મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › એપ્રિલ 2027 › 6 એપ્રિલ
ઓર્થોડોક્સ પંચાંગ · 24 માર્ચ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 6 એપ્રિલ 2027
મંગળવાર · મહાન ઉપવાસકાળનું ચોથું અઠવાડિયું · સ્વર 3
પર્વો અને સંતો
Forefeast of the Annunciation
મહાન ઉપવાસકાળ
કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
છઠ્ઠો કલાક
1હે યહોવાહ, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ; કેમ કે તમે અદ્દભુત કાર્યો કર્યાં છે; તમે વિશ્વાસુપણે કરેલી પુરાતનકાળની યોજનાઓ પૂરી કરી છે. 2કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; મોરચાબંધ નગરને ખંડિયેર કર્યું છે, પરદેશીઓના ગઢને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે. 3તેથી સામર્થ્યવાન લોકો તમારો મહિમા ગાશે; દુષ્ટ દેશોનું નગર તમારાથી બીશે. 4જ્યારે દુષ્ટ લોકોનો વિસ્ફોટ કોટ પરના તોફાન જેવો થશે, ત્યારે તમે ગરીબોના રક્ષક, સંકટ સમયે દીનોના આધાર, તોફાનની સામે આશ્રય અને તડકાની સામે છાયા થશો. 5સૂકી જગામાં તડકાની જેમ, તમે અજાણ્યાના અવાજને દબાવી દેશો; જેમ વાદળની છાયાથી તડકો ઓછો લાગે છે તેમ દુષ્ટોનું ગાયન મંદ કરવામાં આવશે. 6આ પર્વત પર સૈન્યોના યહોવાહ સર્વ લોકો માટે મેદવાળી વાનગીની ઉજવણી કરાવશે, ઉત્તમ દ્રાક્ષારસની, કુમળા માંસની મિજબાની આપશે. 7જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે, તેનો આ પર્વત પર તે નાશ કરશે. 8તે સદાને માટે મરણને ગળી જશે અને પ્રભુ યહોવાહ સર્વના મુખ પરથી આંસૂ લૂછી નાખશે; આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાહ એવું બોલ્યા છે. 9તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ અને તે આપણો ઉદ્ધાર કરશે; આ યહોવાહ છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા ઉદ્ધારથી આપણે હરખાઈને આનંદ કરીશું.”
સંધ્યા-પ્રાર્થના: વાંચન
8પછી ઈશ્વરે નૂહ સાથે તથા તેના દીકરાઓ સાથે વાત કરતા કહ્યું, 9“હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ. 10અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું. 11તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ. 12ઈશ્વરે કહ્યું, “મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે: 13મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે. 14જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે, 15ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદી જળપ્રલય થશે નહિ. 16મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ.” 17પછી ઈશ્વરે નૂહને કહ્યું, “મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે.”
સંધ્યા-પ્રાર્થના: વાંચન
8માણસ પોતાના ડહાપણ પ્રમાણે પ્રસંશા પામે છે, પણ જેનું હૃદય દુષ્ટ છે તે તુચ્છ ગણાશે. 9જેને અન્નની અછત હોય અને પોતાને માનવંતો માનતો હોય તેના કરતાં જે નિમ્ન ગણાતો હોય પણ તેને ચાકર હોય તો તે શ્રેષ્ઠ છે. 10ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે, પણ દુષ્ટ માણસની દયા ક્રૂરતા સમાન હોય છે. 11પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે; પણ નકામી વાતો પાછળ દોડનાર મૂર્ખ છે. 12દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઇચ્છે છે, પણ સદાચારીનાં મૂળ તો ફળદ્રુપ છે. 13દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેઓને પોતાને માટે ફાંદો છે, પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે. 14માણસ પોતે બોલેલા શબ્દોથી સંતોષ પામશે અને તેને તેના કામનો બદલો પાછો મળશે. 15મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં સાચો છે, પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે. 16મૂર્ખ પોતાનો ગુસ્સો તરત પ્રગટ કરી દે છે, પણ ડાહ્યો માણસ અપમાન ગળી જાય છે. 17સત્ય ઉચ્ચારનાર નેકી પ્રગટ કરે છે, પણ જૂઠો સાક્ષી છેતરપિંડી કરે છે. 18અવિચારી વાણી તલવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની માણસની જીભના શબ્દો આરોગ્યરૂપ છે. 19જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે. 20જેઓ ખરાબ યોજનાઓ કરે છે તેઓનાં મન કપટી છે, પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે. 21સદાચારીને કંઈ નુકશાન થશે નહિ, પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે. 22યહોવાહ જૂઠાને ધિક્કારે છે, પણ સત્યથી વર્તનારાઓ તેમને આનંદરૂપ છે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (શુભસંદેશના પર્વ માટે)
10યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો. 11તે એક નિશ્ચિત જગ્યાએ આવ્યો અને સૂર્ય આથમી જવાથી ત્યાં મુકામ કર્યો. તેણે તે જગ્યાએથી એક પથ્થર લીધો અને પોતાના માથા નીચે મૂકીને તે ત્યાં સૂઈ ગયો. 12તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૃથ્વી પર ઊભી કરેલી એક સીડી તેના જોવામાં આવી. તેનો ઉપરનો ભાગ આકાશ સુધી પહોંચતો હતો અને ઈશ્વરના દૂતો તેની પર ચઢતા ઊતરતા હતા. 13તેના ઉપર ઈશ્વર ઊભા હતા અને તેમણે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમ તથા ઇસહાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું ઊંઘે છે, તે હું તને તથા તારા સંતાનને આપીશ. 14પૃથ્વીની રજ જેટલાં તારા સંતાન થશે અને એ સંતાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ તરફ દૂર સુધી ફેલાશે. તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીનાં સર્વ કુળો આશીર્વાદ પામશે. 15જો, હું તારી સાથે છું, જ્યાં કંઈ તું જશે ત્યાં હું તને સંભાળીશ. આ દેશમાં હું તને પાછો લાવીશ; હું તને ત્યાગી દઈશ નહિ. જે વચન મેં તને આપ્યું છે તે હું પૂરું કરીશ.” 16યાકૂબ ઊંઘમાંથી જાગી ગયો અને તેણે કહ્યું, “નિશ્ચે ઈશ્વર આ જગ્યાએ છે તે મેં જાણ્યું નહિ.” 17તે ગભરાયો અને બોલ્યો, “આ જગ્યા કેવી ભયાનક છે! આ ઈશ્વરના ઘર સિવાય બીજું કંઈ નથી. આ સ્વર્ગનું દ્વાર છે.”
સંધ્યા-પ્રાર્થના: વાંચન (શુભસંદેશના પર્વ માટે)
27તેઓ તે દિવસો પૂરા કરી રહે પછી, આઠમા દિવસથી અને ત્યારથી દરરોજ યાજકો વેદી પર તમારા દહનીયાર્પણો શાંત્યર્પણો ચઢાવે અને હું તેઓનો સ્વીકાર કરીશ. આમ પ્રભુ યહોવાહ કહે છે. 44:1પછી તે માણસ મને પાછો સભાસ્થાનની પૂર્વ તરફ જેનું મુખ છે તે પવિત્રસ્થાનના બહારના દરવાજા આગળ લાવ્યો. તે દરવાજો બંધ હતો. 2યહોવાહે મને કહ્યું, “આ દરવાજો બંધ રહે; તે ઉઘાડવો નહિ. કોઈ માણસ તેમાં થઈને અંદર ન આવે, કારણ, કે ઇઝરાયલના ઈશ્વર તેમાં થઈને અંદર આવ્યા હતા તેથી તે બંધ રાખવામાં આવે. 3ઇઝરાયલનો સરદાર યહોવાહની આગળ રોટલી ખાવાને તેમાં બેસે. તે દરવાજાની ઓસરીને માર્ગે પ્રવેશ કરે અને તે જ માર્ગે બહાર નીકળે.” 4પછી તે માણસ મને ઉત્તરના દરવાજેથી સભાસ્થાનની આગળ લાવ્યો. મેં જોયું તો જુઓ યહોવાહના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. હું ઊંધો પડ્યો.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (શુભસંદેશના પર્વ માટે)
1જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે; 2તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે; તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે. 3તેણે પોતાની દાસીઓને મોકલીને ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે: 4“જો કોઈ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે!” અને વળી બુદ્ધિહીન લોકોને તે કહે છે કે, 5આવો, મારી સાથે ભોજન લો અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ. 6હે મૂર્ખો તમારી હઠ છોડી દો અને જીવો; બુદ્ધિને માર્ગે ચાલો. 7જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે, જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તેને બટ્ટો લાગે છે. 8ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તમારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે. 9જો તમે જ્ઞાની વ્યક્તિને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે; અને ન્યાયી વ્યક્તિને શિક્ષણ આપશો તો તેના ડહાપણમાં વૃદ્ધિ થશે. 10યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે, પવિત્ર ઈશ્વરની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે. 11ડહાપણને લીધે તારું આયુષ્ય દીર્ઘ થશે, અને તારી આવરદાનાં વર્ષો વધશે.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 24 માર્ચ એટલે નાગરિક પંચાંગનો 6 એપ્રિલ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો