Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › આરંભ

સુવાર્તાઓ બાજુબાજુમાં · આરંભ

યોહાન બાપ્તિસ્મા કરનારનો ઉપદેશ

માથ 3:1–12 · માર્ક 1:1–8 · લૂક 3:1–18 · યોહ 1:19–28

માથ્થી

માથ 3:1–12

1તે દિવસોમાં યોહાન બાપ્તિસ્મા કરનાર યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ આપતા એમ કહેતો હતો કે,

2“પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”

3કારણ કે તે એ જ છે, જેનાં વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, “અરણ્યમાં પોકારનારની એવી વાણી છે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”

4યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા.

5ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા.

6તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.

7પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?

8પસ્તાવો કરનારાને શોભે તેવા ફળ આપો.

9તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ‘ઇબ્રાહિમ અમારા પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.

10વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે. માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.

11માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે.

12તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં વખારમાં ભરશે, પણ ભૂસું, ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”

માર્ક

માર્ક 1:1–8

1ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તાની શરૂઆત.

2જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે, ‘જો, હું તારી આગળ મારા સંદેશવાહકને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે;

3અરણ્યમાં પોકારનારની વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.

4એ પ્રમાણે યોહાન બાપ્તિસ્મા અરણ્યમાં પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.

5આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.

6યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા જંગલી મધ તેનો ખોરાક હતો.

7તેણે એવું પ્રગટ કર્યું કે, મારા કરતાં જે સામર્થ્યવાન છે તે મારી પાછળ આવે છે; હું તો વાંકો વળીને તેમના ચંપલની દોરી છોડવા યોગ્ય નથી.

8હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.’”

લૂક

લૂક 3:1–18

1હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ આબીલેનેનો રાજ્યકર્તા હતો

2આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાનાં દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું.

3તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.

4યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, ‘અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો;

5દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડા ટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે.

6સઘળાં મનુષ્યો ઈશ્વરનો ઉદ્ધાર જોશે.’”

7તેનાથી બાપ્તિસ્મા પામવાને આવતા ઘણાં લોકોને યોહાને કહ્યું કે, ‘ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?

8તો પસ્તાવો કરનારને શોભે તેવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે,’ કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.’”

9વળી હમણાં કુહાડો વૃક્ષોની જડ પર છે, માટે દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.’”

10લોકોએ યોહાનને પૂછ્યું, ‘ત્યારે અમારે શું કરવું?’”

11તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક પણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.’”

12દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમારે શું કરવું?’”

13તેણે તેઓને કહ્યું કે, “જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરદસ્તીથી ન લો.”

14સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, ‘અમારે શું કરવું?’ તેણે તેઓને કહ્યું કે, ‘જબરદસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.’”

15લોકો ખ્રિસ્તની રાહ જોતાં હતા, અને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, ‘એ ખ્રિસ્ત હશે કે નહિ;’

16ત્યારે યોહાને ઉત્તર આપતાં સર્વને કહ્યું કે, ‘હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં જે સામર્થ્યવાન છે તે આવે છે, તેમના ચંપલની દોરી છોડવાને પણ હું યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.

17તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને ઘઉં તે પોતાની વખારમાં ભરશે; પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.’”

18તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.

યોહાન

યોહ 1:19–28

19જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા મોકલ્યા કે, તું કોણ છે? ત્યારે તેની સાક્ષી આ હતી;

20એટલે તેણે નકાર કર્યો નહિ, પણ કબૂલ કર્યું કે, “હું તો ખ્રિસ્ત નથી.”

21તેઓએ તેને પૂછ્યું, “તો શું તું એલિયા છે?” તેણે કહ્યું, “હું તે નથી.” શું તું આવનાર પ્રબોધક છે? તેણે ઉત્તર આપ્યો કે, ‘ના.’”

22માટે તેઓએ તેને પૂછ્યું કે, ‘તું કોણ છે?’ કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ. તું પોતાના વિષે શું કહે છે?

23તેણે કહ્યું, “યશાયા પ્રબોધકે જે કહ્યું હતું કે “અરણ્યમાં પોકારનારની એવી વાણી કે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”

24ફરોશીઓ તરફથી તેઓને મોકલવામાં આવ્યા હતા.

25તેઓએ તેને પૂછ્યું કે, ‘જો તું તે ખ્રિસ્ત, એલિયા અથવા આવનાર પ્રબોધક નથી, તો તું બાપ્તિસ્મા કેમ આપે છે?’”

26યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મધ્યે એક ઊભા છે, જેમને તમે ઓળખતા નથી;

27તેઓ એ જ છે જે મારી પાછળ આવે છે અને તેમના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી.”

28યર્દનને પેલે પાર બેથાની જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, ત્યાં એ ઘટનાઓ ઘટી.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો