Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › શાઉલ અને દાઉદ

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · શાઉલ અને દાઉદ

દાઉદને યહોવાહનું વચન

2 શમુ 7:1–17 · 1 કાળ 17:1–15

2 શમુએલ

2 શમુ 7:1–17

1ઈશ્વરે રાજાને શાંતિ સલામતી બક્ષ્યા પછી રાજા પોતાના ઘરમાં વિશ્રામથી રહેતો હતો.

2ત્યારે રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદાર વૃક્ષનાં લાકડાંના ઘરમાં રહું છું, પણ ઈશ્વરનો કરાર કોશ તંબુમાં રહે છે.”

3નાથાને રાજાને કહ્યું કે, “જા, જે તારા મનની અભિલાષા છે તે પૂરી કર. ઈશ્વર તારી સાથે છે.”

4પણ તેજ રાત્રે ઈશ્વરનું વચન નાથાન પાસે આવ્યું,

5“જા અને મારા સેવક દાઉદને કહે, ઈશ્વર એમ કહે છે કે: શું તું મારે રહેવા માટે ઘર બાંધશે?

6કેમ કે હું ઇઝરાયલ લોકોને મિસરમાંથી બહાર લાવ્યો તે દિવસથી આજ પર્યંત હું ઘરમાં રહ્યો નથી, પણ, તંબુમાં તથા મંડપમાં રહીને ચાલ્યો છું.

7જે સર્વ જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલ લોકો સાથે ફર્યો છું, ત્યાં ઇઝરાયલના કુળના આગેવાનો જેને મેં મારા ઇઝરાયલ લોકોના પાળક તરીકે નીમ્યા હતા, તેઓમાંના કોઈને મેં એવું કહ્યું છે કે, “શા માટે તમે મારે સારું દેવદાર વૃક્ષના લાકડાંનું ઘર નથી બાંધ્યું?”

8મારા સેવક દાઉદને કહે કે, સૈન્યોના ઈશ્વર એવું કહે છે કે: તું ઘેટાંનાં ટોળાંની પાછળ ફરતો હતો ત્યાંથી મેં તને તેડાવી લીધો છે, કે તું મારા લોક ઇઝરાયલ પર અધિકારી બનશે.

9જ્યાં તું ગયો ત્યાં હું તારી સાથે હતો. તારા સર્વ શત્રુઓને મેં તારી આગળથી નાબૂદ કર્યા છે. હવે પૃથ્વીના મહાન પુરુષોના નામ જેવું તારું નામ હું કરીશ.

10હું ઇઝરાયલના મારા લોકોને માટે જગ્યા ઠરાવીશ. અને તેઓને ત્યાં સ્થાયી કરીશ, કે જેથી તેઓ પોતાની જ જગ્યાએ રહે અને વધારે મુશ્કેલીમાં મુકાય નહિ. જેમ તેઓએ અગાઉ કર્યું તેમ વિરોધી લોકો હવે પછી તેમના પર જુલમ કરશે નહિ,

11જે દિવસોથી ઇઝરાયલના મારા લોકો ઉપર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા આપી ત્યારથી તેઓ અગાઉની માફક કરતા હતા. પણ હવે હું તને તારા સર્વ શત્રુઓથી સલામત રાખીશ. વળી, હું, ઈશ્વર, તને કહું છું કે હું તારે સારું ઘર બાંધીશ.

12જયારે તારા દિવસો પૂરા થશે અને તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યાર પછી હું તારા વંશને ઊભો કરીશ જે તારું સંતાન છે, તેનું રાજય હું સ્થાપીશ.

13તે મારા નામને માટે એક ઘર બાંધશે અને હું તેનું રાજયાસન સદાને માટે સ્થાયી કરીશ.

14હું તેનો પિતા થઈશ અને તે મારો દીકરો થશે. જો તે પાપ કરશે, તો હું માણસની સોટીથી તથા માણસનાં દીકરાઓના કોરડાથી તેને શિક્ષા કરીશ.

15જેમ મેં શાઉલને તારી આગળથી દૂર કરીને તેની પાસેથી મારા વિશ્વાસુપણાનો કરાર લઈ લીધો હતો, તેવી રીતે મારા વિશ્વાસુપણાનો કરાર તેની પાસેથી લઈ લેવાશે નહિ.

16તારું ઘર તથા રાજય હંમેશા તારી આગળ સ્થાયી થશે. તારું રાજયાસન હંમેશા માટે ટકી રહેશે.

17આ સર્વ શબ્દો તથા આ સંપૂર્ણ દર્શન વિષે નાથાને દાઉદને કહી સંભળાવ્યું.

1 કાળવૃતાંત

1 કાળ 17:1–15

1દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી તેણે નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરારકોશ મંડપમાં રહે છે.”

2પછી નાથાને દાઉદને કહ્યું, “જા, તારા મનમાં જે હોય તે કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે.”

3પણ તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી,

4“જા અને મારા સેવક દાઉદને કહે કે, ‘યહોવાહ એવું કહે છે: તારે મારે માટે રહેવાનું ભક્તિસ્થાન બાંધવું નહિ.

5કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું ભક્તિસ્થાનમાં રહ્યો નથી. પણ એક તંબુથી તે બીજા તંબુમાં તથા એક મંડપથી તે બીજા મંડપમાં ફરતો રહ્યો છું.

6જે બધી જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલીઓ સાથે ચાલ્યો છું, ત્યાં ઇઝરાયલના જે આગેવાનોને મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી, તેઓમાંના કોઈને મેં કદી પૂછ્યું છે કે, “મારા માટે તમે દેવદારનું ભક્તિસ્થાન કેમ બાંધ્યું નથી?”

7માટે હવે, મારા સેવક દાઉદને કહે, ‘સર્વસમર્થ યહોવાહનાં આ વચન છે: “તું ઘેટાંને ચરાવતો હતો ત્યાંથી મેં તને મારા ઇઝરાયલીઓનો ઉપરી થવા માટે બોલાવી લીધો.

8અને તું જ્યાં કહીં ગયો, ત્યાં હું તારી સાથે રહ્યો છું, તારી આગળથી તારા શત્રુઓનો મેં નાશ કર્યો છે. હવે પછી હું તને પૃથ્વીના મહાન પુરુષો જેવો વિખ્યાત બનાવીશ.

9હું મારા ઇઝરાયલી લોકોને માટે એક સ્થાન ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે જેથી તેઓ પોતાના સ્થળમાં રહે અને તેઓ મુશ્કેલીમાં ન આવે. ફરીથી તેમને કદી કોઈ ખસેડનાર નહિ હોય.

10અગાઉની માફક તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયલીઓ પર આધિપત્ય કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે તેમ, હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહિ. હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વળી હું તને કહું છું કે યહોવાહ તારું કુટુંબ કાયમ રાખશે.

11એમ થશે કે તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની સાથે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા વંશજોને તારી જગ્યાએ સ્થાપિત કરીશ અને તારા વંશજોમાંથી જે રાજા થશે તેનું રાજ્ય હું કાયમ રાખીશ.

12તે મારે માટે ભક્તિસ્થાન બાંધશે અને હું તેનું રાજ્યાસન સદાકાળ રાખીશ.

13હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. તેની પાસેથી મારા કરારનું વિશ્વાસુપણું હું લઈ લઈશ નહિ જેમ મેં તારી અગાઉના શાસક, શાઉલ પ્રત્યેથી લઈ લીધું હતું તેમ.

14હું તેને મારા ઘર તથા મારા રાજ્યમાં સદાકાળ રાખીશ અને તેનું રાજ્યાસન સદાના માટે સ્થાપીશ.”

15નાથાને દાઉદને આ સર્વ વચનોનો અહેવાલ તથા સર્વ દર્શન સંબંધી કહ્યું.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો