Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › યરુશાલેમમાં

સુવાર્તાઓ બાજુબાજુમાં · યરુશાલેમમાં

અંતની નિશાનીઓ

માથ 24:3–14 · માર્ક 13:3–13 · લૂક 21:7–19

માથ્થી

માથ 24:3–14

3પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.”

4ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો.

5કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે.

6યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે.

7કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે.

8પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે.

9ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.

10અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે.

11ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે.

12દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.

13પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે.

14સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.

માર્ક

માર્ક 13:3–13

3જૈતૂન પહાડ પર, મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિતરે, યાકૂબે, યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું,

4‘અમને કહો, એ ક્યારે થશે? જયારે તે બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે કયા ચિહ્ન થશે?’”

5ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો.

6ઘણાં મારે નામે આવીને કહેશે કે, તે હું છું અને ઘણાંઓને ગેરમાર્ગે દોરશે.

7પણ જયારે યુદ્ધ વિષે તથા યુદ્ધની અફવાઓ વિષે તમે સાંભળો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.

8કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે; આ તો મહાદુઃખનો આરંભ છે.

9પણ પોતાના વિષે સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે; સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ, તેઓને માટે સાક્ષી થવા સારુ, ઊભા કરવામાં આવશે.

10પણ પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.

11જયારે તેઓ તમને ધરપકડ કરશે, ત્યારે શું બોલવું તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા હશે.

12ભાઈ ભાઈને તથા પિતા છોકરાંને મરણદંડને સારુ પકડાવશે; છોકરાં માબાપની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે.

13મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.

લૂક

લૂક 21:7–19

7તેઓએ તેમને પૂછ્યું કે, ‘ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?’”

8ઈસુએ કહ્યું કે, ‘કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણાં આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.’”

9જયારે તમે યુદ્ધોના તથા બળવાઓના સમાચાર સાંભળો ત્યારે ગભરાશો નહિ, કેમ કે આ બધું પ્રથમ હોવું જ જોઈએ; પણ એટલેથી અંત આવવાનો નથી.

10ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,’ પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે;

11અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે.

12પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે.

13એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે.

14માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ.

15કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ.

16માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.

17મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.

18પણ તમારા માથાના એક વાળનો પણ નાશ થશે નહિ.

19તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો