Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ફેબ્રુઆરી 2027 › 28 ફેબ્રુઆરી

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 28 ફેબ્રુઆરી 2027

રવિવાર · તપઋતુનું ત્રીજું અઠવાડિયું

પર્વો અને સંતો

તપઋતુનો ત્રીજો રવિવાર

રવિવાર · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

નિર્ગ 20:1–17

1પછી યહોવાહે આ સર્વ વચનો ઉચ્ચારતાં કહ્યું: 2“હું તમારો ઈશ્વર યહોવાહ છું. હું તમને મિસર દેશમાં જ્યાં તમે ગુલામ હતા ત્યાંથી બહાર લઈ આવ્યો છું. તેથી તમારે આ આદેશો માનવા પડશે. 3“તમારે કોઈ દેવોની પૂજા કરવી નહિ, માત્ર મારી જ ભક્તિ કરવી.” 4“તમારે આકાશમાંની કે પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમા બનાવવી નહિ. 5તમારે તેઓને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેઓની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમારો ઈશ્વર યહોવાહ છું અને આવેશ રાખનાર છું. મારા લોકો જગતના દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે મારી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ મારા દુશ્મન બને છે અને હું તેઓને અને તેઓના સંતાનોને ત્રીજી તથા ચોથી પેઢી સુધી સજા કરીશ. 6પરંતુ મારા પર પ્રેમ રાખનાર અને મારી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવીશ. 7“તમારે તમારા ઈશ્વર યહોવાહનું નામ વ્યર્થપણે ન લેવું. કારણ કે તે માણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ મારું નામ વ્યર્થપણે લેશે તેને સજા કર્યા વિના હું રહેવાનો નથી.” 8“વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખજો.” 9છ દિવસ તમારે તમારાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમારા ઈશ્વર યહોવાહનો છે. 10તેથી વિશ્રામવારના દિવસે તમારે કે તમારા પુત્રોએ કે તમારી પુત્રીઓએ, તમારા દાસ-દાસીઓએ કે તમારાં જાનવરોએ કે તમારા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે, 11છ દિવસમાં મેં યહોવાહે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમામ વસ્તુઓ ઉત્પન્ન કરી હતી અને સાતમે દિવસે મેં વિશ્રામ કર્યો હતો, તેથી મેં યહોવાહે વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે. 12“તમારાં માતાપિતાનું સન્માન કરો, જેથી હું યહોવાહ તમારો ઈશ્વર તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો. 13તમારે ખૂન કરવું નહિ. 14તમારે વ્યભિચાર કરવો નહિ. 15તમારે ચોરી કરવી નહિ. 16તમારે પડોશી કે માનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવી નહિ. 17તમારા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમારા પડોશીની પત્ની કે તેના દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તમારા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા-લોભ, લાલચ, ઉત્કટ ઇચ્છા રાખવી નહિ.”

પ્રત્યુત્તર ગીત

ગી.શા 19:7–10

7યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે. 8યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે. 9યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે; યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે. 10તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે; વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.

બીજું વાંચન

1 કરિં 1:22–25

22યહૂદીઓ ચમત્કારિક ચિહ્નો માગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે; 23પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને અવરોધરૂપ અને ગ્રીક લોકોને મૂર્ખતારૂપ લાગે છે. 24પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે. 25કારણ કે માણસો ના જ્ઞાન કરતાં ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસો ની શક્તિ કરતાં ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શક્તિ છે.

સુવાર્તા

યોહ 2:13–25

13હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા. 14ત્યાં ભક્તિસ્થાનમાં તેમણે બળદ, ઘેટાં, કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા જોયા. 15ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં; 16કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું કે, ‘આ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન બનાવો.’” 17તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, ‘તારા ઘરનો ઉત્સાહ મને કોરી ખાય છે.’” 18તેથી યહૂદીઓએ તેમને પૂછ્યું કે, ‘તું આ કામો કરે છે, તો અમને કયું ચમત્કારિક ચિહ્ન બતાવીશ?’” 19ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘આ સભાસ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ.’” 20ત્યારે યહૂદીઓએ કહ્યું કે, ‘આ સભાસ્થાનને બાંધતા છેંતાળીસ વર્ષ લાગ્યાં છે અને શું તું તેને ત્રણ દિવસમાં ઊભું કરશે?’” 21પણ ઈસુ પોતાના શરીરરૂપી ભક્તિસ્થાન વિષે બોલ્યા હતા. 22માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો. 23હવે પાસ્ખાપર્વના સમયે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારિક ચિહ્નો તેઓ કરતા હતા તે જોઈને ઘણાંએ તેમના નામ પર વિશ્વાસ કર્યો. 24પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા, 25અને મનુષ્ય વિષે કોઈની સાક્ષીની તેમને જરૂર ન હતી; કેમ કે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો