Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › હિઝકિયાથી યોશિયા સુધી

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · હિઝકિયાથી યોશિયા સુધી

યહૂદિયાનો રાજા મનાશ્શા

2 રાજા 21:1–18 · 2 કાળ 33:1–20

2 રાજાઓ

2 રાજા 21:1–18

1મનાશ્શા રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાર વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં પંચાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હેફસીબા હતું.

2જે પ્રજાઓને યહોવાહે ઇઝરાયલ લોકો આગળથી કાઢી મૂકી હતી, તેઓના ઘૃણાસ્પદ કૃત્યો પ્રમાણે વર્તીને તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.

3કેમ કે, તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો, તે તેણે ફરી બાંધ્યાં, ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું તેમ, તેણે બઆલ માટે વેદી બાંધી, અશેરાદેવીની મૂર્તિ બનાવી અને આકાશમાંના બધાં તારામંડળની ભક્તિ કરી અને તેઓની પૂજા કરી.

4જે સભાસ્થાન વિષે યહોવાહે આજ્ઞા આપી હતી કે, “યરુશાલેમમાં સદાકાળ મારું નામ રાખીશ.” તે યહોવાહના ઘરમાં મનાશ્શાએ મૂર્તિપૂજા માટે વેદીઓ બાંધી.

5યહોવાહના સભાસ્થાનનાં બન્ને આંગણાંમાં તેણે આકાશમાંના બધાં તારામંડળો માટે વેદીઓ બાંધી.

6તેણે પોતાના દીકરાનું દહનીયાપર્ણની માફક અગ્નિમાં અર્પણ કર્યું; તે શકુનમુહૂર્ત પૂછતો હતો, તંત્રમંત્ર કરતો હતો અને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો હતો. તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે કૃત્યો ખરાબ હતાં તે કરીને ઈશ્વરને કોપાયમાન કર્યા.

7તેણે વાછરડાના આકારની અશેરાની મૂર્તિ બનાવી તેને યહોવાહના ઘરમાં મૂકી. જે સભાસ્થાન વિષે યહોવાહે દાઉદને તથા તેના દીકરા સુલેમાનને કહ્યું હતું, “આ સભાસ્થાન તથા યરુશાલેમ કે જેને મેં ઇઝરાયલના બધાં કુળોમાંથી પસંદ કર્યું છે. તેમાં હું મારું નામ સદા રાખીશ.

8જે બધી આજ્ઞા મેં ઇઝરાયલીઓને આપી છે, જે નિયમશાસ્ત્ર મેં મારા સેવક મૂસા દ્વારા તેમને આપ્યું છે તે જો તેઓ કાળજીથી પાળશે તો જે દેશ મેં તેઓના પિતૃઓને આપ્યો છે, તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી ડગવા દઈશ નહિ.

9પણ તે લોકોએ સાંભળ્યું નહિ, યહોવાહે જે પ્રજાઓનો ઇઝરાયલી લોકો આગળ નાશ કર્યો હતો, તેઓની પાસે મનાશ્શાએ વધારે ખરાબ કામ કરાવ્યાં.

10ત્યારે યહોવાહે પોતાના સેવક પ્રબોધકો મારફતે કહ્યું,

11“યહૂદિયાના રાજા મનાશ્શાએ આ ધિક્કારપાત્ર કાર્યો કર્યાં છે, તેની અગાઉ અમોરીઓએ કર્યું હતું, તેના કરતાં પણ વધારે ખરાબ આચરણ કર્યાં છે. યહૂદિયા પાસે પણ તેઓની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.

12તે માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે, “જુઓ, હું યરુશાલેમ અને યહૂદિયા પર એવી આફત લાવીશ કે જે કોઈ તે સાંભળશે તેના કાન ઝણઝણી ઊઠશે.

13હું સમરુનની માપદોરી તથા આહાબના કુટુંબનો ઓળંબો યરુશાલેમ પર ખેંચીશ, જેમ માણસ થાળીને સાફ કરે છે તેમ હું યરુશાલેમને સાફ કરીને ઊંધું વાળી નાખીશ.

14મારા પોતાના વારસાના બાકી રહેલાઓને હું તજી દઈશ અને તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દઈશ. તેઓ તેઓના બધા દુશ્મનોની લૂંટ તથા બલિ થઈ પડશે.

15કેમ કે, તેઓએ મારી દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું છે. તેઓના પિતૃઓ મિસરમાંથી બહાર આવ્યા તે દિવસથી તે આ દિવસ સુધી તેઓએ મને ગુસ્સે કર્યો.”

16વળી મનાશ્શાએ એટલું બધું નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે કે, યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું છે. ઉપરાંત, તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું.

17મનાશ્શાના બાકીના કાર્યો, તેણે જે બધું કર્યું તે, તેણે જે પાપ કર્યું તે, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

18મનાશ્શા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પોતાના ઘરના બગીચામાં એટલે ઉઝઝાના બગીચામાં તેને દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આમોન રાજા બન્યો.

2 કાળવૃતાંત

2 કાળ 33:1–20

1મનાશ્શા બાર વર્ષની ઉંમરે રાજા બન્યો. તેણે પંચાવન વર્ષ સુધી યરુશાલેમમાં રાજય કર્યુ.

2ઇઝરાયલીઓની આગળથી ઈશ્વરે જે પ્રજાઓને કાઢી મૂકી હતી તેઓના જેવાં ધિક્કારપાત્ર કાર્યો કરીને તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કાર્ય કર્યું.

3તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં હતાં તે તેણે ફરી બંધાવ્યાં. વળી તેણે બઆલિમને માટે વેદીઓ અને અશેરોથની મૂર્તિઓ બનાવી તેમ જ આકાશના બધાં નક્ષત્રોની પૂજા કરી.

4જે યહોવાહના સભાસ્થાન વિષે ઈશ્વરે એમ કહ્યું હતું કે, “યરુશાલેમમાં મારું નામ સદાકાળ કાયમ રહેશે.” તેમાં તેણે અન્ય દેવોની વેદીઓ બંધાવી.

5તે યહોવાહના સભાસ્થાનના બન્ને ચોકમાં તેણે આકાશના તારામંડળ માટે વેદીઓ સ્થાપિત કરી.

6વળી તેણે બેન-હિન્નોમની ખીણમાં પોતાનાં જ છોકરાનું અગ્નિમાં બલિદાન કર્યું. તેણે શુકન જોવડાવ્યા, મેલીવિદ્યા કરી, જાદુમંત્રનો ઉપયોગ કર્યો અને ભૂવાઓ તથા તાંત્રિકોની સલાહ લીધી. ઈશ્વરની નજરમાં તેણે સર્વ પ્રકારની દુષ્ટતા કરીને તેણે ઈશ્વરને અતિશય કોપાયમાન કર્યાં.

7મનાશ્શાએ અશેરાની કોતરેલી મૂર્તિઓ બનાવીને ઈશ્વરના ઘરમાં મૂકી. જે સભાસ્થાન વિષે ઈશ્વરે દાઉદ તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું, “આ ઘરમાં તેમ જ યરુશાલેમ કે, જે નગર મેં ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે, તેમાં મારું નામ હું સદા રાખીશ.

8જો તમે મારી આજ્ઞાઓને એટલે કે મૂસાએ તમને આપેલા સર્વ નિયમો અને આજ્ઞાઓને આધીન રહેશો તો તમારા પૂર્વજોને મેં આપેલા આ દેશમાંથી ઇઝરાયલને હું કદી કાઢી મૂકીશ નહિ.”

9મનાશ્શાએ યહૂદિયાના તથા યરુશાલેમનાં રહેવાસીઓને ભુલાવામાં દોર્યા, જેથી જે પ્રજાનો ઈશ્વરે ઇઝરાયલી લોકો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેઓની દુષ્ટતા વધારે હતી.

10ઈશ્વરે મનાશ્શા તથા તેના લોકોની સાથે વાત કરી; પણ તેઓએ ધ્યાન આપ્યું નહિ.

11તેથી ઈશ્વરે તેઓની વિરુદ્ધ આશ્શૂરના રાજાના સૈન્યને તેઓની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને સાંકળોથી જકડીને તથા બેડીઓ પહેરાવીને બાબિલમાં લઈ ગયા.

12મનાશ્શા જયારે સંકટમાં ફસાઈ ગયો, ત્યારે તેણે પોતાના પ્રભુ ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો અને પોતાના પૂર્વજોના ઈશ્વરની આગળ અતિશય નમ્ર બન્યો.

13તેણે તેમની પ્રાર્થના કરી; અને ઈશ્વરે તેની વિનંતી કાને ધરીને તેની પ્રાર્થના માન્ય કરી તેને યરુશાલેમમાં તેના રાજ્યમાં પાછો લાવ્યા. પછી મનાશ્શાને ખાતરી થઈ કે યહોવાહ તે જ ઈશ્વર છે.

14આ પછી, મનાશ્શાએ દાઉદનગરની બહારની દીવાલ ફરીથી બાંધી, ગિહોનની પશ્ચિમ બાજુએ, ખીણમાં મચ્છી દરવાજા સુધી તે દીવાલ બાંધી. આ દીવાલ ઓફેલની આસપાસ વધારીને તેને ઘણી ઊંચી કરી. તેને યહૂદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાં નીડર સરદારોની નિમણૂક કરી.

15તેણે વિદેશીઓના દેવોને, ઈશ્વરના ઘરમાંથી પેલી મૂર્તિઓને તથા જે સર્વ વેદીઓ તેણે ઈશ્વરના ઘરના પર્વત પર તથા યરુશાલેમમાં બાંધી હતી, તે સર્વને તોડી પાડીને તેનો ભંગાર નગરની બહાર નાખી દીધો.

16તેણે ઈશ્વરની વેદી ફરી બંધાવી. અને તેના પર શાંત્યર્પણોના તથા આભાર માનવાને કરેલા અર્પણના યજ્ઞો કર્યા; તેણે યહૂદિયાને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સેવા કરવાની આજ્ઞા આપી.

17તેમ છતાં હજી પણ લોકો ધર્મસ્થાનોમાં અર્પણ કરતા, પણ તે ફક્ત પોતાના પ્રભુ ઈશ્વરને માટે જ કરતા.

18મનાશ્શાનાં બાકીનાં કાર્યો સંબંધીની, તેણે કરેલી તેમના ઈશ્વરની પ્રાર્થનાની અને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરને નામે પ્રબોધકોએ ઉચ્ચારેલાં વચનોની સર્વ વિગતો ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલી છે.

19તેણે કરેલી પ્રાર્થના, ઈશ્વરે આપેલો તેનો જવાબ, તેનાં બધાં પાપો તથા અપરાધ, જે જગ્યાઓમાં તેણે ધર્મસ્થાનો બાંધ્યાં અને અશેરીમ તથા કોતરેલી મૂર્તિઓ બેસાડી તે સર્વ બાબતોની નોંધ પ્રબોધકના પુસ્તકમાં કરવામાં આવેલી છે.

20મનાશ્શા પોતાના પૂર્વજો સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને તેના પોતાના મહેલમાં દફનાવ્યો. તેના પછી તેનો દીકરો આમોન રાજા બન્યો.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો