Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › એપ્રિલ 2027 › 15 એપ્રિલ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 15 એપ્રિલ 2027

ગુરુવાર · પાસ્ખાકાળનું ત્રીજું અઠવાડિયું

પર્વો અને સંતો

પાસ્ખાકાળના ત્રીજા અઠવાડિયાનો ગુરુવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: સફેદ

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

પ્રે.કૃ 8:26–40

26હવે પ્રભુના એક સ્વર્ગદૂતે ફિલિપને કહ્યું કે, ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે. 27તે ઊઠીને ગયો; અને જુઓ, ત્યાં ઇથિયોપિયાનો એક ખોજો કે જે ઇથિયોપિયાની રાણી કંદિકાના હાથ નીચે મોટો અધિકારી તથા તેના સઘળા ભંડારનો કારભારી હતો, તે ભજન કરવા સારુ યરુશાલેમમાં આવ્યો હતો. 28તે પાછા જતા પોતાના રથમાં બેસીને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતો હતો. 29આત્માએ ફિલિપને કહ્યું કે, તું પાસે જઈને એ રથની સાથે થઈ જા. 30ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતા સાંભળીને પૂછ્યું કે, તું જે વાંચે છે તે શું તું સમજે છે? 31ત્યારે તેણે કહ્યું કે, કોઈનાં સમજાવ્યાં સિવાય હું કેમ કરીને સમજી શકું? તેણે ફિલિપને વિનંતી કરી કે, મારા રથમાં ઉપર આવી મારી પાસે બેસ. 32શાસ્ત્રવચનનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, “ઘેટાંની પેઠે મારી નંખાવાને તેમને લઈ જવાયા; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; 33તેમની દીનાવસ્થામાં તેમનો ન્યાય ડૂબી ગયો; તેમના જમાનાનાં લોકનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમ કે તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો.” 34ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર દેતાં કહ્યું કે, હું તને વિનંતી કરું છું કે, પ્રબોધક કોનાં વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે? 35ત્યારે ફિલિપે કહેવાનું શરૂ કર્યું અને શાસ્ત્રવચનની તે વાતથી આરંભ કરીને તેને ઈસુ વિષેની સુવાર્તા પ્રગટ કરી. 36માર્ગમાં તેઓ એક જળાશય પાસે આવી પહોંચ્યા; ત્યારે ખોજાએ કહ્યું કે, જો, અહીં પાણી છે, બાપ્તિસ્મા પામવાથી મને શું અટકાવી શકે? 37ત્યારે ફિલિપે કહ્યું કે, જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે; ખોજાએ ઉત્તર દેતાં કહ્યું કે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, એવું હું માનું છું. 38પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્ને જણ પાણીમાં ઊતર્યા, ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. 39તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો; અને ખોજાએ ફરી ફિલિપને જોયો નહિ, પરંતુ તે આનંદ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યો ગયો. 40પણ ફિલિપ આશ્દોદમાં દેખાયો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંના સર્વ શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 66:8–9, 16–17, 20

8હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો. 9તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે અને આપણા પગને લપસી જવા દેતા નથી. 16હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ. 17મેં મારા મુખે તેમને અરજ કરી અને મારી જીભે તેમનું સ્તવન કર્યું. 20ઈશ્વરની સ્તુતિ હો, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.

સુવાર્તા

યોહ 6:44–51

44જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. 45પ્રબોધકના પુસ્તકમાં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે. 46કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.’” 47હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે. 48જીવનની રોટલી હું છું. 49તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા. 50પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ. 51સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’”

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો