Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › સપ્ટેમ્બર 2027 › 26 સપ્ટેમ્બર

ઓર્થોડોક્સ પંચાંગ · 13 સપ્ટેમ્બર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 26 સપ્ટેમ્બર 2027

રવિવાર · સ્વર 5

પર્વો અને સંતો

પચાસમાના પર્વ પછીનો 14મો રવિવાર

ઉત્કર્ષના પર્વ પહેલાંનો રવિવાર

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 રાજા 8:22–23, 27–30

22સુલેમાને ઈશ્વરની વેદી સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ ઊંચા કર્યા. 23તેણે કહ્યું, “હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, ઉપર આકાશમાં તથા નીચે પૃથ્વી પર તમારા જેવા કોઈ ઈશ્વર નથી, એટલે તમારા જે સેવકો પોતાના સંપૂર્ણ હૃદયથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર કરો છો તથા તેઓ પર દયા રાખો છો. 27પણ શું ઈશ્વર સાચે જ પૃથ્વી પર રહેશે? જુઓ, આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું તમારા ભક્તિસ્થાનરૂપી ઘર તમારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે! 28તેમ છતાં, હે મારા પ્રભુ ઈશ્વર, કૃપા કરીને આ તમારા સેવકની પ્રાર્થના પર તથા વિનંતિ પર લક્ષ આપીને આજે તમારો સેવક જે વિનંતિ તથા પ્રાર્થના તમારી આગળ કરે છે, તે સાંભળો. 29આ ભક્તિસ્થાન પર, એટલે જે જગ્યા વિષે તમે કહ્યું છે કે ‘ત્યાં મારું નામ તથા હાજરી રહેશે.’ તે પર તમારી આંખો રાત દિવસ રાખો કે, તમારો સેવક આ સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તમે સાંભળો. 30તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોકો આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તમે તેઓની દરેક વિનંતિ સાંભળજો. હા, તમારા રહેઠાણ આકાશમાં તમે સંભાળજો અને જયારે તમે સાંભળો ત્યારે સાંભળીને ક્ષમા કરજો.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

નીતિ 3:19–34

19યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે. 20તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે. 21મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે. 22તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે. 23પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ. 24જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે. 25જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ. 26કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે. 27હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ. 28જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.” 29જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર. 30કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો તેની સાથે કારણ વગર તકરાર ન કર. 31દુષ્ટ માણસની અદેખાઈ ન કર, અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર. 32કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે. 33યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે. 34તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્ર જનોને કૃપા આપે છે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

નીતિ 9:1–11

1જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે; 2તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે; તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે. 3તેણે પોતાની દાસીઓને મોકલીને ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે: 4“જો કોઈ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે!” અને વળી બુદ્ધિહીન લોકોને તે કહે છે કે, 5આવો, મારી સાથે ભોજન લો અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ. 6હે મૂર્ખો તમારી હઠ છોડી દો અને જીવો; બુદ્ધિને માર્ગે ચાલો. 7જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે, જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તેને બટ્ટો લાગે છે. 8ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તમારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે. 9જો તમે જ્ઞાની વ્યક્તિને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે; અને ન્યાયી વ્યક્તિને શિક્ષણ આપશો તો તેના ડહાપણમાં વૃદ્ધિ થશે. 10યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે, પવિત્ર ઈશ્વરની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે. 11ડહાપણને લીધે તારું આયુષ્ય દીર્ઘ થશે, અને તારી આવરદાનાં વર્ષો વધશે.

પ્રભાત-પ્રાર્થનાની ત્રીજી સુવાર્તા

માર્ક 16:9–20

9(હવે અઠવાડિયાના પહેલા દિવસની સવારે ઈસુ પાછા ઊઠીને મગ્દલાની મરિયમ, જેનાંમાંથી તેમણે સાત દુષ્ટાત્માઓ કાઢ્યાં હતા, તેને તેઓ પ્રથમ દેખાયા. 10જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી. 11ઈસુ જીવિત છે અને તેના જોવામાં આવ્યા છે, એ તેઓએ સાંભળ્યું પણ વિશ્વાસ કર્યો નહિ. 12એ પછી તેઓમાંના બે જણ ચાલીને એમ્મૌસ ગામે જતા હતા, એટલામાં ઈસુ અન્ય સ્વરૂપે તેઓને દેખાયા. 13તેઓએ જઈને બાકી રહેલાઓને કહ્યું. જોકે તેઓએ પણ તેઓનું માન્યું નહિ. 14ત્યાર પછી અગિયાર શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે ઈસુ તેઓને દેખાયા; અને તેમણે તેઓના અવિશ્વાસ તથા હૃદયની કઠણતાને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેઓ પાછા ઊઠ્યાં પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું ન હતું. 15ઈસુએ તેઓને કહ્યું કે, ‘આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. 16જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે ઉદ્ધાર પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે. 17વિશ્વાસ કરનારાઓને હાથે આવાં ચમત્કારિક ચિહ્નો થશે, મારે નામે તેઓ દુષ્ટાત્માઓને કાઢશે, નવી ભાષાઓ બોલશે, 18સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પિવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહિ; તેઓ બિમારો પર હાથ મૂકશે અને તેઓ સાજાં થશે.’” 19પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા. 20તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા.)

પત્ર (ક્રૂસના ઉત્કર્ષ પહેલાંના રવિવાર માટે)

ગલ 6:11–18

11જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું. 12જેઓ દેહ વિષે પોતાને જેટલાં સારા બતાવવા ચાહે છે, તેટલાં ખ્રિસ્તનાં વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે. 13કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમશાસ્ત્રને પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે. 14પણ એવું ન થાઓ કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભ વગર હું બીજા કશામાં અભિમાન કરું, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત માટે હું. 15કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે. 16જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો. 17હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે. 18ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.

પત્ર

2 કરિં 1:21–2:4

21અને અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે દૃઢ કરે છે તથા જેમણે અમારો અભિષેક કર્યો, તે તો ઈશ્વર છે; 22તેમણે અમને મુદ્રાંકિત કર્યા અને અમારા હૃદયમાં આત્માની ખાતરી આપી છે. 23હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી; 24અમે તમારા વિશ્વાસ પર સત્તા ચલાવીએ છીએ એમ નહિ, પણ તમારા આનંદમાં સહાય કરનારા છીએ; કેમ કે તમે વિશ્વાસથી દૃઢ રહો છો. 2:1પણ મેં પોતાને સારુ એવું નક્કી કર્યું, કે હું ફરી ખેદથી તમારી પાસે નહિ આવું. 2કેમ કે જો હું તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખ પામ્યો તે વિના મને કોણ આનંદ આપે છે? 3અને મેં તમને એ જ લખ્યું, એ સારુ કે જેઓથી મારે આનંદ પામવો, તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય; હું તમારા બધા પર ભરોસો રાખું છું, કે મારો આનંદ તમારા સર્વનો છે. 4કેમ કે ઘણી વિપત્તિથી તથા હૃદયની વેદનાથી, મેં ઘણાં આંસુઓ પાડીને તમને લખ્યું તે, એ માટે નહિ કે તમે દુઃખિત થાઓ, પણ એ માટે કે તમારા ઉપર મારો જે અતિ ઘણો પ્રેમ છે તે તમે જાણો.

પત્ર (પવિત્ર કબરના દેવળના પ્રતિષ્ઠાન માટે)

હિબ 3:1–4

1એ માટે, ઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર પવિત્ર ભાઈઓ, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર તમે લક્ષ રાખો. 2જેમ મૂસા પણ પોતાના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ તેઓ પોતાના નીમનાર ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ હતા. 3કેમ કે જે પ્રમાણે ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન મળે છે, તે પ્રમાણે મૂસા કરતાં વિશેષ માનયોગ્ય ઈસુને ગણવામાં આવ્યા છે. 4કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તો ઈશ્વર જ છે.

સુવાર્તા (ક્રૂસના ઉત્કર્ષ પહેલાંના રવિવાર માટે)

યોહ 3:13–17

13સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી. 14જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે; 15જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે. 16કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. 17કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે.

સુવાર્તા

માથ 22:1–14

1ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં કહ્યું કે, 2“સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો ભોજન સમારંભ યોજ્યો. 3ભોજન માટે આમંત્રિતોને બોલાવવા તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ. 4ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, ‘આમંત્રિતોને કહો, “જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.’” 5પણ તેઓએ તે ગણકાર્યું નહિ; તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના પોતાના ખેતરમાં અને કોઈ પોતાના વેપાર પર. 6બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા અને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. 7તેથી રાજા ગુસ્સે થયો, તેણે પોતાનું લશ્કર મોકલીને તે હત્યારાઓનો નાશ કર્યો અને તેઓનું નગર બાળી નાખ્યું. 8પછી તેણે પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નનું ભોજન તૈયાર છે ખરું, પણ આમંત્રિતો યોગ્ય નહોતા. 9એ માટે તમે રસ્તાઓનાં નાકા પર જાઓ અને જેટલાં તમને મળે તેટલાંને ભોજન સમારંભમાં બોલાવો.’ 10તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને સારાં-નરસાં જેટલાં તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી ભોજન સમારંભ ભરાઈ ગયો. 11મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો. 12ત્યારે તે તેને કહે છે કે, ‘ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?’ તે ચૂપ રહ્યો. 13ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, ‘તેના હાથપગ બાંધીને તેને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું અને દાંત પીસવું થશે.’ 14કેમ કે નિમંત્રિત ઘણાં છે, પણ પસંદ કરેલા થોડા છે.”

સુવાર્તા (પવિત્ર કબરના દેવળના પ્રતિષ્ઠાન માટે)

માથ 16:13–18

13ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?” 14ત્યારે તેઓએ કહ્યું કે, “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.” 15ઈસુએ તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” 16ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, “તમે ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા છો.” 17ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, “તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને એ જણાવ્યું છે. 18હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 13 સપ્ટેમ્બર એટલે નાગરિક પંચાંગનો 26 સપ્ટેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો