મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › એપ્રિલ 2027 › 15 એપ્રિલ
ઓર્થોડોક્સ પંચાંગ · 2 એપ્રિલ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 15 એપ્રિલ 2027
ગુરુવાર · મહાન ઉપવાસકાળનું પાંચમું અઠવાડિયું · સ્વર 4
પર્વો અને સંતો
ક્રીતના સંત આન્દ્રિયાનું મહાન કેનન
મહાન ઉપવાસકાળ
ઉપવાસ: તેલ સાથે
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
છઠ્ઠો કલાક
5આ ઈશ્વર યહોવાહ, આકાશોને ઉત્પન્ન કરનાર અને તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર; તે પરના લોકોને શ્વાસ આપનાર તથા જે જીવે છે તેઓને જીવન આપનારની આ વાણી છે. 6“મેં યહોવાહે, તેને ન્યાયીપણામાં બોલાવ્યો છે અને તેનો હાથ હું પકડી રાખીશ, હું તારું રક્ષણ કરીશ, વળી તને લોકોનાં હકમાં કરારરૂપ અને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ, 7જેથી તું અંધજનોની આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને અને કારાગૃહના અંધકારમાં બેઠેલાઓને બહાર કાઢે. 8હું યહોવાહ છું, એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ. 9જુઓ, અગાઉની બિનાઓ થઈ ચૂકી છે, હવે હું નવી ઘટનાઓની ખબર આપું છું. તે ઘટનાઓ બન્યા પહેલાં હું તમને તે કહી સંભાળવું છું.” 10યહોવાહની સમક્ષ નવું ગીત ગાઓ અને પૃથ્વીના છેડા સુધી તેમના સ્તોત્ર ગાઓ; સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ રહેનારા ટાપુઓ તથા તેઓના રહેવાસીઓ. 11અરણ્ય તથા નગરો પોકાર કરશે, કેદારે વસાવેલાં ગામડાં હર્ષનાદ કરશે! સેલાના રહેવાસીઓ ગાઓ, પર્વતોનાં શિખર પરથી તેઓ બૂમ પાડો. 12તેઓ યહોવાહને મહિમા આપે અને ટાપુઓમાં તેમની સ્તુતિ પ્રગટ કરે. 13યહોવાહ વીરની જેમ બહાર આવશે; તે યોદ્ધાની જેમ આવેશને પ્રગટ કરશે; તે મોટેથી પોકારશે, હા, તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે. 14હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું; શાંત રહીને મેં પોતાને કબજે રાખ્યો છે; લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, હવે હું જન્મ આપનાર સ્રીની જેમ પોકારીશ; હું હાંફીશ તથા ઝંખના કરીશ. 15હું પર્વતોને તથા ડુંગરોને ઉજ્જડ કરીશ અને તેમની સર્વ લીલોતરીને સૂકવી નાખીશ; અને હું નદીઓને બેટ કરી નાખીશ અને તળાવોને સૂકવી નાખીશ. 16જે માર્ગ અંધજનો જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે માર્ગોની તેઓને માહિતી નથી, તેઓ પર હું તેઓને ચાલતા કરીશ. તેઓની સંમુખ હું અંધકારને અજવાળારૂપ અને ખરબચડી જગાઓને સપાટ કરીશ. આ બધાં કામ હું કરવાનો છું અને તેઓને પડતા મૂકીશ નહિ.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
20પછી ઈશ્વરે કહ્યું, “કેમ કે સદોમ તથા ગમોરાની ફરિયાદો ઘણી છે અને ત્યાં લોકોના પાપ ઘણાં ગંભીર છે, 21માટે હું હવે, ત્યાં નીચે ઊતરીશ અને જોઈશ કે જે ફરિયાદ મારા સુધી પહોંચી છે તે પ્રમાણે તેઓ ભ્રષ્ટ થયા છે કે નહિ. જો એવું નહિ હોય તો મને માલૂમ પડશે. 22તેથી તે પુરુષો ત્યાંથી વળીને સદોમ તરફ ગયા, પણ ઇબ્રાહિમ ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો. 23પછી ઇબ્રાહિમે પાસે આવીને કહ્યું, “શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો? 24કદાચ તે નગરમાં પચાસ ન્યાયી લોકો હોય, તો શું તમે તેનો નાશ કરશો અને ત્યાં એ પચાસ ન્યાયી છે તેને લીધે તેને નહિ બચાવો? 25એવું કરવાનું તમે ટાળો. એટલે ભ્રષ્ટ લોકોની સાથે ન્યાયીઓને મારી નાખવા. અને દુષ્ટો જેવો જ વ્યવહાર ન્યાયીઓની સાથે થાય એવું તો તમે નહિ જ કરો! આખી પૃથ્વીના ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?” 26ઈશ્વરે કહ્યું, “જો સદોમ નગરમાં મને પચાસ ન્યાયી મળશે, તો તેઓને સારુ હું નગરને બચાવીશ.” 27ઇબ્રાહિમે ઉત્તર આપ્યો અને કહ્યું, “મેં શું કર્યું છે? હું ધૂળ તથા રાખ હોવા છતાં મેં પ્રભુ ઈશ્વરની આગળ બોલવાની હિંમત કરી છે! 28જો ત્યાં પચાસ ન્યાયીમાં પાંચ ઓછા હોય તો પાંચ ઓછા હોવાના લીધે શું તમે તે નગરનો નાશ કરશો?” અને તેમણે કહ્યું, “જો મને ત્યાં પિસ્તાળીસ ન્યાયી મળશે, તો પણ હું તેનો નાશ નહિ કરું.” 29તેણે ફરી તેમની સાથે વાત કરી અને કહ્યું, “કદાચ ત્યાં ચાળીસ ન્યાયી મળે તો?” તેમણે ઉત્તર આપ્યો, “ચાળીસને લીધે પણ હું એમ નહિ કરું.” 30તેણે કહ્યું, “કૃપા કરીને પ્રભુ, ગુસ્સે ના થાઓ તો હું બોલું. કદાચ ત્યાં ત્રીસ ન્યાયી મળે તો?” તેમણે ઉત્તર આપ્યો, “જો ત્યાં ત્રીસ ન્યાયી મળે તો પણ હું નગરને એવું કરીશ નહિ.” 31તેણે કહ્યું, “મેં પ્રભુ આગળ બોલવાની હિંમત કરી છે! કદાચ ત્યાં વીસ મળે તો. “તેમણે ઉત્તર આપ્યો, “વીસ ન્યાયીને લીધે પણ હું તેનો નાશ નહિ કરું.” 32અંતે તેણે કહ્યું, “પ્રભુ, કૃપા કરીને ગુસ્સે ન થાઓ તો આ છેલ્લી વાર હું બોલું. કદાચ ત્યાં દસ ન્યાયી માણસો મળે તો?” તેમણે કહ્યું, “દસને લીધે પણ હું તેનો નાશ નહિ કરું.” 33ઇબ્રાહિમ સાથે વાત પૂરી કરી થઈ. તે સાથે જ ઈશ્વર તેમના માર્ગે ચાલ્યા ગયા અને ઇબ્રાહિમ તેના ઘરે પાછો ગયો.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
17દુષ્ટતાથી દૂર જવું એ જ પ્રામાણિક માણસનો રાજમાર્ગ છે; જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે. 18અભિમાનનું પરિણામ નાશ છે અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે. 19ગરીબની સાથે નમ્રતા રાખવી તે સારું છે તે અભિમાનીની સાથે લૂંટના ભાગીદાર થવા કરતાં વધારે સારું છે. 20જે પ્રભુના વચનોનું ચિંતન કરે છે તેનું હિત થશે; અને જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે આનંદિત છે. 21જ્ઞાની અંત:કરણવાળો માણસ સમજદાર કહેવાશે; અને તેની મીઠી વાણીથી સમજદારીની વૃદ્ધિ થાય છે. 22જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, પણ મૂર્ખ માટે શિક્ષા એ તેઓની મૂર્ખાઈ છે. 23જ્ઞાનીનું હૃદય તેના મુખને શીખવે છે અને તેના હોઠોને સમજની વૃદ્ધિ કરી આપે છે. 24માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે અને હાડકાંને આરોગ્ય આપે છે. 25એક એવો માર્ગ છે જે માણસને સાચો લાગે છે, પણ અંતે તે મૃત્યુ તરફ લઈ જાય છે. 26મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; તેની ભૂખ એમ કરવા તેને આગ્રહ કરે છે. 27અધમ માણસ અપરાધ કરે છે અને તેની બોલી બાળી મૂકનાર અગ્નિ જેવી છે. 28દુષ્ટ માણસ કજિયાકંકાસ કરાવે છે, અને કૂથલી કરનાર નજીકના મિત્રોમાં ફૂટ પડાવે છે. 29હિંસક માણસ પોતાના પડોશીને છેતરે છે અને ખરાબ માર્ગમાં દોરી જાય છે. 30આંખ મટકાવનાર વ્યક્તિ મુશ્કેલી લાવનારી યોજનાઓ કરે છે; હોઠ ભીડનાર વ્યક્તિ કંઈક અનિષ્ટ કરી રહી હોય છે. 31સફેદ વાળ એે ગૌરવનો તાજ છે; સત્યને માર્ગે ચાલનારને એ મળે છે. 32જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે, અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે. 33ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાનો નિર્ણય તો યહોવાહના હાથમાં છે. 17:1જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે. 2ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસનો ભાગ મળશે. 3ચાંદીને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે. પણ અંત:કરણને પારખનાર યહોવાહ છે. 4જે કોઈ વ્યક્તિ અનિષ્ટ વાત સાંભળે છે તે દુષ્ટ છે; જે જૂઠો છે તે નુકસાનકારક જીભ તરફ ધ્યાન આપે છે. 5જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહારની નિંદા કરે છે અને જે કોઈ બીજાની વિપત્તિને જોઈને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ. 6સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે. 7ભાવપૂર્ણ ભાષણ મૂર્ખને ઘટતું નથી; મહાપુરુષોને માટે જૂઠું બોલવું એ અઘટિત છે. 8જેને બક્ષિસ મળે છે તે તેની નજરમાં મૂલ્યવાન પથ્થર જેવી છે; જ્યાં જ્યાં તે જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે. 9દોષને ઢાંકનાર પ્રેમ શોધે છે, પણ તેને જ વારંવાર બોલ્યા કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાડે છે. 10મૂર્ખને સો ફટકાના કરતાં બુદ્ધિમાનને એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે. 11દુર્જન હંમેશા આફતો શોધ્યા કરે છે. તે માટે તેની સામે ક્રૂર સંદેશાવાહક મોકલવામાં આવશે. 12જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો; પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો. 13જો કોઈ ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે, તો તેના ઘરમાંથી બૂરાઈ દૂર થશે નહિ. 14કોઈ પાણીને બહાર આવવાનું બાકું કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા અગાઉ સમાધાન કરી લો. 15જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે તે બન્નેને યહોવાહ ધિક્કારે છે. 16જ્યારે મૂર્ખને બુદ્ધિ હોતી નથી ત્યારે ડહાપણ ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય? 17મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ સંકટના સમયને માટે જ જન્મ્યો છે.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 2 એપ્રિલ એટલે નાગરિક પંચાંગનો 15 એપ્રિલ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો