Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › મંડળીના વર્ષનાં પર્વો › નાતાલ

મંડળીના વર્ષનાં પર્વો

નાતાલ

માથ્થી અને લૂક કહે છે તે પ્રમાણે ઈસુનો જન્મ, યશાયાની ભવિષ્યવાણી અને યોહાનની સુવાર્તાની શરૂઆત સાથે, પૂરેપૂરો. પશ્ચિમી મંડળીઓ નાતાલ 25 ડિસેમ્બરે ઊજવે છે; જુલિયન પંચાંગની ઓર્થોડોક્સ મંડળીઓ 7 જાન્યુઆરીએ.

તારીખો

વર્ષપશ્ચિમી મંડળીઓનાતાલઓર્થોડોક્સ મંડળીખ્રિસ્તનો જન્મોત્સવ
202625 ડિસેમ્બર 2026શુક્રવાર7 જાન્યુઆરી 2027ગુરુવાર
202725 ડિસેમ્બર 2027શનિવાર7 જાન્યુઆરી 2028શુક્રવાર
202825 ડિસેમ્બર 2028સોમવાર7 જાન્યુઆરી 2029રવિવાર
202925 ડિસેમ્બર 2029મંગળવાર7 જાન્યુઆરી 2030સોમવાર
203025 ડિસેમ્બર 2030બુધવાર7 જાન્યુઆરી 2031મંગળવાર

તારીખ ઓર્થોડોક્સ કે કેથોલિક પંચાંગમાં એ દિવસનાં વાંચનો ખોલે છે.

ઓર્થોડોક્સ તારીખો જુલિયન પંચાંગ પ્રમાણે છે; રશિયન, સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વત તે પાળે છે: તેઓનાં નિયત તારીખનાં પર્વો નાગરિક પંચાંગમાં 13 દિવસ પછી આવે છે. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા અને બીજી) નાતાલ 25 ડિસેમ્બરે ઊજવે છે; પાસ્ખા અને તેના પર આધારિત દિવસો લગભગ બધી ઓર્થોડોક્સ મંડળીઓમાં એક જ રીતે ગણાય છે.

બાઇબલના ફકરા

યશાયા

યશા 9:2–7

2અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના દેશમાં રહેનારાઓ પર અજવાળું પ્રકાશ્યું છે. 3તેં પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેમનો આનંદ વધાર્યો છે; કાપણીમાં થતાં આનંદ પ્રમાણે તેઓ તમારી સમક્ષ આનંદ કરે છે, જેમ લોક લૂંટ વહેંચતા આનંદ કરે છે તેમ. 4કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેઓ ભારની ઝૂંસરીને, તેઓના ખભા પરની કાઠીને, તેઓના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે. 5સૈનિકોના અવાજ કરતા જોડા અને રક્તમાં બોળેલાં વસ્ત્રો, તે સર્વને બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે. 6કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે. 7દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દૃઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે.

માથ્થી

માથ 1:18–25

18ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ. 19તેનો પતિ યૂસફ એક પ્રામાણિક માણસ હતો, પણ તે જાહેરમાં તેનું અપમાન કરવા ન ચાહતો હતો. તેથી તેણે ગુપ્ત રીતે તેની સાથે સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો. 20જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુનો દૂત તેને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું કે, “યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે. 21તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે, કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે.” 22હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે, 23“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ‘ઈશ્વર આપણી સાથે.” 24ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું; તે પોતાની પત્નીને તેડી લાવ્યો. 25મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે તેમનું નામ ઈસુ પાડ્યું.

લૂક

લૂક 2:1–20

1તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની વસ્તીગણતરી કરવામાં આવે. 2કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો, તેના વખતમાં એ પ્રથમ વસ્તીગણતરી હતી. 3બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં નગરમાં ગયા. 4યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, 5પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો. 6તેઓ ત્યાં હતાં, એટલામાં મરિયમના પ્રસવાવસ્થાના દિવસો પૂરા થયા. 7અને તેણે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો; તેને વસ્ત્રમાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો, કારણ કે તેઓને સારુ ધર્મશાળામાં કંઈ જગ્યા નહોતી. 8તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા. 9પ્રભુનો એક સ્વર્ગદૂત તેઓની આગળ પ્રગટ થયો, પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ પ્રકાશ્યો, તેથી તેઓ ઘણાં ભયભીત થયા. 10સ્વર્ગદૂતે તેઓને કહ્યું કે ‘બીશો નહીં; કેમ કે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે; 11કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે. 12તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને વસ્ત્રમાં લપેટેલું તથા ગભાણમાં સૂતેલું જોશો.’” 13પછી એકાએક સ્વર્ગદૂતની સાથે આકાશના બીજા સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતાં હતા કે, 14‘સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.’” 15જયારે સ્વર્ગદૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા તે પછી, ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, ‘ચાલો, આપણે બેથલેહેમ જઈને આ બનેલી બિના જેની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.’” 16તેઓ ઉતાવળથી ગયા, અને મરિયમને, યૂસફને, તથા ગભાણમાં સૂતેલા બાળકને જોયા. 17તેઓને જોયા પછી જે વાત એ બાળક સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓએ કહી બતાવી. 18જે વાતો ઘેટાંપાળકોએ કહી, તેથી સઘળા સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા, 19પણ મરિયમ એ સઘળી વાતો મનમાં રાખીને વારંવાર તે વિષે વિચાર કરતી રહી. 20ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેથી તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પોતાનાં ઘેટાં પાસે પાછા ગયા.

માથ્થી

માથ 2:1–12

1હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, જ્ઞાની માણસોએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે, 2“જે બાળક જેનો જન્મ થયો છે, જે યહૂદીઓના રાજા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ.” 3એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું. 4ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, “ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?” 5તેઓએ તેને જવાબ આપ્યો કે, “યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે, 6‘ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે.’” 7ત્યારે હેરોદ રાજાએ તે જ્ઞાનીઓને ગુપ્તમાં બોલાવીને, તારો કયા સમયે દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. 8તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, “તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને જયારે તમને મળશે ત્યાર પછી મને જણાવો, એ માટે કે હું પણ આવીને તે બાળકનું ભજન કરું.” 9તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળક હતો તે જગ્યા પર આવીને અટકી ગયો. 10તેઓ તારાને જોઈને ઘણા આનંદથી હરખાયા. 11ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેમને નજરાણું કર્યું. 12હેરોદ પાસે પાછા જવું નહિ, એવી ચેતવણી સ્વપ્નમાં મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.

યોહાન

યોહ 1:1–14

1પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે ઈશ્વર હતા. 2તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા. 3તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ. 4તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું. 5તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ. 6ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. 7તે સાક્ષી માટે આવ્યો કે અજવાળા વિષે સાક્ષી કરાવે, કે જેથી સર્વ તેના દ્વારા વિશ્વાસ કરે. 8યોહાન પોતે તે અજવાળું ન હતો, પણ અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો હતો. 9ખરું અજવાળું તે ઈસુ હતા કે, જે દુનિયામાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે. 10તેઓ દુનિયામાં હતા અને તેમના દ્વારા દુનિયા ઉત્પન્ન થઇ છે અને મનુષ્યોએ તેમને ઓળખ્યા નહિ. 11તે પોતાના લોકોની પાસે આવ્યા, પણ તેમણે તેમનો અંગીકાર કર્યો નહિ. 12છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. 13તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા. 14અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.

કલામાં

બધી કૃતિઓ

વધુ પર્વો

મંડળીના વર્ષનાં પર્વો

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો