મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑગસ્ટ 2027 › 19 ઑગસ્ટ
ઓર્થોડોક્સ પંચાંગ · 6 ઑગસ્ટ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 19 ઑગસ્ટ 2027
ગુરુવાર · પચાસમાના પર્વ પછીનું 9મું અઠવાડિયું · સ્વર 7
પર્વો અને સંતો
The Holy Transfiguration of Our Lord God and Saviour Jesus Christ
મરિયમના નિદ્રાગમનનો ઉપવાસ
માછલીની છૂટ
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
સંધ્યા-પ્રાર્થના: વાંચન
12યહોવાહે મૂસાને કહ્યું, “તું મારી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાપાટીઓ ઉપર નિયમો અને આજ્ઞાઓ લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે.” 13આથી મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠ્યા. અને મૂસા યહોવાહના પર્વત પર ગયો. 14જતાં જતાં તેણે વડીલોને કહ્યું, “અમે તમારી પાસે પાછા આવીએ, ત્યાં સુધી તમે અહી અમારી રાહ જોજો. અને જુઓ, હારુન અને હૂર તમારી સાથે છે; જો કોઈને કંઈ તકરાર હોય તો તેઓની પાસે જાય.” 15પછી મૂસા પર્વત પર ચઢયો અને વાદળોએ પર્વતને ઢાંકી દીધો. 16યહોવાહનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ પર્વતને ઢાંકી રાખ્યો. અને સાતમે દિવસે યહોવાહે વાદળમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો. 17અને યહોવાહનું ગૌરવ ઇઝરાયલીઓને પર્વતની ટોચે પ્રચંડ અગ્નિ જેવું દેખાયું. 18અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ગયો; અને તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્યંત એ પર્વત પર રહ્યો.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
11યહોવાહ મૂસા સાથે એક માણસ બીજા માણસ સાથે વાત કરે એ રીતે મુખોપમુખ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો, પણ તેનો નવયુવાન સેવક નૂનનો દીકરો યહોશુઆ કદી મંડપમાંથી બહાર નીકળતો નહિ. 12મૂસાએ યહોવાહને કહ્યું, “તમે મને કહો છો, ‘આ લોકોને દોરી લઈ જાઓ,’ પણ મારી સાથે તમે કોને મોકલશો તે તમે મને જણાવ્યું નથી. પણ તમે કહ્યું, ‘હું તને નામથી ઓળખું છું અને મારી દ્રષ્ટિમાં તું કૃપા પામ્યો છે.’ 13હવે જો તમારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરીને મને તમારા માર્ગ જણાવજો કે, હું તમને ઓળખું, એ માટે તે તમારા લોકો છે એ તમે લક્ષમાં લો.” 14યહોવાહે જવાબ આપ્યો, “મારી સમક્ષતા તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ.” 15મૂસાએ તેને કહ્યું હતું, “જો તમારી સમક્ષતા મારી સાથે ન આવે તો અહીંથી આમને લઈ ન જાઓ. 16કેમ કે હવે કેમ જણાય કે હું તથા તમારા લોકો તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા છીએ? શું એથી નહિ કે તમે અમારી સાથે આવો છો, એથી હું તથા તમારા લોકો પૃથ્વી ઉપરના સર્વ લોકોથી જુદા છીએ?” 17યહોવાહે મૂસાને કહ્યું, “હા, તેં જે માંગ્યું છે તે હું ચોક્કસ આપીશ, કારણ કે તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે અને હું તને નામથી ઓળખું છું.” 18મૂસાએ કહ્યું, “કૃપા કરીને તમારું ગૌરવ મને દેખાડો.” 19યહોવાહે કહ્યું, “હું મારી સંપૂર્ણ ભલાઈ તારા મુખ આગળથી પસાર કરીશ અને તારી સમક્ષ મારું નામ ‘યહોવાહ’ તરીકે જાહેર કરીશ. હું જેના પર કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ અને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ.” 20પણ યહોવાહે કહ્યું, “તું મારું મુખ જોઈ શકીશ નહિ, કારણ કે, કોઈ પણ માણસ મને જોઈને જીવતો રહી શકે નહિ.” 21યહોવાહે કહ્યું, “જો મારી પાસે એક જગ્યા છે અને તું ખડક પર ઊભો રહે. 22મારું ગૌરવ તારી નજર આગળથી પસાર થાય ત્યારે હું તને આ ખડકની ફાટમાં રાખીશ અને હું પોતે પસાર થઈ જાઉં ત્યાં સુધી મારા હાથ વડે તને હું ઢાંકી દઈશ. 23પછી હું મારો હાથ લઈ લઈશ અને તું મારી પીઠ જોવા પામીશ, પણ મારું મુખ તને દેખાશે નહિ.” 34:4મૂસાએ પ્રથમની પાટીઓના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠ્યો અને યહોવાહે તેને જેમ કહ્યું હતું તે પ્રમાણે તેના હાથમાં શિલાપાટીઓ લઈને તે સિનાઈ પર્વત પર ચઢી ગયો. 5યહોવાહ મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ત્યાં ઊભા રહ્યા અને તેમણે પોતાનું નામ “યહોવાહ” જાહેર કર્યું. 6યહોવાહ તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “યહોવાહ, યહોવાહ દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, ક્રોધ કરવામાં ધીમા અને કરૂણાથી ભરપૂર તથા વિશ્વાસપાત્ર છું. 8મૂસાએ એકદમ જમીન પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
3જયારે એલિયાએ તે સાંભળ્યું ત્યારે તે પોતાનો જીવ બચાવવા યહૂદિયામાં આવેલા બેરશેબા નગરમાં નાસી ગયો અને તેણે પોતાના ચાકરને ત્યાં રાખ્યો. 4પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ત્યાં તે એક રોતેમ વૃક્ષની નીચે બેઠો અને તે પોતે મૃત્યુ પામે તેવી પ્રાર્થના કરી. તેણે કહ્યું, “હવે બસ થયું, હે યહોવાહ ઈશ્વર, મારો પ્રાણ લઈ લો, હું મારા પિતૃઓથી જરાય સારો નથી.” 5પછી તે રોતેમ વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે.” 6એલિયાએ જોયું, તો નજીક અંગારા પર શેકેલી રોટલી અને પાણીનો કૂંજો તેના માથા પાસે હતો. તે ખાઈ પીને પાછો સૂઈ ગયો. 7યહોવાહના દૂતે બીજી વાર આવીને તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે, તારે લાંબી મુસાફરી કરવાની છે.” 8તેથી તેણે ઊઠીને ખાધું. પાણી પીધું અને તે ખોરાકથી મળેલી શક્તિથી તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત મુસાફરી કરીને યહોવાહના પર્વત હોરેબ સુધી પહોંચ્યો. 9તેણે એક ગુફામાં જઈને ત્યાં ઉતારો કર્યો. પછી યહોવાહનું એવું વચન તેની પાસે આવ્યું કે, “એલિયા, તું અહીં શું કરી રહ્યો છે?” 11યહોવાહે જવાબ આપ્યો, “બહાર જા અને પર્વત પર યહોવાહની ઉપસ્થિતિમાં ઊભો રહે.” પછી યહોવાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રચંડ પવન પર્વતોને ધ્રુજાવતો અને યહોવાહની સંમુખ ખડકોના ટુકડેટુકડાં કરતો હતો. પરંતુ યહોવાહ તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવાહ એ ભૂકંપમાં પણ નહોતા. 12ભૂકંપ પછી અગ્નિ પ્રગટ્યો. પણ યહોવાહ એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં એક ઝીણો અવાજ સંભળાવ્યો. 13જ્યારે એલિયાએ આ અવાજ સાંભળ્યો ત્યારે પોતાના ઝભ્ભાથી તેણે પોતાનું મુખ ઢાંકી દીધું અને બહાર નીકળીને તે ગુફાના બારણા આગળ ઊભો રહ્યો. પછી ત્યાં તેને ફરીથી અવાજ સંભળાયો, “એલિયા, તું અહીં શું કરે છે?” 15પછી યહોવાહે તેને કહ્યું, “અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા અને જયારે તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે. 16નિમ્શીના દીકરા યેહૂનો અભિષેક કરીને તેને ઇઝરાયલનો રાજા ઠરાવજે. અને આબેલ-મહોલાવાસી શાફાટના દીકરા એલિશાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રબોધક ઠરાવજે.
પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા
28એ વચનો કહ્યાંને આશરે આઠ દિવસ પછી એમ થયું કે ઈસુ પિતર, યોહાન તથા યાકૂબને લઈને પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર ગયા. 29ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમના વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં. 30અને, જુઓ, બે પુરુષ, એટલે મૂસા તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા. 31તેઓ બન્ને મહિમાવાન દેખાતા હતા, અને ઈસુનું મૃત્યુ જે યરુશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા. 32હવે પિતર તથા જેઓ ઈસુની સાથે હતા તેઓ ઊંઘે ઘેરાયલા હતા; પણ જયારે તેઓ જાગ્રત થયા, ત્યારે તેઓએ ઈસુનો મહિમા જોયું અને પેલા બે પુરુષોને પણ જોયા. 33તેઓ ઈસુની પાસેથી વિદાય થતાં હતાં, ત્યારે પિતરે ઈસુને કહ્યું કે, ગુરુ, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે; પણ તે પોતે શું કહી રહ્યો છે તે સમજતો નહોતો. 34તે એમ કહેતો હતો, એટલામાં એક વાદળું આવ્યું, અને તેઓ પર તેની છાયા પડી; અને તેઓ વાદળમાં પ્રવેશ્યા ત્યારે શિષ્યો ભયભીત થઈ ગયા. 35વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.’” 36તે વાણી થઈ રહી, ત્યારે ઈસુ એકલા દેખાયા. અને તેઓ મૌન રહ્યા, અને જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.
પત્ર (પ્રભુના રૂપાંતર માટે)
10તેથી ભાઈઓ, તમારું તેડું તથા પસંદગી ચોક્કસ કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ. 11કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો. 12એ માટે જોકે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ. 13અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીરમાં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે. 14કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે. 15હું યત્ન કરીશ કે, મારા મરણ પછી તમને આ વાતો સતત યાદ રહે. 16કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. 17કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, ‘એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું,’ ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા. 18અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે પોતે તે સ્વર્ગવાણી સાંભળી. 19અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો.
સુવાર્તા (પ્રભુના રૂપાંતર માટે)
1છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને લઈને એક ઊંચા પહાડ પર ચાલ્યા ગયા. 2તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા. 3જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા. 4પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.” 5તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.” 6શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા. 7ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, “ઊઠો, અને બીશો નહિ.” 8તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ. 9જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, “આ જે તમે જોયું તે જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને કહેશો નહિ.”
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 6 ઑગસ્ટ એટલે નાગરિક પંચાંગનો 19 ઑગસ્ટ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો