Bible Explorer એપ મેળવો

અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › પુનરુત્થાન

સુવાર્તાઓ બાજુબાજુમાં · પુનરુત્થાન

ખાલી કબર

માથ 28:1–10 · માર્ક 16:1–8 · લૂક 24:1–12 · યોહ 20:1–10

માથ્થી

માથ 28:1–10

1વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી.

2ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.

3તેનું રૂપ વીજળી જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું.

4તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.

5ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, “તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું.

6જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે. તમે આવો, જ્યાં તે સૂતા હતા તે જગ્યા જુઓ.

7જલદી જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. ‘જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો.’ જુઓ મેં તમને કહ્યું છે.”

8ત્યારે તેઓ ભય તથા ઘણાં હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી.

9ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને શુભેચ્છા પાઠવી. તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું.

10ઈસુએ તેઓને કહ્યું કે, “બીશો નહિ, જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.”

માર્ક

માર્ક 16:1–8

1વિશ્રામવાર વીતી ગયા પછી મગ્દલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા શાલોમીએ, સુગંધી ચીજો વેચાતી લીધી, એ માટે કે તેઓ જઈને તેમને લગાવે.

2અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે સૂરજ ઊગતાં પહેલાં તેઓ કબરે આવી.

3તેઓ અંદરોઅંદર કહેતી હતી કે, ‘આપણે માટે કબર ઉપરનો પથ્થર કોણ ખસેડશે?’”

4તેઓ નજર ઊંચી કરીને જુએ છે કે, પથ્થર ગાબડાયેલો હતો. જોકે તે ઘણો મોટો હતો.

5તેઓએ કબરમાં પ્રવેશીને સફેદ ઝભ્ભો પહેરેલા, જમણી તરફ બેઠેલા, એક જુવાન માણસને જોયો. તેથી તેઓ ગભરાઈ ગઈ.

6પણ તે તેઓને કહે છે કે, ‘ગભરાશો નહિ; વધસ્તંભે જડાયેલા નાસરેથના ઈસુને તમે શોધો છો; તે ઊઠ્યાં છે; તે અહીં નથી; જુઓ, જે જગ્યાએ તેમને દફનાવ્યાં હતા તે આ છે.

7પણ જાઓ, અને તેમના શિષ્યોને, અને ખાસ કરીને પિતરને કહો કે તેઓ તમારી આગળ ગાલીલમાં જાય છે, જેમ તેમણે તમને કહ્યું હતું તેમ. તમે તેમને ત્યાં જોશો.’”

8તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ; કેમ કે તેઓને સાચે ભય તથા આશ્ચર્ય લાગ્યું હતું; અને તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ; કેમ કે તેઓ ડરતી હતી.

લૂક

લૂક 24:1–12

1અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી.

2તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો.

3તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ.

4એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા.

5તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો?

6તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું?

7પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.’”

8તેમને ઈસુની વાતો યાદ આવી.

9કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી.

10હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી.

11એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ.

12પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો.

યોહાન

યોહ 20:1–10

1હવે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી અને તેણે કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો.

2ત્યારે તે દોડીને સિમોન પિતર તથા બીજો શિષ્ય, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેમની પાસે આવીને તેઓને કહે છે કે, ‘તેઓએ પ્રભુને કબરમાંથી ઉઠાવી લીધા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યાં છે તે અમે જાણતા નથી.’”

3તેથી પિતર તથા તે બીજો શિષ્ય કબર તરફ જવા રવાના થયા.

4તેઓ બંને સાથે દોડ્યા; પણ તે બીજો શિષ્ય પિતરથી વધારે ઝડપથી દોડીને કબર આગળ પહેલો પહોંચ્યો.

5તેણે નમીને અંદર જોયું તો શણનાં વસ્ત્રો પડેલાં તેના જોવામાં આવ્યા; પણ તે અંદર ગયો નહિ.

6પછી સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને તે કબરની અંદર ગયો; તેણે શણના વસ્ત્રો પડેલાં જોયાં;

7અને જે રૂમાલ તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો.

8પછી બીજો શિષ્ય કે જે કબર પાસે પહેલો આવ્યો હતો, તેણે પણ અંદર જઈને જોયું અને વિશ્વાસ કર્યો.

9કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા.

10ત્યારે શિષ્યો ફરી પોતાને ઘરે પાછા ગયા.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો