1છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને લઈને એક ઊંચા પહાડ પર ચાલ્યા ગયા.
2તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.
3જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા.
4પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.”
5તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.”
6શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા.
7ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, “ઊઠો, અને બીશો નહિ.”
8તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ.