Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › શાઉલ અને દાઉદ

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · શાઉલ અને દાઉદ

કોશને યરુશાલેમમાં લાવવામાં આવે છે

2 શમુ 6:12–19 · 1 કાળ 15:25–29; 16:1–3

2 શમુએલ

2 શમુ 6:12–19

12હવે દાઉદ રાજાને સમાચાર મળ્યા કે, “ઈશ્વરના કોશને કારણે ગિત્તી ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે.” તેથી દાઉદ જઈને ઈશ્વરના કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી આનંદ સાથે દાઉદના નગરમાં લાવ્યો.

13ઈશ્વરનો કોશ ઊંચકીને ચાલનારાં માત્ર છ પગલાં ચાલ્યા, ત્યારે દાઉદે એક બળદ તથા એક પુષ્ટ પશુનું બલિદાન આપ્યું.

14દાઉદ ઈશ્વરની આગળ પોતાના પૂરા બળથી નાચતો હતો; તેણે શણનો ઝભ્ભો પહેરેલો હતો.

15આ રીતે દાઉદ તથા ઇઝરાયલના સર્વ લોકો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને ચાલતા હતા.

16ઈશ્વરનો કોશ દાઉદના નગરમાં આવતો હતો, ત્યારે શાઉલની દીકરી મિખાલે, બારીમાંથી નજર કરીને જોયું. તેણે જોયું કે દાઉદ રાજા ઈશ્વરની આગળ કૂદતો અને નાચતો હતો. તે જોઈને તેણે દાઉદને પોતાના અંતઃકરણમાં ધિક્કાર્યો.

17લોકોએ ઈશ્વરના કોશને અંદર લઈ જઈને, જે મંડપ દાઉદે તેને સારુ બનાવ્યો હતો, તેની મધ્યમાં તેને મૂક્યો. પછી દાઉદે ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચડાવ્યાં.

18દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચડાવી રહ્યો પછી, દાઉદે સૈન્યોના ઈશ્વરના નામે લોકોને આશીર્વાદ આપ્યો.

19પછી તેણે સર્વ લોકને, પુરુષો તથા સ્ત્રીઓ સહિત ઇઝરાયલના આખા સમુદાયને, રોટલી, થોડું માંસ તથા સૂકી દ્રાક્ષ વહેંચી આપ્યાં. દરેક જણ પોતપોતાને ઘરે ગયા.

1 કાળવૃતાંત

1 કાળ 15:25–29; 16:1–3

15:25પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ, આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા ગયા.

15:26જયારે ઈશ્વર યહોવાહનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી, ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંઓનું અર્પણ કર્યું.

15:27દાઉદે કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાન્યાની જેમ સુંદર શણનો એફોદ ઝભ્ભો પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો.

15:28તેથી સર્વ ઇઝરાયલીઓ યહોવાહના કરારકોશને હર્ષનાદ સહિત તથા શરણાઈ, રણશિંગડાં, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી ઊંચા અવાજો સાથે લઈ આવ્યા.

15:29યહોવાહનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો, ત્યારે શાઉલની પુત્રી મિખાલે બારીમાંથી બહાર જોયું. તેણે દાઉદ રાજાને, નૃત્ય કરતો તથા ઉજવણી કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેને તુચ્છકાર્યો.

16:1તેઓએ ઈશ્વરના કોશને અંદર લાવીને, તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.

16:2જયારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાહને નામે લોકોને આશીર્વાદ આપ્યો.

16:3તેણે ઇઝરાયલના દરેક પુરુષ તથા સ્ત્રીને, એક એક ભાખરી, માંસનો કટકો તથા સૂકી દ્રાક્ષનો એકેક ઝૂમખો વહેંચી આપ્યો.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો