મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › એપ્રિલ 2027 › 7 એપ્રિલ
ઓર્થોડોક્સ પંચાંગ · 25 માર્ચ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 7 એપ્રિલ 2027
બુધવાર · મહાન ઉપવાસકાળનું ચોથું અઠવાડિયું · સ્વર 3
પર્વો અને સંતો
The Annunciation of our Most Holy Lady, Theotokos and Ever-Virgin Mary
મહાન ઉપવાસકાળ
માછલીની છૂટ
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા (શુભસંદેશના પર્વ માટે)
39તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ. 40ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી. 41એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને. 42તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’ 43એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે? 44કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું. 45જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે. 46મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે, 47અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે. 48કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે. 49કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે. 56મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.
છઠ્ઠો કલાક
21કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને સજા આપવાને માટે યહોવાહ પોતાના સ્થાનમાંથી બહાર આવે છે; પૃથ્વીએ પોતે શોષી લીધેલું રક્ત તે પ્રગટ કરશે અને ત્યાર પછી પોતાના માર્યા ગયેલાઓને ઢાંકી રાખશે નહિ. 27:1તે દિવસે યહોવાહ પોતાની સખત, મહાન અને સમર્થ તલવારથી વેગવાન સર્પ લિવિયાથાનને, એટલે ગૂંછળિયા સર્પ લિવિયાથાનને શિક્ષા કરશે. અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાંખશે. 2તે દિવસે, દ્રાક્ષવાડીના દ્રાક્ષારસ માટે ગીત ગાઓ. 3“હું યહોવાહ, તેનો રક્ષક છું, પળે પળે હું તેને સિંચું છું; હું રાત તથા દિવસે તેનું રક્ષણ કરું છું રખેને કોઈ તેને ઈજા પહોંચાડે. 4હું હવે ગુસ્સે નથી, અરે, ત્યાં ઝાંખરાં અને કાંટા મારી સામે હોત તો કેવું સારું! યુદ્ધમાં હું તેમની સામે કૂચ કરીને હું તેઓને એકસાથે બાળી નાખત. 5તેઓએ મારા રક્ષણમાં આવવું અને મારી સાથે સમાધાન કરવું; હા, તેઓએ મારી સાથે સમાધાન કરવું. 6આવનાર દિવસોમાં, યાકૂબની જડ ઊગશે, ઇઝરાયલને ફૂલ અને કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીની સપાટી ભરપૂર કરશે.” 7યહોવાહે યાકૂબ તથા ઇઝરાયલના શત્રુઓને જેવો માર માર્યો છે શું તેવો માર એને માર્યો છે? શત્રુઓની જેવી કતલ કરી છે તે પ્રમાણે શું યાકૂબ તથા ઇઝરાયલનો સંહાર કર્યો છે? 8ચોક્કસ માપમાં તમે દલીલ કરી છે, જેમ યાકૂબ તથા ઇઝરાયલને તજી દઈને, તેને પૂર્વના વાયુને દિવસે તેમણે પોતાના તોફાની વાયુથી તેમને દૂર કર્યા છે. 9તેથી આ રીતે, યાકૂબના અપરાધનું માફ કરવામાં આવશે, કેમ કે તેનાં પાપ દૂર કરવાનાં તમામ ફળ આ છે: તે વેદીના સર્વ પથ્થરને પીસીને ચુનાના પથ્થર જેવા કરી નાખશે અને અશેરાના સ્તંભો અને કોઈ ધૂપવેદી ઊભી રહેશે નહિ.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
18નૂહના દીકરા જેઓ વહાણમાંથી બહાર આવ્યા તે શેમ, હામ તથા યાફેથ હતા. હામ કનાનનો પિતા હતો. 19નૂહના આ ત્રણ દીકરાઓ હતા. તેઓથી આખી પૃથ્વી પર વસ્તી થઈ. 20નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષવાડી રોપી. 21તેણે દ્રાક્ષાસવ પીધો અને તેને નશો ચઢ્યો હોવાથી તે તેના તંબુમાં નિર્વસ્ત્ર સ્થિતિમાં જ સૂઈ ગયો. 22કનાનના પિતા હામે તેના પિતાને નિર્વસ્ત્ર અવસ્થામાં જોયા અને બહાર જઈને તેના બન્ને ભાઈઓને તે વિષે કહ્યું. 23તેથી શેમ તથા યાફેથે એક વસ્ત્ર લીધું, તેને તેમના બન્ને ખભા પર નાખ્યું અને તેઓએ પાછા પગલે ચાલીને તેમના પિતાના શરીરને ઓઢાડ્યું. તેઓનાં મુખ બીજી તરફ ફેરવેલાં હતાં તેથી તેઓને પિતાની નિર્વસ્ત્ર અવસ્થા દેખાઈ નહિ. 24જયારે નૂહ નશામાંથી જાગ્યો ત્યારે તેના નાના દીકરાએ તેની સાથે જે કર્યું હતું તે તેણે જાણ્યું. 25તેથી તેણે કહ્યું કે, “કનાન શાપિત થાય. દાસોનો દાસ તે તેના ભાઈઓને સારુ થશે.” 26તેણે કહ્યું કે, “ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ. કનાન તેનો દાસ થાઓ. 27યાફેથને યહોવાહ વૃદ્ધિ આપો, અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે. કનાન તેનો દાસ થાઓ.” 28જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો. 29નૂહનો સર્વ દિવસ નવસો પચાસ વર્ષનો હતો અને તે મરણ પામ્યો. 10:1નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
23ડાહ્યો પુરુષ ડહાપણને છુપાવે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે. 24ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે, પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે. 25પોતાના મનની ચિંતાઓ માણસને ગમગીન બનાવે છે, પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે. 26નેકીવાન માણસ પોતાના પડોશીને સાચો માર્ગ બતાવે છે, પણ દુષ્ટોનો માર્ગ તેને ગેરમાર્ગે દોરે છે. 27આળસુ માણસ પોતે કરેલો શિકાર રાંધતો નથી, પણ ઉદ્યમી માણસ થવું એ મહામૂલી સંપત્તિ મેળવવા જેવું છે. 28નેકીના માર્ગમાં જીવન છે. અને એ માર્ગમાં મરણ છે જ નહિ. 13:1જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી. 2માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે. 3પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે. 4આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે. 5સદાચારી માણસ જૂઠને ધિક્કારે છે, પણ દુષ્ટ માણસ અપમાન અને ફજેતીનો ભોગ બને છે. 6નેકી ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીઓને ઉથલાવી નાખે છે, 7કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે. 8દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી. 9નેકીવાનોનો પ્રકાશ આનંદ છે, પણ દુષ્ટનો દીવો હોલવી નાંખવામાં આવશે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (શુભસંદેશના પર્વ માટે)
1હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને ચરાવવા અરણ્યની પશ્ચિમ દિશામાં ઈશ્વરના પર્વત હોરેબ પર ગયો. 2ત્યાં યહોવાહના દૂતે ઝાડવાં વચ્ચે આગના ભડકામાં તેને દર્શન દીધું. તેણે જોયું ઝાડવું સળગતું હતું. પણ બળીને ભસ્મ થતું ન હતું. 3તેથી મૂસાએ વિચાર્યું કે, “હું નજીક જઈને આ મહાન દ્રશ્ય જોઉં. આ ઝાડવું બળે છે પણ ભસ્મ કેમ થતું નથી?” 4યહોવાહે જોયું કે મૂસા અહીં ઝાડવું જોવા આવી રહ્યો છે, તેથી તેમણે ઝાડવામાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!” અને મૂસાએ કહ્યું, “હા, હું અહીં જ છું.” 5ત્યારે યહોવાહે કહ્યું, “નજીક આવીશ નહિ, તારાં પગરખાં ઉતાર. કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.” 6“હું તારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબનો ઈશ્વર છું.” તે સાંભળીને મૂસાએ પોતાનું મુખ ઢાંકી દીઘું. કેમ કે ઈશ્વર તરફ જોતાં તેને બીક લાગી. 7પછી યહોવાહે કહ્યું, “મેં મિસરમાં મારા લોકોને દુઃખી હાલતમાં જોયા છે. તેઓના મુકાદમો તેમને પીડા આપે છે તેથી તેઓનો વિલાપ મેં સાંભળ્યો છે. તેઓની મુશ્કેલીઓ મેં જાણી છે. 8હું તેઓને મિસરીઓના સકંજામાંથી મુક્ત કરાવવા અને તેઓને એ દેશમાંથી બહાર લાવીને એક સારા, વિશાળ અને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં લઈ જવા માટે આવ્યો છું. ત્યાં હાલમાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ રહે છે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (શુભસંદેશના પર્વ માટે)
22યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ. 23સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું. 24જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં ત્યારે મારો જન્મ થયો હતો. 25પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો. 26ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં. અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું. 27જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી, અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું. 28જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને જળનીધિના ઝરણાં વહાવ્યાં. 29જ્યારે તેમણે સાગરની હદ નિયુક્ત કરી અને તેની મર્યાદાનું ઉલ્લંઘન કરવાની તેમણે મના ફરમાવી. અને જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા. 30ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેમને આનંદ આપતું હતું; અને સદા હું તેમની સમક્ષ હર્ષ કરતું હતું.
પત્ર (શુભસંદેશના પર્વ માટે)
11કેમ કે જે પવિત્ર કરે છે અને જે પવિત્ર કરાય છે, તે સઘળાં એકથી જ છે, એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી. 12તે કહે છે કે, “હું તમારું નામ ભાઈઓને પ્રગટ કરીશ, વિશ્વાસી સમુદાયમાં ગીત ગાતાં હું તમારી સ્તુતિ કરીશ. 13હું તેમના પર ભરોસો રાખીશ; વળી, જુઓ, હું તથા જે બાળકો ઈશ્વરે મને આપ્યાં છે તેઓ ભરોસો કરીશું.” 14જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે. 15અને મરણની બીકથી જે પોતાના આખા જીવનભર ગુલામ જેવા હતા તેઓને પણ મુક્ત કરે. 16કેમ કે નિશ્ચે તે સ્વર્ગદૂતોની સહાય નથી કરતા, પણ ઇબ્રાહિમનાં સંતાનની સહાય કરે છે. 17એ માટે તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, કે લોકોનાં પાપો માટે પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતો સંબંધી તેઓ દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. 18કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે એટલા માટે દુઃખ સહન કર્યું કે જેઓનું પરીક્ષણ થાય છે, તેઓને સહાય કરવાને તે સર્વશક્તિમાન છે.
સુવાર્તા (શુભસંદેશના પર્વ માટે)
24તે દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો, તે પાંચ મહિના સુધી ગુપ્ત રહી, અને તેણે કહ્યું કે, 25‘માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની કૃપાદષ્ટિનાં સમયમાં મને સારા દિવસો આપ્યા છે.’” 26છઠ્ઠે મહિને ગાબ્રિયેલ સ્વર્ગદૂતને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો. 27દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું. 28સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, ‘હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!’ 29પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે! 30સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. 31જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે. 32તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. 33તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’” 34મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.’” 35સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે. 36જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે. 37‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’ 38મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 25 માર્ચ એટલે નાગરિક પંચાંગનો 7 એપ્રિલ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો