મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જૂન 2027 › 19 જૂન
ઓર્થોડોક્સ પંચાંગ · 6 જૂન (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 19 જૂન 2027
શનિવાર · પાસ્ખાનું સાતમું અઠવાડિયું · સ્વર 6
પર્વો અને સંતો
સ્મરણનો શનિવાર
ઉપવાસ
ઉપવાસ નથી
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
પત્ર (મૃત્યુ પામેલાઓ માટે)
13પણ, ભાઈઓ, ઊંઘી ગયેલા વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી, કે જેથી બીજા જેઓને આશા નથી તેઓની માફક તમે દુ:ખી ન થાઓ. 14જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે, ઈસુ મરણ પામ્યા અને પાછા સજીવન થયા, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. 15કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે, પ્રભુના આવવાના સમયે આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ. 16કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે. 17પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું.
પત્ર
1આ રીતે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે તે ટાપુનું નામ માલ્ટા હતું. 2ત્યાંના વતનીઓએ અમારા પર ખૂબ પ્રેમ દર્શાવ્યો. કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો અને ઠંડી પડતી હતી તેથી અગ્નિ સળગાવીને તેઓએ અમારા સર્વનો આવકાર કર્યો. 3પાઉલે થોડાંક લાકડાં એકઠાં કરીને અગ્નિમાં નાખ્યાં, ત્યારે ગરમીને લીધે એક સર્પ તેમાંથી નીકળીને તેને હાથે વીંટળાઈ ગયો. 4ત્યાંના વતનીઓએ તે પ્રાણીને તેના હાથ પર લટકતો જોઈને એક બીજાને કહ્યું કે, નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી. 5પણ તેણે તે પ્રાણીને અગ્નિમાં ઝાટકી નાખ્યો, અને તેને કંઈ ઈજા થઈ નહિ. 6પણ તેઓ ધારતા હતા કે, તેનો હાથ હમણાં સૂજી જશે, અથવા તે એકાએક પડીને મરી જશે, પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કશું નુકસાન થયું નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે, તે કોઈ દેવ છે. 7હવે તે ટાપુના પબ્લિયુસ નામના મુખ્ય માણસની જમીન તે જગ્યાની નજદીક હતી, તેણે અમારો ઉમળકાભેર આવકાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવથી અમારી પરોણાગત કરી. 8તે વેળાએ પબ્લિયુસના પિતાને તાવ આવ્યો હતો. અને મરડો થયો હતો, પાઉલ તેની પાસે અંદર ગયો, પછી પાઉલે પ્રાર્થના કરી, તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો. 9આ બનાવ પછી ટાપુમાંનાં અન્ય રોગીઓ પણ આવ્યા અને તેઓને સાજા કરાયા. 10વળી તેઓએ અમને ઘણું માન આપ્યું, અમે પ્રવાસ શરુ કર્યો ત્યારે અમારે માટે જરૂરી સામગ્રી તેઓએ વહાણમાં મૂકી. 11ત્રણ મહિના પછી આલેકસાંદ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી હતી, તેમાં બેસીને અમે રવાના થયા. 12અમે સિરાકુસ બંદરે ત્રણ દિવસ સુધી રહ્યા. 13ત્યાંથી અમે વળાંક વળીને રેગિયમ આવ્યા, અને એક દિવસ પછી દક્ષિણનો પવન ફૂંકાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુતૌલી આવી પહોંચ્યા. 14ત્યાં અમને (વિશ્વાસી) ભાઈઓ મળ્યા, તેઓની સાથે સાત દિવસ સુધી રહેવાને તેઓએ અમને વિનંતી કરી; ત્યાર બાદ અમે રોમમાં આવ્યા. 15રોમમાંના (વિશ્વાસી) ભાઈઓ અમારાં આગમન વિષે સાંભળીને ત્યાંથી આપ્પિયસ બજાર તથા ‘ત્રણ ધર્મશાળા’ નામના સ્થળો સુધી અમને સામેથી મળવા આવ્યા; પાઉલે તેઓને જોઈને ઈશ્વરની સ્તુતિ કરી અને હિંમત રાખી. 16અમે રોમમાં આવ્યા ત્યારે (સૂબેદારે બંદીવાનોને ચોકી કરનારા સરદારને સ્વાધીન કર્યા, પણ) પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે સ્વતંત્રતાથી રહેવાની પરવાનગી મળી. 17ત્રણ દિવસ પછી એમ થયું કે, (પાઉલે) યહૂદીઓના મુખ્ય (આગેવાનોને) બોલાવીને એકત્ર કર્યા અને તેઓને કહ્યું કે, “ભાઈઓ, મેં કોઈનું અહિત કે કોઈની વિરુદ્ધ કશું કર્યું નથી, અને આપણા પૂર્વજોના નીતિનિયમોનો ભંગ પણ કર્યો નથી. તોપણ યરુશાલેમથી રોમન સરકારના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવેલો છે. 18મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઇચ્છતા હતા, કેમ કે મને મોતની શિક્ષા થાય એવું કોઈ કારણ ન હતું. 19પણ યહૂદીઓએ વિરોધ કર્યો, ત્યારે કાઈસાર પાસે દાદ માગવાની મને ફરજ પડી; એમાં મારે પોતાના સ્વદેશી ભાઈઓ પર કંઈ દોષ મૂકવાનો હતો એવું ન હતું. 20એ જ કારણ માટે મને મળીને મારી સાથે વાત કરવાની મેં આપને વિનંતી કરી, કેમ કે ઇઝરાયલની આશા એટલે કે ખ્રિસ્તને લીધે મને આ સાંકળથી બાંધવામાં આવ્યો છે. 21ત્યારે તેઓએ તેને કહ્યું કે, યહૂદિયામાંથી અમને તારા વિષે કોઈ પત્રો મળ્યા નથી, તેમ જ (અમારા) ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તારા વિષે કંઈ ખરાબ જાહેર કર્યું અથવા કહ્યું નથી. 22પણ તું શું માને છે, તે તારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ, કેમ કે લોકો સર્વ જગ્યાએ આ પંથના વિશ્વાસીઓ વિરુદ્ધ બોલે છે તે અમે જાણીએ છીએ. 23તેઓએ તેને સારુ એક દિવસ નિયત કર્યો તે દિવસે ઘણા લોકો તેની પાસે તેના ઉતારામાં આવ્યા; તેઓને પાઉલે સાબિતીઓ સાથે ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને મૂસાના નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત સવારથી સાંજ સુધી તેઓને કહી અને સમજાવી. 24જે વાતો કહેવામાં આવી તે કેટલાકે માની, અને બાકીનાઓએ માની નહિ. 25તેઓ પરસ્પર એક મતના ન થયાથી ચાલ્યા ગયા, પણ તે પહેલાં તેઓને પાઉલે કહ્યું કે, પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક મારફતે તમારા પૂર્વજોને સાચું જ કહ્યું હતું કે; 26તું એ લોકની પાસે જઈને કહે કે, તમે સાંભળ્યા કરશો પણ સમજશો નહિ, અને જોયા કરશો પણ તમને સૂઝશે નહિ. 27કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ કરેલી છે, કદાપિ તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજા કરું. 28તેથી જાણજો કે, ઈશ્વરે બક્ષેલા આ ઉદ્ધાર બિનયહૂદીઓની પાસે મોકલવામાં આવ્યો છે, અને તેઓ તો તે સ્વીકારશે જ.’” 29(પાઉલે એ વાતો કહી રહ્યા પછી યહૂદીઓ પરસ્પર ઉગ્ર વિવાદ કરતા ચાલ્યા ગયા.) 30(પાઉલ) પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો, જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો. 31તે પૂરી હિંમતથી તથા અટકાવ સિવાય ઈશ્વરના રાજ્ય વિષે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેનાં વચનોનો ઉપદેશ કરતો હતો.
પત્ર (મૃત્યુ પામેલાઓ માટે (બીજું વાંચન))
47પહેલો માણસ પૃથ્વીની માટીનો બનેલો હતો, બીજો માણસ સ્વર્ગથી આવનાર પ્રભુ છે. 48જે માટીનો છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે; અને જે સ્વર્ગીય છે તે જેવો છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે. 49આપણે જેમ માટીની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીય સ્વરૂપ પણ ધારણ કરીશું. 50હવે ભાઈઓ, હું એ કહું છું કે, માંસ તથા લોહી ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી; તેમ જ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી. 51જુઓ, હું તમને મર્મ કહું છું; આપણે સહુ ઊંઘીશું નહિ, છેલ્લું રણશિંગડું વાગતા જ પણ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણે બદલાઈ જઈશું. 52કેમ કે રણશિંગડું વાગશે, ત્યારે મૂએલાં અવિનાશી થઈને ઊઠશે અને આપણું સ્વરૂપ બદલાઈ જશે. 53કેમ કે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે તથા આ મરનાર અમરપણું ધારણ કરશે. 54જયારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મરણ અમરપણું ધારણ કરશે, ત્યારે આ લખેલી વાત પૂર્ણ થશે કે, ‘મરણ જયમાં ગરક થઈ ગયું છે.’” 55અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?’” 56મરણનો ડંખ તો પાપ છે; અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે; 57પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે, તેમની આભારસ્તુતિ થાઓ.
સુવાર્તા (મૃત્યુ પામેલાઓ માટે)
24હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. 25હું તમને નિશ્ચે કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે. 26કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. 27ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. 28તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે; 29અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું પુનરુત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક પુનરુત્થાન પામવા માટે, નીકળી આવશે. 30હું મારી પોતાની તરફથી કંઈ કરી શકતો નથી; પરંતુ જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું; અને મારો ન્યાયચુકાદો અદલ છે. કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.
સુવાર્તા
15હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુએ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’” 16તેઓ બીજી વખત તેને કહે છે કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’” 17તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’” 18હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે. 19હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 20ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો અને પૂછ્યું હતું કે, ‘પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?’ ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો. 21ત્યારે પિતરે તેને જોઈને ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, એ માણસનું શું થશે?’” 22ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. 23તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? 24જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ. 25ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.
સુવાર્તા (મૃત્યુ પામેલાઓ માટે (બીજું વાંચન))
35ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે. 36પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી. 37પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ. 38કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું. 39જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 6 જૂન એટલે નાગરિક પંચાંગનો 19 જૂન. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો