Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › એપ્રિલ 2027 › 23 એપ્રિલ

ઓર્થોડોક્સ પંચાંગ · 10 એપ્રિલ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 23 એપ્રિલ 2027

શુક્રવાર · મહાન ઉપવાસકાળનું છઠ્ઠું અઠવાડિયું · સ્વર 5

પર્વો અને સંતો

Martyrs Terence, Pompius, and with them Africanus, Macarius, Xeno, Alexander and the other 33 beheaded at Carthage († c.249-251)

મહાન ઉપવાસકાળ

કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

છઠ્ઠો કલાક

યશા 66:10–24

10યરુશાલેમ પર પ્રેમ કરનારાઓ, તમે સર્વ તેની સાથે હરખાઓ અને આનંદ કરો; તેને લીધે શોક કરનારાઓ, તેની સાથે હરખાઓ. 11તમારું પોષણ થશે અને તમે તૃપ્ત થશો; તમે તેના સ્તનપાનથી દિલાસો પામશો; કેમ કે તમે તેમાંથી ભરપૂર પીશો અને તેના અતિ મહિમામાં આનંદિત થશો. 12યહોવાહ એવું કહે છે: “હું તેના પર નદીની જેમ સમૃદ્ધિ ફેલાવીશ અને ઊભરાતા નાળાંની જેમ પ્રજાઓની સંપત્તિ રેડીશ. તમે સ્તનપાન કરશો, કેડે ઊંચકી લેવાશો, ખોળામાં તમને લાડ લડાવાશે. 13જેમ મા પોતાના બાળકને દિલાસો આપે છે, તે પ્રમાણે હું તને દિલાસો આપીશ અને તું યરુશાલેમમાં દિલાસો પામીશ.” 14તમે આ જોશો અને તમારું હૃદય હરખાશે અને તમારાં હાડકાં કુમળા ઘાસની જેમ ઊગશે. યહોવાહનો હાથ તેમના સેવકોના જાણવામાં આવશે પણ શત્રુઓ પર તે કોપાયમાન થશે. 15કેમ કે જુઓ, યહોવાહ અગ્નિની સાથે આવશે અને તેમના રથો વંટોળિયા જેવા થશે તે પોતાના કોપની ગરમી અને અગ્નિની જવાળાથી ઠપકો લઈને આવશે. 16કેમ કે યહોવાહ આગ અને તલવારથી સર્વ માનવજાતનો ન્યાય કરશે. ઘણા લોકો યહોવાહને હાથે માર્યા જશે. 17બગીચાઓમાં જવાને માટે તેઓ પોતાને શુદ્ધ અને પવિત્ર કરે છે, તેઓની પાછળ, જેઓ ભૂંડનું માંસ અને ઉંદર જેવી ધિક્કારપાત્ર વસ્તુઓ ખાય છે તેઓ આવે છે. “તેઓ સૌથી અંતમાં આવશે” એવું યહોવાહ કહે છે. 18“કેમ કે હું તેઓનાં કાર્યો અને તેઓના વિચારો જાણું છું. સમય આવે છે જ્યારે હું સર્વ પ્રજાઓને તથા સર્વ ભાષા બોલનાર લોકોને એકત્ર કરીશ. તેઓ આવીને મારો મહિમા જોશે. 19હું તેઓની મધ્યે એક સમર્થ ચિહ્ન દેખાડીશ. પછી હું તેઓમાંના બચેલાઓને વિદેશીઓની પાસે મોકલીશ: એટલે તાર્શીશ, પૂલ તથા લૂદએ, ધનુર્ધારીઓની પાસે, તુબાલ, યાવાન અને દૂરના દ્વીપોમાં, જ્યાંના લોકોએ મારા વિષે સાંભળ્યું નથી કે મારો મહિમા જોયો નથી. તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.” 20“યહોવાહના અર્પણ તરીકે, તેઓ સર્વ પ્રજાઓમાંથી તારા સર્વ ભાઈઓને પાછા લાવશે. તેઓ મારા પવિત્ર પર્વત યરુશાલેમ પર, ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા ઊંટો પર બેસીને આવશે,” એમ યહોવાહ કહે છે. કેમ કે ઇઝરાયલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણ લાવશે. 21યહોવાહ કહે છે, “હું તેઓમાંથી કેટલાકને યાજકો તથા લેવીઓ થવા સારુ પસંદ કરીશ.” 22કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી સમક્ષ રહેશે” એમ યહોવાહ કહે છે, “તેમ જ તમારા વંશજો અને તમારું નામ રહેશે.” 23“એક મહિનાથી બીજા સુધી અને એક વિશ્રામવારથી બીજા વિશ્રામવાર સુધી, સર્વ લોકો મારી આગળ પ્રણામ કરવા આવશે,” એવું યહોવાહ કહે છે. 24તેઓ બહાર આવીને જે માણસોએ મારી સામે બળવો કર્યો હતો, તેઓના મૃતદેહ જોશે, કેમ કે તેઓને ખાનાર કીડા મરનાર નથી અને તેઓનો બાળનાર અગ્નિ હોલવાશે નહિ; અને તે સર્વ માનવજાતને ધિક્કારપાત્ર થઈ પડશે.”

સંધ્યા-પ્રાર્થના: વાંચન

ઉત્પ 49:33–50:26

33જયારે યાકૂબે તેના દીકરાઓને સૂચનો તથા અંતિમ વાતો કહેવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના પલંગ પર લંબાવીને પ્રાણ છોડ્યો અને પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો. 50:1પછી યૂસફ તેના પિતાના દેહને ભેટીને રડ્યો અને તેને ચુંબન કર્યું. 2યૂસફે તેના દાસોમાં જે વૈદો હતા તેઓને તેના પિતાના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી. તેથી વૈદોએ ઇઝરાયલના દેહમાં સુગંધીઓ ભરી. 3સુગંધીઓ ભરવાનું કામ ચાલીસ દિવસ પછી પૂરું થયું. યાકૂબના મરણ નિમિત્તે મિસરીઓએ સિત્તેર દિવસ શોક પાળ્યો. 4જયારે તેના શોકના દિવસો પૂરા થયા ત્યારે યૂસફે ફારુનની રાજસભાને કહ્યું, “તમે મારા પર સહાનુભૂતિ દર્શાવેલી છે. તો હવે મારા વતી ફારુનને એમ કહો, 5‘મારા પિતાએ મને સમ આપીને કહ્યું હતું કે, “હું મૃત્યુ પામવાનો છું. મેં મારા માટે કનાન દેશમાં કબર ખોદાવેલી છે, ત્યાં મને દફનાવજો.” તો હવે ફારુન મારા પિતાને દફનાવવા માટે મને જવા દે. એ વિધિ પૂરી કર્યા પછી હું પાછો આવીશ.’ 6ફારુને જવાબ આપ્યો, “તારા પિતાએ તને સમ આપ્યાં છે તે મુજબ તારા પિતાને દફનાવવા માટે જા.” 7યૂસફ તેના પિતાને દફનાવવા માટે ગયો. ફારુનના સર્વ અધિકારીઓ, તેના ઘરના સભ્યો, મિસર દેશના સર્વ ઉચ્ચ અધિકારીઓ પણ તેની સાથે ગયા. 8યૂસફના ઘરનાં સર્વ, તેના ભાઈઓ અને તેના પિતાના ઘરનાં સર્વ પણ ગયાં. તેઓએ તેમનાં નાનાં બાળકો, તેમના ટોળાં તથા તેમનાં અન્ય જાનવરોને ગોશેન દેશમાં રહેવા દીધાં. 9તેની સાથે રથો તથા ઘોડેસવારો સહિત લોકોનો વિશાળ સમુદાય હતો. 10જયારે તેઓ યર્દનની સામે પાર આટાદની ખળી છે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ આક્રંદ કર્યું. પિતાને માટે સાત દિવસ સુધી શોક કર્યો. 11આટાદની ખળીમાં તે દેશના કનાનીઓએ તે શોકનું વાતાવરણ જોયું, ત્યારે તેઓ બોલ્યા, “મિસરીઓના માટે આ એક શોકની મોટી જગ્યા છે.” તે માટે તે જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ કહેવાય છે, જે યર્દન પાર છે. 12પોતાના દીકરાઓને જેવા સલાહસૂચનો યાકૂબે આપ્યાં હતાં તે પ્રમાણે તેઓએ પિતાને સારુ કર્યું. 13તેના દીકરાઓ તેને કનાન દેશમાં લાવ્યા અને મામરે નજીક, માખ્પેલાના ખેતરમાંની ગુફામાં તેને દફ્નાવ્યો. ઇબ્રાહિમે કબરસ્તાન માટે તે ખેતર ગુફા સહિત એફ્રોન હિત્તી પાસેથી વેચાતું લીધું હતું. 14તેના પિતાને દફનાવ્યા પછી યૂસફ તથા તેના ભાઈઓ અને જેઓ તેના પિતાને દફનાવવા માટે તેની સાથે ગયા હતા, તે સર્વ મિસરમાં પાછા આવ્યા. 15પિતાના મૃત્યુને લીધે યૂસફના ભાઈઓ ગભરાઈ ગયા. તેઓને મનમાં થયું કે, “જો યૂસફ આપણો દ્વેષ કરશે અને આપણે તેની સાથે જે દુર્વ્યવહાર કર્યો હતો તેનું વેર વાળવાનું તે ઇચ્છશે તો આપણું શું થશે?” 16તેથી તેઓએ યૂસફને સંદેશ કહેવડાવી મોકલ્યો, “તારા પિતાએ મૃત્યુ પામ્યા અગાઉ સૂચન આપીને અમને કહ્યું હતું, 17‘તમે આ પ્રમાણે યૂસફને કહેજો, “તેઓએ તારી સાથે જે ખરાબ વર્તન કર્યું અને તારો અપરાધ કર્યો તે માટે કૃપા કરીને તારા પિતાના ઈશ્વરના ભાઈઓને માફ કરજે.’ જયારે તે સંદેશ તેને મળ્યો ત્યારે યૂસફ ગળગળો થઈ ગયો. 18તેના ભાઈઓએ જઈને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેઓએ કહ્યું, “જો, અમે તારા દાસો છીએ.” 19પણ યૂસફે તેઓને જવાબ આપ્યો, “બીશો નહિ. શું હું ઈશ્વરના સ્થાને છું? 20તમે તો મારું ખરાબ કરવા ઇચ્છ્યું હતું પણ તમે આજે જેમ જોયું તેમ ઘણાં લોકોના જીવ બચાવવા ઈશ્વરે તેમાં સારું કર્યું. 21તે માટે હવે ગભરાશો નહિ. હું પોતે તમારી તથા તમારાં બાળકોની સંભાળ રાખીશ.” એમ તેણે તેઓને દિલાસો આપ્યો અને તેઓની સાથે હેતથી વાત કરી. 22યૂસફ પોતાના ભાઈઓ અને સંતાનો સાથે મિસરમાં રહ્યો. તે એકસો દસ વર્ષની વયે મરણ પામ્યો. 23યૂસફે ત્રીજી પેઢી સુધી એફ્રાઇમનાં બાળકો જોયાં. તેણે મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓ પણ જોયા. તેઓ યૂસફના ખોળામાં મોટા થયા. 24જ્યારે મૃત્યુ થવાનું હતું ત્યારે યૂસફે તેના ભાઈઓ અને પરિવારને કહ્યું, “હું તો મૃત્યુ પામી રહ્યો છું પણ ઈશ્વર નિશ્ચે તમારી ખબર લેશે અને તેમણે જે દેશ સંબંધી આપણા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તે મુજબ ઈશ્વર આ દેશમાંથી આપણા દેશમાં તમને લઈ જશે.” 25પછી યૂસફે ઇઝરાયલપુત્રોને પ્રતિજ્ઞા લેવડાવીને કહ્યું, “ઈશ્વર તમારી પાસે નિશ્ચે આવશે; તમે અહીંથી જાઓ તે સમયે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો.” 26યૂસફ એકસો દસ વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસરમાં શબપેટીમાં સાચવી રાખ્યો.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

નીતિ 31:8–31

8જે પોતાના માટે બોલી શકતા નથી તેઓને માટે તું બોલ અને તું નિરાધારોના હક માટે સહાય કર. 9તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર અને ગરીબ તથા દરિદ્રીને માન આપ. 10સદગુણી પત્ની કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં વધારે છે. 11તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપત્તિની કોઈ ખોટ પડશે નહિ. 12પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી. 13તે ઊન અને શણ ભેગું કરે છે, અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે. 14તે દૂરથી પોતાનું અન્ન લઈ આવનાર, વેપારીના વહાણ જેવી છે. 15ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે. 16તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, પોતાના નફામાંથી તે પોતાને હાથે દ્રાક્ષવાડીઓ રોપે છે. 17પોતાની કમરે તે ખડતલ અને ભારે ઉધમી છે, તે પોતાના હાથ બળવાન કરે છે. 18તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે; તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી. 19તે એક હાથે પૂણી પકડે છે અને બીજે હાથે રેંટિયો ચલાવે છે. 20તે ગરીબોને ઉદારતાથી આપે છે; અને જરૂરિયાતમંદોને છૂટે હાથે મદદ કરે છે. 21તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી, તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે. 22તે પોતાને માટે બુટ્ટાદાર રજાઈઓ બનાવે છે, તેના વસ્ત્રો ઝીણા શણનાં તથા જાંબુડા રંગનાં છે. 23તેનો પતિ નગર દરવાજે આદર પામે છે, અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તે પ્રતિષ્ઠિત છે. 24તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે. 25શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે. 26તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે, તેના જીભનો નિયમ માયાળુપણું છે. 27તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે અને તે કદી આળસની રોટલી ખાતી નથી. 28તે પોતાના ઘરના માણસોની વર્તનની બરાબર તપાસ રાખે છે; અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે, 29“જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.” 30લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પરંતુ યહોવાહનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે. 31તેના હાથની પેદાશમાંથી તેને આપો અને તેના કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા કરો.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 10 એપ્રિલ એટલે નાગરિક પંચાંગનો 23 એપ્રિલ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો