Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ફેબ્રુઆરી 2027 › 7 ફેબ્રુઆરી

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 7 ફેબ્રુઆરી 2027

રવિવાર · સામાન્ય કાળનું પાંચમું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળનો પાંચમો રવિવાર

રવિવાર · ધાર્મિક વિધિનો રંગ: લીલો

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

અયૂ 7:1–4, 6–7

1“શું પૃથ્વી પર માણસને સંકટ સહન કરવાનું નથી? શું તેના દિવસો મજૂરના જેવા નથી? 2આતુરતાથી છાંયડાની રાહ જોનાર ગુલામની જેમ. અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ, 3તેથી મારે અર્થહીન મહિનાઓ ફોકટ કાઢવા પડે છે; અને કંટાળાભરેલી રાત્રિઓ મારા માટે ઠરાવેલી છે. 4સૂતી વેળાએ હું વિચારું છું કે, ‘હું ક્યારે ઊઠીશ અને રાત્રી ક્યારે પસાર થશે?’ સૂર્યોદય થતાં સુધી હું આમતેમ પડખાં ફેરવ્યા કરું છું. 6મારા દિવસો વણકરના કાંટલા કરતા વધુ ઝડપી છે, અને આશા વિના તેનો અંત આવે છે. 7યાદ રાખજો કે, મારું જીવન માત્ર શ્વાસ છે; મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 147:1–6

1યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે. 2યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે; તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે. 3હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે. 4તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે. 5આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે; તેમના ડહાપણની કોઈ સીમા નથી. 6યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે; તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.

બીજું વાંચન

1 કરિં 9:16–19, 22–23

16કેમ કે જો હું સુવાર્તા પ્રગટ કરું, તો મારા માટે એ ગર્વનું કારણ નથી; કેમ કે એ મારી ફરજ છે, અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે. 17જો હું ખુશીથી તે પ્રગટ કરું, તો મને બદલો મળે છે; પણ જો ખુશીથી ના કરું, તો મને એનો કારભાર સોંપવામાં આવ્યો છે. 18માટે મને શો બદલો છે? એ કે સુવાર્તા પ્રગટ કરતાં હું ખ્રિસ્તની સુવાર્તા મફત પ્રગટ કરું, એ માટે કે સુવાર્તામાં મારો જે અધિકાર તેનો હું પૂરેપૂરો લાભ લઉં નહિ. 19કેમ કે સર્વથી સ્વતંત્ર હોવા છતાં હું સર્વનો દાસ થયો કે જેથી ઘણાં મનુષ્યોને બચાવું. 22નિર્બળોની સાથે હું નિર્બળ થયો કે જેથી નિર્બળોને બચાવું. સર્વની સાથે સર્વના જેવો થયો છું કે જેથી હું સર્વ રીતે કેટલાકને બચાવું. 23હું સુવાર્તાને લીધે બધું કરું છું, એ માટે કે હું તેનો સહભાગી થાઉં.

સુવાર્તા

માર્ક 1:29–39

29તેઓ તરત જ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા. 30હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી; અને તરત તેને વિષે તેઓએ ઈસુને કહ્યું. 31તેમણે પાસે આવીને તેનો હાથ પકડીને તેને ઉઠાડી; અને તે જ સમયે તેનો તાવ ઊતરી ગયો અને તેણીએ તેઓની સેવા કરી. 32સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાઓને તથા દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા. 33બારણા આગળ આખું શહેર ભેગું થયું. 34ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યાં. દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધાં નહિ. 35સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી. 36સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની શોધમાં નીકળ્યા; 37અને તેઓ તેમને મળીને કહે છે કે, ‘બધા તમને શોધે છે.’” 38તે તેઓને કહે છે કે, ‘આપણે પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.’” 39આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો