મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › મે 2027 › 1 મે
ઓર્થોડોક્સ પંચાંગ · 18 એપ્રિલ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 1 મે 2027
શનિવાર · પવિત્ર સપ્તાહ
પર્વો અને સંતો
મહાન અને પવિત્ર શનિવાર
મહાન ઉપવાસકાળ
કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
પ્રભાત-પ્રાર્થના (ભવિષ્યવાણી)
1યહોવાહનો હાથ મારા પર આવ્યો, તે યહોવાહના આત્મા દ્વારા મને બહાર લઈ ગયો, મને નીચે એક ખીણમાં મૂક્યો, તે ખીણ હાડકાંથી ભરેલી હતી. 2તેમણે મને તે હાડકાંની આજુબાજુ ફેરવ્યો, જુઓ, ખીણમાં તે ઘણાં બધાં હતાં. તેઓ ઘણાં સૂકાં હતાં. 3તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં ફરીથી જીવિત થશે?” તેથી મેં કહ્યું, “પ્રભુ યહોવાહ, તમે એકલા જ જાણો છો!” 4તેણે મને કહ્યું, “તું આ હાડકાંઓને ભવિષ્યવાણી કરીને તેમને કહે. ‘હે સૂકાં હાડકાંઓ, તમે યહોવાહનું વચન સાંભળો. 5પ્રભુ યહોવાહ આ હાડકાંઓને કહે છે: “જુઓ, ‘હું તમારામાં આત્મા મૂકીશ અને તમે જીવતા થશો. 6હું તમારા પર સ્નાયુઓ મૂકીશ, તમારા પર માંસ લાવીશ. હું તમને ચામડીથી ઢાંકી દઈશ અને તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!” 7તેથી મને આજ્ઞા કરવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું; હું ભવિષ્યવાણી કરતો હતો ત્યારે એક અવાજ આવ્યો, ધરતીકંપ થયો. ત્યારે હાડકાં જોડાઈ ગયાં દરેક હાડકું તેને લગતા બીજા હાડકા સાથે જોડાઈ ગયું. 8હું જોતો હતો, તો જુઓ, તેમના પર સ્નાયુઓ દેખાયા, માંસ આવી ગયું. અને તેમના પર ચામડી ઢાંકી દેવામાં આવી, પણ હજુ તેમનામાં જીવન આવ્યું ન હતું. 9પછી યહોવાહે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું પવનને ભવિષ્યવાણી કર, તું પવનને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે પવન, ચારે દિશામાંથી આવ અને આ મૃતદેહોમાં ફૂંક માર જેથી તેઓ ફરીથી જીવતા થાય.’” 10તેથી મને આજ્ઞા કરવામાં આવી હતી તે પ્રમાણે મેં ભવિષ્યવાણી કરી; તેમનામાં શ્વાસ આવ્યો અને તેઓ જીવતાં થયાં. બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભાં થયાં. 11અને પ્રભુના આત્માએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ બધા તો ઇઝરાયલી લોકો છે. જો, તેઓ કહે છે, ‘અમારાં હાડકાં સુકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે, અમારો વિનાશ થયો છે.’ 12તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: હે મારા લોક, જુઓ, ‘હું તમારી કબરો ખોલીશ અને તમને તેમાંથી ઊભા કરીને બહાર કાઢી લાવીશ અને હું તમને ઇઝરાયલ દેશમાં પાછા લાવીશ. 13હે મારા લોક, હું તમારી કબરો ખોલીને તમને બહાર કાઢી લાવીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું. 14હું મારો આત્મા તમારામાં મૂકીશ અને તમે જીવતા થશો, તમે તમારા પોતાના દેશમાં આરામ પામશો, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું. હું બોલ્યો છું અને તે કરીશ.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
પ્રભાત-પ્રાર્થના: પત્ર
6તમે ઘમંડ રાખો છો તે યોગ્ય નથી; શું તમે એ જાણતા નથી, કે થોડું ખમીર આખા લોટને ફુલાવે છે? 7તમે જૂના ખમીરને કાઢી નાખો, એ માટે કે જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા થઈ જાઓ, કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ એટલે ખ્રિસ્ત ઈસુએ, આપણે માટે તેમનું બલિદાન આપ્યું છે. 8એ માટે જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાનાં ખમીરથી નહિ, પણ નિખાલસપણા તથા સત્યતાની બેખમીર રોટલીથી આપણે પાસ્ખાપર્વ ઊજવીએ. 3:13ખ્રિસ્તે આપણા વતી શાપિત થઈને, નિયમશાસ્ત્રના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે લખેલું છે કે, ‘જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે, તે શાપિત છે;’ 14એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં બિનયહૂદીઓને મળે અને આપણે પવિત્ર આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ.
પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા
62સિદ્ધીકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થયા. 63તેઓએ કહ્યું કે, “સાહેબ, અમને યાદ છે કે, તે છેતરનાર જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.’ 64માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે જી ઊઠ્યો છે અને છેલ્લું કાવતરું પહેલીના કરતાં મોટું થશે.” 65ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, “આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બની શકે તેવી તેની ચોકી રખાવો.” 66તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (પહેલું વાંચન)
1પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં. 2પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો. 3ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાળું થાઓ” અને અજવાળું થયું. 4ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં. 5ઈશ્વરે અજવાળાંને “દિવસ” અને અંધારાને “રાત” કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ. 6ઈશ્વરે કહ્યું, “પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો.” 7ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું. 8ઈશ્વરે અંતરિક્ષને “આકાશ” કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ. 9ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એ પ્રમાણે થયું. 10ઈશ્વરે કોરી જગ્યાને “ભૂમિ” કહી અને એકત્ર થયેલા પાણીને “સમુદ્રો” કહ્યા. તેમણે જોયું કે તે સારું છે. 11ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે.” એ પ્રમાણે થયું. 12ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. 13સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (બીજું વાંચન)
1ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે અને યહોવાહનો મહિમા તારા પર ઊગ્યો છે. 2જો કે અંધકાર પૃથ્વીને તથા ઘોર અંધકાર દેશોને ઢાંકશે; છતાં પણ યહોવાહ તારા પર ઊગશે અને તેમનો મહિમા તારા પર દેખાશે. 3પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે. 4તારી દૃષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો. તેઓ સર્વ ભેગા થઈને તારી પાસે આવે છે. તારા દીકરાઓ દૂરથી આવશે અને તારી દીકરીઓને તેઓના હાથમાં ઊંચકીને લાવવામાં આવશે. 5ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ અને તારું હૃદય આનંદિત થશે અને ઊછળશે, કારણ કે સમુદ્રનું દ્રવ્ય તારા ઉપર રેડવામાં આવશે, પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે. 6ઊંટોના કાફલા, મિદ્યાન અને એફાહમાંના ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે; તેઓ સર્વ શેબાથી આવશે; તેઓ સોનું તથા લોબાન લાવશે અને યહોવાહનાં સ્તોત્ર ગાશે. 7કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથનાં ઘેટાં તારી સેવાના કામમાં આવશે; તેઓ મારી વેદી પર માન્ય અર્પણ થશે અને હું મારા મહિમાવંત ઘરને મહિમાથી ભરી દઈશ. 8જેઓ વાદળની જેમ અને પોતાના માળા તરફ ઊડીને આવતાં કબૂતરની જેમ, ઊડી આવે છે તે કોણ છે? 9દ્વીપો મારી રાહ જોશે અને તારા ઈશ્વર યહોવાહના નામની પાસે અને ઇઝરાયલના પવિત્રની પાસે, તારા દીકરાઓને તેમના સોનાચાંદી સહિત દૂરથી લઈને તાર્શીશનાં વહાણો પ્રથમ આવશે, કારણ કે તેમણે તને શોભાયમાન કર્યો છે. 10પરદેશીઓ તારા કોટને ફરીથી બાંધશે અને તેઓના રાજાઓ તારી સેવા કરશે; જો કે મારા ક્રોધમાં મેં તને શિક્ષા કરી, છતાં મારી કૃપામાં હું તારા પર દયા કરીશ. 11તારા દરવાજા નિત્ય ખુલ્લા રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ, જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના રાજાઓ સહિત તારી પાસે લાવવામાં આવે. 12ખરેખર, જે પ્રજાઓ તથા રાજ્ય તારી સેવા નહિ કરે તે નાશ પામશે; તે દેશોનો સંપૂર્ણપણે વિનાશ થશે. 13લબાનોનનું ગૌરવ, એરેજવૃક્ષ, ભદ્રાક્ષવૃક્ષ તથા સરળ એ સર્વનાં કાષ્ટ મારા પવિત્રસ્થાનને સુશોભિત કરવા માટે તારી પાસે લાવવામાં આવશે; અને હું મારાં પગોનું સ્થાન મહિમાવાન કરીશ. 14જેઓએ તારા પર જુલમ કર્યો તેઓના દીકરા તારી પાસે નમતા આવશે; તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; તેઓ તને યહોવાહનું નગર, ઇઝરાયલના પવિત્રનું સિયોન, કહેશે. 15તું એવું તજેલું તથા તિરસ્કાર પામેલું હતું કે જેમાંથી કોઈ પસાર થતું નહોતું, તેને બદલે હું તને સર્વકાળ વૈભવરૂપ તથા પેઢી દરપેઢી આનંદરૂપ બનાવીશ. 16તું વિદેશીઓનું દૂધ પીશ અને રાજાઓનાં થાનને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું, યહોવાહ તારો તારણહાર અને તારો ઉદ્ધાર કરનાર, યાકૂબનો સમર્થ ઈશ્વર છું.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (ત્રીજું વાંચન)
1મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાહે તેઓને કહ્યું, 2“તમારા લોકો માટે આ માસ વર્ષનો પ્રથમ માસ ગણાશે.” 3સમગ્ર ઇઝરાયલીઓ માટે આદેશ છે કે: “આ માસના દસમા દિવસે પ્રત્યેક પુરુષે પોતાના પિતાના કુટુંબ દીઠ એક હલવાન લેવું. 4અને જો કુટુંબમાં આખું એક હલવાન પૂરેપૂરું ખાઈ શકે તેટલાં માણસો ના હોય તો તેઓએ પોતાના પડોશીઓને નિમંત્રણ આપવું. અને તેઓની તથા કુટુંબની સંખ્યા પ્રમાણે હલવાન લેવું. પુરુષના આહાર પ્રમાણે હલવાન વિષે વિચારીને નક્કી કરવું.” 5પસંદ કરેલ હલવાન ખોડખાંપણ વગરનો પ્રથમ વર્ષનો ઘેટો અથવા બકરો જ હોવો જોઈએ. 6તમારે આ હલવાનને એ જ માસના ચૌદમા દિવસ સુધી સાચવી રાખવો. તે દિવસે સંધ્યાકાળે તમામ ઇઝરાયલીઓ પોતપોતાની પાસે રાખેલા હલવાનને કાપે. 7તમારે તે હલવાનોનું રક્ત લઈને જે ઘરમાં તે ખાવાનું હોય તે ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર છાંટવું જોઈએ. 8“તે જ રાત્રે તમારે હલવાનના માંસને શેકવું અને તેને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું.” 9એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું. પગ, માથું અને આંતરડાં સાથે શેકીને ખાવું. 10તે રાત્રે જ બધું માંસ ખાઈ લેવું. અને જો એમાંનું કંઈ વધે અને સવાર સુધી રહે તો તેને તમારે આગમાં બાળી મૂકવું. 11તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (ચોથું વાંચન)
1હવે ઈશ્વરનું વચન અમિત્તાયના દીકરા યૂના પાસે આવ્યું કે, 2“ઊઠ મોટા નગર નિનવે જા, અને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની વધી રહેલી દુષ્ટતા મારી નજરે ચડી છે.” 3યૂના ઊઠ્યો તો ખરો, પણ તેણે ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા માટે યાફામાં ગયો. ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેનું ભાડું તેણે ચૂકવ્યું. અને ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા તે વહાણમાં બેઠો. 4પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે ઝંઝાવાત મોકલ્યો. સમુદ્રમાં મોટું તોફાન ઝઝૂમ્યું. ટૂંક સમયમાં જ એવું લાગવા લાગ્યું કે હવે વહાણ તૂટી જશે. 5તેથી ખલાસીઓ ખૂબ ભયભીત થયા અને દરેક માણસ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હળવું કરવા માટે તેઓએ તેમાંનો માલસામાન સમુદ્રમાં ફેંકી દીધો. આવું હોવા છતાં યૂના તો વહાણના સૌથી અંદરના ભાગમાં જઈ, ભરનિદ્રામાં પડ્યો. 6વહાણના ટંડેલે તેની પાસે આવીને કહ્યું, “તું શું કરે છે? ઊંઘે છે? ઊઠ! તારા ઈશ્વરને વિનંતી કર, કદાચ તારો ઈશ્વર આપણને ધ્યાનમાં લે, અને આપણે નાશ પામીએ નહિ.” 7તે પ્રવાસીઓએ એકબીજાને કહ્યું, “આવો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે આપણા પર આવેલા આ વિધ્ન માટે જવાબદાર કોણ છે?” તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી. ત્યારે ચિઠ્ઠી, યૂનાના નામની નીકળી. 8એટલે તેઓએ યૂનાને કહ્યું, “કૃપા કરીને અમને જણાવ કે તું કોણ છે કે જેના લીધે આ સંકટ આવી પડ્યું છે? તારો વ્યવસાય શો છે? તું ક્યાંથી આવ્યો છે? તારો દેશ કયો છે? તું કયા લોકોમાંથી આવે છે?” 9યૂનાએ તેઓને કહ્યું, “હું એક હિબ્રૂ છું; સાગરો અને ભૂમિના સર્જક ઈશ્વર પ્રભુનો ડર રાખું છું.” 10ત્યારે તે માણસો વધારે ભયભીત થયા. તેઓએ યૂનાને કહ્યું, “તેં આ શું કર્યું?” કેમ કે તેના કહેવાથી તેઓના જાણવામાં આવ્યું કે તે ઈશ્વરની સમક્ષતામાંથી ભાગી રહ્યો છે. 11પછી તેઓએ યૂનાને પૂછ્યું, “આ સમુદ્ર, અમારે સારુ શાંત થાય તે માટે અમે તને શું કરીએ?” કેમ કે સમુદ્રમાં વાવાઝોડું વધતું જતું હતું. 12યૂનાએ તેઓને કહ્યું, “મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો. એમ કરવાથી સમુદ્ર શાંત થઈ જશે કેમ કે હું સમજું છું કે મારે લીધે જ આ મોટું વાવાઝોડું તમારા પર ઝઝૂમેલું છે.” 13કિનારે પાછા પહોંચી જવા માટે ખલાસીઓએ બહુ હલેસાં માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહિ કેમ કે સમુદ્ર વધુ ને વધુ તોફાની બની રહ્યો હતો. 14એથી તેઓએ ઈશ્વરને પોકારીને કહ્યું, “હે ઈશ્વર, અમે વીનવીએ છીએ કે આ માણસનાં જીવના લીધે અમારો નાશ થવા દેશો નહિ અને તેના મરણનો દોષ અમારા પર મૂકશો નહિ. કેમ કે હે ઈશ્વર, તમને જે ગમ્યું તે મુજબ જ કર્યું છે.” 15એવું કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર તરત જ શાંત પડ્યો. 16ત્યારે તે માણસોને ઈશ્વરનો અતિશય ડર લાગ્યો. તેઓએ ઈશ્વરને બલિદાનો ચઢાવ્યાં અને માનતાઓ માની. 17ઈશ્વરે એક મોટી માછલી યૂનાને ગળી જવા સારુ તૈયાર રાખી હતી. માછલી તેને ગળી ગઈ. યૂના ત્રણ દિવસ તથા ત્રણ રાત્રી પર્યંત તેના પેટમાં રહ્યો. 2:1ત્યારે યૂનાએ માછલીના પેટમાં રહીને પોતાના ઈશ્વર યહોવાહની પ્રાર્થના કરી. 2તેણે કહ્યું, “મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી, અને તેમણે મને જવાબ આપ્યો; શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો! અને મારો અવાજ સાંભળ્યો.” 3“હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો, મારી આસપાસ પાણી હતા; તેના સર્વ મોજાં અને છોળો, મારા પર ફરી વળ્યાં.” 4અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.’ 5મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં, આજુબાજુ ઊંડાણ હતું; મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી. 6હું તો પર્વતોનાં તળિયાં સુધી નીચે ઊતરી ગયો; મને અંદર રહેવા દઈને હમેશાંને માટે પૃથ્વીએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં. તેમ છતાં હે મારા ઈશ્વર પ્રભુ, તમે મારા જીવને ખાડામાંથી બહાર લાવ્યા છો. 7જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું; અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ઘરમાં પહોંચી. 8જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે. 9પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ; જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ. ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે. 10પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી. અને તેણે પેટમાંથી યૂનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો. 3:1પછી ફરીથી યૂના પાસે ઈશ્વરનું વચન આવ્યું કે, 2“ઊઠ, મોટા નગર નિનવે જા અને હું જે ફરમાવું તે મુજબ તું તે નગરમાં સંદેશ પ્રગટ કર.” 3તેથી ઈશ્વરના વચનને આધીન થઈને યૂના ઊઠ્યો અને નિનવે ગયો. નિનવે બહુ મોટું નગર હતું. તેની પ્રદક્ષિણા કરતાં ત્રણ દિવસ લાગે એટલો આશરે છન્નુ કિલોમિટર તેનો ઘેરાવો હતો. 4યૂના નગરમાં પ્રવેશ્યો અને એક દિવસની મજલ લગભગ બત્રીસ કિલોમિટર પૂરી કર્યા બાદ તેણે ત્યાં મોટે અવાજે સંભળાવ્યું કે, “ચાળીસ દિવસો પછી નિનવે નષ્ટ થઈ જશે.” 5નિનવેના લોકોએ ઈશ્વરના ઉપદેશ પર વિશ્વાસ કર્યો. તેઓએ ઉપવાસ જાહેર કર્યો. અને મોટાથી તે નાના સુધીનાં, બધાએ શોકના વસ્ત્ર પહેર્યા. 6આ બાબતની ખબર નિનવેના રાજાને જાણવા મળી. તે તેના સિંહાસન પરથી ઊભો થઈ ગયો. પોતાનો ઝભ્ભો ઉતારી દીધો. અંગે શોકના વસ્ત્ર ધારણ કર્યા. અને રાખ ચોળીને તેમાં બેઠો. 7તેણે તથા તેના દરબારીઓએ સંદશો મોકલ્યા; નિનવેમાં માણસો, ગાયભેંસ અને ટોળાંઓ કશું ચાખવું નહિ, તેઓ ખાય નહિ અને પાણી પણ પીવે નહિ. 8માણસ તથા પશુ બન્નેએ શોક વસ્ત્ર ધારણ કરી, મોટે સાદે ઈશ્વરને પોકારે. દરેક પોતાના દુષ્ટ આચરણ તજે અને જોરજુલમ કરવાનું બંધ કરે. 9આવું કરવાથી કદાચ ઈશ્વર કરુણા કરે, તેમનો વિચાર બદલે અને તેમનો ઉગ્ર કોપ શાંત કરે. જેથી આપણો નાશ ના થાય.” 10તેઓએ જે કર્યું, એટલે કે પોતાનાં ખરાબ કામો તજી દીધાં તે ઈશ્વરે જોયું. તેથી ઈશ્વરે તેઓ પર જે વિપત્તિ લાવવાનું કહેલું હતું, તેવું કર્યું નહિ. અને તે તેઓ પર સંકટ લાવ્યા નહિ. 4:1પણ એને લીધે યૂનાને આ ખૂબ જ લાગી આવ્યું. તે ઘણો ગુસ્સો થયો. 2તેથી યૂનાએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું, “હે, ઈશ્વર, જયારે હું મારા દેશમાં હતો ત્યારે જ શું મેં એવું કહ્યું ન હતું? આ કારણે જ મેં ત્યારે તાર્શીશ નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ કે હું જાણતો હતો કે તમે કોપ કરવામાં કૃપાળુ અને કરુણાળુ ઈશ્વર છો, કોપ કરવામાં મંદ અને દયાળુ છો. માણસો પર વિપત્તિ લાવવાથી તમને દુઃખ થાય છે. 3તેથી હવે, હે ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે મારા જીવનનો અંત લાવો, કેમ કે મારે માટે જીવવા કરતાં મરવું વધારે સારું છે.” 4ઈશ્વરે કહ્યું, “ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?” 5પછી યૂના નગરની બહાર ગયો. નગરની પૂર્વ બાજુએ માંડવો બનાવીને તેમાં બેઠો. તે જોઈ રહ્યો કે હવે નગરનું શું થાય છે? 6ઈશ્વર પ્રભુએ, યૂના ઉપર છાયા કરે એવો એક છોડ સર્જાવ્યો. તે છોડના લીધે યૂનાને ઘણો આનંદ થયો. 7પણ બીજે દિવસે, સૂર્યોદય સમયે, ઈશ્વરે એક કીડાને ઉત્પન્ન કર્યો. એ કીડાએ પેલા છોડને કરડી ખાધો અને તે સુકાઈ ગયો. 8પછી જયારે સૂર્ય આકાશ ઉપર આવ્યો ત્યારે ઈશ્વરે પૂર્વ તરફથી ગરમ પવન વાતો કર્યો. તેનાથી, માથા પર આવેલા સખત તડકાને લીધે યૂના મૂર્છિત થયો. તેથી મોત માગતાં તે બોલ્યો કે, “મારા માટે જીવવા કરતા મરવું વધારે સારું છે.” 9ત્યારે ઈશ્વરે યૂનાને કહ્યું, “છોડના લીધે તું અતિ ક્રોધિત છે તે શું સારું છે?” 10ત્યારે ઈશ્વરે તેને કહ્યું કે, આ છોડ કે જેને માટે તેં નથી શ્રમ કર્યો કે નથી તેને ઉગાવ્યો. તે એક રાત્રે ઊગ્યો અને બીજી રાત્રિએ નષ્ટ થયો. આ છોડ પર તને અનુકંપા થઈ રહી છે. 11તો આ મહાનગર નિનવે કે જેમાં એક લાખ વીસ હજાર લોકો એવા છે કે જેઓ તેમના પોતાના જમણાં કે ડાબા હાથ વચ્ચે શો તફાવત છે તે પણ સમજતા નથી. વળી જે નગરમાં ઘણાં જાનવર છે. એ નગર પર મને અનુકંપા ના ઊપજે?”
સંધ્યા-પ્રાર્થના: વાંચન (પાંચમું વાંચન)
10અને ઇઝરાયલીઓએ ગિલ્ગાલમાં છાવણી કરી. અને તેઓએ તે મહિનાને ચૌદમાં દિવસે સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું. 11પાસ્ખાપર્વના બીજે દિવસે તેઓએ તે દેશની પેદાશમાંથી બનાવેલી બેખમીર રોટલી અને શેકેલું અનાજ ખાધું. 12અને ત્યાર બાદ તે દિવસથી માન્ના પડતું બંધ થયું. અને હવે ઇઝરાયલ લોકોને માન્ના મળવાનું બંધ થયું, તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાવાનું શરુ કર્યું. 13અને યહોશુઆ યરીખો પાસે હતો, તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં તાણેલી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, “શું તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો છે?” 14તેણે કહ્યું, “એમ તો નહિ, પણ હું યહોવાહનાં સૈન્યનો સરદાર છું.” અને યહોશુઆએ ભૂમિ પર પડીને તેનું ભજન કરીને કહ્યું, “મને માલિકનો આદેશ ફરમાવો.” 15ત્યારે યહોવાહનાં સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું કે “તારા પગમાંથી તારા ચંપલ ઉતાર. કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે.” અને યહોશુઆએ તેના કહ્યા પ્રમાણે કર્યું.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (છઠ્ઠું વાંચન)
20પછી ઇઝરાયલીઓએ સુક્કોથથી પ્રયાણ કરીને અને એથામમાં અરણ્યની સરહદ પર મુકામ કર્યો. 21દિવસે તેઓને રસ્તો બતાવવા માટે યહોવાહ મેઘસ્તંભમાં તેમ જ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભમાં તેઓની આગળ ચાલતા હતા. 22દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ તેઓની આગળથી જરા પણ ખસતા ન હતા, યહોવાહ સતત તેઓની સાથે રહેતા હતા. 14:1પછી યહોવાહે મૂસાને કહ્યું, 2“ઇઝરાયલી લોકોને કહે કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બઆલ-સફોનની આગળ સમુદ્રને કિનારે છાવણી કરે. 3એટલે ફારુનને એવું લાગશે કે, “ઇઝરાયલીઓ અરણ્યમાં ભૂલા પડ્યા છે અને અટવાઈ ગયા છે.” 4હું ફારુનનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારો પીછો કરશે. પણ હું તેના લશ્કરનો પરાજય કરીને મારો મહિમા વધારીશ. ત્યારે મિસરવાસીઓ જાણશે કે, હું ઈશ્વર છું.” અને ઇઝરાયલીઓએ ઈશ્વરના કહ્યા પ્રમાણે કર્યું. 5જ્યારે મિસરના રાજાને ખબર આપવામાં આવી કે, ઇઝરાયલી લોકો જતા રહ્યા છે. ત્યારે ફારુનનું અને તેના સરદારોનું વલણ બદલાઈ ગયું. તેઓને થયું કે, “આપણે શું કર્યુ? આપણે તેઓને કેમ જવા દીધા? આપણે આપણા ગુલામોને ગુમાવ્યા છે.” 6એટલે ફારુને પોતાનો રથ અને લશ્કરને તૈયાર કર્યું. 7ફારુને પોતાના રથદળમાંથી મિસરના સૌથી શ્રેષ્ઠ છસો સરદારોને અને અન્ય રથો સહિત તેઓના સરદારોને સાથે લીધા. 8યહોવાહે મિસરના રાજા ફારુનને હઠીલો બનાવ્યો, તે પોતાનું સૈન્ય લઈને નીડર ઇઝરાયલીઓની પાછળ પડ્યો. 9મિસરના લશ્કરના અસંખ્ય ઘોડેસવારો તથા રથસવારો તથા અન્ય સૈનિકોએ ઇઝરાયલીઓનો પીછો કર્યો. અને તેઓ બઆલ-સફોનની આગળ પીહાહીરોથની પાસે સમુદ્ર કિનારે છાવણીમાં તેઓની નજીક આવી પહોંચ્યા. 10ફારુન તેઓની નજીક આવી પહોંચ્યો, તે જોઈને ઇઝરાયલીઓને ખબર પડી કે મિસરીઓ તેઓની પાછળ પડ્યા છે! તેથી તેઓ ખૂબ ભયભીત થયા અને તેઓએ સહાય માટે યહોવાહને પોકાર કર્યો. 11તેઓએ મૂસાને કહ્યું, “તું અમને શા માટે મિસરમાંથી બહાર લાવ્યો છે? શું મિસરમાં કબરો નહોતી? તું તો અમને આ રણપ્રદેશમાં મરવા માટે લાવ્યો છે. શાંતિપૂર્વક મૃત્યુ પામવા અમારે માટે મિસરમાં ઘણી કબરો હતી. 12અમે મિસરમાં જ તને નહોતું કહ્યું કે, ‘અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દે, મિસરવાસીઓની સેવા કરવા દે? અમારે માટે અહીં અરણ્યમાં મરવા કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી એ વધારે સારું હતું.” 13પરંતુ મૂસાએ લોકોને આશ્વાસન આપ્યું, “ગભરાશો નહિ. જ્યાં છો ત્યાં જ મક્કમતાપૂર્વક ઊભા રહો અને જુઓ કે આજે યહોવાહ તમારો કેવી અજાયબ રીતે બચાવ કરે છે! જે મિસરવાસીઓને તમે અત્યારે જુઓ છો તેઓ હવે પછી ક્યારેય તમને દેખાશે નહિ. 14તમારે તો આંગળી પણ અડાડવાની નથી; માત્ર જોયા કરવાનું છે. યહોવાહ તમારે માટે યુદ્ધ કરશે.” 15પછી યહોવાહે મૂસાને કહ્યું, “મને પોકારો કરવાની શી જરૂર છે? ઇઝરાયલી લોકોને કહે કે આગળ કૂચ કરે, પ્રવાસ ચાલુ રાખે. 16તું તારી લાકડીને રાતા સમુદ્ર પર ઊંચી કર. તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ અને સમુદ્ર બે ભાગ થઈ જશે. ઇઝરાયલ લોકો સમુદ્રની કોરી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે. 17પછી હું મિસરવાસીઓને હઠીલા અને આવેશી બનાવીશ. એટલે તેઓ તમારા પર સમુદ્ર તરફ ધસી આવશે. ફારુનને, તેના રથસવારો, ઘોડેસવારો અને સમગ્ર સૈન્યને હું નષ્ટ કરીશ. તેઓ મારું ગૌરવ નિહાળશે. 18ત્યારે ફારુન અને તેના સૈન્ય સહિત સમગ્ર મિસરવાસીઓને ખબર પડશે કે હું યહોવાહ છું.” 19પછી ઇઝરાયલી સૈન્યની આગળ ચાલતો યહોવાહનો જે દૂત હતો તે ત્યાંથી ખસીને તેઓની પાછળ ગયો, તેથી મેઘસ્તંભ પણ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો. 20આ રીતે મેઘસ્તંભ મિસરીઓના સૈન્ય અને ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે આવીને થંભ્યો. ત્યારે વાદળો અને અંધકાર હોવા છતાં મેઘસ્તંભ પણ રાત્રે ઇઝરાયલીઓને પ્રકાશ આપતો હતો. મિસરની સેના માટે સમગ્ર રાત્રી દરમિયાન અંધકાર હોવાને લીધે તે ઇઝરાયલીઓ પાસે આવી શકી નહિ. 21મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ્યો, એટલે યહોવાહે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ કોરી જમીન બનાવી હતી. 22ઇઝરાયલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રમાં થઈને પાર ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની દીવાલો બની ગઈ હતી. 23મિસરીઓ તેઓની પાછળ પડયા. ફારુનના બધા જ રથસવારો, ઘોડેસવારો તથા અન્ય સૈનિકો તેઓની પાછળ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા. 24પછી પ્રભાતના પ્રથમ પહોરમાં અગ્નિસ્તંભ તથા મેઘસ્તંભમાંથી યહોવાહે મિસરીઓના સૈન્ય પર નજર કરી. તેઓના પર હુમલો કર્યો. તેઓનો પરાજય કર્યો. 25યહોવાહે તેઓના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે તે ફરી શકતાં ન હતાં. આથી મિસરના સૈનિકો બૂમ પાડવા લાગ્યા, “આ તો યહોવાહ પોતે ઇઝરાયલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યા છે. ચાલો, આપણે પાછા જતા રહીએ.” 26પછી યહોવાહે મૂસાને કહ્યું, “હવે તું તારો હાથ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ. જેથી મિસરવાસીઓ પર, તેમના રથસવારો પર અને તેઓના ઘોડેસવારો પર પાણી ફરી વળે.” 27એટલે તે પરોઢ થવાના સમયે મૂસાએ સમુદ્ર પર હાથ લંબાવ્યો ત્યારે સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં પાછો આવી ગયો. મિસરના સૈન્યએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી પણ યહોવાહે તેઓને સમુદ્રમાં વચ્ચોવચ્ચ ડુબાવી માર્યા. 28સમુદ્રના પાણીએ પાછાં વળીને રથસવારોને, ઘોડેસવારોને અને ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી કોઈ બચી શક્યું નહિ. 29પરંતુ ઇઝરાયલના લોકો તો સમુદ્રની વચ્ચેથી કોરી ભૂમિ પર થઈને પસાર થઈ ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીંતો થઈ ગઈ હતી. 30આ રીતે તે દિવસે યહોવાહે ઇઝરાયલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇઝરાયલીઓએ સમુદ્ર કિનારે મિસરીઓના મૃતદેહો પડેલા જોયા. 31અને યહોવાહે મિસરીઓ વિરુદ્ધ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને ઇઝરાયલીઓ ગભરાઈ ગયા અને યહોવાહ પર અને તેના સેવક મૂસા પર તેઓએ વિશ્વાસ કર્યો. 15:1પછી મૂસાએ અને ઇઝરાયલના લોકોએ યહોવાહની સમક્ષ આ સ્તુતિગાન ગાયું: “હું યહોવાહની સમક્ષ ગાયન કરીશ, તેમણે મહાન વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે ઘોડા અને સવારોને સમુદ્રમાં ડુબાડી દીધા છે; 2યહોવાહ મારું સામર્થ્ય અને ગીત છે; તે મારો ઉદ્ધાર થયા છે. આ મારા ઈશ્વર છે અને હું તેમની સ્તુતિ કરીશ. મારા પૂર્વજોના ઈશ્વર, હું તેમને મહાન માનું છું. 3યહોવાહ તો યોદ્ધા છે, તેમનું નામ યહોવાહ છે. 4તેમણે ફારુનનાં રથદળોને સમુદ્રમાં ડુબાડી દીધા; અને તેના માનીતા સરદારોને પણ સૂફ સમુદ્રમાં ડુબાડી દીઘા છે. 5પાણીના પ્રવાહો તેઓના પર ફરી વળ્યા છે. તેઓ પથ્થરની માફક છેક તળિયે ડૂબી ગયા છે. 6હે યહોવાહ! તમારો જમણો હાથ, પરાક્રમે મહિમાવાન છે. હે યહોવાહ! તમારો જમણો હાથ શત્રુઓને પછાડીને તેમના ચૂરા કરે છે. 7તમારી સામે થનારને તમે તમારી શ્રેષ્ઠતાના માહાત્મ્યથી પાયમાલ કરો છો. તમે તમારા ભયાનક કોપથી તેઓને ઘાસના પૂળાની જેમ બાળી નાખો છો. 8હે યહોવાહ, તમારા ઉચ્છવાસથી પાણીના; અને મોજાંઓ અટકીને તેમના જાણે ઊંચા ટેકરા બની ગયા. અને દરિયાના ઊંડાણમાં જળના પ્રવાહો ઠરી ગયા. 9શત્રુએ સંકલ્પ કર્યો કે, ‘હું પાછળ પડીશ, અને હું તેઓનું ધન લૂંટી લઈશ. હું મારી તલવાર ઉગામીશ. અને મારે હાથે તેઓનો નાશ કરીશ.’ 10પરંતુ હે યહોવાહ! તમે તમારો પવન ફૂંક્યો. અને સમુદ્રના પાણી તેઓ પર ફરી વળ્યાં. તેઓ સીસાની માફક સમુદ્રના મહાજળમાં ડૂબી ગયા. 11હે યહોવાહ, તમારા જેવા અન્ય કોઈ ઈશ્વર નથી? તમારા જેવા પરમપવિત્ર, મહિમાવાન; સ્તોત્રોમાં ભયજનક અને પરાક્રમી બીજા કોણ છે? 12અને પૃથ્વી તેઓને તત્કાળ ગળી ગઈ, તમે કેવળ જમણો હાથ ઊંચો કર્યો. 13તમે તમારા લોકોને છોડાવ્યા. તમારા પ્રેમ અને કરુણાથી તમારા સામર્થ્ય વડે તમે તેઓને; તમારા પવિત્ર નિવાસમાં દોરી લાવ્યા છો. 14પ્રજા આ સાંભળીને કંપે છે, સર્વ પલિસ્તી વાસીઓ પીડા પામ્યા છે. 15તે સમયે અદોમના સરદારો આશ્ચર્યચકિત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષોને ધ્રૂજારી થઈ; અને બધા કનાનવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં; 16તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, અને તમે મુક્ત કરેલા લોકો જ્યાં સુધી નિશ્ચિત સ્થાને ન પહોંચો;, અને તેઓની મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી યહોવાહ, તમારા ભુજના સામર્થ્યથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા, 17હે પ્રભુ જયાં તમારો આવાસ છે અને જે પવિત્રસ્થાન તમે સ્થાપિત કર્યું છે; એટલે તમારા પવિત્ર પર્વતમાં તેઓને લાવીને તમે તેઓને ત્યાં સ્થાયી વસાવવાના છો. ત્યાં તમે તમારું ભક્તિસ્થાન બાંધશો. 18હે યહોવાહ, તમે સદાસર્વકાળ સુધી રાજ્ય કરવાના છો.” 19ખરેખર એવું બન્યું કે, જ્યારે ફારુનના ઘોડેસવારો, રથો અને તેઓના સવારોએ સમુદ્રમાં પ્રવેશ કર્યો, ત્યારે યહોવાહે સમુદ્રનાં પાણી પાછાં વાળીને તેઓ પર ફેરવી વાળ્યાં; પરંતુ ઇઝરાયલી લોકો તો સમુદ્ર મધ્યે થઈને કોરી જમીન પર ચાલીને પસાર થઈ ગયા.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (સાતમું વાંચન)
8માટે યહોવાહ કહે છે, મારી રાહ જુઓ” હું નાશ કરવા ઊભો થાઉં તે દિવસ સુધી રાહ જુઓ. કેમ કે મારો નિર્ણય પ્રજાઓને એકત્ર તથા રાજ્યોને ભેગા કરીને, તેઓના પર મારો બધો રોષ અને પ્રચંડ ક્રોધ વરસાવવાનો છે. જેથી આખી પૃથ્વી મારી ઈર્ષ્યાના અગ્નિથી નાશ પામે. 9પણ ત્યારે પછી હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતના થઈને મારી સેવા કરે. 10મારા વેરવિખેર થઈ ગયેલા મારા ભક્તો કૂશની નદીની સામે પારથી મારે માટે અર્પણ લાવશે. 11તે દિવસે તારાં સર્વ કૃત્યો જે તેં મારી વિરુદ્ધ કર્યાં છે તેને માટે તારે શરમાવું નહિ પડે, કેમ કે તે સમયે હું તારામાંથી અભિમાની તથા ઉદ્ધત માણસોને દૂર કરીશ, કેમ કે હવે પછી તું મારા પવિત્ર પર્વત પર હીણપતભર્યું કાર્ય કરી શકશે નહિ. 12પણ હું તારામાં દીન તથા ગરીબ લોકોને રહેવા દઈશ, તેઓ મારા નામ પર ભરોસો રાખશે. 13ઇઝરાયલના બાકી રહેલા લોકો તે પછી અન્યાય કરશે નહિ કે જૂઠું બોલશે નહિ, તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ. તેઓ ખાશે અને સૂઈ જશે અને કોઈ તેમને બીવડાવશે નહિ.” 14ઓ સિયોનની દીકરી ગાયન કર. હે ઇઝરાયલ ઉલ્લાસ કર. હે યરુશાલેમની દીકરી તારા પૂરા હૃદયથી ખુશ થા અને આનંદ કર. 15યહોવાહ તમારી શિક્ષાનો અંત લાવ્યા છે; તેમણે તમારા દુશ્મનોને કાઢી મૂક્યાં છે; ઇઝરાયલના રાજા યહોવાહ, તમારામાં છે. તમને ફરીથી ક્યારેય આપત્તિનો ડર લાગશે નહિ.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (આઠમું વાંચન)
8પછી યહોવાહનું વચન એલિયા પાસે આવ્યું કે, 9“તું ઊઠ અને સિદોન નગરની પાસેના સારફતમાં જઈને રહે. જો, ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે, તેને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે.” 10તેથી તે સારફત ચાલ્યો ગયો, જયારે તે નગરના પ્રવેશદ્વારે પહોંચ્યો ત્યારે તેણે એક વિધવા સ્ત્રીને લાકડાં વીણતી જોઈ, તેણે તેને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મારે પીવા સારુ તું મને કૂજામાં થોડું પાણી લાવી આપ.” 11તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને હાંક મારીને કહ્યું, “મારે સારુ રોટલીનો ટુકડો પણ લેતી આવજે.” 12પણ તે વિધવાએ જવાબ આપ્યો, “તારા ઈશ્વર યહોવાહની હાજરીમાં હું કહું છું કે મારી પાસે રોટલી નથી પણ માટલીમાં ફક્ત એક મુઠ્ઠી લોટ અને કૂંડીમાં થોડું તેલ છે. જો હું અહીં થોડાં લાકડાં વીણવા આવી છું, જેથી હું જઈને મારે માટે અને મારા પુત્ર માટે કંઈ રાંધુ કે જેથી અમે તે ખાઈએ અને પછીથી ભૂખે મરીએ.” 13એલિયાએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ. જઈને તારા કહેવા પ્રમાણે કર, પણ પહેલાં મારા માટે તેમાંથી એક નાની રોટલી બનાવીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારા માટે તથા તારા દીકરા માટે બનાવજે. 14કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘દિવસે હું ભૂમિ પર વરસાદ વરસાવીશ, ત્યાં સુધી માટલીમાંનો લોટ અને કૂંડીમાંનું તેલ ખૂટી જશે નહિ.’” 15આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યું. અને એલિયાએ, તે સ્ત્રીએ તથા તેના દીકરાએ ઘણા દિવસો સુધી ખાધું. 16યહોવાહ પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો લોટ તથા કૂંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ. 17ત્યાર બાદ તે સ્ત્રીનો દીકરો માંદો પડ્યો. તેની બીમારી એટલી બધી ભારે હતી કે આખરે તેનો શ્વાસ બંધ પડી ગયો. 18તેથી તેની માતાએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત તારે મારી વિરુદ્ધ શું છે? તું મારાં પાપનું સ્મરણ કરાવવાં તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યો છે!” 19પછી એલિયાએ તેને જવાબ આપ્યો, “તારો દીકરો મને આપ.” તેણે તે છોકરાંને તેની માતાની ગોદમાંથી લીધો. અને જે ઓરડીમાં તે પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈને પોતાના પલંગ પર સુવડાવ્યો. 20તેણે યહોવાહને પ્રાર્થના કરતાં કહ્યું, “હે મારા ઈશ્વર યહોવાહ, જે વિધવાને ત્યાં હું રહું છું, તેના દીકરાને મારી નાખીને તેના પર તમે આપત્તિ લાવ્યા છો શું?” 21પછી એલિયાએ તે છોકરા પર સૂઈ જઈને ત્રણ વાર યહોવાહને પ્રાર્થના કરી કે, “ઓ મારા ઈશ્વર યહોવાહ, હું તમને વિનંતિ કરું છું, કૃપા કરી આ બાળકનો જીવ તેનામાં પાછો આવવા દો.” 22યહોવાહે એલિયાની વિનંતિ સાંભળી; તે બાળકનો જીવ તેનામાં પાછો આવ્યો અને તે સજીવન થયો. 23એલિયા તે બાળકને લઈને ઉપરની ઓરડીમાંથી નીચેના ઘરમાં આવ્યો; તે છોકરાંને તેની માતાને સોંપીને બોલ્યો કે, “જો, તારો દીકરો જીવતો છે.” 24તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હવે હું જાણું છું કે તું ઈશ્વરભક્ત છે અને તારા મુખમાં યહોવાહનું જે વચન છે તે સત્ય છે.”
સંધ્યા-પ્રાર્થના: વાંચન (9મું વાંચન)
10હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ; મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને પાઘડીથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યાં છે; ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડ્યો છે. 11જેમ પૃથ્વી પોતાનામાંથી ફણગો ઉત્પન્ન કરે છે અને જેમ બગીચો તેમાં રોપેલાની વૃદ્ધિ છે, તેમ પ્રભુ યહોવાહ ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે. 62:1જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું પ્રભાતનાં તેજની માફક અને યરુશાલેમનો ઉદ્ધાર સળગતી મશાલની જેમ પ્રકાશશે નહિ ત્યાં સુધી હું છાનો રહીશ નહિ અને હું વિશ્રામ લઈશ નહિ. 2વિદેશીઓ તમારું ન્યાયીપણું અને સર્વ રાજાઓ તમારો મહિમા જોશે. અને યહોવાહ તને પસંદ કરેલા નવા નામથી બોલાવશે. 3તું યહોવાહના હાથમાં શોભાયમાન તાજ અને તારા ઈશ્વરના હાથનો રાજ મુગટ થઈશ. 4હવેથી તું “તજેલું” કે તારો દેશ ફરીથી “ઉજ્જડ” કહેવાશે નહિ. ખરેખર, તું હવે “મારો આનંદ તેનામાં છે,” અને તારો દેશ “પરિણીત” કહેવાશે, કેમ કે યહોવાહ તારા પર પ્રસન્ન છે અને તારા દેશનાં લગ્ન થશે. 5જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે. જેમ વર કન્યાથી હર્ષ પામે છે, તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (10મું વાંચન)
1ત્યાર બાદ ઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટી કરી. તેમણે તેને કહ્યું, “ઇબ્રાહિમ!” ઇબ્રાહિમે કહ્યું, “હું આ રહ્યો.” 2પછી ઈશ્વરે કહ્યું, “તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું ખૂબ પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હું તને બતાવું તે પર તું તેનું દહનીયાર્પણ કર.” 3તેથી ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને તેણે ગધેડા પર જીન બાંધ્યું. તેના બે યુવાન ચાકરોને તથા દીકરા ઇસહાકને તેની સાથે લીધા. દહનીયાર્પણને સારુ લાકડાં પણ લીધાં. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ત્યાં તેઓ ગયા. 4ત્રીજા દિવસે ઇબ્રાહિમે દૂરથી તે જગ્યાને નિહાળી. 5ઇબ્રાહિમે તેના જુવાનોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, હું તથા ઇસહાક ત્યાં ઉપર જઈશું. અમે અર્પણ કરીને તમારી પાસે પાછા આવીશું.” 6પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકી લેવા માટે પોતાના દીકરા ઇસહાકને આપ્યાં. તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધાં અને તેઓ બન્ને સાથે પર્વત પર ગયા. 7ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમને કહ્યું, “મારા પિતા” અને તેણે કહ્યું, “બોલ, મારા દીકરા, હું આ રહ્યો.” તેણે કહ્યું, “જુઓ, અહીં અગ્નિ તથા લાકડાં તો છે, પણ દહનીયાર્પણને માટે ઘેટું ક્યાં છે? 8ઇબ્રાહિમે કહ્યું, “મારા દીકરા, દહનીયાર્પણને સારુ ઈશ્વર પોતે ઘેટું પૂરું પાડશે.” અને તેઓ આગળ ચાલ્યા. 9જે જગ્યા વિશે ઈશ્વરે તેમને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે ત્યાં વેદી બનાવી અને તેના પર લાકડાં ગોઠવ્યાં. પછી તેના દીકરા ઇસહાકને બાંધીને તેને વેદી પરનાં લાકડાં પર મૂક્યો. 10ઇબ્રાહિમે તેના દીકરાને મારવાને માટે હાથમાં છરો લીધો. 11પછી તેણે છરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” અને તેણે કહ્યું, “બોલો, હું અહીં છું.” 12દૂતે તેને કહ્યું, “તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે.” 13ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું. 14પછી તેણે દહનીયાર્પણની એ જગ્યાનું નામ “યહોવાહ-યિરેહ “પાડ્યું.” તે આજ સુધી એ નામે ઓળખાય છે તેનો અર્થ એ છે કે, “ઈશ્વરના પર્વત પર ઈશ્વર પૂરું પાડે છે.” 15ઈશ્વરના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમ સાથે ફરીથી વાત કરી, 16અને કહ્યું કે, “આ ઈશ્વરની વાણી છે, “મેં પોતાના સમ ખાધા છે, તેં એ કામ કર્યું છે અને તારા એકનાએક દીકરાને તેં પાછો રાખ્યો નથી, 17તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે. 18તારા વંશજોથી પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”
સંધ્યા-પ્રાર્થના: વાંચન (11મું વાંચન)
1પ્રભુ યહોવાહનો આત્મા મારા પર છે, કારણ કે, દીનોને વધામણી કહેવા માટે યહોવાહે મને અભિષિક્ત કર્યો છે. તેણે મને તૂટેલા હૃદયવાળાને સાજા કરવા માટે, બંદીવાનોના છુટકારાને તથા જે લોકો બંધનમાં છે તેઓને કેદમાંથી છોડાવવાને માટે મને મોકલ્યો છે. 2યહોવાહે માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના વેરનો દિવસ અને સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે, 3સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, આપવા માટે મને મોકલ્યો છે; જેથી તેઓ તેમના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાય. 4તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે; પૂર્વકાળની પાયમાલ થયેલી ઇમારતોને તેઓ ઊભી કરશે. તેઓ નાશ થયેલ નગરોને પુનઃસ્થાપિત કરશે, ઘણી પેઢીઓથી ઉજ્જડ પડી રહેલાં નગરોને સમારશે. 5પરદેશીઓ ઊભા રહીને તમારાં ટોળાંને ચરાવશે અને પરદેશીઓના દીકરાઓ તમારાં ખેતરોમાં અને દ્રાક્ષવાડીમાં કામ કરશે. 6તમે લોકો યહોવાહના યાજકો કહેવાશો; તેઓ તમને આપણા ઈશ્વરના સેવકો તરીકે બોલાવશે. તમે વિદેશીઓની સંપત્તિ ખાશો અને તેમની સમૃદ્ધિમાં તમે અભિમાન કરશો. 7તમારી લાજના બદલામાં તમને બમણું મળશે; અને અપમાનને બદલે તેઓ પોતાને મળેલા હિસ્સાથી હરખાશે. તેથી તેઓ પોતાના દેશમાં બમણો વારસો પામશે; તેઓને અનંતકાળનો આનંદ મળશે. 8કેમ કે હું, યહોવાહ ઇનસાફ ચાહું છું અને અન્યાયથી કરેલી લૂંટફાટને હું ધિક્કારું છું. હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો બદલો આપીશ અને હું તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ. 9તેઓનાં સંતાન વિદેશીઓમાં અને તેઓના વંશજો લોકોમાં ઓળખાશે. જેઓ તેઓને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનોને યહોવાહે આશીર્વાદ આપેલો છે તે તેઓ છે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (12મું વાંચન)
8એક દિવસ એવું બન્યું કે, એલિશા શુનેમ ગયો ત્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તે સ્ત્રીએ તેને જમવા માટે આગ્રહ કર્યો. અને એમ થયું કે, એલિશા જેટલી વાર ત્યાંથી જતો, તેટલી વાર તે જમવા માટે ત્યાં રોકાતો હતો. 9તે સ્રીએ પોતાના પતિને કહ્યું, “જુઓ, હવે મને ખાતરી થઈ છે કે જે માણસ હંમેશા આપણે ત્યાં આવીને જાય છે તે તો પવિત્ર ઈશ્વરભક્ત છે. 10તો કૃપા કરી, આપણે તેને માટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પલંગ, મેજ, ખુરશી તથા દીવો મૂકીએ. તેથી જયારે તે અહીં આપણી પાસે આવે ત્યારે તેમાં રહે.” 11એક દિવસ એલિશા ફરીથી ત્યાં રોકાયો, તે ઘરમાં રહ્યો અને ત્યાં આરામ કર્યો. 12એલિશાએ પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” જયારે તેણે તેને બોલાવી, ત્યારે તે આવીને તેની આગળ ઊભી રહી. 13એલિશાએ ચાકરને કહ્યું, “તેને પૂછ કે, ‘તેં અમારી આટલી કાળજી કરીને ચિંતા રાખી છે. અમે તારા માટે શું કરીએ? શું તારી એવી ઇચ્છા છે કે રાજા કે સેનાપતિને તારા માટે ભલામણ કરીએ?” તે સ્રીએ કહ્યું, “હું તો મારા પોતાના લોકો વચ્ચે રહું છું.” 14તેથી એલિશાએ ચાકર ગેહઝીને પૂછ્યું, “તો પછી આપણે તેને માટે શું કરીએ?” ગેહઝીએ જવાબ આપ્યો, “ખરેખર, તેને દીકરો નથી અને તેનો પતિ વૃદ્ધ છે.” 15એલિશાએ કહ્યું, “તેને બોલાવ.” જયારે ચાકરે તેને બોલાવી ત્યારે તે આવીને બારણામાં ઊભી રહી. 16એલિશાએ કહ્યું, “આવતા વર્ષના નિયત સમયે તને બાળક જન્મશે.” પણ તેણે કહ્યું, “ના, મારા માલિક ઈશ્વરભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહિ.” 17પણ તે સ્ત્રીને ગર્ભ રહ્યો. અને એલિશાએ કહ્યું હતું તે પ્રમાણે, બીજા વર્ષે તે જ સમયે તેને દીકરો જન્મ્યો. 18જયારે તે બાળક મોટો થયો, ત્યારે તે એક દિવસ તેના પિતા પાસે જ્યાં પાક લણનારા હતા ત્યાં ગયો. 19બાળકે તેના પિતાને કહ્યું, મારું માથું, મારું માથું.” તેના પિતાએ પોતાના ચાકરને કહ્યું, “તેને ઊંચકીને તેની માતા પાસે લઈ જા.” 20તેથી ચાકર તે બાળકને ઊંચકીને તેની માતા પાસે લઈ ગયો. તે બાળક તેની માતાના ખોળામાં બપોર સુધી બેઠો અને પછી મરણ પામ્યો. 21પછી તે સ્ત્રીએ બાળકને લઈને ઈશ્વરભક્તના પલંગમાં સુવાડ્યો અને તે બારણું બંધ કરીને બહાર ચાલી ગઈ. 22તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મને એક ગધેડો અને એક ચાકર મોકલી આપ કે, હું જલ્દીથી ઈશ્વરભક્ત પાસે જઈને પાછી આવી શકું.” 23તેના પતિએ પૂછ્યું, “તું આજે તેની પાસે કેમ જાય છે? આજે નથી અમાસ કે નથી વિશ્રામવાર.” સ્ત્રીએ કહ્યું “બધું સારું થશે.” 24પછી તેણે ગધેડા પર જીન બાંધ્યું અને ચાકરને કહ્યું, “ઉતાવળથી હાંકીને ચલાવ; હું તને કહું તે સિવાય સવારી ધીમી પાડતો નહિ.” 25આમ તે ગઈ અને કાર્મેલ પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવી પહોંચી. ઈશ્વરભક્તે તેને દૂરથી જોઈને તેના ચાકર ગેહઝીને કહ્યું, “જો, શુનામ્મી સ્ત્રી અહીં આવી રહી છે. 26કૃપા કરી, દોડીને તેને મળવા જા અને પૂછ કે, ‘શું તું, તારો પતિ તથા તારો દીકરો ક્ષેમકુશળ તો છે ને?” તે સ્ત્રીએ કહ્યું, “ક્ષેમકુશળ છે.” 27તે સ્ત્રીએ પર્વત પર ઈશ્વરભક્ત એલિશા પાસે આવીને તેના પગ પકડ્યા, ત્યારે ગેહઝી તેને દૂર કરવા આગળ આવ્યો પણ ઈશ્વરભક્તે તેને કહ્યું, “તેને એકલી રહેવા દે, કેમ કે તે દુઃખી છે, યહોવાહે તે વાત મારાથી છુપાવીને મને કહ્યું નથી.” 28પછી તે સ્ત્રી બોલી, “મારા માલિક! શું મેં તમારી પાસે દીકરો માંગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ?” 29ત્યારે એલિશાએ ગેહઝીને કહ્યું, “ગેહઝી, કમર બાંધીને તથા મારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. તેના ઘરે જા. જો રસ્તામાં તને કોઈ મળે તો તેને સલામ કરતો નહિ અને જો કોઈ તને સલામ કરે તો, તેને સામે સલામ કરતો નહિ. મારી લાકડી તે બાળકના મુખ પર મૂકજે.” 30પણ બાળકની માતાએ કહ્યું, “યહોવાહના સમ, તમારા સમ, હું તમને છોડવાની નથી.” આથી એલિશા ઊઠયો અને તેની સાથે ગયો. 31ગેહઝી તેઓના કરતાં વહેલો પહોંચી ગયો હતો. તેણે બાળકના મુખ પર લાકડી મૂકી, પણ બાળક કશું બોલ્યો નહિ કે સાંભળ્યું નહિ. તેથી ગેહઝી તેને મળવા આવ્યો અને કહ્યું, “બાળક હજુ જાગ્યો નથી.” 32જયારે એલિશા ઘરમાં આવ્યો, ત્યારે બાળક મૃત અવસ્થામાં તેના પલંગ પર પડેલો હતો. 33તેથી એલિશાએ અંદર જઈને બારણું બંધ કર્યું, બાળક અને તે અંદર રહ્યા પછી તેણે યહોવાહને પ્રાર્થના કરી. 34પછી તે પલંગ પર જઈને બાળક પર સૂઈ ગયો, તેણે તેનું મુખ બાળકના મુખ પર, તેની આંખ બાળકની આંખ પર અને તેના હાથ બાળકના હાથ પર રાખ્યા. અને તે બાળક પર લાંબો થઈને સૂઈ ગયો એટલે બાળકના શરીરમાં ગરમાવો આવ્યો. 35પછી એલિશાએ ઊભા થઈને ઘરમાં ચારે બાજુ આંટા માર્યા પછી તે ફરીથી બાળક પર લાંબો થઈને સૂઈ ગયો. એટલે બાળકે સાત વખત છીંક ખાધી અને પોતાની આંખો ઉઘાડી. 36પછી એલિશાએ ગેહઝીને બોલાવીને કહ્યું, “શુનામ્મીને બોલાવ એટલે તેણે તેને બોલાવી, જયારે તે ઘરમાં આવી ત્યારે એલિશાએ તેને કહ્યું, “તારા દીકરાને ઊંચકી લે.” 37પછી તે સ્ત્રીએ અંદર જઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પછી પોતાના દીકરાને લઈને બહાર ચાલી ગઈ.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (13મું વાંચન)
11તેમના લોકોએ મૂસાના પુરાતન સમયનું સ્મરણ કર્યું. તેઓએ કહ્યું, “સમુદ્રમાંથી જે અમોને પોતાના ટોળાંના પાળક સહિત ઉપર લાવ્યા તે ઈશ્વર ક્યાં છે? જેમણે અમારામાં પોતાનો પવિત્ર આત્મા મૂક્યો, તે ઈશ્વર ક્યાં છે? 12જેમણે મૂસાને જમણે હાથે પોતાનું ગૌરવી સામર્થ્ય મોકલ્યું, અને પોતાનું નામ અનંતકાળને માટે કરવાને તેમણે અમારી આગળ સમુદ્રના પાણીના બે ભાગ કર્યા, તે ઈશ્વર ક્યાં છે? 13જેમણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય તેમ ઊંડાણમાં એવી રીતે ચલાવ્યા કે અમે ઠોકર ખાધી નહિ, તે ઈશ્વર ક્યાં છે? 14ખીણમાં ઊતરી જનારાં જાનવરની જેમ તેઓ યહોવાહના આત્માથી વિશ્રામ પામ્યા; તે પ્રમાણે તમે પોતાને માટે મહિમાવંત નામ કરવાને માટે તમારા લોકોને દોર્યા. 15આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ. તમારો ઉત્સાહ અને તમારાં મહાન કાર્યો ક્યાં છે? તમારી લાગણી અને તમારા દયાળુ કાર્યો અમારાથી દૂર રાખવામાં આવ્યાં છે. 16કેમ કે તમે અમારા પિતા છો, જો કે ઇબ્રાહિમ અમને જાણતા નથી અને ઇઝરાયલ અમને કબૂલ કરતા નથી, તમે, હે યહોવાહ, તમે અમારા પિતા છો. પ્રાચીન કાળથી “અમારો ઉદ્ધાર કરનાર” એ જ તમારું નામ છે. 17હે યહોવાહ, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો અને અમારાં હૃદયો કઠણ કરો છો, જેથી અમે તમારી આજ્ઞા પાળીએ નહિ? તમારા સેવકોની ખાતર, તમારા વારસાનાં કુળોને માટે પાછા આવો. 18થોડો જ વખત તમારા લોકોએ પવિત્રસ્થાનનું વતન ભોગવ્યું છે, પણ પછી અમારા શત્રુઓએ તેને કચડ્યું છે. 19જેઓના પર તમે ક્યારેય રાજ કર્યું નથી, જેઓ તમારા નામથી ઓળખાતા નથી તેઓના જેવા અમે થયા છીએ. 64:1જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો! જો પર્વતો તમારી હાજરીમાં કંપે, તો કેવું સારું, 2જેમ અગ્નિ ઝાડીને સળગાવે છે, જેમ અગ્નિ પાણીને ઉકાળે છે. તેમ તમારું નામ તમારા શત્રુઓ જાણી જશે, જેથી પ્રજાઓ તમારી હાજરીમાં ધ્રૂજી ઊઠશે! 3અગાઉ, અમારી કલ્પનામાં ન આવે એવાં અદ્દભુત કામો તમે કરતા હતા, તમે નીચે ઊતર્યા અને પર્વતો તમારી હાજરીથી કંપી ઊઠયા. 4આદિકાળથી કોઈએ સાંભળ્યું નથી કે માનવામાં આવ્યું નથી, કે કોઈ આંખે તમારા સિવાય બીજા કોઈ ઈશ્વરને જોયો નથી, કે જે તેમની રાહ જોનારને માટે એવું કરે. 5જેઓ આનંદથી જે યોગ્ય છે તે કરે છે, જેઓ તમારા માર્ગોને ધ્યાનમાં રાખીને તેને પાળે છે, તેઓને સહાય કરવાને તમે આવો. તમે કોપાયમાન થયા હતા કેમ કે અમે પાપ કર્યું. તમારા માર્ગોમાં અમારો હંમેશા ઉદ્ધાર થશે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (14મું વાંચન)
31યહોવાહ કહે છે કે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે “જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયા સાથે નવો કરાર કરીશ. 32મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢ્યાં હતા ત્યારે તેઓની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેઓનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.” એવું યહોવાહ કહે છે. 33“પણ યહોવાહ કહે છે હવે પછી ઇઝરાયલના લોકો સાથે જે કરાર કરીશ તે આ હશે “હું મારા નિયમો તેમના હ્રદયમાં મૂકીશ. અને તેઓનાં હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ. અને તેઓ મારા લોક થશે. 34તે સમયે ‘યહોવાહને ઓળખવા માટે!’ એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કેમ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઈ મને ઓળખશે.” “હું તેઓનાં દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ. એમ યહોવાહ કહે છે.”
સંધ્યા-પ્રાર્થના: વાંચન (15મું વાંચન)
પત્ર
3શું તમે નથી જાણતા કે, આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા. 4તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. 5કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયાં, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલાં થઈશું. 6આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય; એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહિ. 7કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે. 8પણ જો આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામેલા છીએ, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. 9કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા અને તે ફરી મૃત્યુ પામનાર નથી; હવે પછી મૃત્યુનો અધિકાર તેમના પર નથી. 10કેમ કે તેઓ મર્યા, એટલે પાપ સંબંધી એક જ વાર મૃત્યુ પામ્યા, પણ તેઓ જીવે છે એટલે ઈશ્વર સંબંધી જીવે છે. 11તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો.
સુવાર્તા
1વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. 2ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો. 3તેનું રૂપ વીજળી જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું. 4તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણ પામ્યા હોય તેવા થઈ ગયા. 5ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, “તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું. 6જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે. તમે આવો, જ્યાં તે સૂતા હતા તે જગ્યા જુઓ. 7જલદી જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. ‘જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો.’ જુઓ મેં તમને કહ્યું છે.” 8ત્યારે તેઓ ભય તથા ઘણાં હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી. 9ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને શુભેચ્છા પાઠવી. તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું. 10ઈસુએ તેઓને કહ્યું કે, “બીશો નહિ, જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.” 11તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું. 12તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું કે, 13તમે એમ કહો કે, “અમે ઊંઘતા હતા એટલામાં ‘તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.’” 14જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.” 15પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. એ વાત યહૂદીઓમાં આજ સુધી ચર્ચા થાય છે. 16પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા. 17તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો. 18ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, “સ્વર્ગ તથા પૃથ્વી પરનો સર્વ અધિકાર મને અપાયો છે. 19એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. 20મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 18 એપ્રિલ એટલે નાગરિક પંચાંગનો 1 મે. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો