથ્થી

માથ 14:13–21

13ત્યારે ઈસુ એ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા. લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.

14ઈસુએ નીકળીને ઘણાં લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને અનુકંપા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યા.

15સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.”

16પણ ઈસુએ તેઓને કહ્યું કે, “તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.”

17તેઓએ તેમને કહ્યું કે, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.”

18ત્યારે ઈસુએ કહ્યું કે, “તે અહીં મારી પાસે લાવો.”

19પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી.

20તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ.

21જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.

માર્ક

માર્ક 6:30–44

30પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા. અને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું.

31તેમણે તેઓને કહ્યું કે, ‘તમે પોતે ઉજ્જડ જગ્યાએ એકાંતમાં આવો અને થોડો વિસામો લો;’ કેમ કે આવનારા અને જનારાં ઘણાં હતા; અને તેમને ખાવાનો પણ વખત મળતો નહોતો.

32તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ જગ્યાએ એકાંતમાં ગયા.

33લોકોએ તેઓને જતા જોયા, ઘણાંએ તેઓને ઓળખ્યા, અને સઘળાં શહેરમાંથી દોડી આવીને ત્યાં ભેગા થયા અને તેઓની આગળ જઈ પહોંચ્યા.

34ઈસુએ બહાર આવીને અતિ ઘણાં લોકોને જોયા; અને તેમને તેઓ પર અનુકંપા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે બોધ કરવા લાગ્યા.

35જયારે દિવસ ઘણો મોડો થઈ ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘આ જગ્યા ઉજ્જડ છે; અને દિવસ ઘણો ગયો છે;

36તેઓને જવા દો, કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.

37પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’” તેઓ તેને કહે છે કે, ‘શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?’”

38પણ તે તેઓને કહે છે કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.’” ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, ‘પાંચ રોટલી તથા બે માછલી.’”

39તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’”

40તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા.

41ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી.

42બધા લોકો જમ્યાં અને તૃપ્ત થયા;

43અને તેઓએ રોટલીના વધેલા ટુકડાંઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ભરી.

44જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.

લૂક

લૂક 9:10–17

10પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. અને ઈસુ તેઓને સાથે લઈને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.

11લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા.

12દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, ‘લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.’”

13ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’ શિષ્યોએ કહ્યું કે, ‘અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.’”

14કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.

15શિષ્યોએ તે પ્રમાણે કર્યું, અને લોકોને બેસાડ્યા.

16પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી.

17તેઓ સર્વ જમ્યાં અને તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાંઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી.

યોહાન

યોહ 6:1–14

1પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા.

2ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.

3પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.

4હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.

5માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’”

6જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.

7ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’”

8તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે,

9‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’”

10ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.

11ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેચ્યું.

12તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠા કરો.’”

13માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની પાંચ રોટલીમાંના જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી.

14માટે તે લોકોએ ઈસુએ કરેલું એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’”

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો