Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ફેબ્રુઆરી 2027 › 28 ફેબ્રુઆરી

ઓર્થોડોક્સ પંચાંગ · 15 ફેબ્રુઆરી (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 28 ફેબ્રુઆરી 2027

રવિવાર · સ્વર 6

પર્વો અને સંતો

ઉડાઉ દીકરાનો રવિવાર

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

પ્રભાત-પ્રાર્થનાની છઠ્ઠી સુવાર્તા

લૂક 24:36–53

36તેઓ એ વાતો કહેતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે, ‘તમને શાંતિ થાઓ.’” 37પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. 38તેમણે તેઓને કહ્યું કે, ‘તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં શંકા કેમ થાય છે? 39મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.’” 40એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં. 41તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને દંગ થઈ ગયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’” 42તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો, 43ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો. 44ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.’” 45ત્યારે પવિત્રશાસ્ત્ર સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં. 46ઈસુએ તેઓને કહ્યું કે, ‘એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ; 47યરુશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપોની માફી પ્રગટ કરાવાં જોઈએ. 48એ વાતના સાક્ષીઓ તમે છો. 49હું મારા પિતાનું આશાવચન તમારા પર મોકલું છું; પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.’” 50બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો. 51એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા. 52તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા. 53અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.

પત્ર

1 કરિં 6:12–20

12સઘળી વસ્તુઓની મને છૂટ છે. પણ એ બધી લાભકારક નથી. પણ હું તેમાંની કોઈથી નિયંત્રિત થવાનો નથી. 13ખોરાક પેટને માટે છે અને પેટ ખોરાકને માટે છે. પણ ઈશ્વર બન્નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નહિ, પણ પ્રભુનો મહિમા કરવા માટે આપવામાં આવ્યું છે. અને પ્રભુ શરીરને માટે. 14ઈશ્વરે ઈસુને સજીવન કર્યા છે, અને પોતાના પરાક્રમથી તે આપણને પણ મૃત્યુમાંથી સજીવન કરશે. 15આપણાં શરીરો ખ્રિસ્તનાં અંગો છે, એ શું તમે નથી જાણતા? ત્યારે શું હું ખ્રિસ્તનાં અંગોને વ્યભિચારિણીના અંગો બનાવું? એવું ન થાઓ. 16શું તમે નથી જાણતા કે વ્યભિચારિણી સાથે જે જોડાય છે, તે તેની સાથે એક દેહ થાય છે? કેમ કે શાસ્ત્ર કહે છે કે, તેઓ એક દેહ થશે. 17પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે. 18વ્યભિચારથી નાસો, માણસ જે પાપ કરે તે શરીર બહારના છે; પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે. 19શું તમે નથી જાણતા કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી આપવામાં આવ્યો છે, તેમનું ભક્તિસ્થાન તમારું શરીર છે? અને તમે પોતાના નથી, 20કેમ કે મૂલ્ય ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. તેથી હવે તમારું શરીર અને તમારો આત્મા ઈશ્વરનાં છે, તમારાં શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપો.

સુવાર્તા

લૂક 15:11–32

11વળી ઈસુએ કહ્યું કે, ‘એક માણસને બે દીકરા હતા. 12તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે, પિતાજી, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપો; તેથી પિતાએ તેઓને ભાઈઓને પોતાની મિલકત વહેંચી આપી. 13અને થોડા દિવસો પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, અને ત્યાં મોજમજામાં પોતાની સંપત્તિ વેડફી નાખી. 14અને તેણે બધું ખલાસ કરી નાખ્યું, ત્યાર પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી. 15તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચરવા માટે તેને મોકલ્યો. 16ખેતરમાં જે સિંગો ભૂંડો ખાતાં હતાં તેનાથી પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું; કોઈ તેને કશું ખાવાનું આપતું નહિ. 17એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે, મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું! 18હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે; 19હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી; તારા મજૂરોમાંના એકના જેવો મને રાખ. 20પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેને ચુંબન કર્યું. 21દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી. 22પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, સારાંમાં સારો ઝભ્ભો જલદી લાવીને એને પહેરાવો; એને હાથે વીંટી અને પગમાં પગરખું પહેરાવો; 23ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરો. આવો આપણે મિજબાની કરીએ અને આનંદ મનાવીએ. 24કેમ કે આ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો, તે પાછો સજીવન થયો છે; તે ખોવાયેલો હતો, તે પાછો મળ્યો છે અને તેઓ આનંદ કરવા લાગ્યા. 25હવે પિતાનો મોટો દીકરો ખેતરમાં હતો; તે ત્યાંથી ઘરે આવતાં ઘરની નજીક આવી પહોંચ્યો, ત્યારે તેણે નાચગાનનો અવાજ સાંભળ્યો. 26તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે, આ શું ચાલી રહ્યું છે? 27ચાકરે તેને કહ્યું કે, તમારો ભાઈ પાછો આવ્યો છે, ને તમારા પિતાએ મોટી મિજબાની આપી છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો મળ્યો છે. 28પણ તે ગુસ્સે થયો, અને અંદર જવા માટે રાજી ન હતો. તેના પિતાએ બહાર આવીને તેને વિનંતી કરી. 29પણ તેણે તેના પિતાને ઉત્તર આપતા કહ્યું કે, જો, આટલાં બધાં વર્ષથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારુ તમે મને લવારુંય કદી આપ્યું નથી. 30પણ આ તમારો દીકરો કે જેણે વેશ્યાઓ પાછળ તમારી મિલકત વેડફી નાખી છે, તે પાછો આવ્યો ત્યારે તમે તેને સારુ મિજબાની આપી છે. 31પિતાએ તેને કહ્યું કે, દીકરા, તું મારી સાથે નિત્ય છે, અને જે મારું છે તે સઘળું તારું જ છે. 32આપણે માટે ખુશી થવું તથા આનંદ કરવો તે ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ જે મૃત્યુ પામ્યો હતો, તે સજીવન થયો છે; જે ખોવાયેલો હતો, તે પાછો મળી આવ્યો છે.’”

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 15 ફેબ્રુઆરી એટલે નાગરિક પંચાંગનો 28 ફેબ્રુઆરી. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો