Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑગસ્ટ 2027 › 18 ઑગસ્ટ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 18 ઑગસ્ટ 2027

બુધવાર · સામાન્ય કાળનું 20મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 20મા અઠવાડિયાનો બુધવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

ન્યાય 9:6–15

6શખેમના તથા બેથ-મિલ્લોના સર્વ આગેવાનો સાથે આવ્યા અને તેઓએ જઈને અબીમેલેખને, શખેમમાં જે સ્તંભ હતો તેની પાસેના એલોન વૃક્ષ આગળ રાજા બનાવ્યો. 7જયારે યોથામને આ કહેવામાં આવ્યું, ત્યારે તે જઈને ગરીઝીમ પર્વતના શિખર પર ઊભો રહ્યો. તેણે ઊંચા અવાજે તેઓને પોકારીને કહ્યું, “ઓ શખેમના આગેવાનો, મારું સાંભળો, કે જેથી ઈશ્વર તમારું સાંભળે. 8એકવાર અંજીરના વૃક્ષો એક રાજાને અભિષેક વડે તેઓના પોતાના પર નીમવાને ગયાં. અને તેઓએ જૈતૂનવૃક્ષને કહ્યું, ‘અમારા પર રાજ કર.’” 9પણ જૈતૂનવૃક્ષે તેઓને કહ્યું, ‘હું તો ઈશ્વરના અને માણસના સન્માનને માટે વપરાઉં છું, તે પડતું મૂકીને હું શા માટે અન્ય વૃક્ષો પર પ્રભાવ પાડવા જાઉં?’ 10પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’ 11પણ અંજીરીના વૃક્ષે તેઓને કહ્યું, ‘મારી મીઠાશ તથા મારાં સારાં ફળ મૂકી દેવા જોઈએ, જેથી બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે હું શા માટે આવું?’” 12વૃક્ષોએ દ્રાક્ષવેલાને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’ 13દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, ‘શું મારે મારો નવો દ્રાક્ષારસ જે ઈશ્વરને તથા માણસને આનંદિત કરે છે તે મૂકીને, બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે શા માટે જવું જોઈએ?’ 14પછી સર્વ વૃક્ષોએ ઝાંખરાંને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’” 15ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, ‘જો તમારે ખરેખર તમારા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો અને મારી છાયા પર ભરોસો રાખો. જો એમ નહિ, તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનનાં દેવદાર વૃક્ષોને બાળી નાખો.’

પ્રત્યુત્તર ગીત

ગી.શા 21:1–6

1મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવાહ, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે! તમે કરેલા ઉદ્ધારથી તે કેટલો બધો આનંદ કરશે! 2તમે તેને તેના હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે તેના હોઠની અરજીનો ઇનકાર તમે કર્યો નથી. 3કારણ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો. 4તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું; તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું. 5તમારા મહિમાથી તેને વિજય મળે છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો. 6કારણ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તેને તમારી સમક્ષ આનંદ પમાડો છો.

સુવાર્તા

માથ 20:1–16

1કેમ કે સ્વર્ગનું રાજ્ય એક જમીનદાર જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો. 2તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. 3તે દિવસના આશરે સવારના ત્રણ કલાકે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમાં ઊભા રહેલા જોયા. 4ત્યારે માલિકે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ ઉચિત હશે, તે હું તમને આપીશ.’ ત્યારે તેઓ ગયા. 5વળી તે જ દિવસે આશરે બાર કલાકે અને ત્રણ કલાકે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. 6ત્યાર પછી આશરે અગિયારમાં કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિકે તેઓને કહ્યું કે, ‘આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?’ 7તેઓએ તેને કહ્યું કે, ‘કેમ કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી.’ તેણે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’” 8સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિકે પોતાના કારભારીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ.’ 9જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો. 10પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો. 11ત્યારે તે લઈને તેઓએ જમીનદારની વિરુદ્ધ કચકચ કરી. 12અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’” 13પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો? 14તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે. 15જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું?’ 16એમ જેઓ છેલ્લાં તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે.”

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો