Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑગસ્ટ 2027 › 18 ઑગસ્ટ

ઓર્થોડોક્સ પંચાંગ · 5 ઑગસ્ટ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 18 ઑગસ્ટ 2027

બુધવાર · પચાસમાના પર્વ પછીનું 9મું અઠવાડિયું · સ્વર 7

પર્વો અને સંતો

Forefeast of the Transfiguration of the Lord

મરિયમના નિદ્રાગમનનો ઉપવાસ

કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

પત્ર

1 કરિં 13:4–14:5

4પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે; પ્રેમ અદેખાઈ કરતો નથી; પ્રેમ બડાશ મારતો નથી, ફુલાઈ જતો નથી, 5પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત શોધતો નથી, ખીજવાતો નથી, કોઈનું ખરાબ ઇચ્છતો નથી; 6અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે; 7પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે. 8પ્રેમ કદી ઓછો થતો નથી, પણ પ્રબોધ કરવાનું દાન હોય તો તે નષ્ટ થશે; ભાષાઓ ભુલાઈ જશે; વિદ્યા હોય તો તે વીસરી જશે. 9કેમ કે આપણે અપૂર્ણ જાણીએ છીએ; અને અધૂરો પ્રબોધ કરીએ છીએ; 10પણ જયારે સંપૂર્ણતા આવશે, ત્યારે અપૂર્ણતા જતી રહેશે. 11જયારે હું બાળક હતો, ત્યારે બાળકની માફક બોલતો હતો, વિચારતો હતો અને બાળકની માફક જ સમજતો હતો, પણ હવે હું પુખ્ત થયો, ત્યારે મેં બાળકની વાતો મૂકી દીધી. 12કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર સ્પષ્ટ જોઈશું; હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ ઈશ્વર મને જાણે છે તેમ હું પૂર્ણ રીતે જાણીશ. 13હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે; પણ એ ત્રણેયમાં પ્રેમ શ્રેષ્ઠ છે. 14:1પ્રેમને અનુસરો; અને આત્મિક દાનો મેળવવાની અભિલાષા રાખો, વિશેષ કરીને તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો. 2કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે, બીજું કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ તે આત્મામાં મર્મો બોલે છે. 3જે પ્રબોધ કરે છે, તે ઉન્નતિ, સુબોધ તથા દિલાસાને માટે માણસો સાથે બોલે છે. 4જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે વિશ્વાસી સમુદાયની ઉન્નતિ કરે છે. 5મારી ઇચ્છા છે કે, તમે બધા અન્ય ભાષાઓ બોલો, પણ વિશેષ કરીને તમે પ્રબોધ સમજાવો એવી મારી ઇચ્છા છે. કેમ કે અન્ય ભાષાઓ બોલનાર, જો વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે ભાષાંતર કરે નહિ, તો તે કરતાં પ્રબોધ કરનારનું મહત્ત્વ વધારે છે.

પત્ર (ગુરુવાર માટે)

1 કરિં 14:6–19

6ભાઈઓ, તમારી વચ્ચે આવીને હું અન્ય ભાષાઓ બોલું પણ જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણથી ન બોલું તો તેનાથી તમને કશો લાભ નથી. 7એમ જ અવાજ કાઢનાર નિર્જીવ વાજિંત્રો, પછી તે વાંસળી હોય કે વીણા હોય પણ જો એમના સૂરમાં અલગતા આવે નહિ, તો વાંસળી કે વીણા એમાંથી શું વગાડે છે તે કેવી રીતે માલૂમ પડે? 8કેમ કે જો રણશિંગડું સ્પષ્ટ સૂર ન કાઢે, તો લડાઈ માટે કોણ સજ્જ થશે? 9એમ જ તમે પણ જો જીભ વડે સમજી શકાય એવા શબ્દો ના બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા ગણાશો. 10દુનિયામાં ઘણી ભાષાઓ છે, તેઓમાંની કોઈ અર્થ વગરની નથી, 11એ માટે જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું, તો બોલનારની સમક્ષ હું પરદેશી જેવો અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે. 12એ પ્રમાણે તમે આત્માનાં દાનો ઇચ્છો છો, તે ઝનૂનથી શોધો અને વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે તમે તેમાં વૃદ્ધિ પામવા પ્રયાસ કરો. 13તે માટે અન્ય ભાષા બોલનારે પોતે ભાષાંતર કરી શકે, એવી પ્રાર્થના કરવી. 14કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પણ મારું મન નિષ્ક્રિય રહે છે. 15તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ અને મનથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ અને મનથી પણ ગાઈશ. 16નહિ તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો ત્યાં જે ઓછી સમજવાળો માણસ બેઠેલો છે તે તારી સ્તુતિ સાંભળીને આમીન કેવી રીતે કહેશે? કેમ કે તું શું બોલે છે એ તે સમજતો નથી. 17કેમ કે તું સારી રીતે સ્તુતિ કરે છે ખરો; પણ તેથી અન્યોની ઉન્નતિ થતી નથી. 18હું ઈશ્વરનો આભાર માનું છું, કે તમારા સર્વનાં કરતાં મને વધારે ભાષાઓ બોલતાં આવડે છે. 19તોપણ વિશ્વાસી સમુદાયમાં અન્ય ભાષામાં દસ હજાર શબ્દ બોલવા કરતાં બીજાઓને શીખવવા પોતાની સમજશક્તિથી માત્ર પાંચ શબ્દો બોલવાનું હું વધારે પસંદ કરું છું.

સુવાર્તા

માથ 20:1–16

1કેમ કે સ્વર્ગનું રાજ્ય એક જમીનદાર જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો. 2તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. 3તે દિવસના આશરે સવારના ત્રણ કલાકે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમાં ઊભા રહેલા જોયા. 4ત્યારે માલિકે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ ઉચિત હશે, તે હું તમને આપીશ.’ ત્યારે તેઓ ગયા. 5વળી તે જ દિવસે આશરે બાર કલાકે અને ત્રણ કલાકે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. 6ત્યાર પછી આશરે અગિયારમાં કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિકે તેઓને કહ્યું કે, ‘આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?’ 7તેઓએ તેને કહ્યું કે, ‘કેમ કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી.’ તેણે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’” 8સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિકે પોતાના કારભારીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ.’ 9જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો. 10પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો. 11ત્યારે તે લઈને તેઓએ જમીનદારની વિરુદ્ધ કચકચ કરી. 12અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’” 13પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો? 14તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે. 15જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું?’ 16એમ જેઓ છેલ્લાં તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે.”

સુવાર્તા (ગુરુવાર માટે)

માથ 20:17–28

17ઈસુએ યરુશાલેમ જતા, રસ્તા પર બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે, 18જુઓ, “આપણે યરુશાલેમ જઈએ છીએ, માણસના દીકરાને મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે પરાધીન કરાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે 19અને ઠઠ્ઠામશ્કરી કરવાને, કોરડા મારવાને, વધસ્તંભે જડવાને તેઓ તેમને બિનયહૂદીઓને સોંપશે; અને ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.” 20ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી. 21ઈસુએ તેમને કહ્યું કે, “તમે શું ચાહો છો?” તેણે તેમને કહ્યું કે, “તમારા રાજ્યમાં આ મારા બે દીકરામાંનો એક તમારે જમણે હાથે અને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.” 22પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, “તમે જે માગો છો તે તમે સમજતા નથી; જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો?” તેઓએ તેમને કહ્યું કે, “અમે પી શકીએ છીએ.” 23તેમણે તેઓને કહ્યું કે, “તમે મારો પ્યાલો પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી.” 24જયારે બીજા દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઈઓ પર ગુસ્સે થયા. 25પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે, “તમે જાણો છો કે વિદેશીઓના કર્તાઓ તેઓ પર સત્તા ચલાવે છે. અને જે મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. 26પણ તમારામાં એવું ન થાય. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો ચાકર થાય; 27અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય; 28જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાં લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 5 ઑગસ્ટ એટલે નાગરિક પંચાંગનો 18 ઑગસ્ટ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો